“તું જ તારું અજવાળું, તું જ તારી શક્તિ.
રડ નહીં લડ,
તું જ તારો રથ અને તું જ એની સારથિ.”
દોઢ અક્ષર નો શબ્દ સ્ત્રી એટલે…………….દુનિયાનો નાથ પણ જેને પુજે એ મહાશક્તિ નો સ્ત્રોત. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના શુભ અવસર પર સમાજને સંસ્કાર, સારાં વિચારો અને આકાર આપનારી નારી શક્તિને મહિલા દિવસની શુભકામનાઓ. સમગ્ર જગતનો કોઈપણ પુરુષ એ પછી મનુષ્ય હોય કે ત્રણ લોકનો નાથ પરમાત્મા કે પછી દેવાધિદેવ મહાદેવ એ તમામ સ્ત્રી પાત્ર વગર અધૂરાં છે.મહાકવિ નમૅદનુ એક વાક્ય વાંચવામાં આવેલું કે “સ્ત્રી વિનાનો સંસાર ભૂખ્યા વરુઓવાળા જંગલ જેવો છે.”તમે જરા કલ્પના કરી તો જુઓ ! સ્ત્રી જ ના હોય તો ??
“’શકુન્તલા બની ભારતનો લખ્યો સુવર્ણ ઈતિહાસ,
લક્ષ્મીબાઈ બની અંગ્રેજોને આવવા ના દીધાં પાસ,
યશોદા બની કનૈયાને બાળપણથી બનાવ્યો વીર,
જીજાબાઇ બની દિકરાને પારણામાં બનાવ્યો શેર,
અંજલી બની હનુમાનને બનાવ્યો શ્રેષ્ઠ શક્તિમાન.’’
સતત દોડતી, આખાં ઘરની ચિંતા કરતી તું ખુદ ન જાણે તારા સ્વરૂપ કેટલાં.જે સમયે જે જગ્યાએ જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે બીબાંમાં ઢળી જાય છે.માં, દિકરી,બહેન,પત્ની આ દરેક મહિલાનાં રૂપ છે.દરેકે દરેક કિરદાર એની રીતે દમદાર નિભાવીને જીવી જાય છે.એ પણ કાંઈ ચુ ચાં કર્યાં વગર જ.
દિકરી જન્મે ત્યારે લક્ષ્મી પધાર્યા એમ કહેવાય છે,દિકરી તો બાપનું નસીબ બનીને આવે છે. અરે! વ્હાલાંઓ, “જે બાપની રાતને પણ ‘દિ’ (દિવસ) કરી નાખે એટલે એ દિકરી” દિકરી એક પંખી છે એક દિવસ ઉડી જશે, એને આગળ વધતા ન રોકશો,ઉડવા દો એને પોતાની જીંદગીના ઊંચા આકાશમાં. તમે તમારો વિશ્વાસ એનામાં મુકી તો જુઓ એ કદી તૂટવા નહીં દે.પિતાના શ્વાસમાં વિશ્વાસની મહેંક પાથરતું ફુલ એટલે દીકરી..
માં ની મમતા અને બાપની વ્હાલ આપવાની કળા એક બહેનમાં હોય છે.જેની સાથે બાળપણની નોક-જોક આજે પણ યાદ હોય,જેણે ભાઈ માટે વ્રત કર્યા હોય.જે રક્ષા બાંધી ભાઈની સલામતીની પ્રાથના કરે.”મમતાની ઝાંખી કરાવતો અરીસો એટલે બહેન.”
જીવનનાં મહત્વના પડાવની શરુઆત જીવનસંગિની સાથે થતાં ઘરની શરુઆત થાય છે.પતિની પરિસ્થિતિને અનુરૂપ અનુસરવા માટે એને કદી કહેવું નથી પડતું.આપોઆપ જેમ દૂધમાં સાકર ભળે તેમ સંપૂર્ણત: ભળીને મિઠાશ ફેલાવે છે.દરેક નાની મોટી કે ખાનગી વાતની જેને જાણ હોય જ તેવી અર્ધાંગિની. નિરાશાના અંધકારમાં પણ આશાનું કિરણ પ્રગટાવતી હિંમત એટલે પત્ની.
‘માં’ સ્ત્રીનું એક એવું રૂપ કે જ્યાં ભગવાને પણ ખુદ નમવું પડે છે.ભગવાન પછી જો કોઈ હોય તો સજૅન કરવાનું કામ એક માં જ કરી શકે છે.માં ભણેલી હોય કે અભણ એનાં તોલે કોઈ નાં આવે.એટલે જ કહેવાય છે કે, એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.માં નાં રૂપ ને કોઈ પહોંચી જ નાં શકે. “એક પૂર્ણ અક્ષર છે ‘ૐ’ ને એવો જ સંપૂર્ણ અક્ષર છે ‘માં’”.
“નારી પર થોડો વિશ્વાસ કરી તો જો,
તારા પથ્થરૂપી મકાનમાં પોતાના પ્રાણ પૂરી
ઝગમગતું મંદિર બનાવી દેશે.
નારીને બે મીઠા બોલથી સાદ પાડી તો જો,
તને બમણું કરીને પાછું વાળી દેશે.’’
એક સ્ત્રી ચાહે તો ઝુંપડીમાં પણ ખુશ રહી શકે છે,અને ધારે તો મહેલોને પણ ઠુકરાવી શકે છે.પણ હજુ આજના સમયમાં પણ ક્યાંક કોઈક જગ્યાએ એનું અસ્તિત્વ ભૂંસાઈ જતું,વિખરાઈ જતું લાગે છે.તમારી આજુબાજુ નજર કરો,ખરેખર સ્ત્રીઓનાં જીવન ધોરણ માં કંઈ નોંધપાત્ર સુધારાઓ થયાં છે ખરાં ? આજે પણ કેટલીયે એવી સ્ત્રીઓ વસે છે જેમણે જો કદાચ ઘર માટે જ કોઈ વસ્તુ લેવા જવું હોય તો કુટુંબીજનોની પરમિશન લેવી પડતી હોય છે.પોતાની જીંદગી પોતાની મરજીથી જીવવાની વાત તો દૂર રહી પણ પોતાના મનની વાત ખુલ્લીને લોકો સમક્ષ રજુ કરવા જેટલી પણ સ્વતંત્રતા એમની પાસે હોતી નથી.
अहल्या द्रौपदी सीता तारा मन्दोदरी तथा।
पंचकन्याः स्मरेन्नित्यं महापातकनाशिन्याः ।।
અસંખ્ય પતિવ્રતા સ્ત્રીઓની દુહાઈ છે પણ આ પતિવ્રતા ના પતિઓએ કયારે પોતાનો પતિ હોવાનો ધમૅ નિભાવ્યો એ કોઈ પૂછતું નથી.સ્ત્રીને પત્નીધર્મ શિખવવામાં આવે છે,પણ પૂરુષોને એમની ફરજો યાદ અપાવવાનું ભુલી જવાય છે.પુરુષ સમોવડી તો ખુબ બની લીધું,હવે પુરુષને પણ સ્ત્રી સમોવડો બનાવ…તું છે અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ ગોળ રોટલી વણતાં કદી તારા દિકરાને પણ શિખવાડી જો, દિકરા દિકરીનો કર સમાન રીતે ઉછેર તું,થોડાં ચોખ્ખાઈનાં પાઠ દિકરાને પણ ભણાવી જો.એક માં જો પોતાનાં દિકરાને સ્ત્રી તરફ આદરભાવથી જોતાં શિખવાડે તો નાનપણથી જ તો જ કદાચ સ્ત્રી પર અત્યાચાર થતાં બંધ થશે.
કોઈ છંછેડે મને તો ચિનગારી છું હું,
તલવાર કરતાં તેજ આરી છું હું,
આંચ નહીં આવવા દઉં મુજ ચારિત્ર્ય પર.
મારી સામે જોવા વાળાની આંખ નોચી નાખીશ,
મને સ્પર્શવા વાળાનાં હાથ કાપી નાખીશ,
મારાં અંગ યા વાળ ને હાથ અડાડી તો જુઓ
તારો સવૅનાશ અને સંહાર ભર બજારે કરીશ
હું ગાય નહીં પણ હું સિંહણ છું.
હું આજની બળવાન ને જાગૃત નારી છું.
નાનપણથી સાંભળ્યું છે કે સમપૅણ એ સ્ત્રીનો ગુણ છે,પણ હું એમ કહું છું કે સમપૅણ પણ ત્યાં શોભે જ્યાં એની કિંમત હોય, બાકી એ લાચારી બનીને રહી જાય છે.“झुकना वहीं पर जहां झुकाने की जिद ना हो ।“દરેક સ્ત્રીની પસંદગી, ઇરછાઓ હોય છે એમનાં પણ કંઈક સપનાંઓ હોય છે.હંમેશા સાથ આપો એ સ્ત્રીનો જેને તમને કોઈ દિવસ પડવાં નથી દીધાં. સ્ત્રી ભલે કાંઈ કહેતી ના હોય બોલતી નાં હોય પણ સમજતી બધું જ હોય છે.તો એના મૌન નું સન્માન જાળવો. સ્ત્રીઓને પણ બિંદાસ લાગણી બતાવો કે તું/તમે મારા માટે ખાસ છો, હંમેશાથી અને હંમેશા રહેશો. મારાં વ્હાલાં, એ સ્ત્રી છે જે કદી માંગશે તો નહીં જ તમારી પાસે.જે તમારા જીવનમાં ખુશીઓ લાવી છે એની સુંદરતાની કાળજી લેજો..
“કોટી કોટી વંદન તુજ નિઃસ્વાર્થ ભાવી સમપૅણને
તુજની મહાનતા ના વર્ણવાય લેશ માત્ર શબ્દોમાં
સધળું જીવન પણ ઓછું પડે તારા ઋણ ચૂકવવા.’’
મારાં વ્હાલાંઓ,વાતને પોઝિટિવ રીતે મુકવાની કોશિશ કરી છે.આશા રાખું કે આપ સમજશો મારા લાગણીને.સ્ત્રીઓ ક્યારેક પોતાના માટે પણ જીવજો, મર્યાદામાં રહીને પોતાને ગમતું પણ કરજો…
Once Again Happy Women’s Day Dedicated To All Respected Women.
✍?દિપ્તી ઓડેદરા- ‘સમપૅણ’
No Comments