
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ રચિત મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા તા.૦૪/૦૧/૨૦૨૫ને શનિવારના રોજ મહેર જ્ઞાતિના યુવા વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા અને બહેનો માટે શિયાળુ વાનગી હરીફાઈનું શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ – ઝુંડાળા ખાતે આયોજન કરવામાં આવેલ હતું.
શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા નિયમિત રીતે જ્ઞાતિના વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા તેમજ જ્ઞાતિના બહેનોના સશક્તિકરણના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે.
તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ યોજાયેલ સ્પર્ધાની શરૂઆતમાં જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં દિપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરેલ. મહિલા મંડળના પ્રમુખશ્રી રમાબેન ભૂતિયાએ હાજર સૌ જ્ઞાતિ આગેવાનો, સ્પર્ધકો તેમજ વાલીગણનું શબ્દોથી સ્વાગત કરેલ તેમજ જ્ઞાતિ આગેવાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરેલ.
નિયમિત રીતે યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે વકતૃત્વ સ્પર્ધા ત્રણ વિભાગમાં વહેચવામાં આવેલ જેમાં પ્રથમ વિભાગ ધો-૯ અને ૧૦, બીજો વિભાગ ધો-૧૧ અને ૧૨ તેમજ ત્રીજા વિભાગમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલ જયારે શિયાળુ વાનગી હરીફાઈ ફક્ત મહેર જ્ઞાતિના બહેનો પુરતી મર્યાદિત રાખવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પોતાના શુભેચ્છા સંદેશમાં મહેર મહિલા વિકાસ મંડળની બહેનોની પ્રવૃત્તિઓને આવકારી વિદ્યાર્થીઓ આપણા મહેર સમાજના વિકાસનો પાયો છે તે સમૃદ્ધ બને તે ખાસ જરૂરી છે તેમજ દરેક પરિવારનો મુખ્ય આધાર તે ઘરના બહેનો હોય છે તેથી તેઓનું સશક્તિકરણ થાય તે અવશ્યક છે. આ બાબતને ધ્યાનમાં રાખી મહેર મહિલા વિકાસ મંડળના બહેનોને પોરબંદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેનોને પણ આવા સુંદર કાર્યક્રમમાં જોડી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન કરવા આહ્વાન કરેલ.
આ સ્પર્ધાના અંતે વકતૃત્વ સ્પર્ધામા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ શિયાળુ વાનગી હરીફાઈ વિજેતા બહેનોને પણ ઇનામ તેમજ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરેલ હતા તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ આશ્વાસન ઇનામો આપવામાં આવેલ હતા.
આ સ્પર્ધાના નિર્ણાયક ગણમાં મનીષાબેન મોનાણી, દુર્ગેશભાઈ ઓઝા તથા ચાર્મીબેન જોશીએ સેવાઓ આપી હતી.
મહેર મહિલા વિકાસ મંડળના બહેનો આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના મહામંત્રીશ્રી જીતેન્દ્રભાઈ વદર, ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, ટ્રસ્ટીશ્રી જયેન્દ્રભાઈ ખુંટી, મુકેશભાઈ ગરેજા, શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખશ્રી લીરીબેન ખુંટી, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા તથા મહેર મહિલા વિકાસ મંડળના બહેનો તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન લાખીબેન ખુંટી તેમજ ભાવીશાબેન રાતીયા દ્વારા કરવામાં આવેલ હતું.




No Comments