લગ્નો પાછળ થતાં વધારે પડતા ખોટા ખર્ચાઓને નિવારી શકાય તે માટે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઇ.સ. 2000 થી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજ સુધીમાં અંદાજે 900 દીકરીઓના લગ્ન આ નેજા નીચે સંપન્ન થયા છે. આ કડીના ભાગરૂપે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા વર્ષ 2024 નો સમૂહ લગ્નોત્સવ આજે સવંત 2080 મહાસુદ નોમ અને રવિવારના તારીખ 18/2/2024 ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન,એરપોર્ટ રોડ, પોરબંદર ખાતે યોજાઈ ગયો. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમૂહલગ્નમાં કુલ ૧૯ જેટલા નવદંપતીઓએ ભાગ લીધો હતો. સવારે જાનોનું આગમન થયું હતું જ્યારે નિર્ધારિત સમયે હસ્તમેળાપ તેમજ મંગળફેરા યોજાયા હતા. કન્યા વિદાય બપોરે પછી સંપન્ન થયેલ. આ લગ્નની સર્વે વિધિ સાંદિપની વિદ્યાનિકેતનના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે પ્રાચીન લગ્નગીતોની સુરાવલીઓ શ્રી મહેર મહિલા વિકાસ મંડળની બહેનો દ્વારા રેલાવવામાં આવી હતી. સમૂહલગ્નનના આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના જીલ્લા વિકાસ અધિકારી શ્રી તથા આપણી જ્ઞાતિના રાજકીય, સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રોના દેશ-વિદેશના આગેવાનોએ ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી સૌનું જોમ વધાર્યું હતું. (આખો દિવસ ચાલેલા આ દીર્ઘ કાર્યક્રમમાં મહેમાનો અલગ અલગ સમયે પધારેલ હોય, ઉપસ્થિત કોઈનું પણ નામ રહી જવાનો ક્ષતિદોષ નિવારવા અત્રે પૂરી યાદી રજૂ કરવામાં આવી નથી.) મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સુપ્રિમ કાઉન્સિલના હોદેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને દાતાશ્રીઓનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ. આ વખતના સમૂહ લગ્નમાં કુલ ૧૯ લગ્નોમાંથી 10 લગ્નના ખર્ચનો દાતા પરિવાર મૂળ વિસાવાડાના વતની અને હાલ યુકે નિવાસી શ્રી સાજણભાઈ દેવાભાઈ કેશવાલા તેમજ શ્રીમતી નિર્મળાબેન સાજણભાઈ કેશવાલા તથા કેશવાલા પરિવાર હતા. આ ઉપરાંત અન્ય દાતાઓમાંથી જૂનાગઢના શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ તથા સ્વર્ગસ્થ માતૃશ્રી વાલીબેન માલદેભાઈ રાતિયા મહેર કન્યા છાત્રાલય, શ્રી મહેર સમાજ ભવનાથ તરફથી ₹1,50,000, જામનગરના શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપિત શ્રી જામનગર મહેર સમાજ તરફથી ₹1,01,000, મૂળ વિસાવાડાના વતની અને હાલ યુએસએ નિવાસી શ્રી ભીમભાઇ સવદાસભાઇ મોઢવાડિયા પરિવાર તરફથી ₹1,01,000, મૂળ ફટાણાના વતની અને હાલ યુકે નિવાસી સ્વર્ગસ્થ શ્રી નાથાજીભાઈ નાગાજીભાઈ ઓડેદરા તથા સ્વર્ગસ્થ જેઠીબેન નાથાજીભાઈ ઓડેદરા ના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરાના પરિવાર તરફથી ₹1,01,000, પોરબંદરના શ્રી માલદેવ રાણા કેશવાલા મેર સમાજ ઝુંડાળા તરફથી ₹1,00,000, રાજકોટના એન.ઓડેદરા પરિવાર તરફથી ચિરંજીવી પ્રિથ્વી ધવલભાઇ ઓડેદરા, શ્રી ધવલભાઈ નાગેસભાઈ ઓડેદરા, શ્રીમતી વિશાખાબેન ધવલભાઈ ઓડેદરા, શ્રી નાગેસભાઇ રાજશીભાઈ ઓડેદરા, શ્રીમતી શોભનાબેન નાગેસભાઈ ઓડેદરા તરફથી ₹51,000, રાજકોટ નિવાસી સ્વ.સુકાભાઈ રામભાઈ આંત્રોલીયા તથા સ્વર્ગસ્થ ધાનીબેન સુકાભાઈ આંત્રોલીયાના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી બચુભાઈ સુકાભાઈ આંત્રોલીયા પરિવાર તરફથી ₹51,000, ફટાણા/પોરબંદરના સ્વર્ગસ્થ ભીમાજીભાઈ કાનાજીભાઈ ઓડેદરાના સ્મરણાર્થે શ્રી મસરીભાઇ ભીમાજીભાઈ ઓડેદરા તરફથી ₹51,000 તથા યુ.કે. નિવાસી સ્વ. રામાજીભાઈ જીવાજીભાઈ ઓડેદરાના સ્મરણાર્થે શ્રી ભીખુજીભાઈ રામાજીભાઈ ઓડેદરા તરફથી ₹51,000 દાન કરવામાં આવેલ. આ ઉપરાંત શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ વિરમભાઇ રાજશાખા પરિવાર તરફથી દરેક દીકરીને નાકનો દાણો, રાજકોટ નિવાસી સ્વ.સેજલબેન અરજણભાઈ કેશવાલા સ્મરણાર્થે શ્રી અરજનભાઈ જેઠાભાઈ કેશવાલા તરફથી દરેક દીકરીને 500 મિલિગ્રામ વજનની સોનાની ગીની તથા સ્વ.સાજણભાઈ રામભાઈ ઓડેદરાની સ્મૃતિમાં તેમના ભાઈ શ્રી પરબતભાઇ રામભાઈ ઓડેદરા અને પુત્ર શ્રી દિલીપભાઈ સાજણભાઇ ઓડેદરા તરફથી 33 પીસ વાળો ડિનરસેટ દરેક દીકરીને અર્પણ કરવામાં આવેલ. આ ઉપરાંત અન્ય અનેક દાતાશ્રીઓ દ્વારા જ્ઞાતિના આ ઉત્કૃષ્ટ કાર્યક્રમને ખૂબ સારા પ્રમાણમાં આર્થિક સહયોગ આપવામાં આવેલ છે. (હજુ કાર્યક્રમ દરમિયાન અને બાદમાં પણ દાનની આ સરવાણી ચાલુ હોય દાતાશ્રીઓની યાદી અપડેટ કરવામાં આવશે.) આ સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીઓને કરિયાવરમાં ડબલ બેડ સાઈઝ નો પલંગ,ગાદલુ,ખુરશી,ટીપોઈ,કબાટ તેમજ ઘરવખરીની વિવિધ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ શુભ લગ્ન પ્રસંગે સર્વે મહેમાનો અને ઉપસ્થિતો માટે ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી. તેમજ શ્રી ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાઉન્સિલના મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલિયા, ઉપપ્રમુખો સર્વેશ્રી લાખાભાઇ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખિસ્તરિયા, કારાભાઈ કેશવાલા, અરશીભાઈ ખુંટી, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, કોષાધ્યક્ષ શ્રી આલાભાઈ ઓડેદરા, લગ્ન સમિતિના સંયોજક દેવાભાઇ ભૂતિયા, સહ સંયોજક દેવાભાઇ ઓડેદરા, બાબુભાઈ કારાવદરા, શ્રીમતી હીરાબેન રાણાવાયા, મહેર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન ભૂતિયા અને સર્વે બહેનો સહિત શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓ તેમજ સમાજની અન્ય સંસ્થાના હોદેદારો/કાર્યકરોએ ઉપસ્થિત રહી તન,મન,ધનથી ખૂબ સુંદર સેવા કરી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ સર્વેની કામગીરીને બિરદાવી હતી અને સર્વે દાતાઓનો આભાર માન્યો હતો તેમજ લગ્નમાં ભાગ લેનાર તમામ નવદંપતીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન કુશળ એંકર ભાઈ શ્રી પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવેલ હતું.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *