શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમજ મહેર જ્ઞાતિની વિવિધ સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.૦૩/૧૧/૨૦૨૪ને રવિવારના રોજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા ખાતે નવ વર્ષ નિમિતે સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.

ગત વર્ષથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાની પહેલથી મહેર સમાજની વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ-ઝુંડાળા, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, બરડા વિકાસ સમિતિ, છાયા મહેર સમાજ, દેગામ મહેર સમાજ, બોખીરા મહેર સમાજ, રાણાવાવ મહેર સમાજ, કુતિયાણા મહેર સમાજ, મહેર મહિલા વિકાસ મંડળ, મહેર શક્તિ સેના મહિલા મંડળ, મહેર આર્ટ પરિવાર સંસ્થાઓના ઉપક્રમે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતું.

૨૦૮૧ ના આ નુતનવર્ષને આવકારવા મહેર જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની કર્મભૂમિ એવા ઝુંડાળા મહેર સમાજ ખાતે આવેલ તેમની પ્રતિમા સમક્ષ દિપ પ્રગટાવી, પુષ્પહાર કરી સ્નેહ મિલનની શુભ શરૂઆત કરવામાં આવેલ હતી. 

સ્નેહ મિલનની શરૂઆતમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી અરશીભાઇ ખુંટીએ જ્ઞાતિના રાજકીય – સામાજિક આગેવાનો – વડીલો તેમજ જ્ઞાતિના ભાઈઓ-બહેનોને શબ્દગુચ્છથી આવકાર્યા હતા. ત્યારબાદ મહેર હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખશ્રી જેઠાભાઈ ઓડેદરાએ નવા વર્ષની શુભકામના પાઠવવા જ્ઞાતિના સંયુક્ત સ્નેહમિલનને આવકાર્યું હતું. ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઈ પરમારે પોતાના શુભેચ્છા વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે મહેર સમાજ શૈક્ષણિક અને સામાજિક રીતે વિકાસ સાધી રહ્યો છે તે ખુબ જ સારી બાબત છે તેમજ દરેક સંસ્થાઓ સાથે જોડાઈને સ્નેહ મિલનનું આયોજન કરે છે તે  પણ ખુબ જ આવકાર્ય છે.

બરડા વિકાસ સમિતિ તેમજ દેગામ મહેર સમાજના પ્રમુખશ્રી ભીમભાઈ સુંડાવદરાએ પોતાના વક્તવ્યમાં ૨૦૮૧નું વર્ષ આપણા સમાજ માટે સારું નીવડે તેમજ મહેર સમાજ પ્રગતિ કરતો રહે એવી શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત આપણો મહેર સમાજ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સામાજિક રીતે પણ પ્રગતિ સાધે તે ખુબજ આવશ્યક હોવાનુ જણાવી સમાજ વ્યસનમુક્ત બને અને જ્ઞાતિની એકતા વધે તેવા પ્રયાસો હાથ ધરવા અને આજે રાજકીય રીતે આપણા આગેવાનો જ્યારે એકસાથે થયા છે ત્યારે તેનો લાભ પણ આપણી જ્ઞાતિને મળે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

મહેર શક્તિ સેનાની સમાધાન સમિતિના અધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયાએ મહેર શક્તિ સેના તરફથી જ્ઞાતિજનોને નવા વર્ષના અભિનંદન પાઠવતા જણાવેલ કે જ્ઞાતિના વિકાસ માટે શિક્ષણ પાયારૂપ છે ત્યારે જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ એક સાથે મળી જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ બનીએ અને સામાજિક રીતે એક થવા આહવાન કરેલ.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના મહામંત્રીશ્રી બચુભાઈ આંત્રોલીયાએ સૌને આવકારી સમાજના ઉપસ્થિત હોદેદારો જ્ઞાતિના ભાઈઓ-બહેનોને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર તરફથી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિનું આવનારું વર્ષ સુખમય અને પ્રગતિકારક નીવડે એવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી  આપણી જ્ઞાતિની દરેક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ સ્નેહમિલનનું જે આયોજન થઈ  રહ્યું છે તે ખૂબ જ આવકાર્ય હોવાનુ જણાવી આ સંમેલનમાં સામેલ દરેક સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. 

પોરબંદર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ ઓડેદરાએ પણ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત આજે આપણા સમાજમાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ખુબજ કાર્ય થયું છે અને જ્ઞાતિની દીકરી-બહેનો આજે શૈક્ષણિક પ્રગતિ સાધી રહી છે ત્યારે જ્ઞાતિના દીકરા-ભાઈઓ શૈક્ષણિક રીતે પ્રગતિ સાધે તેવા પ્રયાસ જ્ઞાતિની સંસ્થાઓએ હાથ ધરવા પોતાની રજૂઆત કરી હતી.

પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ ઓડેદરા(પટેલ)એ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી જણાવેલ કે જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે પૂજ્ય માલદેવ બાપુએ પાયારૂપ કાર્ય કરેલ છે. આજે આપણો મહેર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છે ત્યારે આપણો મહેર સમાજ શૈક્ષણિક રીતે પણ પ્રગતિ સાધે તેવી ભાવના વ્યક્ત કરી હતી. તેમજ રાજકીય અને સરકારી કાર્યોમાં પણ આપણી જ્ઞાતિની રજૂઆત થઇ શકે અને સમાજના વિકાસ કાર્યો થાય તેવા સંયુક્ત પ્રયાસ કરવા જણાવેલ હતું.

આજના સ્નેહમિલનમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતે હાલ યુ.કે. ખાતે હોવાથી પોતાના શુભેચ્છા સંદેશા સાથે ખુશી વ્યક્ત કરી હતી કે ગત વર્ષથી મહેર સમાજની વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સ્નેહમિલનનું આયોજન થઈ  રહ્યું છે સાથે સાથે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે અનેકવિધ પ્રવુતિઓ કરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓમાં ગત વર્ષમાં સંસ્થા તરફથી કોઈ કચાસ રહી ગઈ હોય તો અમોને દરગુજર કરી ધ્યાન દોરવા આહ્વાન કરેલ તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓમાં જોડાવા જ્ઞાતિજનોને અપીલ કરી હતી.

યુ.કે. મહેર ફાઉન્ડેશનના પ્રતિનિધિ રામભાઈ સિસોદિયાએ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી શિક્ષણ ક્ષેત્રે મહેર ફાઉન્ડેશનની કામગીરીથી પરિચિત કરી જ્ઞાતિની દરેક સંસ્થાને એક સાથે રહી જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા જણાવેલ.

પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળાના પ્રમુખશ્રી બાબુભાઈ બોખીરીયાએ ૨૦૮૧ના નવા વર્ષના સ્નેહમિલનના અવસરે ઉપસ્થિત જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામના પાઠવી જણાવેલ કે આજનો સમય માહિતીના એકત્રીકરણનો છે ત્યારે જો આપણા જ્ઞાતિજનોના વિકાસ જાણવા માટે યોગ્ય માહિતી એકત્ર કરવામાં આવે તો જ્ઞાતિનો વિકાસ જાણી તેને વધુ વિકાસાત્મક બનાવવા પ્રયત્નશીલ બની શકાય.

પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્ઞાતિના વડીલો, વિવિધ સંસ્થાના આગેવાનો-હોદેદારો તેમજ જ્ઞાતિજનોને નુતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આજે આપણો સમાજ વિકાસ પથ પર જઈ રહ્યો છે પરંતુ આ વિકાસને જ્ઞાતિજનોમાં તેમજ વિવિધ વિસ્તારમાં સંતુલિત કરવું ખુબજ જરૂરી છે. જ્ઞાતિના વિકાસ માટે હકારાત્મક વિચાર કરવો એ ખુબજ જરૂરી છે. આજે આપણો મહેર સમાજ ખેતી સાથે જોડાયેલો છે ત્યારે ખેતી સાથે અન્ય તકોને શોધવી પણ ખાસ આવશ્યક છે. જેમાં જ્ઞાતિના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિચારોના બીજનું રોપણ કરવું ખાસ જરૂરી છે. યુવાનો યોગ્ય રાહ તરફ વળે તે ખુબજ આવશ્યક છે. આપણા મહેર સમાજના યુવાનોમાં અનેક સુષુપ્ત શક્તિઓ રહેલી છે તેને બહાર લાવવાનું કાર્ય આપણે સૌએ કરવું ખુબજ આવશ્યક છે એવું તેઓએ જણાવેલ હતું.

હિરલબા જાડેજાએ નવા વર્ષની શુભ સંધ્યાએ હાજર જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. અને આવનારું વર્ષ સૌ માટે સુખાકારી બને તે માટે મંગળ કામના કરી હતી. આજે આપણો મહેર સમાજ વિશ્વના દરેક ખૂણે વસવાટ કરી રહ્યો છે ત્યારે આપણા મહેર સમાજની એકતા અને અખંડતા કાયમી બની રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખશ્રી ડો. વિરમભાઈ ગોઢાણીયાએ આજના નુતનવર્ષના સ્નેહમિલન પ્રસંગે સૌને શુભકામના પાઠવી  જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સમસ્ત મહેર સમાજના સ્નેહમિલનના આયોજનને બિરદાવ્યું હતું. આજે આપણો સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી દેશ-વિદેશમાં આગળ વધી રહ્યો છે. જ્ઞાતિની આ સમૃદ્ધિ અને વિકાસને ટકાવી રાખવા જ્ઞાતિની એકતા જાળવવી ખુબજ આવશ્યક છે. અને સારા વિચારોની આપલે કરવી ખુબજ આવશ્યક છે. અને આ માટે સમાજનો શૈક્ષણિક વિકાસ સાધવા અને સૌને સંગઠિત થવા આહવાન કરેલ..

માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાએ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામના પાઠવતા જ્ઞાતિના વિકાસ કાર્યોમાં જ્ઞાતિજનોને જોડવા આહવાન કરેલ તેમજ ઝુંડાળા મહેર સમાજ તથા એજ્યુકેશનલ ટ્રસ્ટના હિસાબ રજુ કર્યા હતા. તેમજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ – ઝુંડાળાના વિકાસ કાર્યોમાં સહભાગી બનવા જ્ઞાતિજનોને અપીલ કરી હતી. જે માટે જ્ઞાતિજનોએ પોતાના અથવા પોતાના આત્મીયજનોના સ્મૃતિ ફોટા ઝુંડાળા બોર્ડીંગમાં રાખી રૂપિયા ૨૬૦૦૦/-નું અનુદાન આપવા નમ્ર અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી રામભાઈ ઓડેદરાએ સૌનો શબ્દોથી આભાર માન્યો હતો.

આજના સ્નેહમિલનમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ ઝુંડાળા મહેર સમાજના પ્રમુખ બાબુભાઈ બોખીરીયા, પૂર્વ સાંસદ તેમજ માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ઓડેદરા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા(પટેલ), પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, મહેર શક્તિ સેના મહિલા મંડળના પ્રમુખ હિરલબા જાડેજા, ઝુંડાળા મહેર સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા, સમાધાન સમિતિના અધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયા, બરડા વિકાસ સમિતિના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા, ઉપપ્રમુખ આવડાભાઈ ઓડેદરા, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, મહેર હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ જેઠાભાઈ ઓડેદરા, મહેર આર્ટ પરિવારના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, છાંયા મહેર સમાજમાંથી ભીમભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, જુનાગઢ મહેર સમાજમાંથી મુરુભાઈ ઓડેદરા, રાજકોટ મહેર સમાજમાંથી અરજનભાઈ કેશવાલા તેમજ ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, અરશીભાઈ ખુંટી, રામભાઈ ઓડેદરા, ટ્રસ્ટીશ્રીઓ રાયદેભાઈ મોઢવાડિયા, જયેન્દ્રભાઈ ખુંટી, વિક્રમભાઈ ઓડેદરા, ભીમભાઈ ગોરસિયા, જ્ઞાતિ આગેવાન મશરીજીભાઈ ઓડેદરા, ખીમાભાઈ બાપોદરા, મહેર ફાઉન્ડેશન યુ.કે. થી જયમલભાઈ ઓડેદરા, બાબુભાઈ ઓડેદરા, રામભાઈ સિસોદિયા તથા મહેર શક્તિ સેના મહિલા મંડળમાંથી મંજુબેન બાપોદરા, ધર્મેશભાઈ પરમાર , અરજણભાઈ ભૂતિયા, માલદેવબાપુના પૌત્ર રણજીતભાઇ કેશવાલા, ગાંધીનગરથી ભાયાભાઈ સુત્રેજા સહિતના આગેવાનો, વડીલો, વિવિધ સંસ્થાઓના હોદેદારો તેમજ જ્ઞાતિજનો હાજર રહી સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન સંસ્થાના પ્રવક્તા પોપટભાઈ ખુંટીએ કરેલું હતું.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *