શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત માં લીરબાઇ રથયાત્રાનો આજે માતાજીના સમાધિ સ્થાન રાણાકંડોરણા ખાતે ભવ્યાતિભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો.  શ્રી લીરબાઇ માતાજી નો આ રથનું તારીખ ૧૨ મી એપ્રિલ ૨૦૨૨ના રોજ માતાજીના જન્મસ્થાન મોઢવાડા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અને તારીખ બીજી મેના રોજ રાણાકંડોરણા ખાતે આ રથયાત્રા નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કુલ ૨૧ દિવસ દરમિયાન ૧૮૫ જેટલા ગામડાઓ અને શહેરોમાં પાંચ હજાર કિલોમીટરની યાત્રા કરી આજરોજ આ રથ રાણાકંડોરણા મુકામે આવી પહોચ્યો હતો જ્યાં આ રથયાત્રાનો સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હૈયે હૈયું દળાય એટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ અને માં લીરબાઇ પ્રત્યેનીભાવનાના રંગે રંગાઈ ગયું હતું. બરાબર 4:30 વાગ્યે માતાજીનો રથ બાપોદર મુકામેથી રાણાકંડોરણા આવી પહોંચ્યો હતો. માતાજીના આ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાઇવે પરથી રથ સીધો લીરબાઈ માતાજીના મંદિર સુધી લઇ જવામાં આવ્યો હતો. રસ્તામાં આપણી જ્ઞાતિના પરંપરાગત રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. મંદિરે માતાજીના દર્શન બાદ આ રથ અને તેમાં સામેલ આગેવાનો સભામંડપ ખાતે પધાર્યા હતા, જ્યાં પૂર્ણાહુતિ સમારંભ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સર્વપ્રથમ રાણાભાઈ સીડાની ટીમ દ્વારા બે ઢાળ તલવાર રાસ અને ત્યારબાદ બહેનો દ્વારા રાસ રજુ કરવામાં આવ્યો હતો. એ પછી ઓરકેસ્ટ્રાના સથવારે ભાઈઓ અને બહેનો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં વિશાલ સંખ્યામાં આપણી જ્ઞાતિના ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. ગરબાના આ કાર્યક્રમ બાદ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના સર્વે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રાને સફળ બનાવવા શ્રી વિમલજીભાઈ ઓડેદરા ઉપરાંત સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખો સર્વશ્રી બચુભાઈ ઓડેદરા, શ્રી લાખાભાઈ કેશવાલા, શ્રી આલાભાઇ ઓડેદરા, શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, શ્રી અરજણભાઈ બાપોદરા (ગાંડા બાપા), શ્રી જીતેન્દ્રભાઈ વદર, શ્રી નવઘણભાઈ મોઢવાડિયા(પ્રિન્સીપાલ) તથા મહેર શક્તિ સેનાના પ્રવક્તા શ્રી રાણાભાઇ ઓડેદરા વગેરેએ અથાગ મહેનત કરી હતી જે ધન્યવાદને પાત્ર છે. આ પ્રસંગે આ સર્વે આગેવાનોનું રાણાકંડોરણાના ગ્રામ્યજનો દ્વારા મોમેન્ટો અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘેડ વિકાસ સમિતિના સભ્યો દ્વારા પણ આ સર્વેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ રથયાત્રા દરમિયાન જ્ઞાતિના સંગઠન ઉપરાંત અન્ય સમાજો પ્રત્યે પણ સૌહાર્દ વિકસે તેના ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ ભાવના બદલ અન્ય સમાજો દ્વારા પણ આ સર્વે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભાની શરૂઆત કરતાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વદર દ્વારા ઉપસ્થિત આગેવાનો અને વિશાળ જનમેદનીનું શબ્દોથી સ્વાગત આવ્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કાઉન્સિલના હોદેદારો દ્વારા મેર જ્ઞાતિના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ ૧ અને ૨ ઓફિસરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કાર્યક્રમ બાદ શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ શ્રી વિરમભાઇ ગોઢાણિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ આ પ્રસંગે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલની સ્થાપના થયા બાદ અત્યાર સુધી થયેલા વિકાસના કામો ના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે વધુમાં બોલતા તેઓએ સમાજની અંદર વ્યસનમુક્તિ અને શિક્ષણના વ્યાપ માટે સૌને અપીલ કરી હતી.ત્યારબાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપીમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વીમલજીભાઇ ઓડેદરાએ આ તકે તેમના વકતવ્યમાં જણાવેલ કે મા લીરબાઇ આઇ રથયાત્રાનું આયોજન જ્ઞાતિના વડીલો અને આગેવાનો સાથે થયેલી ચર્ચાના અંતે યોજાયેલ, પોરબંદર અને આસપાસના ૧૭૬ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમા લોકોના જીવનમાં આધ્યાત્મિકતા અને સારા વિચારો પ્રવાહિત થાય તેવા ઉમદા હેતુ સાથે વિસ્તારનો શૈક્ષાણિક વિકાસ, વ્યસન મુકત સમાજની રચના તેમજ સંગઠિત થઈને સારા વિચારો પ્રસ્થાપિત થાય તેની સાથે શૈક્ષણિક વિકાસ,વ્યસનમુક્ત સમાજની રચના તેમજ સંગઠીત સમાજની ભાવના ફલીભુત કરવા મા લીરબાઇ આઇની રથયાત્રાનુ આયોજન કરવામાં આવેલ હતુ. સમાજના શૈક્ષણિક વિકાસ પર ભાર મુકી ગ્રામ્ય વિસ્તારોમા પણ વિદ્યાર્થીઓને ગુણવતાવાળું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો વેગવંતા બનાવવા આહવાન કરેલ. આ માટે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં જીવંત લોકભાગીદારીથી આ શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર થાય તે માટે જો જે તે ગામ ૭૦ ટકા જેટલું ફંડ ઉભુ કરશે તો આ કાર્ય માટે ૩૦ ટકા ફંડ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપિમ કાઉન્સીલ આપશે. તેમજ મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસના હેતુસર વગર વ્યાજે શૈક્ષણિક લોન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે પોરબંદર અને વિદ્યાનગર ખાતે મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભવનમાં પણ જ્ઞાતિના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. સાથે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા સાથે જોડાયેલ શ્રી ગાંગાભાઇ મ્યાજરભાઇ ચૈાહાણ ઇન્ટરનેશનલ શાળા ખાતે પણ આગામી સત્રથી મહેર જ્ઞાતિના તેજસ્વી અને જરૂરીયાતમદ વિદ્યાર્થીઓને પ૦ ટકાથી ૭પ ટકા સુધી સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી હતી. સશકત અને સમર્થ સમાજની રચના માટે સમાજ વ્યસનમુકત બને તે માટે તેઓએ ભાર મુકેલો અને આજની યુવાપેઢી વ્યસનમુકત બને અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આહવાન કરેલ સાથે જ્ઞાતિમાં એકતા ઉપર ભાર મૂકતા તેઓએ સંગઠન ખાસ જરૂરી હોવાનું જણાવી ગ્રામ્યકક્ષાએ ભાઇઓ અને બહેનોમાં સંગઠનની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે અપીલ કરી હતી અને સૌને જ્ઞાતિના વિકાસ કાર્યોમાં સક્રિય બનવા હાકલ કરી હતી. આ પ્રસંગે તેઓએ વ્યસનમુક્તિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો અને લોકોને વ્યસનથી અળગા રહેવા ભાવુક અપીલ કરી હતી. શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્તા તેઓએ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જ્ઞાતિના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા હાથ ધરવામાં આવતા કાર્યોની વિસ્તૃત વિગત આપી હતી. આ રથયાત્રા દરમિયાન જ્ઞાતિજનોએ પણ તન મન અને ધનથી સહયોગ આપ્યો હતો અને રથયાત્રા દરમિયાન જ્ઞાતિજનો દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ જેટલું માતબર ભંડોળ પણ એકઠું થવા પામ્યું હતું એવું તેઓએ જાહેર કર્યું હતું આ કાર્યક્રમમાં લીરબાઈ માતાજીના મુખ્ય તમામ મંદિરોના પૂજારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી પોપટભાઈ ખુંટી, શ્રી કૃણાલભાઈ ઓડેદરા અને રાજીબેન કડછા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક કક્ષાએ કાર્યક્રમનું સુંદર મેનેજમેન્ટ ભાઈશ્રી જયેશભાઈ અને કરશનભાઈ ભુતિયાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાનો અને ગ્રામજનો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન પણ કરવામાં આવેલ. આ રથયાત્રાનો એક ઉદેશ્ય વ્યસનમુક્તિનો હતો ત્યારે આ સમગ્ર યાત્રા દરમિયાન આ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ યાત્રાના અનુસંધાને 23 બહેનો સહીત કુલ 290 જેટલા લોકોએ વ્યસનમુક્તિનો સંકલ્પ જાહેર કર્યો હતો. વદર પરિવાર દ્વારા વ્યસનમુક્તિ માટે અગ્રણી ૩ ગામોને 25000 રૂપિયાનું ઈનામ આપવાની જે જાહેરાત કરવામાં આવેલ તેના કવર પણ આ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમની આભારવિધિ આઈએમએસસીના ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ બી.મોઢવાડિયાએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન માતાજીની આરતી વખતે ઉપસ્થિત વિશાળ જનમેદની દ્વારા મોબાઈલ ફ્લેશલાઈટ ચાલુ કરવામાં આવી ત્યારે અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. છેલ્લે શ્રી લાખણશી ગઢવી, દેવરાજ ગઢવી (નાનો ડેરો), સાગરદાન ગઢવીનો સંતવાણીનો કાર્યક્રમ લોકોએ માણ્યો હતો.
આ પ્રસંગે પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, કુતિયાણા રાણાવાવના ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા, કુતિયાણા રાણાવાવના પૂર્વ ધારાસભ્ય શ્રી કરશનભાઇ ઓડેદરા, જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવાભાઇ પરમાર, પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, કોંગ્રેસના આગેવાન શ્રી સામતભાઇ ઓડેદરા, શ્રી અરશીભાઈ ખુંટી(બખરલા), શ્રી ભરતભાઇ ઓડેદરા (ઈશ્વરીયા) જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઠેબાભાઈ ચૌહાણ, પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, શ્રી લીલાભાઈ પરમાર(બળેજ), શ્રી રામભાઈ જાડેજા (પોરબંદર), શ્રી ભીમભાઈ ઓડેદરા (રતનપર), શ્રી વજ્શીભાઈ (બોખીરા), મહેર સમાજના અગ્રણી અને દાતા શ્રી નાગાજણભાઇ ચૌહાણ, શ્રી કરસનભાઈ ભૂતિયા, શ્રી અરભમભાઈ ભારાભાઇ કેશવાલા, શ્રી ભીમાભાઇ અરજણભાઈ ઓડેદરા, રાજકોટ મેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેદરા, શ્રી વિંજાભાઈ ઓડેદરા, શ્રી ભીમાભાઇ કેશવાલા, લીલાભાઈ કડછા, જુનાગઢ મેર સમાજના શ્રી પુંજાભાઈ સુત્રેજા, શ્રી મુળુભાઇ ઓડેદરા, જૂનાગઢ સિટી કાઉન્સિલના શ્રી રાજુભાઈ રાતિયા, વડોદરા સિટી કાઉન્સિલના શ્રી પોપટભાઈ સુત્રેજા, મિલન વાઢેર, અમદાવાદ સિટી કાઉન્સિલના શ્રી અરજણભાઈ કડેગિયા, કુતિયાણા કોલેજના પ્રિન્સીપાલ શ્રી નવઘણભાઈ ઓડેદરા, મસરીજી ઓડેદરા, કરશનભાઈ ઓડેદરા(કોટડા), રાણાભાઇ ઓડેદરા, મહિલા વિકાસ મંડળના પ્રમુખ દેવીબેન ભૂતિયા, મહેર મહિલા વિકાસ મંડળના બહેનો, સિટી કાઉન્સિલ તેમજ વિવિધ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સમાપન સમારોહ સફળ બનાવવા માટે સમસ્ત રાણાકંડોરણા ગામના તમામ લોકોએ ખૂબ જ સક્રિય ભાગ ભજવ્યો હતો. જેમાં પોરબંદર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયેશભાઈ ભૂતિયા, સરપંચ શ્રી રામભાઇ ભૂતિયા, શ્રી કરસનભાઈ ભૂતિયા તેમજ મંદિરના પૂજારી શ્રી માલદેભાઈ, મહેર સમાજના પ્રમુખ તેમજ સમસ્ત રાણાકંડોરણાના ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *