
આપણી જ્ઞાતિમાં પ્રથમ ડીએસપી બનવાનું ગૌરવ શ્રી સુબોધભાઈ ઓડેદરાને ફાળે જાય છે. ૨૦૦૫માં જીપીએસસીની સીધી પરીક્ષા પસાર કરી જ્ઞાતિના સૌથી પહેલા ડાયરેક્ટ ડીવાયએસપી બનવાનું બહુમાન પણ તેઓએ જ મેળવેલ. અત્યારે તેઓ બઢતી પામી મોરબીના ડીએસપી તરીકે ફરજ બજાવે છે. સુબોધભાઈના પિતાનું નામ રામદેવભાઈ ઓડેદરા. માતાનું નામ હીરાબેન. રામદેવભાઈ અત્યારે હયાત નથી પણ તેઓ પણ ડીવાયએસપી હતા. મૂળ ફટાણાના વતની રામદેવભાઈ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ભરતી થઇ ૨૦૦૨માં ડીવાયએસપી તરીકે પ્રમોશન મેળવી છેલ્લે છોટાઉદેપુરથી નિવૃત થયેલ. રામદેવભાઈ આપણા ગુજરાત મહેર સમાજ કેળવણી ઉત્કર્ષ મંડળ (અમદાવાદ-ગાંધીનગર) ના પ્રમુખ તરીકેની સેવાઓ પણ આપી ચુકેલા. સુબોધભાઈ ને ૩ ભાઈઓ છે. એક નાના ભાઈ બ્રિજેશભાઈ હાલ સુરત ખાતે ડોક્ટર છે જયારે બીજા નાના ભાઈ સંજયભાઈ કે જેઓ પણ સુબોધભાઈની સાથે જ જીપીએસસી પાસ કરી ડાયરેક્ટ મામલતદાર બનેલા પણ હાલ તેઓ લંડન (યુ.કે.) સ્થાયી થયેલા છે. સુબોધભાઈએ મોટાભાગનો અભ્યાસ અમદાવાદમાં કર્યો. દશમા ધોરણમાં તેઓને ૮૦ ટકા અને બારમા ધોરણમાં ૬૫ ટકા માર્ક્સ હતા.આ પછી તેઓએ અમદાવાદની જીએલએફ કોલેજમાંથી આર્ટસ ગ્રેજયુએશન કર્યું. ૨૦૦૦માં જીપીએસસી પરીક્ષાની જાહેરાત આવી અને તેમાં અરજી કરી અને પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી. આ માટે તેઓએ એક લક્ષ્ય નક્કી કરી ખુબ જ મહેનત શરુ કરી અને પરીક્ષામાં સામેલ થયા. એ વખતે આજની જેમ તરત જ રીઝલ્ટ ના આવતું, એ પરીક્ષાનું પરિણામ છેક ૨૦૦૫ માં આવ્યું પણ સુબોધભાઈએ જીપીએસસીની એ પરીક્ષા પસાર કરી જ્વલંત સફળતા મેળવી. ચાલો, જ્ઞાતિના યુવાનોને જીપીએસસીની પરીક્ષા કેવી રીતે ક્રેક કરવી તેના વિશે માર્ગદર્શન મળે તે માટે સુબોધભાઈને જ પૂછી લઇએ….
પ્રશ્ન: પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી?
સુબોધભાઈ: વધુમાં વધુ સમય વાંચવામાં વિતાવતો. ખુબ નોટ્સ તૈયાર કરતો.
પ્રશ્ન: કોઈ કોચિંગ ક્લાસ કર્યા હતા?
સુબોધભાઈ: ના, કોઈ કોચિંગ ક્લાસની મદદ વગર મે જાતે જ મહેનત કરી હતી.
પ્રશ્ન: રૂબરૂ મુલાકાતમાં કેવા પ્રશ્નો પુછાયા હતા ?
સુબોધભાઈ: રૂબરૂ મુલાકાતમાં ફેમીલી બેકગ્રાઉન્ડ, સાંપ્રત પરિસ્થિતિ, એજ્યુકેશન જેવી બાબતો વિષે પૂછવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં મારે જીપીએસસીના ચેરમેનનું બોર્ડ હતું.
પ્રશ્ન: જીપીએસસી પસાર કર્યા પછી કઈ કઈ જગ્યાએ ફરજ બજાવી?
સુબોધભાઈ: ડાંગ, મહેસાણા, આણંદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ શહેર, મુડેટી સાબરકાંઠા, કેવડીયા જેવા સ્થળોએ ફરજ બજાવી હતી. હાલ મોરબીના ડીએસપી તરીકે ફરજ બજાવું છું.
પ્રશ્ન: આપણી જ્ઞાતિના યુવાઓને જીપીએસસી પસાર કરવા માટેની સકસેસ ફોર્મ્યુલા જણાવશો?
સુબોધભાઈ: પ્રધ્ધતિસર અને પ્રામાણિકપણે મહેનત કરો. ટાઈમટેબલ બનાવો અને તેને ચુસ્તતાથી વળગી રહો. એક જ લક્ષ્ય નિર્ધારિત કરી બીજું બધું ભૂલી જાવ.રૂબરૂ મુલાકાતમાં જે પ્રશ્નો આવડતા હોય તેના જ સચોટ જવાબ આપો, ના આવડતા હોય તેવા પ્રશ્નોમાં અનુમાન લગાવી બિનજરૂરી વધારાની બાબતો કહેવાનો પ્રયાસ ના કરો. ખુબ મહેનત કરો, મહેનત કરશો તો જરૂર સફળતા મેળવશો.
– ગાંગાભાઇ સરમા

No Comments