
મહેર ઓફિસર ગૃપ આયોજિત તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ તથા મહેર શકિત સેના સંયોજિત મહેર જ્ઞાતિના અધિકારીઓ અને કર્મચારીઓની તા.27-03-2021ને શનિવારના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન ખાતે જ્ઞાતિના શૈક્ષણિક વિકાસાર્થે પરિસંવાદ રૂપે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
મહેર જ્ઞાતિના સંત શિરોમણી પૂજય માલદેવ બાપુએ કંડારેલા શૈક્ષણિક અને સામાજિક વિકાસની કેડીએ ચાલી વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જ્ઞાતિની આવનારી પેઢીના શૈક્ષણિક અને સામાજિક વિકાસને વેગવંતો બનાવવા મહેર જ્ઞાતિના ઓફિસર્સ અને સરકારી કર્મચારીઓની મીટીંગમાં જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના કાર્યકર નાથાભાઈ દિવરાણીયા દ્વારા જ્ઞાતિના આધિકારીશ્રીઓ તેમજ ઉપસ્થિત આગેવાનોને શબ્દો વડે આવકારી સ્વાગત કર્યું હતું
શ્રી મહેર શકિત સેનાના પ્રવકતા શ્રી રાણાભાઈ ઓડેદરા દ્વારા આજના આ કાર્યક્રમની રૂપરેખા આપી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આજના યુવાનોને કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ પ્રાપ્ત કરવા જરૂરી માર્ગદર્શનની સાથે આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો પણ હાથ ધરવા જોઈએ. ઘણી વખત યુવાનોમાં આત્મવિશ્વાસના અભાવે પોતાના ધ્યેય નક્કી કરી શક્તા નથી, પરીણામે યોગ્ય ધ્યેય પ્રાપ્તિ કરી શક્યા નથી. આપણા યુવાનો શિક્ષિત થાય તેમજ આત્મવિશ્વાસુ બને તેવા પ્રયાસો કરવા રજૂઆત કરી હતી.
આ તકે સંસ્થાના ઉપપ્રમુખશ્રી બચુભાઈ આંત્રોલીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આપણા સમાજે સંગઠિત એક નિશ્ર્ચિત લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરીયાત છે. કોઈ પણ સમાજના વિકાસ માટે શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી મહત્વની બની રહે, તે દિશામાં કામગીરી કરવા આહવાન કરેલ હતું.
સાજણભાઈ ઓડેદરા એ જ્ઞાતિ વિકાસમાં શિક્ષણની સાથો સાથ જ્ઞાતિના પારંપરિક વ્યવસાય ખેતી ક્ષેત્રે આઘુનિકતાની સાથે ઓર્ગેનિક ખેતી બાબતે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી આ ક્ષેત્રે પણ જ્ઞાતિના વિકાસ સાધવા પર ભાર મુક્યો હતો.
નવઘણભાઈ બી. મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણો સમાજ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે અને જો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાના પ્રાથમિક શિક્ષણ પર ભાર મુકી તેમજ પારિવારિક વાતાવરણ સાથે ઉછેર થાય તે માટે પ્રયત્નશીલ બનવા જણાવેલ હતું.
લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું કે, આજે આપણો મહેર સમાજ અનેક ક્ષેત્રે વિકાસાત્મક પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં પણ આપણી જ્ઞાતિના યુવાનોને યોગ્ય માર્ગદર્શન દ્વારા વેપાર ઉધોગ ક્ષેત્રે જરુરી પ્રોત્સાહન પુરુ પાડવાની કામગીરી હાથ ધરવી જોઈએ.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના નવનિયુક્ત ઉપપ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ વદર સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે, આજનો સમય બદલાવનો સમય છે. આપણી જૂની વિચાર સરણીમાં જરુરી બદલાવ લાવવાની ખાસ જરૂરીયાત છે. આજના સમયના પ્રવાહને જાણી સમજી અનેક સમાજોએ પોતાની જ્ઞાતિના વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આપણા સમાજે પણ આ પ્રગતિશીલ સમાજ સાથે કદમથી કદમ મિલાવી આપણી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ સાધવામાં પ્રયત્નશીલ બનવુ પડશે. આજનો સમય “જ્ઞાન” અને “અર્થતંત્ર” નો છે. હવે કાંડાના જોરથી નહી પણ જ્ઞાનના જોરથી સમાજને વિકાસશીલ બનાવવા પ્રયત્નો હાથ ધરવા પડશે. જ્ઞાતિનો વિકાસ એક બે દિવસ માં નહી પણ આવનારા પાંચથી દસ વર્ષના ગાળાને ધ્યાનમાં રાખી એક રોડ મેપ તૈયાર કરવો પડે.આ માટે સખત મહેનત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી એ પણ ધ્યાને રાખવું પડશે. આપણી આવનારી પેઢીના ઘડતરમાં ફક્ત મિટીંગ્સ અને વાતોથી કામ નહી ચાલે પણ એ દિશામાં મજબુત તેમજ દિશા સૂચક કામગીરી થાય તેવા સહિયારા પ્રયાસોની જરૂરીયાત છે. ચાલો, આપણે સૌ એકજૂટ બનીએ, સમાજે મારા માટે શું કર્યુ તેમ ન વિચારતા સમાજ માટે હું શું કરી શકું તે વિચારસરણી ખાસ જરૂરી બને છે, સાથોસાથ વ્યકિતગત વિકાસ નહી પણ સામૂહિક વિકાસની બાબતેને મહત્વ આપી જ્ઞાતિ વિકાસ સાધવા પ્રયત્નશીલ બનવા આહવાન કર્યુ હતું તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં રાજકોટ ખાતે કલાસ 1 અને કલાસ 2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વર્ગો પણ ટુંક સમયમાં શરૂઆત કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે જ્ઞાતિનો શૈક્ષણિક અને સામાજિક વિકાસ થાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા જોઈએ તેમજ આપણી આવનારી પેઢીના વિકાસશીલ ભાવી માટે અત્યારથી જ પ્રયત્નશીલ બનવા આહવાન કરેલ હતું તેમજ આ માટે સંસ્થાના કાર્યકર્તાઓ પર વિશ્વાસ જાહેર કરી સૌને જ્ઞાતિ વિકાસની પ્રવૃતિઓ માટે શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી મહેર શકિત સેનાના મહિલા પાંખના પ્રમુખ હિરલબા જાડેજાએ પોતાના શુભેચ્છા સંદેશામાં જ્ઞાતિના સવાર્ગી વિકાસ પર ભાર મુકી આ દિશામાં યોગ્ય કામગીરી કરવા સૌને શુભકામના પાઠવી હતી
આ કાર્યક્રમમાં મહેર ઓફિસર ગૃપમાંથી જીતેન્દ્રભાઈ વદર, અધિક કલેકટર -ગાંધીનગર,ડૉ. નવઘણભાઈ ઓડેદરા પ્રિન્સિપાલશ્રી એસ.એમ.જાડેજા કોલેજ -કુતિયાણા, બાબુભાઈ આગઠ નાયબ ડિરેક્ટર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ-રાજકોટ,ડૉ.દિલીપભાઈ ઓડેદરા પ્રોફેસર સાયન્સ કોલેજ-ગાંધીનગર, ડૉ.મુકેશભાઈ ગરેજા પ્રોફેસરશ્રી માધવાણી કોલેજ-પોરબંદર,ડૉ.લીલાભાઈ કડછા સેનેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, નાગાજણભાઈ તરખાલા,ટીડીઓ-ટંકારા,જીવાભાઈ દાસા, નિવૃત્ત શિક્ષણાધિકારી,
નાગાજણભાઈ પરમાર,નાયબ એન્જિનિયર,પીજીવીસીએલ, મુકેશભાઈ આંત્રોલિયા. નાયબ એન્જિનિયર,જીડબલ્યુએસએસબી-જુનાગઢ, જયેશભાઈ કારાવદરા,નાયબ એન્જિનિયર-પોરબંદર, નાથાભાઈ દિવરાણીયા એન્જિનિયર, પીજીવીસીએલ, રાણાભાઈ ઓડેદરા,ટીડીઓ-તાલાલા,લીલુબેન જાડેજા,ટીપીઈઓ-રાણાવાવ,મુળીયાસીયા વિરમભાઈ, મામલતદાર-જામકંડોરણા, સુભાષભાઈ ઓડેદરા,પીએસઆઇ-પોરબંદર,અરજનભાઈ જાડેજા,કારોબારી સભ્ય, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, હિરેનભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત બહોળી સંખ્યામાં ઓફિસર્સ અને સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ સૌએ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે યથાશકિત કામગીરી બજાવવા તત્પરતા દર્શાવી હતી.
શ્રી ઇન્ટરનેશન મહેર સુપ્રિમ કાઉન્સિલ ઉપપ્રમુખશ્રીઓ શ્રી સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, નવઘણભાઈ એલ મોઢવાડિયા, શ્રી મહેર શકિત સેનાના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, મહેર શકિત સેનાના પ્રવકતા રાણાભાઈ ઓડેદરા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ટ્રસ્ટીશ્રીઓ દેવાભાઈ ભુતિયા, રાયદેભાઈ મોઢવાડિયા સહિતના કાર્યકર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આ મીટીંગનું આયોજન તેમજ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ એલ. મોઢવાડિયા, નાથાભાઈ દિવરાણીયા તેમજ કાનાભાઈ મોઢવાડિયાએ કર્યું હતું.

No Comments