
હાલ આપણા વિસ્તારમાં કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યકિતને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં સારવાર હેતુ દાખલ થવુ પડતુ હોય છે. હાલના સમયમાં તે બાબતે લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
ઉપરોક્ત બાબતની અગત્યતા સમજી જે દર્દીઓને તાવ,શરદી,ઉધરસ હોય કે સામાન્ય કોવિડના લક્ષણો ધરાવતા હોય અથવા ડૉકટર દ્વારા પરિવારની સલામતિ હેતુસર અલગ રહેવા (આઇસોલેશન)ની સલાહ આપવામાં આવી હોય અને જે દર્દીઓને ઘરે જરુરી વ્યવસ્થા કે સગવડતા ન હોય તેઓને જરૂરી મદદ મળી રહે તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની ખાસ જરૂરીયાત ઉભી થાય છે.
એક સાથ,અનેક સેવાના સુત્રને ચરિતાર્થ કરવાના હેતુસર જે ગ્રામજનો ઈચ્છા ધરાવતા હોય તે ગામમાં સ્થાનિક લોક ભાગીદારી સાથે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા સર્વ જ્ઞાતિ માટે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં મદદ કરવામાં આવશે.
આ બાબતે સંસ્થાના મોબાઇલ નંબર 99 74 80 89 00 પર સંપર્ક કરશોજી.
લોકભાગીદારી સાથે ગ્રામ્ય વિસ્તારમાં સર્વજ્ઞાતિ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવા અંગેની માર્ગદર્શિકા.
(૧)જે તે ગામમાં આઇસોલેશન સેન્ટર શરુ કરવાનું હોય અને જે ગામના લોકોએ જગ્યાની વ્યવસ્થા કરી હોય તે ગામના લોકોએ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાનો સંપર્ક કરવો આ સંસ્થાના પ્રતિનિધિ મંડળ જે તે આઇસોલેશન સેન્ટરની મુલાકાત લઈ જરુરી માર્ગદર્શન પુરુ પાડશે.
(2)જે તે ગામમાં નિયમિત રૂપે આઇસોલેશન સેન્ટર શરુ કરવામાં આવશે તે સેન્ટરમાં દાખલ થયેલા દર્દીઓ માટે આયુર્વેદિક ઉકાળો તથા સવાર સાંજ ચા અને દિવસ દરમિયાન એક વખત નાળિયેર પાણી કે લીંબુ પાણી માટે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ માસિક રૂ.10000/- રૂપિયા દસ હજાર)નું અનુદાન આપશે. તેમજ દર્દીઓના ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમિટર પણ સંસ્થા દ્વારા આપવાં આવશે.
(૩)જે બિલ્ડીંગનો વપરાશ કરવાનો હોય તે બિલ્ડીંગના અધિકારી કે મુખ્ય હોદેદારની લેખિત મંજૂરી મેળવી લેવી.
(૪)જે લોકોને સામાન્ય શરદી,ઉધરસ,તાવ આવતો હોય અથવા સામાન્ય કોરોનાના લક્ષણો સબબ ડૉક્ટર દ્વારા પરિવારની સલામતિ હેતુસર અલગ રહેવાની સલાહ આપી હોય અથવા જે લોકો પાસે અલગ રહેવાની યોગ્ય વ્યવસ્થા કે સગવડતા ન હોય તેવા દર્દીઓને કોવિડ આઇસોલેશન સેન્ટરમા દાખલ કરવા.
(૫)કોવિડ આઇસોલેશન સેન્ટર માટે પુરતી હવા ઉજાસવાળું બિલ્ડીંગ હોવુ જોઇએ. આ બિલ્ડીંગ સ્થાનિક શાળા કે કોઈ પણ જ્ઞાતિના સમાજનુ બિલ્ડીંગ હોય તે જરુરી છે.
(૬)ભાઈઓ તેમજ બહેનો માટે અલાયદા હોલ કે રૂમોની વ્યવસ્થા તેમજ અલગ બાથરૂમ પણ હોવા જોઈએ.
(૭)આઇસોલેશન સેન્ટર માટે સ્થાનિક જરૂરીયાત મુજબ સ્વયંસેવકોની ટીમ તૈયાર કરવી.
(૮)આઇસોલેશન સેન્ટરમાં દાખલ થયેલા દર્દીઓના રજીસ્ટ્રેશન માટે રજીસ્ટર નિભાવવું જેમાં દર્દીનું પુરુનામ,સરનામુ,સંપર્ક નંબર,આધાર કાર્ડ,ડોક્ટર કે મેડિકલ સારવારના આધાર-પુરાવાની નોંધ કરવી.
(૯)સામાન્ય રીતે દર્દીઓ પોતાના ઘરેથી બેડ,ખાટલો સાથે લાવે અને જો વ્યવસ્થા ન હોય તો સ્થાનિક કક્ષાએથી વ્યવસ્થા કરવી.
(૧૦)ગામના કે આસપાસના ગામના PHC સેન્ટરના ડોક્ટર સાથે સંપર્ક રાખવો તેમજ આ આઇસોલેશન સેન્ટરની નિયમિત વિઝીટ કરાવવી.
(૧૧)જમવાની વ્યવસ્થા દર્દીઓના પરિવારજનોએ કરવાની રહેશે.જો વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો સ્થાનિક સ્વયંસેવક ટીમનો સંપર્ક કરવો.
(૧૨)આ સેન્ટરમા દાખલ થયેલા દર્દીઓ ઘરેથી બેડ (ખાટલો),ઓછાડ,ઓસીકુ,ઓઢવામાટે ચાદર, ટુવાલ, નેપ્કીન તથા જરૂરીયાત મુજબના કપડા,ટુથપેસ્ટ,બ્રસ,ડોલ, ટબલર,સાબુ, મોબાઈલ ફોન,ચાર્જર, બેટરી, જમવા માટેના વાસણ તેમજ ચાનો કપ તથા ગ્લાસ તથા પાણીની બોટલ સાથે રાખવી.
(૧૩)ડૉક્ટરની સારવાર ચાલતી હોય તે દવાઓ સાથે રાખવી.
(૧૪)આ આઇસોલેશન સેન્ટર સ્વચ્છ રાખવું. દર્દીઓએ પણ કચરો કરવો નહિ તેમજ સફાઈની કાળજી રાખવી.
(૧૫)દર્દીઓના પરિવારજનો આઇસોલેશન સેન્ટરની મુલાકાત કે કોઈ કામ માટે આવે તો સૌપ્રથમ સ્વયંસેવક ભાઈઓની ટીમનો સંપર્ક કરશે.
(૧૬)આઇસોલેશન સેન્ટરમાં બીનજરુરી બેસવું નહી તેમજ બીજા દર્દીઓને મુશ્કેલી પડે તેવુ કામ કરવુ નહી.
(૧૭)આઇસોલેશન સેન્ટરમાં જરુરી ઈલેક્ટ્રીકસીટીની વ્યવસ્થા તેમજ જરુરી પંખા રાખવા.
(૧૮)આ આઇસોલેશન સેન્ટર લોકભાગીદારીથી શરુ કરવું, જરુર પડે ત્યા સ્થાનિક ફંડ પણ એકત્ર કરવુ.
(૧૯)સ્થાનિક PHCના ડોક્ટર,તાલુકા કે જીલ્લાના સરકારી ડોક્ટર સાથે સંપર્ક રાખવો.
(૨૦)ઈમરજન્સી માટે એક વાહન સ્ટેન્ડ બાય રાખવું.
(૨૧)આ સેન્ટરની વ્યવસ્થા જાળવનાર સ્વયંસેવકોએ માસ્ક પહેરવું અને પોતાના હાથ નિયમિત રીતે સેનેટાઈઝ કરતા રહેવું
(૨૨)મુલાકાત માટે આવતા પરિવારજનોએ પણ માસ્ક પહેરવું તેમજ મુલાકાત બાદ પોતાને સેનેટાઈઝ કરવા.
(૨૩)જ્યારે આ કોવિડ આઇસોલેશન સેન્ટર બંધ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ બિલ્ડીંગ સેનેટાઈઝ કરી પરત કરી આપવાનું રહેશે.

No Comments