ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર અને જાણીતા લેખક આદરણીય રવજીભાઈ ગાબાણી સાહેબ કે જેઓ ‘મેર પ્રજાનાં સંસ્કાર ગીતો : એક અભ્યાસ’ વિષય પર પીએચ. ડી. કરી રહ્યા છે, તેઓ દર વર્ષે ઉત્તમ પુસ્તક માટે તેના લેખકને અંજુ-નરસી એવોર્ડથી સન્માનિત કરે છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે તેમણે મેર જ્ઞાતિના જાણીતા લેખક ભરત બાપોદરાને અંજુ-નરસી એવોર્ડથી સન્માનિત કરવા માટે પસંદ કર્યા છે.
આપણે સહુ જાણીએ છીએ કે લેખક ભરત બાપોદરાએ અપાર પરિશ્રમ ઉઠાવીને આપણી જ્ઞાતિના ઈતિહાસનું સંશોધન, લેખન અને પ્રકાશન કરેલું છે અને તેમના ‘અમર છે મેર ઇતિહાસમાં’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો એવોર્ડ પણ મળેલો છે. ભરત બાપોદરાના મેર જ્ઞાતિના ઈતિહાસના સંશોધન, લેખન અને પ્રકાશનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર અને જાણીતા લેખક આદરણીય રવજીભાઈ ગાબાણી સાહેબ તરફથી વર્ષ ૨૦૨૩-૨૪નો અંજુ-નરસી એવોર્ડ તેમને એનાયત કરવામાં આવશે, જે સમગ્ર મેર જ્ઞાતિ માટે ભારે ગૌરવની વાત કહેવાય.
આ બાબતે જ્યારે ભાઈ શ્રી ભરતભાઈ બાપોદરાને પૂછવામાં આવ્યું કે આ એવોર્ડ મેળવતાં આપ કેવી લાગણી અનુભવો છો ત્યારે એમના તરફથી જવાબ મળ્યો એ એમના જ શબ્દોમાં………
“સાચો કવિ કે લેખક ક્યારેય સન્માનનો મોહતાજ નથી હોતો, એ તો બસ સતત પોતાના સર્જનમાં જ રત રહેતો હોય છે. મેં ઈ. સ. ૧૯૯૩થી જ્યારે મેરના ઈતિહાસના સંશોધન લેખન અને પ્રકાશનનું કામ હાથ ધર્યું હતું ત્યારે મારા આ કામ માટે મને કોઈ તરફથી સન્માન કે એવોર્ડ મળે એવી મેં ક્યારેય પણ અપેક્ષા રાખી નહોતી. મારી તો બસ એક જ અપેક્ષા હતી કે હું મારા ગૌરવશાળી ઈતિહાસને સજીવન કરીને જગતની સામે ધરું અને મા સરસ્વતીની અસીમ કૃપાથી મારી એ અપેક્ષા સાર્થક થઈ છે. જો કે, મારા સાહિત્ય-સર્જન અને ઈતિહાસ-લેખનની કદર નથી થઈ એવું પણ નથી. મારા ‘અમર છે મેર ઇતિહાસમાં’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો એવોર્ડ મળ્યો છે. તો જેના અધ્યક્ષ ડો. રવજીભાઈ ગાબાણી સાહેબ છે, એ ‘અંજુ-નરસી પારિતોષિક કમિટી’ તરફથી ‘મેર પ્રજાના ઈતિહાસના સંશોધન અને લેખન’ માટે મને અંજુ-નરસી લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ મારું સદભાગ્ય છે. બાકી વાચકોના દિલમાં મને જે સ્થાન મળ્યું છે અને તેમનો જે પ્રેમ મળ્યો છે, એને જ હું મારું સૌથી મોટું સન્માન ગણું છું.”
ભાઈ શ્રી ભરતભાઇની કલમ અને એમનું કૌવત જેનાથી વધુ વિભૂષિત થયું છે એવું આ સન્માન અને એવોર્ડ એ સમગ્ર જ્ઞાતિ માટે ગૌરવરૂપ છે. સુકલ્પ ટીમ અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તરફથી તેઓને ખુબ ખુબ અભિનંદન.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *