
ગત તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોરબંદર વિસ્તારના મહેર રાસ મંડળના શ્રી નીલેશભાઈ પરમાર અને તેના ગ્રુપ દ્વારા ભાઈઓનો મણિયારા રાસ તેમજ જુનાગઢના ભાવનાબેન ઓડેદરા તેમજ રીનાબેન બાપોદરા ના ફોર-એમ રાહડા ગ્રુપ દ્વારા મહેર સમાજના પરંપરાગત પહેરવેશમાં રાસડા રજુ કરી આપણા સમગ્ર સમાજનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી આપનું ગૌરવ વધાર્યું છે. પ્રજાસતાક પર્વના દિને કર્તવ્યપથ પર આ બન્ને ગ્રુપોએ પોતાના કૌશલ્યને પાથરી ઉપસ્થિત હર કોઈના મન મોહી લીધા હતા. કર્તવ્ય પથ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભાગ લેવા દેશભરમાંથી આશરે ૫૦૦૦ જેટલા ભાઈ બહેનો આવ્યા હતા આ પૈકી આપણા સમાજના ભાઈ બહેનોના આ બન્ને ગ્રુપોએ આપણા મહેર સમાજના મણિયારા અને રાસડા રજુ કરી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ બન્ને ગૃપોના કલાકારોએ તેમના દિલ્હી ખાતેના રોકાણ દરમિયાન ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ વગેરે સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આ બંને ગૃપોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.




No Comments