તા: ૫-૩-૨૦૨૪ થી તા: ૮-૩઼-૨૦૨૪ દરમિયાન ભવનાથ, જૂનાગઢ ખાતે વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીનો ભજન ભોજન અને ભક્તિનાં મહેરામણ સમો મેળો સંપન્ન થઈ ગયો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મહા મહોત્સવ નિમિત્તે ભવનાથ પધારતા સર્વે જ્ઞાતિજનોની આગતા સ્વાગતા અને સુખાકારી માટે શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે સુંદર આયોજન કરાયું હતું. જ્યાં મેળો માણવા અને ભક્તિનાં સાગરમાં સ્નાન કરવા પધારેલા સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં મહેમાનગતી માણી હતી અને શિવરાત્રી પ્રસંગે જ્ઞાતિગંગાનાં પાવન પ્રવાહમાં ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સ્નાન કર્યું હતું.

આ વર્ષે આપણે મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે ભોજન પ્રસાદી નિમિત્તે વર્ષોવર્ષથી ચાલતી રહેલી બુંદી મોહનથાળ ભજીયા ખીચડી શાક રોટલા દાળ ભાત જેવા પ્રસાદની સાથે સાથે આપણી ખાસ પ્રસિદ્ધ વાનગી માલપુડાનો પણ ભોજન પ્રસાદ રાખેલો હતો. જેનો મેળા દરમિયાન આશરે ૧૨૦૦૦ જેટલા ભાવિકજનોએ લાભ લીધો હતો. સમસ્ત શિવરાત્રી મેળા પ્રસંગ દરમિયાન રોજે રોજ માલપુડાનાં ભોજનનો સમગ્ર ખર્ચ દાતાશ્રીઓ શ્રી મસરીજીભાઈ ઓડેદરા, ફટાણાવાળા અને શ્રી કરશનભાઈ ભારવાડીયા, રાણાવાવવાળા તરફથી આપવામાં આવ્યો હતો. આ બન્ને મુખ્ય દાતાશ્રીઓ અને અન્ય સૌ માનવંતા દાતાશ્રીઓનો શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ અને શહીદ નાગાર્જુન સિસોદીયા સાર્વજનિક અન્નક્ષેત્ર ભવનાથ વતી અમો હાર્દિક આભાર અને ધન્યવાદ પ્રગટ કરીએ છીએ.

ઉપરાંત આ શિવરાત્રી મેળા દરમ્યાન માલપૂડાના દાતાશ્રી મસરીજીભાઈ ઓડેદરા સાથે તેમના ધર્મપત્ની તથા હાજાભાઇ આંત્રોલીયા. માંડણભાઇ સુંડાવદરા તથા અન્ય ભાઈઓ તથા બહેનો આ સંસ્થાની મુલાકાતે આવ્યા હતા. સંસ્થાનાં પ્રમુખશ્રી રણમલભાઈ દાસા તથા ટ્રસ્ટીશ્રીઓ, વ્યવસ્થાપકો અને કાર્યકર્તાઓને રુબરુ મળી અને બધી વ્યસ્થા જોઈને ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો અને સૌનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.

માલપુડાનો પ્રસાદ બનાવવાની સેવા કડછ (ઘેડ) ગામનાં શ્રી પાતાઆતા અને કડછ ગામનાં નિષ્ણાંત ભાઈઓએ આપી હતી. અમો એમના પ્રતિ પણ ખુબ આભાર પ્રગટ કરીએ છીએ.

આ સાથે શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે દરરોજ રાત્રીનાં સંતવાણી-ભજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં શાંતાબેન પરમાર, લલીતાબેન ઘોડાદરા સમેત અનેક નામી અનામી ભજનિકોએ સંતવાણીનાં સૂર રેલાવ્યા હતા અને જ્ઞાતિજનો સમેત બહોળી સંખ્યામાં લોકોએ ભજનભાવનો આનંદ માણ્યો હતો.

આ મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે તન મન ધનથી સેવા આપનાર સર્વે દાતાશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, ભજનિકો અને વ્યવસ્થામાં સહાયક થનાર સર્વે જ્ઞાતિજનો, અગ્રણીઓ અને ટ્રસ્ટીશ્રીઓનો અમો શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ વતી હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ.
– ભવનાથ મહેર સમાજ

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *