
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇ માં તેમ જ પુતિઆઇ માં પ્રેરિત સર્વ સમાજ માટેની ભાગવત સપ્તાહનો આજે બીજો દિવસ છે. યજ્માનશ્રીઓ દ્વારા પોથી પૂજન બાદ મુખ્ય યજમાનો, સહ યજમાનો અને ભોજનના દાતાઓના હસ્તે મંચ ઉપર પૂજન આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પ્રાસંગિક ઉદબોધનમાં આજના કૃષિ મેળાના અનુસંધાને કૃષિ સમિતિની કામગીરીની સરાહના કરી સમિતિ દ્વારા આયોજિત આ કૃષિ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ ભાગવત સપ્તાહના આજના આ બીજા દિવસે પૂજ્ય ભાઈશ્રીએ પોતાની રસાળ શૈલીથી ભાગવત કથાનો અસ્ખલિત પ્રવાહ વહેતો કરી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પૂજ્ય ભાઈશ્રીના મુખેથી પ્રવાહિત આ અમૃતવાણીનો સંપૂર્ણ લાભ લેવા આપ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની યુ ટ્યુબ ચેનલ પરથી સંપૂર્ણ પ્રસારણ જોઈ શકશો. આ ઉપરાંત શુભ ટીવી અને સંસ્કાર ટીવી પર પણ આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ભાગવતના રસપાનથી સમાજમાં ધર્મમય વાતાવરણ ઉભું થાય, પરસ્પર પ્રેમ અને કરુણાની ઉદાત્ત ભાવના માનવ માનવ વચ્ચે નિર્માણ પામે તે આ સમગ્ર કાર્યક્રમનું હાર્દ છે, સાથે સાથે લોકોનું જીવન આર્થિક રીતે ઉન્નત બને તે માટે લોકોમાં વ્યવસાયિક નિપુણતા કેળવાય તે પણ જરૂરી છે. આ માટે લોકજાગૃતિ અને સમજ કેળવાય તે માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિ દ્વારા એક કૃષિ મેળા પોરબંદર એગ્રી ટ્રેડ એક્સ્પો ૨૦૨૩ નું આયોજન આ ભાગવત સપ્તાહ દરમિયાન તા. ૧૪ માર્ચ ૨૦૨૩ થી તા. ૧૭ માર્ચ ૨૦૨૩ દરમિયાનના ચાર દિવસ માટે કરવામાં આવેલું છે. જાહેર જનતા માટે આજરોજ ખુલ્લા મુકાયેલા આ કૃષિ મેળાનું ઉદ્ઘાટન ગઈકાલે સાંજે ૭.૦૦ વાગ્યે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા અને આ કૃષિ મેળાની આયોજક એવી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિના પ્રમુખ અને સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી સાજણભાઈ ઓડેદરાના શુભ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાની ખેડૂત પાંખના પ્રમુખ શ્રી હિતેશભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મેળામાં પોરબંદર જીલ્લામાં સૌ પ્રથમ વખત ૨૦૦ થી પણ વધારે કંપનીની ૭૦૦ થી પણ વધારે ખેતીવાડીની પ્રોડક્ટ તેમ જ ઘર વપરાશની પ્રોડક્ટનું વેચાણ અર્થે નિદર્શન રાખવામાં આવેલ છે તેમજ તમામ પાક રક્ષક દવાઓ રાખવામાં આવેલ છે. મોટા ભાગની પ્રોડક્ટ પર આ મેળા નિમિતે આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રાખવમાં આવેલ છે.
આ કૃષિ મેળા અન્વયે ખેડૂત ગોષ્ટી કાર્યક્રમ અંતર્ગત એક પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ સમિતિ દ્વારા આજે સાંજે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ કેળવી પ્રાકૃતિક ઢબે ખેતી કરી શકાય તે માટે આજના આ પરિસંવાદમાં તજજ્ઞ મહાનુભાવોના માર્ગદર્શનને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. કૃષિ સમિતિના પ્રમુખ શ્રી સાજણભાઈ ઓડેદરાએ પોતાના સંદેશમાં ઋષિમેળા સાથે કૃષિ મેળાનો પણ પુરતો લાભ લેવા અનુરોધ કરેલ. ત્યારબાદ ખેડૂતોને પોતાના પાકો માટે શુધ્ધ અને રોગમુક્ત પાક ઉત્પાદન ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા કઈ રીતે લઇ શકાય તેની સમજ કાર્યક્રમના મુખ્ય વક્તા આત્મા પ્રોજેક્ટ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પરબતભાઈ ખીસ્તરીયા દ્વારા તેમની આગવી શૈલીમાં આપવામાં આવી. આ તકે પોરબંદર જીલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર રમેશભાઈ ટીલવા અને તેમની ટીમે વ્યવસ્થામાં સહભાગિતા દાખવી હતી. કાર્યક્રમની આભારવિધિ ખેડૂત પાંખના પ્રમુખ શ્રી હિતેશભાઈ મોઢવાડિયાએ કરી હતી જયારે કાર્યક્રમનું સંચાલન શ્રી પોપટભાઈ ખુંટીએ કર્યું હતું. આ એગ્રી ટ્રેડ એક્સ્પોને સફળ બનાવવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કૃષિ સમિતિના પ્રમુખ અને કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી સાજણભાઈ ઓડેદરા (પોરબંદર), સંસ્થાની ખેડૂત પાંખના પ્રમુખ શ્રી હિતેશભાઈ મોઢવાડિયા, ઉપપ્રમુખો સર્વે શ્રી અરજનભાઈ કેશવાલા (વિસાવાડા), જખરાભાઈ કડછા (હન્ટરપુર), જયેશભાઈ બાપોદરા (બાપોદર), કેશુભાઈ ભોગેસરા (કડછ), પરબતભાઈ ગરેજા (ગરેજ), જેઠાભાઈ મોઢવાડિયા (આંબારામા), શ્રી ચિંતનભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
સપ્તાહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોના મણકામાં અત્યારે જાણીતા લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી ઉર્ફે નાનો ડેરો અને કવિશ્રી શ્યામ ગઢવી રમઝટ બોલાવી રહ્યા છે.
- ગાંગાભાઇ સરમા

















No Comments