
કલા એ માનવજીવનનું અણમોલ આભૂષણ છે અને કલાથી જ સમાજ શોભે છે એ નિર્વિવાદ હકીકત છે. કલાઓ વિવિધ પ્રકારની છે અને આપણી મેર જ્ઞાતિનાં સેંકડો ભાઈઓ અને બહેનો એમાંની કોઈ ને કોઈ કલામાં પારંગત છે, પરંતુ કલા સાથે સંકળાયેલાં એવાં ભાઈઓ અને બહેનોમાંથી ઘણાંને સમાજ ઓળખતો પણ નથી. તેથી આપણી જ્ઞાતિના જાણીતા અને અણજાણીતા એવા તમામ કલાકારો વિશે ‘વિવિધ કલાઓ અને મેર જ્ઞાતિના કલાકારો’ શીર્ષક હેઠળ આપણી જ્ઞાતિના જાણીતા સાહિત્યકાર ભરતભાઈ બાપોદરાની સુપુત્રી જયા બાપોદરા ખૂંટી એક ગ્રંથ લખી રહી છે અને તે ગ્રંથ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ગ્રંથમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય , નાટ્ય, ફોટોગ્રાફી, શિલ્પ અને સ્થાપત્ય જેવી વિવિધ કલાઓ સાથે સંકળાયેલાં આપણી મેર જ્ઞાતિનાં ભાઈઓ અને બહેનોના બેનમૂન પરિચય-લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ પ્રકાશિત કરવાથી આપણી જ્ઞાતિના સેંકડો ભાઈઓ અને બહેનો વિવિધ કલાઓમાં પારંગત છે એનાથી સમાજ વાકેફ થશે અને એને કારણે મેર જ્ઞાતિની શોભામાં અનેરો ઉમેરો થશે. એટલું જ નહીં, પણ આ ગ્રંથમાં સમાવેશ પામેલા તમામ કલાકારોને સારું એવું પ્રોત્સાહન મળશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
આ ગ્રંથમાં સમાવેશ પામેલા ચિત્રકારોનાં ચિત્રો તથા શિલ્પકારોનાં ચિત્રો અને સ્થાપત્યકારોનાં સ્થાપત્યોના ફોટા રંગીન હોવાથી આ ગ્રંથ ફોર કલરમાં છપાવવો જરૂરી છે. કહેવાયું છે કે કોઈ પણ સારું કાર્ય કોઈ પણ બાબતને અભાવે અટક્યું નથી. આ ગ્રંથ છપાવવા માટે આપણી જ્ઞાતિના તમામ લોકોનો તમામ બાબતે અને તમામ પ્રકારે સાથ-સહકાર મળશે એવો વિશ્વાસ જયાબેને વ્યક્ત કર્યો છે. જયાબેને આ ગ્રંથના લેખન અને પ્રકાશન માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના વર્તમાન પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા તરફથી પ્રાપ્ત થયેલ પ્રોત્સાહન બદલ પણ આભારની લાગણી વ્યક્ત કરી છે.

No Comments