પોતાની સાથે ત્રણસો માણસનો સંઘ લઈને દ્વારકાની પગપાળા યાત્રાએ નીકળેલો છત્રાવા ગામનો રાણો ખૂંટી મોઢવાડાના પાદરમાં પહોંચ્યો ત્યાં સાંજ પડી ગઈ, તેથી એણે મોઢવાડા ગામમાં વણઘા પટેલ નામે પોતાના ભેરુબંધને ત્યાં રાતવાસો કર્યો. રાતે વાળુ કર્યા બાદ વણઘાની ડેલીમાં અડાબીડ ડાયરો જામ્યો. વાતવાતમાં રાણા ખૂંટીએ કહ્યું : ‘વણઘા પટેલ, સાંભળ્યું છે કે તમારા રાજા બારોટે નાથા ભગતની વીસી લખી છે. બોલાવો તો અમેય સાંભળીએ.’

     ‘રાણાભાઈ, ઈ બારોટ જરા ફાટેલ પ્યાલાનો છે. કાનને કઠે એવું બોલે તો માઠું નહીં લાગે ને ?’

     ‘અરે પટેલ ! બારોટ તાં આપણો ભૂદેવ. કડવું છતાં સાચું કેનારો. એનાં વેણથી કાંઈ માઠું લગાડાતું

હશે, બાપ ? તેડાવો તમતમારે.’

     વણઘા પટેલે રાજા બારોટને બોલાવ્યો. બારોટ ડાયરાને રામરામી કરીને રાણા ખૂંટીની સામે ખાલી પડેલા હિંગળોકિયા ઢોલિયા પર બેઠો. રાણા ખૂંટીએ કહ્યું : ‘બારોટજી, નાથા ભગતની વીસી સાંભળવી છે.’

     ‘સંભળાવી દઉ, બાપ !’ એમ કહી રાજા બારોટે અંજળિમાં લીધેલ કસૂંબાનો ઘૂંટ ભર્યો અને પછી પહાડી સાદે વીસીની શરુઆત કરી :

     એકે તેં ઉથાપિયા, ટીબા જામ તણા,

     સુણિયુ સિસોદિયા, નવખંડ વાતું નાથિયા !

(હે સિસોદિયા મેર નાથા ! તેં જામનગર નરેશ જામ રણમલજીનાં અનેક ગામડાં ઉજ્જડ કર્યાં છે. તારા એ પરાક્રમની વાતો દેશદેશાવરમાં ફેલાઈ ગઈ છે)

     બીજે નાનાં બાળ રોતાં  પણ છાનાં રહે,

     પંચમુખ ને પ્રોચાળ, નાખ છ ગડકુ નાથિયા !

(હે સાવજશૂરા નાથા મોઢવાડિયા ! તું જ્યાંજ્યાં જાય છે, ત્યાંત્યાં એવી ભીષણ ત્રાડો નાખે છે કે એ સાંભળીને રોતાં બાળક પણ છાનાં રહી જાય છે.)

     ત્રીજે જાડેજા તણું, મોઢા છોડાવ્યું માન;

     ખંડ રમિયો ખુમાણ નવતેરી તું નાથિયા !

(હે મોઢવાડિયા મેર નાથા ! તેં તો જાડેજા વંશના જામસાહેબનું માન પણ ઉતારી નાખ્યું છે. પાંડુપુત્ર ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી ? લઈને નવતેરી નામની રમત રમતો હતો, તેમ તું પણ એકસામટા અનેક શત્રુઓને પદોળતો યુદ્ધની રમતો રમ્યો છે.)

     ચારે દાઢે ચાવ, બારાડી લીધી બધી,

     હવે લેવા હાલાર, નાખ છ ધાડાં નાથિયા !

(હે મરદ મેર નાથા મોઢવાડિયા ! તેં જામસાહેબના બારાડી પરગણાને તો કબજે કરી લીધું છે; હવે એનું હાલાર પરગણું કબજે કરવા તું રોજ ધાડાં ઉતારે છે.)

     પાંચે તું પડતાલ, કચ્છીયુંને કીધા કડે;

     મોઢા ડુંગર મુવાડ, નત ગોકીરા નાથિયા !

(હે ભડવીર નાથા મોઢવાડિયા ! તેં તારા અતુલ બળથી કચ્છના મૂળ વતની એવા જાડેજાઓને વશ કરી લીધા છે. ડુંગરની ખીણમાંથી ઊઠતી તારી ત્રાડો સહુને ડરાવે છે.)

     છઠ્ઠે બીજા ચોટ, નાથાની ઝીલે નહીં;

     કરમી ભેળ્યો કોટ, તુરંત દેવરિયા તણો.

(હે નાથા મોઢવાડિયા ! તારા લોખંડી હાથની ✋થપાટ કોઈ ખમી શકતું નથી. હે ભાગ્યશાળી મેર ! દેવરિયા ગામનો અતિ મજબૂત કિલ્લો તેં એક હલ્લામાં જ કબજે કરી લીધો !)

     સાતે તું ડણકછ સુવણ, મોઢા ડુંગર માંય;

     થરથર જાંઘુ થાય, રજપૂતોની રાત-દી.

(હે સાવજશૂરા મોઢવાડિયા મેર નાથા ! ડુંગરની ગાળીઓમાં તું એવી ડણકુ નાખે છે કે તે સાંભળીને રજપૂતોની જાંઘુ થરથરવા માંડે છે.)

     આઠે આળુ જે કરે, વેડા મૂકે વાણ;

     તણ નગરે ટીટાણ, નાખે મૂતર નાથિયા !

(તારા ઉપર ખોટાં આળ ચડાવીને તને બદનામ કરવાનો પ્રયાસ કરનાર જામનગરના શાસકો તારો જાસો મળતાં જ કપડાંમાં એકી કરી નાખે છે.)

     નવે સારતો નહીં હાકમને હંસરાજ;

     વશ કીધો તેં વંકડા, રંગ તુંને નથરાજ !

(હે વંકડા મરદ મેર નાથા ! અમરેલીનો સૂબો હંસરાજ મોટા મોટા રાજાઓને પણ ગાંઠતો નહીં, પરંતુ તેં એને પણ વશ કરી લીધો ! તને ખરેખર રંગ છે.)

     દસે એક દહીવાણ, દરંગો આછાણી દલી;

     ખંડ બરડે ખુમાણ, નર તું બીજો નાથિયા !

(મોગલ બાદશાહના સમયમાં એટલે કે ઈ.સ.1703માં દિલ્હી ઉપર ચડાઈ કરનાર દુર્ગાદાસ રાઠોડ જેમ રાજપૂતોમાં શૂરવીર ગણાયો, તેમ બરડાની મેર જાતિમાં તું બહાદુર ગણાયો.)

     અગિયારે મેર અભંગ, લોકુમાં લેખાત;

     નાથા જનમ ન થાત, વંશમાં વાશિયાંગ રાઉત !

(હે વાશિયાંગ મોઢાના પુત્ર ! હે શૂરવીર નાથા ! જો મેરવંશમાં તારો જન્મ ન થયો હોત તો તારી મેર જાતિ વસવાયા કોમમાં ખપી જાત- અર્થાત્ એની કોઈ ગણના ન થાત !)

     દુહે દુહે હોંકારો દઈને રાજા બારોટને પાનો ચડાવનાર રાણા ખૂંટીનો હોંકારો અગિયારમા દુહા પછી ન સંભળાયો, એટલે રાજા બારોટે રાણા ખૂંટી તરફ નજર નોધી. રાણા ખૂંટીના ચહેરા પર કડવાશનો ભાવ તરવરતો દીઠો.

     ‘કાં, રાણાભાઇ ! કંઈ માઠું-બાઠું લાગ્યું ?’ રાજા બારોટે પૂછી લીધું.

     ‘ન કહેવા જેવી વાત કહો તો માઠું જ લાગે ને, બારોટ ?’

     ‘પણ મેં એવી તે શી વાત કહી, જે તમને ન કહેવા જેવી લાગી ?’ જાણવા છતાં રાજા બારોટે પૂછ્યું.

     ‘રાજાભાઈ ! બારોટ પોતાના જજમાનનાં ગીત ગાય એમાં કોઈ નવાઈ નથી, પણ નાથાનાં બિરદ ગાવામાં તો તમે બારોટ-ધર્મને જાણે નેવે મૂકી દીધો છે !’

     ‘કેમ?’

     ‘કેમ એટલે, મલક-બધામાં કાંઉ નાથો મોઢો એક જ શેર લોઢું બાંધી જાણે છે ને બીજા મેર માંચીના માંકડ છે ?’ રાણા ખૂંટીએ રોષભર્યા સ્વરમાં જવાબ દીધો :’મારતાં ને મરતાં તો અમનેય આવડે છે, હો રાજાભાઈ !’

     ‘રાણાભાઈ !’ રાજા બારોટની જીભ પર ખુમારીનો રંગ ચડ્યો :’અમે બારોટના દીકરા. જજમાનનાં બિરદ ગાવાં એ અમારો ધરમ છે, પણ પાવલીની આશાએ કોઈના પવાડા (શૌર્યગીત) લલકારવા જેટલી નીચી કક્ષાએ તો અમે ન જ ઊતરીએ, હો ! તેમ છતાં તમને માઠું લાગ્યું હોય તો મને પણ દુહા સંભળાવવાનો કોઈ શોખ નથી.’ એમ કહીને બારોટે ચોપડો સંકેલી લીધો.

                  ******

     ‘બારોટજી ! રાણા ખૂંટીનો ત્રણસો માણસનો સંઘ દ્વારકાની જાત્રા કરીને પાછો આવી ગયો છે. આજનો ઉતારો પણ વણઘા પટેલની ડેલીએ જ રાખ્યો છે. હું ત્યાં બેસીને આવું છું.’

     બરાબર દીવાટાણે મોઢવાડા ગામના એક આદમીએ રાજા બારોટને સમાચાર આપ્યા.

     ‘તો-તો રણછોડરાયનાં ગુણગાન સાંભળીને ધન્ય થયા હશો, કાં ?’ ઠાકોરજીની આરતી ઉતારી રહેલા બારોટે પૂછ્યું.

     ‘રણછોડરાયનાં ગુણગાન તો ઠીક, બારોટ ! પરંતુ કાનને કઠે એવી વાત પણ સાંભળવા મળી !’

     ‘કાનને કઠે એવી વાત ?’ રાજા બારોટે નવાઈ પામીને પૂછ્યું : ‘પણ જાત્રાએ ગયેલા માણસ પાસેથી વળી કાનને કઠે એવી શી વાત સાંભળવા મળી, ભાઈ ?’

     ‘બારોટજી ! રાણો ખૂંટી મેરનો દીકરો ખરો, પણ એક મામૂલી ચાકરડાએ એને નમાલો પુરવાર કરી દેખાડ્યો !’

     ‘કેમ શી વાત છે ?’

     ‘ભોગાત ગામને પાદર બેઠેલા જામના દાણીએ ત્રણસો કોરીનું દાણ વસૂલ્યા પછી જ એના સંઘને આગળ જવા દીધો !’

     ‘હેં !’ રાજા બારોટના મુખેથી ઉદગાર સરી પડ્યો : ‘રાણા ખૂંટી જેવા જોરાવર મેર પાસેથી પણ જામના દાણીએ ત્રણસો કોરી વસૂલી ?’

     ‘હા-હા, બારોટ ! હું કંઈ ખોટું થોડું બોલતો હોઈશ : ડાયરામાં બેસીને મારા સગા કાને સાંભળેલી વાત કહું છું.’

     ‘આ તો બહુ કેવાય !’ એમ કહીને રાજા બારોટે ઝડપથી આરતી પૂરી કરી. ખીંટીએ ટાંગેલું સોગિયું (ખરખરે જતી વખતે લઈ જવાતી પછેડી) ઉતાર્યું.પાઘડીને બદલે માથા પર સોગિયું વીંટાળીને એ ઘરની બહાર નીકળ્યો. વણઘા પટેલની ડેલી પાસે પહોંચીને ડાયરાને રામરામ કર્યા અને પછી વણઘા પટેલને કહ્યું : ‘પટેલ ! હું એક અગત્યના કામે બહાર જાઉં છું. કાલ બપોરટાણે તો પાછો આવી જઈશ. પણ ત્યાં સુધી મેમાનોને રોકજો. મારે એમને કસુંબો પાવો છે.’

     ‘ભલે, બારોટ ! તમારો આટલો આગ્રહ છે, તો ત્યાં સુધી મેમાનોને રોકીશ, બસ ?’

