by દીપ્તિ ઓડેદરા, તસ્વીર: લીના પરમાર.

જન જાગૃતિનો સંદેશો લઈ પ્રકૃતિ કાજ,
માનવીના રગેરગમાં વહેડાવીએ,
અમુલ્ય દેન છે કુદરતની
એવી પ્રકૃતિનું રક્ષણ કરીએ…

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ નિમિતે હું પર્યાવરણને અનુલક્ષી મારી વાત કહેવા માંગું છું. આજે  આપણે બધાં જ પ્રકૃતિ પર એટલો બધો આધાર રાખીએ કે પૃથ્વીના પર્યાવરણીય સંસાધનોનુ રક્ષણ કર્યાં વગર આપણે જીવી શકીએ નહીં.આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને “પ્રકૃતિ માતા” તરીકે ઓળખીએ છીએ.પ્રકૃતિનું રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા માટે આજે ખુબ જરૂરી છે.

પર્યાવરણ આપણને સુંદર જીવન આપે છે,જીવન નિર્વાહ માટેના સાધનો પૂરા પાડે છે,તો શું આપણે પર્યાવરણને બચાવવાનાં ઉપાય ન કરી શકીએ! અરે મારાં વ્હાલાંઓ આપણે દરેક કુદરતી પરિબળોનાં રક્ષણ કરીએ તે માટે શાસ્ત્રોમાં પણ એ દેવી-દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. વાયુના પવનદેવ, જળનાં વરુણદેવ,જંગલના વનદેવ,પૃથ્વી માટે ધરતીમાતા આવું દરેક ધર્મમાં સ્વરૂપ આપીને પર્યાવરણની રક્ષા કરવા કહ્યું છે.કુદરત તો સ્વભાવે ઉદાર અને સંતોષી છે ભુખ અને તરસની ફરીયાદ નથી કરતાં.વ્હાલાંઓ  કોઈ એક નાના છોડને વાવીને તેનું બાળકની જેમ જતન કરી તેને જોઈતી ચીજ વસ્તુઓ આપી એની સાથે આત્મીયતા કેળવીને તો જુઓ! જળને દેવ માની એને સમ્માન આપી એને સ્વરછ રાખી પવિત્રતાને સ્પર્શી તો જુઓ! ભૂમિને માઁ સમાન માની નત મસ્તક થઈને તો જુઓ! વાયુમાં નિઃસ્વાર્થ પ્રેમની સુગંધ ફેલાવીને તો જુઓ! બસ ખાલી આટલું કરી તો જુઓ! સુખ અને આનંદની દિશામાં જીવન  અગ્રેસર થઈ જશે.વનસ્પતિ એ આપણી ઔષધિ છે,ખોરાક છે,ઘરનું રાચરચીલું છે અને છેલ્લે ચિતા પણ એ જ છે.માનવજાત વનસ્પતિ વગર સુરક્ષિત નથી છતાંયે આપણે જ આપણો નાશ કરી પોતાને બુદ્ધિજીવી કહીએ છીએ.આશ્ચર્ય છે ને!!

આપણે બાળકો માટે શાળાઓમાં પર્યાવરણનો વિષય તો આપણે ઠોકી દીધો છે,પણ હજુ બાળક તો શું આપણે યુવાનો પણ પર્યાવરણ બાબતે સજાગ નથી.કુદરત રુઠે નાં રુઠે,પણ માણસ જ માણસની સલામતી પર રુઠ્યો છે.માણસનાં અનુભવ,જ્ઞાન અને સ્વાર્થ વૃત્તિનો પ્રદૂષણને ફેલાવવામાં મોટો ફાળો છે.જો કદાચ ખરેખર પૈસા ઝાડ પર ઉગતા હોત તો આજે પૃથ્વી પર જ્યાં જુઓ ત્યાં લીલીછમ લીલોતરી જોવા મળતી અને હું પણ આજે લેખ રહી નાં હોત,, સાચું ને.? પણ અફસોસ એવું નથી,માણસ માત્ર પૈસાની પાછળ જ ગાંડો થયો છે તે પૈસા માટે કંઈ પણ કરી શકો છે.પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો અને અનેક રેલીઓ થઈ અને તે થઈ રહી છે,પરંતુ જ્યાં સુધી માનવ હ્રદયમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સમર્પણભાવ નહીં આવે ત્યાં સુધી દરેક કાર્યક્રમ શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવતને સાર્થક કર‌શે.

જળ છે તો જીવન છે
વૃક્ષ છે તો શ્વાસ છે

હવે,વિચાર આપણે કરવાનો છે કે આપણે જીવવા કેટલો શ્ર્વાસ જોઈએ છે.વૃક્ષો સાથે કરો દિલથી વાત,ઓક્સિજન આપે છે જે દિન ને રાત,ગમે છે સૌને લીલોતરી,આસપાસ ઉગાડો નવી નવી જાત..મારા વ્હાલાંઓ,એક વાત જરૂર કહીશ કે વધુ નહીં વાવો તો ચાલશે પણ એક વૃક્ષ તો જરૂર વાવવું જોઈએ.એક વૃક્ષ સો પુત્રો સમાન છે.વૃક્ષો બચાવો એ આપણને બચાવશે.આભાર.

લેખન: દિપ્તી ઓડેદરા-‘સમર્પણ’
તસ્વીર : લીના પરમાર

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *