
આપણી જ્ઞાતિમાં શિક્ષણની અહલેખ જગાવી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પોતાનું આયખું ખર્ચી નાખનાર જ્ઞાતિ શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની તારીખ ૧/૧/૨૦૨૩ નાં રોજ ૫૮ મી પુણ્યતિથી છે અને આ નિમિતે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા મહેર સમાજ(ઝુંડાળા), શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી લીરબાઇ યુવા ગ્રુપના સયુંકત ઉપક્રમે તેમજ શ્રી ખોડીયાર માતાજી મંદિર સેવા સમિતિ તેમજ સમસ્ત વિસાવાડા, રાતડી અને કેશવ ગામના સહકારથી કરવામાં આવેલ છે. જે અંતર્ગત પુ.બાપુના ભગીરથ પ્રયાસોથી જેનો પાયો નખાયો છે અને આજે વટવૃક્ષ બની ચુક્યા છે એવા ઝુંડાળા મહેર સમાજ ખાતે બપોરે બે વાગ્યે બાપુને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ત્યાંથી બપોરે ૨.૩૦ વાગ્યે હરીશ ટોકીઝ પાસે બાપુની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩-૦૦ વાગ્યે એક ભવ્ય રેલી નીકળશે, જે પોરબંદરથી દેગામ, બગવદર, કેશવ, હાથીયાણી થઇ વિસાવાડા પહોચશે. આ રેલીમાં આપણી જ્ઞાતિનો જન મહેરામણ મહેર જ્ઞાતિના પહેરવેશ સાથે ઉમટી પડશે. વિસાવાડા ખાતે આપણી જ્ઞાતિના કલાકારો શ્રી વિજયભાઈ ઓડેદરા અને લીલુબેન કેશવાલાના સૂરો સાથે ભાતીગળ દાંડીયારાસ અને રાસડાનો આયોજન કરવામાં આવેલ છે. રાત્રે ૮-૦૦ વાગ્યે પૂજ્ય બાપુને ભાવાંજલિ અર્પતો કાર્યક્રમ વિસાવાડાના ખોડિયાર માતાજીના મંદિર ખાતે રાખવામાં આવેલ છે જેમાં રાત્રે ૧૦-૦૦ વાગ્યે દ્વારકાના પ્રસીધ્દ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તેમના સાથીઓ સાથે તેમની કલા પીરસશે. આ સાથે સાથે પૂજ્ય બાપુની પુણ્યતિથી નિમિતે વિસાવાડા ખાતે એક રક્તદાન કેમ્પનું પણ સવારે ૮-૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે.


No Comments