આશરે સાડા ચારસો વર્ષ પહેલાની આ વાત છે. જે સમયે ઘુમલીની રાજ ગાદી પર જેઠવા રાજાઓનું શાસન હતું. જેઠવા રાણા ભાણાજીના દરબારમાં એ વખતે કાંધલજી મહેર વજીર હતા. કાંધલજી મૂળ ઓડદર ના રહેવાસી. કોઈ કારણસર રાણા સાથે મનદુઃખ થતા ઘુમલી છોડી રા’ ના દરબારમાં રહેવા જુનાગઢ ચાલ્યા ગયા રા’ ના ઘરમાં એ વખતે જેઠવાની કન્યા હતી. એ રાણી ને એક કુંવર અવતર્યો. ખુશાલી ના પ્રસંગમાં કુંવર પછેડા માં રા’ એ જેઠવા પાસે રાજાઓની મૂળ રાજધાની ઢાંક શહેરની હઠપૂર્વક માંગણી કરી.

      રાણાજી આશ્વર્ય ચકિત થઇ ગયા અને વિચારમાં પડી ગયા કે વડવાઓની મૂળ રાજધાની કુંવર પછેડામાં કઈ રીતે અપાય? જેની સાથે જેઠવાઓની અનેક ગૌરવગાથા આલેખાયેલી છે એ ઢાંક રા’ ને આપતાં જેઠવાનો જીવ પણ નહોતો ચાલતો અને બીજી બાજુ ઇન્કાર કરવાથી જમાઈ રિસાઈ જાય અને ક્રોધ નો ભોગ બનવું પડે તો એના પરિણામ ને વિચારી રાણાજી ધ્રુજી ઉઠ્યા મૂંઝવણભરી પરિસ્થિતિનો કોઈ ઉકેલ દેખાતો ન હતો. આખરે રાણાજી ને એક રસ્તો સુઝી આવ્યો રાણા ને યાદ આવ્યું કે, કાંધલજી રા’ ના દરબારમાં અહી થી રિસાઈને ગયેલ છે. પણ તે મારી લાજ જરૂર રાખશે. એ ભલે રિસાઈને ગયેલ છે, પણ રાજ્ય નું બુરું કદી નહિ કરે. રા’ ની ગેરવ્યાજબી માંગણી નો સ્વીકાર કાંધલજી ક્યારેય નહિ કરે એમ ધારી રાણાજી એ રા’ ને લખી જણાવ્યું કે અમારા કાંધલજી મહેર તમારા દરબારમાં છે તેને પૂછી જોશો અને તે જે કહે તે મને કબુલ છે.

      રાણાજી નો જવાબ મળતા રા’ ની ખુશી નો પાર ન રહ્યો. રા’ ને મનમાં એમ કે કાંધલજી તો આપણા આશરા નીચે છે એટલે એનાથી તો કઈ આનાકાની થશે નહિ રા’ એ તુરંત દરબાર ભરી કાંધલજીને બોલાવ્યા અને જેઠવા તરફથી આવેલ કાગળ વાચવા માટે કાંધલજીને આપ્યો કાગળ વાંચતા જ કાંધલજી નો રાજ્ય પ્રેમ સચેત થઇ ગયો મન માં વિચાર કર્યો કે રાણા એ મને આજ જુનાગઢ ના દરબારમાં ઉજળો કરી બતાવ્યો! ઢાંક જેવી રાજધાની કુંવર પછેડામાં દેવી કે ન દેવી એનો આખો ભાર મારા ઉપર નાખી દીધો!! રાણાજી એ પોતા પર મુકેલા વિશ્વાશને કોઈ કાળે તુટવા ન દેવાનો નિર્ધાર કરી પોતાની ધોળી દાઢી પર હાથ ફેલાવતાં કાંધલજી બોલ્યા: “બાપ, ઈ અમારો રાણોજી તો ભોળીયો છે, ઢાંક તો અમારી રાજધાની એટલે અમારી માં ગણાય. માંગા તો દીકરીયું ના હોય, માં ના નહિ, દરબાર, હું આજે ભલે તમારા આશરે રહ્યો હોય, પણ અમારા રાણા નું ભૂંડું મારાથી નહિ થાય”. કાંધલજી વાત કરતા હતા પરંતુ એના રુવાડે રુવાડે ક્રોધ વ્યાપી રહ્યો હતો.

      કાંધલજી ના આવા જવાબથી છોભીલા પડી ગયેલા રા’ ની આંખમાં તો અંગારા મેલાઈ ગયા. પોતાની અપેક્ષાથી વિરુદ્ધ બનતી ઘટનાએ રા’ ના રોમે રોમ ને સળગાવી નાખ્યું અને બોલ્યા “કાંધલજી, આજ દિવસ સુધી જુનાગઢ ના રોટલા ખાધા અને ખરે વખતે રાણાના લાભમાં ઉતર્યા?”

      કાંધલજી એ કહ્યું “ઈ તમારી વાત સાચી. એના બદલામાં હું મારું મસ્તક આપતા પણ પાછી પાની નહિ ભરું, ભરું તો મારું નામ કાંધલજી નહિ. પરંતુ જે રાણા એ મારા પર ભરોસો રાખ્યો એનો વિશ્વાસ આજ હું તોડું તો મારું મહેરપણું લાજે.”

      ક્રોધના આવેશમાં રા’ તાડૂક્યો “કાંધલજી, આ તમે શું બોલો છો એનું તમને ભાન છે? તમારા આ જવાબનું પરિણામ શું હશે એની કલ્પના કરી છે તમે?” કાંધલજી એ જવાબ આપ્યો “ ઈ કલ્પના કરવાની ન હોય, દરબાર! અમારે ક્યાં વેપાર કરવો છે કે નફા – ખોટની ગણતરી માંડવા બેસીએ. અમારે તો વટ ને વળગી રહેવું છે. પછી ભલે ને ગમે ઈ થાય. તમારા ડારા થી ડરે એ કાંધલજી નહિ. એવું મનમાં પણ ના રાખજો.”

      રા’ એ કહ્યું “ઠીક ત્યારે કાંધલજી, મારે આશરે છો એટલે તમારા પર ઘા કરવો શોભા નથી, નહીતર તમારા વચન સાંભળી ને તો તમારા અહી જ ટુકડા કરી નાખવા જોઈએ. હું તમને ત્રણ દિવસની મુદત આપું છું, જ્યાં ભાગવું હોય ત્યાં ભાગો. ચોથે દિવસે તમે જ્યાં પણ હશો, તમારું મોત લઇ ને આવીશ”

      રા’ ના વચન સાંભળી કાંધલજી ગાદી પરથી બેઠા થઇ ગયા અને મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી લીધી. સામે પક્ષે રા’ ના અંગરક્ષકો અને દરબારમાં આવેલા રા’ ના ભાયાતો પણ સબોસબ મ્યાનમાંથી તલવારો કાઢી, કાંધલજીને જમીનદોસ્ત કરી નાખવા રા’ ના હુકમની વાત જોતા તૈયાર થઈને ઉભા રહી ગયા.

      કાંધલજી એ ચારે બાજુ જોયું તો બધા ખુલ્લી તલવારોથી સજ્જ થઈને ઉભા છે. છતાં નીડરતા અને બેપરવાઈ થી કાંધલજી એ પોતાની તલવારથી જમીન પર ત્રણ લીટા કર્યા અને બોલ્યા “આ એક દિ, આ બે અને આ ત્રીજો દિ. આ ત્રણ દિ પુરા થઇ ગયા. હવે આવો મેદાનમાં જોઉં છું કે મારા ઉપર કોણ ઘા કરે છે! આજે તો મારે રા’ ને પણ મહેર ની મર્દાનગી દેખાડવી છે. કાંધલજી જેવી રીતે જીવે છે, મરી પણ જાણે છે. તમારા સેનાપતિઓ અને સરદારોને પણ ખબર પડે કે માત્ર એક જ મહેર નો બચ્ચો કેટલા જણ ને ભારી પડી શકે તેમ છે!”

      રા’ બોલ્યા “કાંધલજી તને એકલાને દરબારમાં મારું તો જગત નિંદા કરે, માટે હવે તું અહીંથી જલ્દી ચાલ્યો જા. હું તારી વાતો સાંભળવા માંગતો નથી. માટે ઝટ ભાગવા માંડય”

      કાંધલજી એ કહ્યું “રા’ હું તો આ ચાલ્યો. પણ મને મોટો ધોખો રહી જશે કે આ તમારી કચેરીમાં મોટી મોટી પાઘડી મૂછો ના વળ દઈને જે બેઠા છે એનું પાણી મપાય જાત.” એમ કહી કાંધલજી કચેરી બહાર નીકળી ઘોડી પર બેસી જુનાગઢ થી દુર ચાલી નીકળ્યો તેની સાથે તેનો ભાણેજ એરડો પણ હતો. ચાલતા ચાલતા જુનાગઢ થી ચાર ગાઉ દુર વંથલી ગામ ને પાદર ઝપાટાબંધ આવ્યા.

      તે દિવસે વંથલી ગામમાં નવસો નાઘોરી વરરાજા પરણવા આવેલા હતા. વરરાજાઓ અને જાનૈયાઓ ગામના પાદરે તલવાર અને પટ્ટાબાજી ખેલી રહ્યા હતા. આનંદનો દિવસ હોવાથી સવર્ત્ર હરખની હેલી છવાયેલી હતી. ઢોલ શરણાઈ વાગી રહ્યા હતા. આવા વરરાજાઓની નજર દુરથી હાથમાં ખુલ્લી તલવાર લઈને ઘોડી ઉપર પુરપાટ આવતા બે અસવારો ઉપર પડી. ઘોડીના મોઢામાંથી થાક ને લીધે ફીણ નીતરતાં હોવા છતાં અસવારો એને એડી મારતા હતા. સૌને મનમાં થયું, એવી શું ઉતાવળ હશે? આ લોકો નજીક આવ્યા એટલે વરરાજાઓએ એને રોક્યા એટલે એમાંથી એક અસવારે કહ્યું “ભાઈઓ, તમે આડા ફરો છો તે તમે અમને ઓળખો છો?”

      વરરાજાઓમાંથી એક બોલ્યો “ઓળખાણની શું જરૂર છે ભાઈ! આજ તો અમારે અહી આનંદનો અવસર છે. આવા અવસરે તમે પરબારા ચાલ્યા જાવ એ અમને ના શોભે, આજ તો હવે અહી રોકાવું જ પડશે.”

      કાંધલજી ખુલ્લી તલવારને મ્યાનમાં મૂકતાં બોલ્યા “પણ ભાઈઓ, આજ મારી પાછળ જૂનાગઢની વાર ચડી છે. આવા શુભ પ્રસંગે હું તમને મૂંઝવણમાં મુકવા નથી માંગતો. આજ મારાથી ન રોકાવાય, મને જવા દયો.”

      વરરાજા બોલ્યા “ત્યારે તો હવે ભાઈ રામ રામ કરો. જેના ઉપર સંકટના વાદળ ઘેરાઈ ચુક્યા છે એવા અમારા મહેમાનને બધું જાણવા છતાં યે હવે તો જવા દઈએ તો અમ નાઘોરીઓની જનેતા લાજે. હવે નહિ જ જવાય. પણ ભાઈ તમારું નામ શું?”

      “મારું નામ કાંધલજી”

      નાઘોરી બોલ્યા “કાંધલજી તમે તો જવામર્દ છો. તમારા જેવા વીર પુરુષ માટે અમે દરેક પ્રકારનો ભોગ આપવા તૈયાર છીએ. વિવાહના પ્રસંગે કંકુના થાપા તો બીજાના ઘરે થાય. આપણે ત્યાં તો લોહી ના થાપા જ શોભે” એમ કહી કાંધલજીને ઘોડી પરથી ઉતારી માન સહીત ગામમાં તેડી ગયા અને ગઢમાં રાખ્યા. વરરાજા અને જાનૈયાઓ ગામના પાદરમાં જૂનાગઢની ફોજને જવાબ દેવા તૈયાર થઈને ઉભા ત્યાં તો જૂનાગઢની ફોજ ડમરીઓ ચડાવતી વંથલીના પાદરમાં આવી પહોચી. સબોસબ તલવારો ખેચાણી ધીંગાણું જામ્યું, નાઘોરીઓ એ બહાદુરીપૂર્વક જૂનાગઢની ફોજ સાથે ટક્કર લીધી પણ જૂનાગઢની જબ્બરજસ્ત સેના સામે નાઘોરીઓ ઝાઝું ટકી શક્યા નહિ. જૂનાગઢની બળવાન ફોજે નાઘોરીઓના નવસો વરરાજા અને બીજા જાનૈયાઓને રહેસી નાખ્યા. મીઢોળબંધા વરરાજાઓ લોહીની કંકુવર્ણી પથારીમાં કાયમને માટે પોઢી જઈ ઈતિહાસને પાને અમર થઇ ગયા.

      કાંધલજીને તો નાઘોરીઓએ બચાવવા માટે એક કોઠામાં પૂરી દીધા હતા. ત્યાંથી નીકળાય તેમ નહોતું. કોઠા ઉપર ચડીને જોઈ શકાય તેમ હતું. પણ જોયું ત્યાંતો મીઢોળબંધા વરરાજાઓના વીરતા ભરેલા મરણ અને કસુંબલ ઘરચોળાવાળી નાઘોરણોના છાતીફાટ રુદન નજરે પડ્યા. આ દ્રશ્ય કાંધલજી થી જોયું જીરવાઈ તેમ નહોતું. કોઠા ઉપરથી પડતું મુક્યું. શમશેર થી પોતાનું મસ્તક ઉતારી બાજુ પર મુક્યું. બે હાથમાં તલવારો લીધી અને કાંધલજી નું ધડ ધીંગાણા માં ઉતર્યું. જુનાગઢના લશ્કરને એક ગાઉ સુધી નસાડયું પણ પછી ધડ અપવિત્ર કરવામાં આવતા પડ્યું. આ રીતે એક જવામર્દ મહેરની વીરતા કુદરતને વ્હાલી થઈને વિરમી ચુકી.

નોંધ :- આજે પણ કાંધલજીનું માથું વંથલીના દરબારગઢમાં અને ધડની ખાંભી ગામને સીમાડે પૂજાય છે. આ ધીંગાણા પછી નાઘોરીઓ અને મેરો બંને લોહીભાઈઓ કહેવાય છે.

(સૌજન્ય : પૂ. માલદેવ રાણા કૃત મહેર જવામર્દો માંથી)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *