તા: ૨૨-૨-૨૦૨૫ થી તા: ૨૬-૨-૨૦૨૫ દરમિયાન ભવનાથ, જૂનાગઢ ખાતે વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીનો ભજન ભોજન અને ભક્તિનાં મહેરામણ સમો મેળો સંપન્ન થઈ ગયો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મહા મહોત્સવ નિમિત્તે ભવનાથ પધારતા સર્વે જ્ઞાતિજનોની આગતા સ્વાગતા અને સુખાકારી માટે શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે સુંદર આયોજન કરાયું હતું. જ્યાં મેળો માણવા અને ભક્તિનાં સાગરમાં સ્નાન કરવા પધારેલા સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં મહેમાનગતી માણી હતી અને શિવરાત્રી પ્રસંગે જ્ઞાતિગંગાનાં પાવન પ્રવાહમાં ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સ્નાન કર્યું હતું.

આ વર્ષે મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે ભોજન પ્રસાદી નિમિત્તે વર્ષોવર્ષથી ચાલતી રહેલી બુંદી મોહનથાળ ભજીયા ખીચડી શાક રોટલા દાળ ભાત જેવા પ્રસાદનો આશરે પંદર હજારથી વધુ ભાવિકોએ લાભ લીધો હતો. ઉપરાંત આ શિવરાત્રી મેળા દરમ્યાન ગુજરાત સરકારનાં ગૃહમંત્રી માન. શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માન. સાંસદશ્રી રાજેશભાઈ ચૂડાસમા સાહેબ, માન. ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સંગઠન મંત્રી માન. શ્રી રત્નાકરજી, શહેર ભાજપ પ્રમુખ માન. શ્રી પુનિતભાઈ શર્માજી, મહાનગરનાં માન. કોર્પોરેટરશ્રીઓ તથા જૂનાગઢ શહેર ભાજપ પક્ષનાં પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓએ મહેર સમાજ ખાતે અન્નક્ષેત્રની મુલાકાત લઈ સેવાકાર્યને બિરદાવ્યું હતું.

આ મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે તન મન ધનથી સેવા આપનાર સર્વે દાતાશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને વ્યવસ્થામાં સહાયક થનાર સર્વે જ્ઞાતિજનો, અગ્રણીઓ અને ટ્રસ્ટીશ્રીઓ પ્રત્યે અમો શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ વતી હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Sukalp Magazine