લેખન :- રામ બાપોદરા,
તસ્વીર: લીના પરમાર
.

સોરઠ ધરા સોહામણી ને ઉંચો ગઢ ગિરનાર,
સાવજ ત્યાં સેંજળ પીવે ત્યાંના નમણાં નર ને નાર

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ અને ગુપ્ત વંશનો ઈતિહાસ ઉજળો છે. મગધના નંદ વંશજોનો નાશ કરી, ગણરાજ્યો ને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ પુર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. મૌર્યકાળમાં ગિરનાર પર્વત ની ઓળખ ‘રૈવત’ અને ‘રૈવતક’ નામથી થતી હતી. સિધ્ધરાજ જયસિંહે જુનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા ‘ રા – ખેંગાર ’ ને મારી તેની રાણી રાણકદેવી ને લઇ ને જતો હતો ત્યારે રાણકદેવી બોલ્યા………!

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો?
મરતાં રા ખેંગાર, ખંખેડી ખાંગો ન થિયો ?

અર્થાત :- તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે. આ વખતે ગિરનાર પડવા માંડ્યો જેની સાક્ષી હાલ અનેક શિખરો આપણને પુરે છે.ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતો નો સમુહ છે. જ્યાં સિધ્ધ ચોરાસી નાં બેસણાં છે. આ પર્વત માં પાંચ ઉંચા શિખરો આવેલા છે.
ગોરખ શિખર ૩૬૦૦
અંબાજી ૩૩૦૦
ગૌમુખી શિખર ૩૧૨૦
જૈન મંદિર શિખર ૩૩૦૦
માળી પરબ ૧૮૦૦
ગિરનાર ના પાંચ પર્વતો માં કુલ ૮૬૬ જેટલા મંદિરો આવેલા છે. પર્વત ના કુલ પગથિયાં ૯,૯૯૯ છે.

પગથિયાં વિષયક એક રોચક લોકવાયકા:
સદીઓ પહેલાં ની વાત છે. ગુજરાત ને વિજયી બનાવીને ઉદયન મંત્રી રણ છાવણીમાં પોઢ્યા હતા. તેમનું શરીર જખ્મી બન્યું હતું, પોતાના પુત્ર ને તે સંદેશો આપે છે કે ” મારી ઈચ્છા હતી કે – શેત્રુંજય પર યુગાઘીદેવ
મંદિર નું હું નવનિર્માણ કરાવું, અને ગિરનાર પર્વત પર હું પગથિયાં કંડારૂ.” (આ બે ઈચ્છા વ્યક્ત કરી)
ઉદયનની એક ઈચ્છા પુર્ણ થાય છે, પરંતુ બીજી ઈચ્છા હજુ બાકી હતી. બીજી ઈચ્છા પૂર્ણ કરવા તેનો ‘બાહડ’ મંત્રી ગિરનાર આવે છે. ત્યાં નજરો તાગ ન પામી શકે તેવી ઉંચી ભેખડો જોઈ, વાદળોને શિખરો સાથે વાતો કરતા જોયા અને મુંઝાવા લાગ્યા કે શું અહીં પગથિયાંનું નિર્માણ શક્ય છે ………?
કોઈ ઉપાય ના મળતાં ‘બાહડ’ મંત્રી માતા અંબિકાની આરાધના કરે છે. તપસ્યા અને ઉપવાસના અંતે માતા અંબિકા રસ્તો બતાવતાં કહે છે કે — ‘‘ હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં એ રસ્તે તું પગથિયાંનું નિર્માણ કરજે’’ વાતાવરણ માં આનંદ પ્રસરી ગયો. માતાજી જ્યાં જ્યાં ચોખા વેરતા ગયા ત્યાં ત્યાં પગથિયાં નાં ટાંકણા પડતા ગયા. અને માતા અંબાજીની આરાધનાથી આ પર્વત પર પગથિયાં નિર્માણ પામે છે.

મહત્વ ના સ્થાનકો

અંબાજી મંદિર :
લગભગ ૩૩૦૦ ફુટ ની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. અંબાજી આશરે ૬૦૦૦ પગથીયા પર આવેલું છે. હાલ અંબાજી સુધી પહોચવાનો રોપ વે માર્ગ પણ બની ગયો છે. ગીરનાર પર્વત ના પગથીયા આરંભના સ્થાન ને ‘શ્રી ભવનાથ તળેટી’ કહે છે. ત્યાંથી ઉપર ચઢતાં પાંડવ દેરી,હનુમાનવાળું સ્થાનક,ભરથરીની ગુફા,પરબની જગ્યા,નેમીનાથ દેરાસર,ભીમ કુંડ,ગૌમુખી ગંગા,જટાશંકર ધર્મશાળા,પથ્થરચટ્ટી,સેવાદાસજીની જગ્યા ૧૮૨૪,ભરતવન, સેશાવન,હનુમાન ધારા જેવા સ્થાનકો આવે છે. યુગોથી મૌન રહેલી આ જગ્યા સાક્ષાત ઈશ્વર ના અવતાર ના સાક્ષી પુરાવાઓ આપણને હાલ વર્તમાન સમયમાં પણ આપે છે.
ગોરખનાથ નો ધુણો:
૩૬૦૦ ફુટ ની ઉંચાઈએ ગોરખનાથ ધુણો આવેલ છે.નાથ સંપ્રદાયના ગોરખનાથ નો ધુણો અને ચરણપાદુકા અહિં આવેલ છે. અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ ગુફા પાસે દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે.
દત્તાત્રેયનો ધુણો- દત્ત શિખર :
ગોરખનાથ ટુંક થી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટે રસ્તો ખુબ કઠીન ગણાય છે. બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સ્વરૂપ અનસુયા ની કોખે પ્રગટેલા દત્તાત્રેય ભગવાને અહીં ૧૨૦૦ વર્ષ તપ કર્યું હતું. અનેક ભાવિક ભક્તો આ સ્થાનકમાં દર્શન નો લ્હાવો માણી ધન્યતા નો અનુભવ કરે છે.
મીરા દાતાર:
ગિરનાર ના એક છેડે ગુરુ દત્ત ના બેસણાં છે, તો નૈઋત્યમાં પૃથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટ ની ઉંચાઈએ મીરા દાતાર ની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આસન છે. જમિયલશા ઈરાન થી ૧૪૭૦ માં અહીં આવી ને વસ્યા હતા. આ સ્થાનક પર અનેક દર્શનાર્થીઓ વર્ષ દરમિયાન દર્શન કરવા આવે છે.
નેમીનાથ દેરાસર:
જૈન ધર્મના જે પાંચ દેરાસર આવેલ છે તેમાંનું એક દેરાસર એટલે ગિરનાર પર્વત પર આવેલ નેમીનાથ દેરાસર, આ દેરાસર ૩૩૦૦ ફુટ જમીનથી ઉંચાઈ ધરાવે છે. ગિરનાર પર્વત પર દેવકોટ દરવાજામાંથી અંદર પ્રવેશ કરતા જૈન દેરાસરો દ્નષ્ટીગોચર થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ જૈન ધર્મનું અનેરું પ્રદાન છે.
આ ઉપરાંત ગિરિમાળા વચ્ચે કાશ્મીરીબાપુનો આશ્રમ, પરિક્રમા રૂટ ઉપર બોરદેવી, જીણા બાવાની મઢી અને તળેટીમાં ભવનાથ મંદિર, શેરનાથ બાપુનો આશ્રમ, પ્રેરણા ધામ, પુનીત આશ્રમ જેવા અન્ય નવા સ્થાનો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પુરાણકારો,લેખકો અને અનેક કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે. ગિરનાર નું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર પ્રકૃતિને આભારી છે. ગિરનારનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ અનેરું છે.
ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણમાં પ્રભાસખંડમા ગિરનારનું મહત્વ દર્શાવવામાં આવેલ છે.
આમ અનેકવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો ગિરનાર પર્વત પર આવેલ છે. જે સાક્ષાત ઈશ્વરના અવતાર ની આપણને હાલ સાક્ષી પૂરે છે.

ખાસ નોંધ:- ઉપર્યુક્ત લેખ ગિરનાર વિષયક સંશોધન કરનાર સંશોધકો, તેમજ ઈતિહાસ માં રસ રૂચિ ધરાવનાર વ્યક્તિઓ, તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને ઉપયોગી માહિતી મળી શકે તે માટે તૈયાર કરવામાં આવેલ છે.

સંદર્ભ:-
‘ગિરનાર ઈતિહાસ’
‘સૌરાષ્ટ્રમાં માં ધાર્મિક સ્થળો’
ઇતિહાસવિદ ડૉ નરોત્તમ પલાણ ( પ્રત્યક્ષ મુલાકાત )

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *