સમગ્ર દેશના ૭૫ લાખ અને ગુજરાતના દોઢ લાખ હેક્ટર વિસ્તારમાં વવાતા આપણા ઘેડ વિસ્તારના અગત્યના પાક એવા ચણાનું વધુ ઉત્પાદન મેળવવાની ચાવીઓ જાણવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક સ્વ. પુંજાભાઈ વી.વાઢેર સાથે સુકલ્પના અંક માટે ભૂતકાળમાં લેવામાં આવેલી મુલાકાત અત્રે પ્રસ્તુત છે.
પ્ર. ચણાનું ઉત્પાદન વધારવા માટે કઈ કઈ ચાવીરૂપ બાબતો ગણાય ?
જ. ચણાનું ઉત્પાદન વધારવા માટે આબોહવા એટલે કે વાતાવરણ, જમીનનો પ્રકાર, જમીનની તૈયારી, વાવેતરનો સમય અને અંતર, સુધારેલું બિયારણ, વાવતાં પહેલાં બિયારણને આપવાની થતી માવજત, નિંદામણ અને આંતરખેડ તથા રોગ તથા જીવાત સામે પાક સંરક્ષણની અગત્યની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
પ્ર. ચણાનું ઉત્પાદન વધારવા માટેના અગત્યના મુદ્દા જોયા. તો પછી ચણાના પાકને કેવું વાતાવરણ માફક આવે તે કહેશો ?
જ. ચણાના પાકને સુકી અને ઠંડી આબોહવા અનુકૂળ આવે છે. આ પાક હીમ સહન કરી શકતો નથી. વાવતી વખતે ઉષ્ણતામાન(ઠંડી) ૨૦ થી ૩૦ અંશ સે. અનુકૂળ છે. ઉભા ચણા ઉપર ભારે વરસાદ અને વાદળછાયું વાતાવરણ પાકને નુકશાન કરે છે. ફુલ આવતી વખતે હીમ પડે તો પોપટામાં દાણા ભરાતા નથી. સૂર્યપ્રકાશ (તડકો) ફૂલ આવવા માટે ઘણો અગત્યનો છે. તેમજ સૂર્યપ્રકાશ (તડકો) અને ઠંડી (નીચું ઉષ્ણતામાન) દાણા બંધાવા માટે ખૂબજ અનુકૂળ છે.
પ્ર. હવે બીજો મુદ્દો, ચણાના પાક ને કેવી જમીન અનુકૂળ આવે છે ? અને વાવતાં પહેલાં જમીનની તૈયારી વિષે કહેશો ?
જ. ભેજસંગ્રહ શક્તિવાળી કાળીથી મધ્ય કાળી અને કાંપવાળી જમીનમાં ચણા સારા થાય છે. જ્યાં જમીનમાં ખારા પાણીનું પ્રમાણ બહું ઉંચું ન હોય અને જમીન ક્ષારયુક્ત ન હોય તેવી જમીન ચણાને અનુકૂળ આવે છે. જમીનની તૈયારી વિશે જોઈએ તો ઘેડ અને ભાલ વિસ્તારમાં ચોમાસાના વરસાદનું પાણી ભરાયેલું હોય તે પાણી સૂકાઈ જતાં તુરંત દાંતી અને કરબ ચલાવી જમીન પોચી અને ભરભરી બનાવી, ભેજવાળી જમીનમાં તુરંત વાવેતર કરવું. પિયત પાક તરીકે ચણા લેવા હોય તો આગલા ચોમાસુ પાક લીધા પછી જમીન સારી રીતે ખેડી તૈયાર કરી હારોમાં ચણાનું વાવેતર કરી ઉપરથી પિયત આપવાથી ઉગાવો સારો મળે છે.
પ્ર. ચણાનું વાવેતર કેટલા અંતરે અને ક્યારે કરવું તે કહેશો ?
જ. જમીનના પ્રકાર મુજબ બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સેમી અને બે છોડ વચ્ચે ૨૦ સેમી અંતર જાળવી ૧૦ સેમી. ઉંડે જમીનમાં બીજ વાવવું. બિયારણ વાવતાં હેકટરે ૨૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિગ્રા ફોસ્ફરસ ખાતર એટલે કે અંદાજે હેકટરે ડીએપી ખાતર જો આપવું હોય તો વીઘે ૧૫ થી ૧૬ કિગ્રા પહેલાં દંતાળથી વાવી દેવું.
વાવેતરના સમય વિશે જોઈએ તો સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ ઓછું થાય, ઠંડી પડવાની શરૂઆત થાય એટલે કે ૨૦ થી ૩૦ અંશ સે. વચ્ચે ઉષ્ણતામાન હોય ત્યારે ૧૫ ઓક્ટોબરથી નવેમ્બરના પહેલા પખવાડીયા સુધીમાં વાવેતર કરવું. ઘેડ તથા ભાલ વિસ્તારમાં જેમ જેમ પાણી સુકાતું જાય તેમ તેમ વરાપ થયે વાવેતર કરવું.
પ્ર. ચણાના વાવેતર માટે સુધારેલી જાતો તથા વાવતાં પહેલાં ચણાના બિયારણને કોઈ માજવત આપવાની થતી હોય તો તેના વિશે સમજાવશો ?
જ. જૂનાગઢ જિલ્લા ના ઘેડ તથા ભાલ વિસ્તાર કે જ્યાં બિનપિયત પાક તરીકે વવાતા હોય, ત્યાં ચણાની ચાફા જાત વધારે ઉત્પાદન આપે છે. અને થોડી ઘણી પણ પિયત ની સગવડ હોય તો દાહોદપીળા જાત સારું ઉત્પાદન આપે છે. આ સિવાય રાજ્યમાં અન્ય વિસ્તારોમાં કે જ્યાં પિયત સુવિધાઓ છે ત્યાં દાહોદપીળા અને આઈસીસી- ૪ જાતો વાવવાથી વધારે ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં મોટા દાણાવાળી સૂલેજી-૫ ચણાની જાત પણ સારું ઉત્પાદન આપે છે. વઘારે સારું ઉત્પાદન મેળવવા માટે સુધારેલ જાતનું બિયારણ પસંદ કર્યા પછી આ બિયારણ ને વાવતાં પહેલાં દવા અને રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપ્યા પછી વાવેતર કરવું જોઈએ. હવામાંના નાઈટ્રોજનનું જમીનમાં સારી રીતે સ્થિરીકરણ કરવા માટે એફ- ૭૫ નામના રાઈઝોબીયમ કલ્ચર ૧૦ કિગ્રા બીજ માટે ૧૦૦ ગ્રામ લેખે પટ આપવો. આ ઉપરાંત ચણાના પાકને ફુગજન્ય રોગોથી બચાવવા માટે બીજ ને વાવતાં પહેલાં કિલોગ્રામ બીજ દીઠ થાયરમ અથવા કેપ્ટોન દવાના પટ આપીને વાવેતર કરવું. પહેલાં આ ફૂગનાશક દવાઓનો પટ આપી પછી રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.
પ્ર. ચણાના પાકમાં નિંદામણ તથા આંતરખેડ કરવી પડે?
જ. જો ચણા ૪૫ સેમી. ના અંતરે વાવેલા હોય તો શરૂઆતમા એકાદ-બે આંતરખેડ કરવી પરંતુ ચણા ૩૦ સેમી. ના અંતરે વાવેલ હોય તો આંતર ખેડ શક્ય બને નહિં અને તેથી હાથથી નિંદામણનો નાશ કરવો.
પ્ર. ચણાના પાકને અનુકૂળ આબોહવા, જમીન, બિયારણ વાવેતર વગેરે બાબતો વિગતવાર જાણ્યા પછી રોગ, જીવાત સામે પાક સંરક્ષણ આ પાકમાં ખૂબ અગત્યનું છે તો તેના વિશે વિગતવાર માહિતી આપો.
જ. બહુ સરસ સવાલ તમે કર્યો છે. ચણાના પાકમાં પાક સંરક્ષણ ખૂબ અગત્યની બાબત છે. ચણાના રોગ વિશે જોઈએ તો બીયારણ ને વાવતાં પહેલાં દવાનો પટ આપી વાવેતર કરવાથી ફૂગજન્ય રોગ નહિં આવે. પરંતુ મોલોમશી જીવાત આવે તો ચણામાં સ્ટન્ટ વાયરસ જેવા રોગોનો ફેલાવો કરે છે. જેનાથી ઉત્પાદનમાં ઘણું નુકશાન થઈ શકે છે. આથી આવી જીવાત ઓછા પ્રમાણમાં હોય ત્યારથી જ શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાયમીથાએટ ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં તથા ફોલ્ફોમીડંગ ૫ મીલી કે મીથાઈલ ઓડીમેટ્રોન દવા ૧૨ મીલી ૧૦ લીટર પાણીમાં મેળવી પાક ૨૦ – ૨૫ દિવસનો થાય ત્યારે છંટકાવ કરવો.
ચણાના પાકમાં લીલીઇયળ (હેલોયોથીસ) થી ખૂબ જ નુકશાન થાય છે. ઉગ્યા પછી શરૂઆતથી માંડી ચણા પાકે ત્યાં સુધી સતત આ ઈયળનો ઉપદ્રવ રહે છે અને ખૂબ જ નુકશાન કરે છે. ખાસ કરીને ચણાના પાકાં ફૂલ આવ્યા પછી થી આ ઈયળનું નુકશાન ખૂબ જ વધી જતું હોય, તેનું નિયંત્રણ કરવું ખૂબજ જરૂરી છે. એન્ડોસલ્ફાન દવા ૧૦ લીટર પાણીમાં ૨૦ મીલી તથા મોનોકોટોફોસ દવા ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી ભેળવી વારાફરતી જરૂરીયાત પ્રમાણે ૧૨ થી ૧૫ દિવસે છંટકાવ કરતા રહેવું. પોપટામાં દાણા બંધાય ત્યારે જો આ ઈયળ નો વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય તો સીન્થેટીક પાયથ્રોઈડ ગ્રુપની ફેનવરેલટ ૫ મીલી દવા ૧૦ લિટર પાણીના હિસાબે ભેળવી છંટકાવ કરવાથી ઘણો સારો ફાયદો થાય છે.દવા સારી સ્ટાન્ડર્ડ કંપનીની વિશ્વાસપાત્ર સ્થળેથી લેવી જોઈએ. અને છાંટતી વખતે દવાનું પ્રમાણ વધારવાના બદલે છોડ પુરે પુરો ભીંજાતો જાય તે રીતે નિરાંતે પુરતું પ્રવાહી મિશ્રણ છાંટવું ખુબ જ જરૂરી છે.
ચોમાસામાં પાછોતરો વરસાદ મોડે સુધી ખુબ સારો થયેલ હોય ત્યારે ઘેડ તથા ભાલ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારમાં લાગઠ ચણાનું વાવેતર થતું હોય છે. આવા વખતે સરકાર દ્વારા હવાઈ છંટકાવનું આગોતરું આયોજન કરી, યોગ્ય સમયે હવાઈ છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનમાં કલ્પનાતિત વધારો થાય છે. અગાઉના વર્ષોમાં ચણાના પાકમાં હવાઈ છંટકાવ થતા ત્યારે ખૂબ જ સારૂં ઉત્પાદન મળ્યાના પ્રત્યક્ષ અનુભવ છે. આ રીતે અંદાજે દશ ગણું વધારે ઉત્પાદન લઈ શકાયું છે.
ઘેડ તથા ભાલ વિસ્તારમાં પાણીની અછત હોય છે. મીઠા પાણીના કુવા પણ હોતા નથી. તેથી ખેડૂત ગમે તે સારી દવા, ભલામણ કરતાં બીનજરૂરી અનેકગણું દવાનું પ્રમાણ રાખતાં હોવા છતાં, પાણીના અભાવે જરૂરી દવાનું પ્રવાહી મિશ્રણ છાંટી શકતા નથી અને તેથી જ ઈયળનું નિયંત્રણ થતું નથી અને પારાવાર નુકશાન થાય છે. આથી દવાના છંટકાવ વખતે છોડ પુરેપુરો ભીંજાય જાય એટલું પાણી તો ઓછામાં ઓછું છાંટવું જ જોઈએ.
No Comments