શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાનો સંદેશ
સમાજ અને સમાજની પ્રવૃતિઓ વચ્ચે એક સંવાદ હોવો જરૂરી છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સામાજિક વિકાસની શ્રેણીબદ્ધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે પણ આ તમામ પ્રવૃતિઓની માહિતી જ્ઞાતિના બધા લોકોને મળી રહે તે માટે આપણું જ્ઞાતિનું પોતાનું એક પ્લેટફોર્મ હોય એ જરૂરી છે. આપણી પાસે સુકલ્પ આવું એક માધ્યમ જરૂર હતું પણ હવે જમાનાની જરૂરીયાતને અનુસરી તેને ઈ-મેગેજીનના સ્વરૂપે પુનઃપ્રકાશિત કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌ જ્ઞાતિજનો એને અંતરથી આવકારશે એવી મને શ્રદ્ધા છે. આ ઈ મેગેજીનની મદદથી દેશ અને વિદેશમાં વસતા આપણી જ્ઞાતિના તમામ લોકો સમાજની સમગ્ર પ્રવૃતિઓનો ચિતાર એક જ માધ્યમથી મેળવી શકશે, એટલું જ નહી સમાજની કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણે બનતી સમાજ ઉપયોગી બાબતો આપણા સમગ્ર સમાજની વચ્ચે વ્યક્ત કરી શકશે. આ ઈ- મેગેજીન સમાજની દરેક વ્યક્તિ અને આપણા સમાજની કેન્દ્રીય સંસ્થા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ વચ્ચે જીવંત સેતુરૂપ બની રહેશે એની પણ મને ખાતરી છે.
શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ ડો. શ્રી વિરમભાઈ ગોઢાણીયાનો સંદેશ
જ્ઞાતિના એકમાત્ર મેગેજીન તરીકે ‘સુકલ્પ’ ઘણા વરસો સુધી જ્ઞાતિજનો અને આપણા સમાજની કેન્દ્રીય સંસ્થા શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ વચ્ચે સંયોજક બની રહ્યું છે. સને ૨૦૦૦ થી લઇ ઘણા વર્ષો સુધી એણે જ્ઞાતિના ઉદઘોષક તરીકે કાર્ય કર્યું છે એટલું જ નહી આપણી સામાજિક પ્રવૃતિઓને લોકો સુધી લઇ જવાનું સુંદર કાર્ય પણ કર્યું છે. શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃતિઓથી લોકોને વિગતવાર વાકેફ કરવાનું શ્રેય સુકલ્પના ફાળે જાય છે. હવે બદલાયેલા નવા જમાનાને લક્ષ્યમાં રાખી આપણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સુકલ્પ મેગેજીનનું આ નવું ઈ વર્ઝન બહાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ ઈ-મેગેજીન જ્ઞાતિજનો વચ્ચે સામાજિક પ્રવૃતિઓ અને વૈચારિક આદાન-પ્રદાનનું સુંદર માધ્યમ બની રહેશે એની મને ખાતરી છે.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના માર્ગદર્શક અને સમાજના અગ્રણી શ્રી ભરતભાઈ ઓડેદરાનો સંદેશ
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સુકલ્પ મેગેજીનનું ઈ-વર્ઝન બહાર પડી રહ્યું છે તે જાણી આનંદ થયો. કોઈ પણ સમાજ માટે પોતાનું મુખપત્ર હોય એ જરુરી છે, જેના માધ્યમથી સમાજની પ્રવૃતિઓથી લોકોને અવગત કરાવી શકાય એટલું જ નહિ સમાજમાં ચાલતા પ્રવર્તમાન પ્રવાહોથી સર્વેને વાકેફ કરી શકાય. કોઈ પણ સામાજિક મેગેજીન જે તે સમાજનું દર્પણ છે અને લોકસેવાનું અસરકારક માધ્યમ છે. ઈ.સ.૨૦૦૦ થી ઘણા વરસો સુધી સુકલ્પ મેગેજીને આપણા સમાજની વિવિધ પ્રવૃતિઓને વાચા આપી છે. વર્તમાન સમય ટેકનોલોજીનો સમય છે અને એની અનુરૂપ સુકલ્પનો આ નવો ડીજીટલ અવતાર રજુ થયો છે. જેના માધ્યમથી ઉપરના તમામ હેતુઓ તો સિદ્ધ થશે જ પણ સાથે સાથે નવી અને યુવાન પેઢીને આપણી સામાજિક પ્રવૃતિઓ સાથે જોડી શકશે એની મને શ્રદ્ધા છે.