     ‘જો એમને જવા દો તો તમને સૂરજદેવતાની આણ છે !’ એમ કહીને બારોટ ચાલતો થયો. મો-સૂઝણું થયું ત્યાં પોલેપાણે પહોંચ્યો. બરાબર તે વખતે નાથો ઊઠીને દાતણ કરી રહ્યો હતો. નાથાને જોતાં જ રાજા બારોટે માથા પર પછેડી ઓઢીને મોટા સાદે પોક મૂકી : ‘નાથો રે…નાથો !’

     પોતાના નામની પોક મૂકતાં મૂકતાં ચાલ્યા આવતા બારોટને જોઈ નાથાને ભારે નવાઈ ઊપજી. પૂછ્યું : ‘બારોટજી ! લોકો મરેલા માણસ ઉપર પોક મૂકે છે, પણ તમે જીવતા માણસના મરશિયા ગાવાનું કેદુના શીખ્યા ?’

     ‘મારો નાથો સાવજ ક્યાં જીવે છે ? એ તો કેદુનો પાછો થયો છે !’ મોટો ખૂખવો મૂકતાં રાજા બારોટે જણાવ્યું : ‘જો મારો નાથો સાવજ જીવતો હોય તો કોની મગદૂર છે કે જાત્રાએ જનારા મેર પાસેથી ત્રણસો કોરીનું દાણ વસૂલે ?’

     ‘પણ વાત શું છે ?’

     રાજા બારોટે માંડીને આખી વાત કહી.

     બારોટની વાત સાંભળીને નાથાએ દોત-કલમ મગાવ્યાં. રાજા બારોટના હાથમાં દઈને ચબરખી લખાવી : ‘જામ રણમલને માલૂમ થાય કે દ્વારકાની જાત્રાએ ગયેલા છત્રાવા ગામના રાણા ખૂંટી પાસેથી ભોગાત ગામના પાદરે બેઠેલા તારા દાણીએ ત્રણસો કોરીનું જે દાણ લીધું છે, તેમાં રાજની બીજી ત્રણસો કોરી દંડની ઉમેરીને કુલ છસો કોરી મોઢવાડામાં વણઘા પટેલની ડેલીએ રોકાયેલા રાણા ખૂંટીને પૂગાડી દેજે, નકર નાથા મોઢાની વાર તારી ખબર કાઢવા આવશે.’

     ચબરખી જામ રણમલને પૂગાડવા માટે નાથાએ પોતાના એક રાયકાને મારતી સાંઢણીએ જામનગર તરફ રવાના કર્યો અને પછી રાજા બારોટ તરફ ફરીને કહ્યું : ‘બારોટજી ! હવે તમે ખુશીથી મોઢવાડે સિધાવો. સાંજ સુધીમાં છસો કોરી મોઢવાડે ન પૂગે તો તમતમારે મારા નામનું નાઈ નાખજો.’

     નાથાનાં ગરવાં બિરદ ગાતો-ગાતો રાજો બારોટ પગપાળા ચાલીને મોઢવાડા ગામે પાછો ફર્યો. વણઘા પટેલની ડેલીએ ગયો. ડાયરાની વચ્ચે બેઠક લીધી.’ઘટાક ! ઘટાક !’ કરતો પાણીનો આખો લોટો ગટગટાવીને પોતાના ધખધખતા ગળાને ઠંડું પાડ્યું અને પછી રાણા ખૂંટીને પૂછ્યું : ‘કેમ, રાણાભાઇ ! જાતરા તો સુખમય રહી ને ? કોઈ મુસીબત તો ન આવી ને ?’

     ‘ના રે, બારોટ ! કોઈ મુસીબત ન આવી. જાતરા ભારે સુખમય રહી.’

     ‘સાંભળ્યું છે કે ભોગાતને પાદર બેઠેલા દાણીએ તમારી પાસેથી ત્રણસો કોરી દાણની વસૂલી !’

     ‘દાણ લેવા બેઠો હોય એ તો દાણ વસૂલ કરે જ નાં, બારોટ ! એમાં વળી સાંભળવા જેવું શું હતું ?’

     ‘પણ નાથાના સગા તરીકે તમે તમારી ઓળખ આપી હોત, તો દાણી દાણ લીધા વિના જ તમને જાતરાએ જવા દેત.’

     ‘બારોટજી ! આવી કૂતરાં ખડ ખાય એવી વાત કાં કરો ?’ રાણા ખૂંટીએ મોઢું બગાડ્યું :’દાણી દાણ લેવા બેઠો છે, કોઈની સગાયું સાંભળવા થોડો બેઠો છે ? નાથાથો ભો રાખીને બેસે તો બધાં મફતમાં જ જાતરા કરે ને દાણીનો ખડિયો ખાલીનો ખાલી જ રહે.’

     ‘પણ જરા ખાતરી તો કરવી’તી, રાણાભાઇ ! કે નાથાનું નામ….’ રાજા બારોટ હજુ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો એક સાંઢણીસવારે આવીને વણઘા પટેલની ડેલી પાસે સાંઢણીને થોભાવી. સાંઢણીના પેટમાં હાંફ માતી નથી. નસકોરાં જોરજોરથી ગાજી રહ્યાં છે. સાંઢણીને અસવારે પવનવેગે દોડાવી હશે એવા અણસાર કળાઈ રહ્યા છે.

     વણઘા પટેલની ડેલી પાસે સાંઢણીને ઝોકારીને અસવાર હેઠો ઊતર્યો. ડેલીના દરવાજામાં ઊભીને પૂછ્યું : ‘આ ડાયરામાં રાણો ખૂંટી કોણ ?’

     ‘હું પોતે જ; કેમ ?’ રાણા ખૂંટીએ ઊભા થઈને જવાબ આપ્યો.

     ‘લ્યો, આ તમારી છસો કોરી !’

     ‘છસો કોરી ? શેની છસો કોરી ?’ પોતાને કંઈ સમજાયું ન હોય તેમ રાણા ખૂંટીએ અસવારને પૂછ્યું.

     ‘ભોગાત ગામને પાદર તમારા પાસેથી ત્રણસો કોરીનું દાણ વસૂલ્યું હતું ને ?’

     ‘હા’

     ‘તેમાં રાજની બીજી ત્રણસો કોરી દંડની ઉમેરીને કુલ છસો કોરી તાબડતોબ તમને પૂગાડી દેવાનું નાથાનું ફરમાન છે !’ અસવારે વિગત જણાવી : ‘નાથાનું ફરમાન ઠુકરાવે એને ક્યા મુલકની ધરતી સંઘરે, ભાઈ !’

     રાણો ખૂંટી ઘડીક સાંઢણીસવાર ભણી તો ઘડીક રાજા બારોટ ભણી ફાટી આંખે જોતો રહ્યો. ગઈ કાલે સાંજે ક્યાં અને શા માટે ગયો હતો એ આખો રાઝ તે કળી ગયો. રાજા બારોટ પાસે જઈને તેનો ખભો થપથપાવતાં બોલ્યો : ‘બારોટજી ! હવે મને સમજાયું કે પાવલીની આશાએ કોઈના પવાડા લલકારો એટલા સસ્તા તમે નથી. તમારી વાત મને ગળે ઊતરી છે. મેરમાં નાથા જેવો મરદ પાક્યો એનો અમને પોરસ છે. તમતમારે વીસી પૂરી કરો.’

     રાણા ખૂંટીને ગળે ઘૂંટડો ઊતરી ગયો એટલે રાજા બારોટને નિરાંત થઈ. પોતાના માટે ખાલી રાખેલી બેઠક પર તે બિરાજ્યો. ખોંખારો ખાઈને ગળું બરાબર સાફ કર્યું અને પછી વીસી આગળ વધારી :

     બારે બિલેશ્વર તણું, ઉપર મોઢો એક,

     ત્રેપરજાની ટેક, નભાવી તેં નાથિયા !

(હે નાથા મોઢવાડિયા ! બિલનાથ મહાદેવની આકરી ટેક તો કોઈ વીરલો જ પાળી શકે. તું એવો વીરલો નીકળ્યો કે એ ટેકને સદાને માટે નિભાવી રાખી.)

     તેરે તેં તલવાર, કચ્છીયુંથી બાંધી કડે,

     હવે લેવા હાલાર, નાખ છ ધાડાં નાથિયા !

(હે મરદ નાથા ! તેં તારી તલવારના બળથી કચ્છના મૂળ વતની એવા જાડેજાઓને તો વશ કરી લીધા  છે, હવે એનું હાલાર પરગણું કબજે કરવા માટે તું રોજ ધાડાં ઉતારે છે.)

     ચૌદે ધર લેવા ચડે, ખુમારાં ખરવાણ,

     ભારે પડે ભગાણ, નગર લગણ નાથિયા !

(પોતાની તાકાતનું મિથ્યાભિમાન રાખનારા તારા અનેક જોરાવર દુશ્મનો તને કડે કરવા ભારે દાખડો કરે છે, પરંતુ હે નાથા ! તારી બહાદુરી જોઈને તેમને નગર સુધી ભાગવું ભારે થઈ પડે છે.)

     પંદરે તુંને પાળ, ભડ મોટા આવી ભરે,

     ખત્રી હવ્યે ખાંધાળ, ન કરે તારી નાથિયા !

(હે મરદ મેર નાથા મોઢવાડિયા ! મોટામોટા ભડવીર રાજાઓને પણ તેં તારા અતુલ બળથી ખંડિયા બનાવી દીધા છે. એ સહુએ તારાથી ડરીને તને પાળ એટલે કે ખંડણી ભરવાનું ચાલુ કરી દીધું છે. હવે તો કોઈ ક્ષત્રિય બચ્ચો તારી છેડ કરવાનો વિચાર પણ કરતો નથી.)

     સોળે નવસોરઠું તણા, બળિયા દંડ છ બાન,

     કચ્છીયું તુંથી કાન, નોરે ઝાલ્યા નાથિયા !

(હે મરદ મેર નાથા મોઢવાડિયા ! આખી સોરઠના રજપૂત રાજાઓને બાનમાં લઈને એમની પાસેથી તું દંડ વસૂલ કરતો રહ્યો છે. જેમ વશ કરેલાં પશુનો કાન પકડીને એને ગમે ત્યાં લઈ જઈ શકાય છે, તેમ જાડેજાઓને તેં વશ કરીને નોરે એટલે કે કતારમાં ખડા કરી દીધા છે.)

     સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે,

     બાબી-જાડેજા બે, નમાવ્યા તેં નાથિયા !

(હે મરદ મેર નાથા મોઢવાડિયા ! શૂરાતન હવે તને એવું આંટો લઈ ગયું છે કે તારી સામે થવાનો કોઈ વિચાર સુદ્ધાં નથી કરતું. જૂનાગઢ નવાબ બહાદરખાન બાબી અને જામનગર નરેશ જાડેજા જામ રણમલ જેવા બે મોટા રાજાઓ તારી સામે તાજમ કરીને ઊભા રહે છે.)

     અઢારે ઈડર તણો, નકલંક ભેરે નાથ,

     હાકમ પેટે હાથ, નમાવ્યા તેં નાથિયા !

(હે મોઢવાડિયા મેર નાથા ! તારી સહાયમાં તો ઈડરનો નકલંક નાથ ઊભો છે. તેથી જ તેં માંધાતા જેવા મોટા મોટા રાજાઓને પણ લાચાર બનાવી દીધા છે.)

     ઓગણીસે ઓસરિયા, જાડેજા-બાબી જે,

     કેશવ ભૂપત એક, નમિયા પખેણો નાથિયા !

(હે મરદ મેર નાથા મોઢવાડિયા ! જામનગરના જામસાહેબ અને જૂનાગઢના નવાબ જેવા મોટામોટા રાજાઓને તેં નમાવી દીધા છે. હવે તો માત્ર એક જ રાજા તારી સામે અણનમ ઊભો છે અને તે એટલે દ્વારકાનો રાજા રણછોડરાય.)

     વીસે તું સમવડીંગ, ધરપત ધાકા ધ્રોડ,

     ચાડ્યું ગઢ ચિતોડ, નર તેં પાણી નાથિયા !

(હે વીરનર નાથા મોઢવાડિયા ! તને પકડવા માટે બધા જ રાજાઓએ બનતી મહેનત કરી, પરંતુ

 એક પણ રાજાનો એમાં કાર ફાવ્યો નહીં. તેં તો સિસોદિયા કુળના મૂળ ધામ એવા ચિત્તોડગઢને પાણી ચડાવ્યું.)

  • લેખક : ભરત બાપોદરા
    ચિત્રકાર : કેશુભાઈ કેશવાલા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *