• by જયશ્રીબેન કુછડીયા (લાગણી)

         આજે આખું વિશ્વ કોરોના “Covid-19″નામની ખતરનાક મહામારી સામે લડી રહ્યું છે. હજુ આ મહામારી આખા વિશ્વમાંથી પુરેપુરી ખત્મ નથી થઈ.  આ કોરોના વાઈરસની શરુઆત ચીનનાં વુહાન શહેરથી લઈ આપણા દેશ, રાજ્ય અને શહેરની ગલીએ ગલીએ પહોચી  ગઈ હતી. આ વાઈરસથી લડવા આખું વિશ્વમાં હજુ પણ ઝઝુમી રહ્યું છે.  આપણા દેશમાં પણ સંભવિત ત્રીજી લહેરની આશંકાએ બધા ભયભીત છે.વિશ્વમાં હજુ સુધી તેનો કોઈ સચોટ ઉપાય મળ્યો નથી કે કોઈ કોરોના વાયરસનો સંપુર્ણ નાશ કરી શકે અથવા તો તેને નાબૂદ કરી શકે. તે માટે ફક્ત ઉપયોગી થઈ શકે તેવી કેટલીક રસીની શોધ કરી છે. જે આ વાઈરસ સામે થોડા અંશે રક્ષણ આપી શકે. આ વાઈરસ અતિસુક્ષ્મ છે અને તેટલો જ ખતરનાક પણ સાબિત થયેલો છે વિશ્વમાં લાખો લોકો આ વાઈરસની ઝપેટમા આવીને મોતને ભેટ્યા છે. ત્યારે કોરોના વાઈરસની ઘણી અસર જોવા મળી રહી છે.

  • કોરોનાકાળની પોઝિટિવ અસર:

         વિશ્વ પર આ મહામારીની વ્યાપક અસરો જોવા મળી છે. એક બાજુ આખું વિશ્વ મહામારીને મહાત આપવા તત્પર બન્યું છે, જ્યારે બીજી બાજુ વિશ્વ જાણે પોતાની ગતિમાં થંભી ગયું છે. આ મહામારી આપણા સહુ પર ગંભીર આફત તો છે જ પણ તેની સાથે કોરોનાની મહામારીમાં સમાજમાં ઘણી હકારાત્મક અસર પણ લઈ આવી છે. આ સદી ખુબ લોકજાગૃતિ લાવનાર સાબિત થયેલ છે. ઘણાં લોકો અને સંસ્થાઓ સમાજમાં લોકજાગૃતિ માટે કાર્યરત થયા. સમાજના કેટલાક કુરિવાજો અથવા તો પરંપરાને સમય અનુસાર બદલવા કાર્યરત છે. જેમાંથી કેટલીક બાબતો પર કોરોનાની અસર થઈ છે. જેના પગલે સમાજમાં ખુબ સારો બદલાવ આવ્યો છે. તો આવો આપણે વિશે વધુ જાણીએ.

  1. મૃતકની પાછળ ક્રિયાકર્મ :

         મૃત્યુ એ સૃષ્ટિનો નિયમ છે. કોઈ વ્યક્તિ અમરત્વ લઈને આવ્યું નથી. પરંતુ પોતાના સ્વજનને ગુમાવવા એ જે તે પરિવાર માટે ખુબ અસહ્ય ઘટના બની રહે છે. એ સાથે સમાજમાં કોઈ વ્યકિત મૃત્યુ પામે તો અગિયાર દિવસ તેનું કુટુંબ બેસી તેના ક્રિયાકર્મ કરે છે. જેના કારણસર કુટુંબના બધા સભ્યો પોતાનો ધંધો રોજગાર મુકી અગિયાર દિવસ બેસે, સગાં સબંધીઓ પોતની અનુકુળતા મુજબ મોઢે થવા આવે છે. પરિવારને સાંત્વના આપે છે. આ સાથે એ માટે આવનારની માટે રોજ જમણવાર કરવો પડે આવું ઘણું કામ રહે છે. આવી બાબતો માટે સામસામે દરેક વ્યક્તિ પોતાનો ફરજિયાત સમય આપવો પડે છે. જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય. નજીકના બધાં જ સગાં પોતના કામધંધા મુકી બેસણામાં હાજર રહેવું પડે છે. તેમા ઘણા ખર્ચ કરવા પડે. કોઈ કુટુંબ એટલું ના કરી શકે તેમ હોય તો ઉછીના પૈસા લઈને પણ કરવું પડે. આ માટે લોકો ઘણી અગવડતાનો સામનો કરવો પડે છે.

         હા, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને હું તેનો કોઈ વિરોધ નથી કરતી, પણ મારો પ્રયાસ સત્યતા સુધી પહોંચવાનો અને પરિસ્થિતીથી સહુને વાકેફ કરવાનો માત્ર ઉદ્દેશ્ય છે. આજના ખર્ચાળ યુગમાં ક્યાંક આમ આદમીને ખુબ મુશ્કેલી પડે છે. આપણા સમાજમાં અગિયાર દિવસ બેસણું રાખી, અગિયારમા દિવસે ક્રિયા હોય છે. ત્યારબાદ આઠમના દિવો બળવામાં આવે છે. આ માટે જે તે પરિવાર પોતાની હેસિયત હોય કે ના હોય બધું સમાજની લાજમાં તેનો જમણવાર, ભજન કાર્યક્રમ વગેરે કરે છે. ઘણાં બધા લોકો એકત્રિત કરી ખર્ચ કરતાં હોય છે. કારણ કે દરેક પરિવાર આ પ્રકારના ખર્ચ કરવા સક્ષમ હોતો નથી. જેથી કરજ કરીને પણ પરિવાર સમાજની શરમમાં આ બધાં ક્રિયાકર્મ કરે છે. જે માટે ઘણા લોકજાગૃતિના પ્રયાસ ચાલી રહ્યા છે. આ બધું એક દિવસમાં જ થઈ જાય અને જે તે પરિવારને આ કાર્ય ઓછું ખર્ચાળ બને તેવું આપણા સમાજસેવકો જાગૃતિ કેળવવાના પ્રયાસો કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજની લાજ આ બધા રિવાજો નાબૂદ કરવા દેતા નથી. પણ આ કોરોના મહામારી આખી દુનિયા પર શ્રાપ બનીને આવી છે. જેના કારણે વધુ લોકો એકત્રિત થતાં ડર અનુભવે છે. તેમજ સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ ફરજિયાતપણે પોતના કુટુંબ પુરતું જ મર્યાદિત રાખવું પડે છે. આ એક સમાજમાં ખુબ સારી બાબત છે. કારણ કે પોતાના સ્વજન ગુમાવી લોકોને મોઢે રહી આવનારની વિવિધ સુવિધા અને તે માટેના વિવિધ કાર્ય કરવાના હોય છે. આમ સ્વજન ગુમાવવાની સાથે ઘણી બીજી વ્યાધિ પણ લોકોને કરવી પડે છે. કારણ કે દરેક પરિવાર સરખો હોતો નથી. આમ આ મહામારી મર્યાદિત લોકો અને આવા પ્રસંગો ટૂંકમાં કરતા થયા છે. જે ખુબ સારી અને હકારાત્મક બાબત કહી શકાય.

  • લગ્ન સમારંભ:

         લગ્ન એ બે વ્યક્તિની સાથે બે પરિવારનું પણ પવિત્ર બંધન માનવામાં આવે છે. દરેક બાપ પોતના સંતાનોને ખુબ હર્ષોલ્લાસથી પરણાવવા માંગે છે. તેનાં દરેક સ્વપ્નાંઓ પુરા કરવા માંગતો હોય છે. પરંતુ લગ્ન સમારંભ એટલો જ ખર્ચાળ રહે છે. તેમાં પણ ખાસ કરીને દીકરીનાં માવતર દીકરીને કરિયાવર, લગ્નપ્રસંગ, જમણવાર, સાંજી-દાંડીયરાસ વગેરે ખર્ચ કરવાના થતા હોય છે. અમીર ખાનદાનની વાત અલગ છે. પરંતુ ગરીબ માં-બાપ માટે આ ખર્ચ કરવો ખુબ અઘરો થઈ જાય છે. દિકરીને કરિયાવર, તેનાં કપડાં, વાસણ, દાગીના, ફર્નિચર, આજના જમાનાની ઇલેક્ટ્રિક વસ્તુઓ વગેરે તેમજ લગ્ન સમારંભમાં માટે સાંજી, જમણવાર, મંડપસર્વિસ વગેરે ખર્ચા દેખાદેખીને લીધે વધુ થતા હોય છે. લોકો શું કહેશે ? શું વિચારશે ? વગેરેના ડરને કારણે પોતના ગજાથી ઉપરવટ ખર્ચા કરી માવતર કરજદાર બની જાય છે. તો વેવાઈપક્ષને સારું લગાડવા એની શરમમાં પણ આટલા ખર્ચ કરી નાખે છે.

       જો કે આપણા સમાજમાં સમુહલગ્નો પણ થાય છે. પરંતુ જે તે કારણસર લોકો સમૂહલગ્નમાં ભાગ લેતાં ખચકાય છે. જેના કારણે અતિખર્ચાળ લગ્ન કરવાં પડે છે. પરંતુ જ્યારથી કોરોના મહામારી અને તેના કારણે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું ત્યારથી મર્યાદિત માણસોમાં જ લગ્નસમારંભ અને જરૂરી સમાજિક કાર્યક્રમો કરતા થયા છે. તેથી 50% કરતાં પણ વધુ લગ્નના ખર્ચાઓ બચી રહ્યા છે. વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો પણ કોરોનાને કારણે ખુબ ટુંકમાં અથવા મર્યાદિત માણસોથી થવા લાગ્યા છે. જેથી સમાજમાં આ રીતના ઘણા વધારાના ખર્ચાઓ ઓછા થઈ રહ્યા છે. સરકાર તરફથી હવે છૂટછાટો છે તોયે જો આ ઉપરોક્ત સુધારાત્મક બાબતો ચાલુ રાખવામાં આવે તો સમાજ માટે આશીર્વાદરૂપ ગણાશે.

  • જીવદયામાં વધારો:

         કોરોના મહામારી આપણા દેશમાં આવવાથી સંપુર્ણ લોકડાઉન કરાવામાં આવ્યું. રોજબરોજની જરૂરિયાત સિવાય તમામ દુકાનો, તમામ રોજગારી ધંધા બંધ કરવામાં આવ્યા. જેને પગલે રોજનું કમાઈને રોજ કરતા અમુક નાના ધંધા ઠપ્પ થયા. લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા. બીજી બાજુ સંપુર્ણ લોકડાઉનને પગલે મુંગા પશુ-પંખીઓ પણ ભુખ્યા રજડતા થયા. સામાન્ય દિવસોમાં લોકો પોતના નિત્યક્રમ મુજબ મુંગા પશુ-પંખીઓને ખાવાનું આપતા હોય છે. પરંતુ લોકો લોકડાઉનના હિસાબે બિનજરૂરી ઘરની બહાર નિકળવાની મનાઈ હોવાથી જે તે જાહેર સ્થળો પર રોજ ખાવાનું આપવાનું બંધ થયું. આથી આ મુંગા પ્રાણીઓને પણ રોજની જેમ ખાવાનું મળે તે હેતુથી લોકોએ પોતાની સેવાકીય જ્યોત પ્રજ્વલિત કરી માનવતા મહેકાવી. જેના કારણે રોજ તેને ખાવાનું મળી રહે. તે માટે ઘણા લોકોએ પોતાની સૂઝબૂઝથી લોકડાઉનમાં પણ રખડતા ભટકતાં મુંગા પશુ-પંખીઓને વ્યવસ્થિત ખાવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

        બીજી બાજુ એવા લોકો કે જેઓ રાતદિવસ તનતોડ મહેનત કરે છે. જેઓ સવારે મજુરી કરવા જાય તો જ સાંજે પોતાના ચુલા પેટાવી શકે. આવા મજુરીકામ કરતા લોકોની હાલત ખુબ કફોડી બની. આવા લોકોનું મજુરીકામ બંધ થતાં પોતનાં પેટનો ખાડો પૂરવો અશક્ય બન્યું. ત્યારે કેટલીક સમાજિક સંસ્થાઓ કાર્યરત થઈ. જેના કારણે દરરોજ બે ટાઈમ આવા ગરીબ લોકો માટે ભોજન ભોજનની વ્યવસ્થા પોતના ઘરે બેઠાં જ થાય તેવી કરવામાં આવી. આમ, લોકોમાં રહેલી સાચી માનવતાનાં દર્શન થયા. તેમજ આવી સેવાકીય જ્યોત પ્રજ્વલિત થતા ઘણા પરિવારની જઠરાગ્નિ શાંત થઈ. જેમાં ઘણા લોકોએ પોતાનો અમૂલ્ય ફાળો આપી. આવા સેવાયજ્ઞ શરૂ કર્યા.

       આ સાથે આ માનવતા માત્ર આપણા દેશમાં નહિ, પરંતુ સાત સમુદ્ર પાર વિશ્વના ખુણે ખુણે જોવા મળી છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના પગલે હાહાકાર મચી ગયો છે. લાખો લોકોએ પોતના જીવ ગુમાવ્યા છે. આ સાથે વિશ્વના અમુક દેશોની હાલત ખુબ જ કફોડી થઈ ગઈ હતી. કોરોનાના કેસ અચાનક ખુબ વધવાથી બીજા દેશોએ અસરકારક દેશોને માસ્ક, જરૂરી દવાઓ, પી.પી.ઈ. કીટ વગેરે વસ્તુઓ પુરી પાડી એક બીજા દેશોની મદદ કરી અનોખો સેવાયજ્ઞ કર્યો. આ મહામારીમાં વિશ્વ જાણે એક બની ગયું હોય તેમ “वसुधैव कुटुंबकम।“ ની ભાવના પ્રબળ બનાવી. આમ, આવી વિકટ પરિસ્થિતિમાં લોકો એ એકબીજાને સહયોગ આપી માનવતા મહેકાવી.

  • અન્ય હકારાત્મક અસર:

         કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. જેના પગલે બધું જ બંધ કરાવામાં આવ્યું. જેથી કામધંધા મુકી લોકો ઘરમાં રહેવા લાગ્યા. જેથી પરિવારને એકબીજા સાથે સમય વિતાવવા મળ્યો. પોતાના પરિવારમાં એકબીજાને નવરાશથી સમજવાનો જાણવાનો મોકો મળ્યો. આખો દિવસ બહાર રહેતા પિતા ઘરમાં રહેવાથી બાળકોને આનંદ મળ્યો. બાળકોને સ્કુલના લેશનના ભણવાના ટેન્શનમાંથી મુક્ત થઈ બાળપણની મજા પોતાના પરિવાર સાથે માણવાનો મોકો મળ્યો. હોટેલમાં જમવાના શોખીનો માટે હોટેલ બંધ થવાથી ખોટા ખર્ચ ઓછા થયા સાથે ઘરે આરોગ્યપ્રદ ભોજન કરતા થયા. ગૃહિણીઓ પણ એ લોકડાઉન દરમિયાન ના આવડતી અવનવી વાનગી હોશથી શીખી. જેથી પુરો પરિવાર આરોગ્યપ્રદ ભોજન ઓછા ખર્ચે ખાતા થયા. વિવિધ જગ્યા એ ફરવાનું બંધ થયું. વિવિધ જાતના પ્રસંગો બંધ થયા. જેથી લોકોના ઘણા બધા વધારાના ખર્ચા ઓછા થયા. આમ, કોરોનાકાળમાં લોકો ઘણું બધું શિખ્યા અને સમજ્યા. પોતની અંદર રહેલ સારાપણું સમાજ ઉપયોગી બન્યું તથા સમાજમાં ઘણા અવનવા સુધારા આવ્યા. હવે છૂટછાટો માં પણ જો ઉપરોક્ત બદલાવોને જાળવી રાખીએ તો આપણે આપત્તિ ને અવસરમાં ફેરવી શક્યા છે એમ કહીએ તો કઈ ખોટું નથી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *