પવિત્ર શ્રાવણ માસની શરૂઆત મહાદેવના વ્હાલા સોમવાર સાથે થઈ ગઈ છે. આખું વાતાવરણ જાણે મહાદેવમય બની ગયું હોય એવા અનુભવ સાથે શિવ ભક્તો શિવાલયોમાં દર્શનાર્થે ઊમટી પડ્યા છે. જાણે રિસાયેલા મહાદેવને રિઝવવા વિશ્વ આખું એક થયું હોય એમ “મહાદેવ મહાદેવ” ના નાદ ગુંજી ઉઠ્યા છે. દેવો પણ જેને નત-મસ્તકે પૂજે એવા દેવ એટલે મહાદેવ. ભગવાન શિવની આરાધના લોકો પોતાની શ્રદ્ધા અને રીતિ અનુસાર કરતા હોય છે.

        પાંડવોના સમયકાળની એક ખુબ સુંદર કથા છે. જ્યારે પાંડવો પોતાના વનવાસ દરમિયાન માતા કુંતા સાથે સૌરાષ્ટ્રના ભવ્ય સાગર કિનારે પહોચે છે. ચાલતાં ચાલતાં તેઓ ભોજન અને વિશ્રામ કરવા દરિયા કિનારે એક સ્થળ પર રોકાય છે.

         પાંડુપુત્ર અર્જુન શિવ ભક્ત હોય છે. તે પોતની પ્રતિજ્ઞા અનુસાર શિવલીંગની પુજા કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતો. આ તેનું નિત્યકર્મ હતું. એ માટે પાંડવો શિવ મંદિરની ખોજ કરવા લાગ્યા કે અહીં આજુબાજુ ક્યાંય શિવ મંદિર છે કે નહિ!

         ભીમ શિવ મંદિરની ખોજ કરતો થાકે છે. આમ પણ ભીમ તો રહ્યો ભુખારવો એટલે એનાથી એટલી વાર રાહ તો જોવાય નહિ. દુર દુર ક્યાંય શિવ મંદિર દેખાય એવું પ્રતિત થતું નથી. એટલે હવે ભીમની ધીરજ થાક અને ભુખનાં લીધે ખુટતી જાય છે. ભુખ્યા રહેવું એ ભીમ માટે તો ખુબ મુશ્કેલી ભર્યું કામ હોય છે. પણ ભીમ રહ્યો ચતુર આખરે ખુબ થાક અનુભવતા એવા પરસેવે લથબથ ભીમને એક પ્રયુક્તિ સુજી જેના લીધે પોતાનું કામ પણ થઈ જાય અને અર્જુનનું પ્રતિજ્ઞા પણ ના તૂટે.

         ભીમે તો રેતીના ઢગલામાંથી પોતાની ચતુરાઈથી અને કુશળતાથી કલાત્મક શિવલીંગનો આકાર આપી ખુબ સુંદર હુબહુ શિવલીંગ તૈયાર કરી. જોતાં કોઈ ના કહી શકે આ શિવલીંગ હાથથી બનાવેલ છે. ભલભલા થાપ ખાઈ જાય એવી સુંદર આકાર પામેલ આ શિવલીંગને જોઈ મનમાં પ્રસન્નતા અનુભવતો ભીમ અર્જુનને બોલાવવા જાય છે કે જેના લીધે ભોજન કરવા વધુ રાહ ના જોવી પડે.

         આખરે અર્જુન ભીમની બનાવેલી શિવલીંગ પાસે આવી ને જુએ છે. શિવલીંગ મળી આવતાં અર્જુન પણ ખુશ થઈ, શિવલીંગને નમન કર્યા. અર્જુન શિવ પર પૂજ્ય ભાવ સાથે ભીમ એ બનાવેલ લીંગની હૃદયપુર્વક પુજા કરી. આ રીતે પુજા કરવાનું પોતાનું નિત્યકર્મ પુર્ણ કરી અન્નપ્રાશનની તૈયારી કરવા લાગ્યા. ભીમનાં જુઠથી અર્જુન તો સાવ અજાણ હતો. એ પોતની પુજા થઈ ગઈ હોવાથી ભોજન આરોગવા બેસે છે. બધા પાંડવો માતા કુંતા સાથે ભોજન કરવા બેસે છે. ભીમ પણ પોતની જઠરાગ્નિ શાંત કરવામાં લાગી જાય છે.

          બધા એ પોતાનું ભોજન ગ્રહણ કરી. ત્યારબાદ વિશ્રામ કરવા નજીકમાં ઝાડ નીચે બેઠા. ભીમને પોતની યોજના સફળ થતા અંતરનો આનંદનો શાંત રહેવા દેતો નથી. આખરે તે હસવા લાગે છે. આમ, અચાનક ભીમના હસવાથી પાંડવોને પ્રશ્ન થાય છે. તેઓ ભીમને આમ વિચિત્ર હસતાં જોઈ હસવાનું કારણ પૂછે છે.

          ભીમે હસતાં હસતાં સમગ્ર હકિકત જણાવી કે તેણે આ રીતે શિવલીંગ બનાવી. જેથી અર્જુન એ શિવલિંગની પુજા કરે. ત્યારબાદ બધા ભોજન ગ્રહણ કરી શકે. પણ તે તો અર્જુન અને એની ભક્તિ સવાલો ઉઠાવે છે કે વાહ તારી આ ભક્તિ ! એક રેતીના ઢગલાની પુજા કરીને પોતાની રોજની પ્રતિજ્ઞા પુરી કરી એમ અર્જુનની ભક્તિ પર ટીખળ કરી તેની ભક્તિની શ્રદ્ધા પર શંકા કરે છે. અર્જૂન પોતાની શિવલિંગ પુજામાં આવી ઠગાઈ થતાં લાગણી ખુબ દુભાય છે. પરંતુ ભોળાનાથ પર અખૂટ શ્રદ્ધા તેનું મનોબળ તુટવા દેતી નથી. તે સામે ભીમને પડકાર ફેકે છે અને કહે કે જો ભીમ પણ ખરેખર શક્તિશાળી હોય તો તેની બનાવેલી શિવલિંગ હાથથી વેખેરી નાખે. આમ બંન્ને ભાઈઓ સામસામે એકબીજાની ધીરજની પરીક્ષા લઈ રહ્યા હતા. ત્યારે ભીમ ખુબ આવેગમાં આવી પોતે બનાવેલ શિવલીંગ બનાવેલ રેતીના  ઢગલાને પોતાના હાથથી વિખેરવા જાય છે. પરંતુ એ શિવલિંગ વિખરાઈ નહિ. તેના પર ભીમની હાથની પાંચેય આંગળીઓના નિશાન શિવલિંગ પર ઉઠી જાય છે. પણ શિવલિંગ એમ જ અખંડ રહી જાય છે. ભીમ ખુબ જોર લગાવી હાથથી તોડવા જાય છે. પરંતુ આખરે એક ભક્તની ભક્તિનો વિજય થાય છે. આ રીતે અર્જુન પોતાની શિવ ભક્તિની પરીક્ષામાં ઉતીર્ણ થાય છે. સાથોસાથ ત્યારથી ભીમને પણ ભોળાનાથ પર અખૂટ શ્રદ્ધા વધી જાય છે. એ પણ શિવભક્ત બની જાય છે. ભીમે જ્યાં શિવલિંગની સ્થાપના કરી ત્યાં બધા પાંડવો સાથે મળી મંદિર બનાવે છે.

          આ રીતે પાંડવકાળનું સુપ્રસિદ્ધ ખિમેશ્વર મહાદેવનું મંદિર આજે હજારો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિર ભીમએ બંધાવ્યું હોવાથી આ મંદિર ભીમેશ્વર મહાદેવના નામે ઓળખાતું હતું. ત્યારબાદ પોરબંદરના મહારાજા રાણા ખીમાજી જેઠવા એ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. તેની યાદમાં આ મંદિર ખિમેશ્વર નામથી પ્રસિદ્ધિ પામ્યું. આ સુપ્રસિદ્ધ મંદિર જ્યાં આવેલું છે તે ગામ એટલે આપણું આજનું ગામ કુછડી. ઈતિહાસને આધારે લોકવાયકા છે કે આ ગામનું નામ માતા કુંતાના નામ પરથી જ પડ્યું છે. અહીં માતા કુંતા પાંડવો સાથે રોકાયા હોવાથી આ ગામ “કુંતાપુર” નામથી ઓળખાવા લાગ્યું. સમય જતા આ ગામ “કુંતલી” નામથી ઓળખાતું આ ગામનું નામ હાલમાં કુછડી નામે ઓળખાય  છે.

            ખિમેશ્વર મહાદેવનું મંદિર એ ખુબ પ્રસિદ્ધિ પામેલું શાંત વાતાવરણમાં ઘુઘવતા સાગર કિનારે આવેલું છે.  નાના-મોટા તહેવારો, શ્રાવણમાસ અને ખાસ સોમવારના દિવસે અહી શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જય ભોળનાથ.    

જયશ્રીબેન કુછડીયા ઓડદરા “લાગણી

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *