પાણીનો નળ ચાલુ રાખી રમવા નીકળી ગયેલ દીકરાને માએ ઠપકો આપ્યો,
“દીકરા ! આ નળ બંધ કરાય. ખબર પાણી કેટલું કિંમતી સે ઈ..”
ઉતાવળે રમવા જતો દીકરો બોલ્યો,
” મા ! ભુલાઈ ગ્યુ.. તમી જરાક બંધ કરી દયો ને ! મારે રમવા જાવું..”
મા દીકરા પર હેત નીતરતી નજર નાખી નળ બંધ કરવા ઉભી થઇ. પાણીના નળમાંથી જાણે ભૂતકાળ અવતરતો નજર સામે જોઈ રહી. પાણીનો ખેલ તો જન્મી ત્યારથી જ જોતી આવતી હતી..
પોરબંદરના ભાણો, પાણો ને રાણો એટલે કે ભાણજી લવજી ઘીવાલા, પથ્થર અને રાણા ભાવસિંહજી વખણાતાં એ સમય તો ભવ્ય છતાં ભૂતકાળ બની ગયો. પણ અહીંના ઘેડના માણસો પણ પાણા એટલે કે પથ્થર જેવા મનોબળ લઈને હજી જીવે છે એ તો હજી પણ એટલું જ વિદિત છે. એવા જ ઘેડનું એક નાનકડું ગામ. અડધી રાતે બે અવાજ પડઘાય છે..
“દીકરી રાણી ! કેટલુંક પાણી સે ગોરામાં ?”
આંખો પરની ઉદાસી અવાજમાં ન આવી જાય એવા પ્રયત્ન સાથે રાણી બોલી,
“હજી તા મલક સે બાપા ! બે દી તા નીહરી જાહે…”
“રાણી !”
રાણીએ મનમાં રહેલો અજંપો ને ડર ખંખેરી જવાબ આપ્યો,
“બોલો ને બાપા ! કાવ કઈ જોયે સે ?”
દીકરીની હિંમત જોઈ આવી પરિસ્થિતિ વચ્ચે પણ બાપા મનોમન બે ઘડી હસીને બોલ્યા,
“અરે દીકરી જોતું હોય તોય અટાણે કુણ દેવા આવવાનું સે. મારો દીનોનાથ કરે ઇ હાસુ હેવ તો. બાકી દીકરી મી તા હેવ આહા સોડી મૂકી સે કે કોઈ આવહે આયાથી મણી ને તુણી બસાવવા…”
આજે આ ત્રીજો દિવસ હતો. રાણી અને એના પિતાજી ગળાસમા પાણીની સામે બેઠા હતા. લગભગ દર વર્ષે છેલ એટલે કે પુર ને ઘેડની તળપદી ભાષામાં કહીએ તો ‘સેલ’ આવી આખા ઘેડને રોળી નાખે.
ઘેડ વિસ્તાર આમ દર વર્ષે પાણીથી છલોછલ ભરેલો જ હોય. કાચાપોચા દિલના માણસો હોય એ તો માદરે વતન મૂકી ક્યારના સ્થળાંતર કરી ગયા હોય. પણ આ તો ઘેડની માટીમાંથી ઘડાયેલા માણસો. એમણે તો ક્યારેય પીછેહઠ કરતા શીખી જ નથી. સતત ત્રણ મહિના બેટમાં જ જીવન વિતાવે છતાં એમણે ક્યારેય એ ભૂમિને વખોડી નથી. ભાદર, ઓઝત અને મધુવંતી ત્રણેય જ્યારે ગાંડીતુર થાય ત્યારે એનું રૌદ્ર સ્વરૂપ ઘેડનો માણસ જ સહી શકે. બાકી તો માણસ હિજરત કરીને ચાલ્યો જાય. એવી જ માટીમાંથી ઘડાયેલી હતી રાણી… ઘઉંવર્ણો વાન અને અપ્સરા પણ પાણી ભરે એવો બાંધો. બંને હાથ અને પગમાં અનોખી ભાત પાડતા છૂંદણા. ઉડીને આંખે વળગે એવી નમણાશ. મેરની દીકરી માથે ગર્વ તો એના રૂપમાં ચાર ચાંદ લગાવી દે. રાણીની ગર્વિષ્ઠ પણ અભિમાની ન લાગે એવી ચટકતી ચાલ જોઈ એના સર્જનહારના પણ ઓવારણાં લેવાનું મન થઇ આવે. ગળથુથી તો કોણ જાણે કોણે ઘોળી હશે પણ જેણે પણ ઘોળી હશે એ એક ઘા ને બે કટકા કરી જાણનાર હશે. દીકરી અને વહુના પહેરવેશ પણ અલગ, દીકરીનું નીચેનું પહેરણ શ્વેત રંગનું જેને તળપદી ભાષામાં ઘાહીયું કહે ને વહુઓ લાલ રંગનું જેને ઢારવો કહે, જેથી આવનાર કોઈ અજાણ્યાને ખબર પડે કે આ ઘરની દીકરી છે ને આ ઘરની વહુ છે. આવા પહેરવેશને શોભાવતી રાણી એના બાપાને હિંમત આપતી બોલી..
“બાપા, ઈ કાંઈ હિંમત હારી ઝવાય… ઉપરવારાને તો હજારોને જીવાડવાના હોઈ, ઇ જ તો તારનાર ને ઇ જ તો મારનાર. અલખનો ધણી કરે ઈ ખરી. એની મરજી વના તો પાંદડુંય ન હાલે. પણ આપણી પણ હિંમત તા રાખવી પડે ને બાપા. કીક થે રિહે તમી આહા ન મેલો, મણી મારા ભગવાન પર ભરુહો સે..”
આ કઈ પહેલી વખત નહતું કે ગામોના ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા. આવી છેલ (પુર) તો ઘણી વખત આવતી ને બધું જ બરબાદ કરી જતી. વહેતુ પાણી નહિ, સ્થિર થઈ ત્યાનું ત્યાં રોકાઈ જતું પાણી. જે ક્યારે ઓસરે એનું કઈ નક્કી ન હોય. આ વર્ષે પણ એવું જ થયું. સીમમાં હતા એ રાણી અને એના બાપા જેવા લોકો ત્યાં જ ફસાઈ ગયા. ગામમાં હતા એ ગામમાં રહી ગયા..
જુવાનીનો ઉંબર ઓળંગી ચુકેલી રાણી જેવડી બધી છોકરીઓ સાસરે જતી રહી હતી. પણ રાણીએ તો નીમ લીધું હતું કે એ લગન જ નહીં કરે. હજી તો જુવાનીના પ્રાગડ ફુટુ ફુટુ થઈ રહ્યા હતા ત્યારે રાણીનું સગપણ રાજ્યા સાથે નક્કી થયું હતું. જમરાજને પણ શું અદેખાઈ આવી કે સારસ બેલડી સાથે જીવે ઇ પેલા જ વીંખી નાખી. રાણી સાથેનું સગપણ અધૂરું મૂકી રાજો ટૂંકી બીમારીમાં જ પરધામ ચાલ્યો ગયો. રાણી તો મનોમન રાજ્યાને જ વરેલી હતી. એણે નક્કી કરી લીધું કે હવે એક ભવમાં બે ભવ નથી કરવા. રાણી ત્યારે યુવાન લાગતી તો એકથી એક ચડિયાતા માંગા આવવા લાગ્યા. રાણીએ તો કહી દીધું મેં તો મારા ભગવાનને સાક્ષી માની નીમ લઈ લીધું છે હવે એમાં કઈ ફેર ન પડે. બધાએ ખૂબ મનાવી પણ રાણી ટસની મસ ન થઈ. ખેતીના કામથી માંડીને ઘરનું કામ, ગાડુ હાંકવું, સાંતી હાંકવી બધું રાણી એના બાપાના ખભે ખભો મેળવી કરવા લાગી. ગામ આખું કહેતું કે આ છોડી કોઈનું ઘર માંડે ઈ તો ન્યાલ થઈ જાય પણ રાણી તો રાજા વિના કોઈને તે વરે ?
એક વર્ષ છેલ આવી ને રાણી અને એના પિતા સીમમાં ફસાયા. એના પિતા પણ હિંમત હારી ગયા કે હવે અહીંથી નીકળવું શક્ય નથી, છેલ ઉતરે ને કોક આવે ત્યાં સુધીમાં કદાચ ભૂખ્યા જ ધામમાં જવું પડશે. પણ રાણી તો રાણી હતી. જેણે ભાદરમાં ધુબાકા માર્યા હોય એને મન આ સેલની શી વિસાત ? થોડું અજવાળું થયું એટલે બાપાને હિંમત આપતા એ બોલી,
“બાપા મારું માનો તો ધીમે ધીમે તરતા તરતા આમાંથી નિહરી જાઈએ. જો મરવું લયખું હયસે તો ગમે ન્યાથી મોત આવવાનું જ સે…”
પિતાને હિંમત આપી બહાર, ગામ તરફ જવા તૈયાર કર્યા. બાપ દીકરી એકબીજાનો હાથ પકડી તરતા તરતા ગામ તરફ વળ્યા. રસ્તાનું તો નામોનિશાન ન મળે. દરિયો જોઈ લો. ને એમાંય પાણીમાં સાથે આવેલા ઝાડાઝંખરામાં પગ અટવાય જાય તો રામ રમી જાય. તોય રાણી ને એના બાપા આગળ વધ્યા. ધીમે ધીમે ગામમાં પાણી ઉતર્યું હતું એટલે ગામ દૂર નજરે પડતું હતું. પણ સીમમાં પાણી એટલું હતું કે કોઈ સીમમાં આવવાની હિંમત ન હતું કરતું. હજી તો અડધે પહોંચ્યા હશે ત્યાં એક બાળકનો રડવાનો અવાજ રાણીને કાને પડ્યો. રાણીએ અવાજ તરફ જવાની જીદ કરી. એના પિતાએ એને અટકાવતા કહ્યું કે આવા પાણીમાં જોખમ ન લેવાય. પણ રાણી તો રાણી હતી. પરોપકાર તો એના લોહીમાં વણાયેલા હતો. પિતાને સમ આપી ત્યાં જ ઉભા રાખ્યા, કારણ કે એક તો ઉંમરનો થાક ને વળી પાછા પાણીમાં તરવાને લીધે હાંફ ચડી ગઈ હતી તો એમના કહેવા છતાં રાણીએ એમને જવા ન દીધા. પોતે અવાજની દિશામાં આગળ વધવા લાગી. એક અડધા પાણીમાં ડૂબેલા મકાનમાં અંદર જઈને જુએ તો નાના બાળકને પાલવ નીચે ઢાંકી એની મા સંકોચાઈને લોખંડના ઊંચા ઘોડા પર બેઠી છે. આટલું પાણી છતાં એના કપાળ પરના પરસેવાને જોઈને લાગ્યું કે એને જરાય ટાઢક વળી નથી. છતાં એ માએ બાળકને પાણીનું ટીપું પણ અડવા નથી દીધું. જેના રખોપા એની મા કરતી હોય એને શી ફિકર ? રાણી આગળ વધી ત્યાં તો મા અને છોરુની જ બાજુમાં ગુંચળું વળીને બેસેલો ફણીધર જોયો. રાણીના તો રામ રમી ગયા. મા રાણીને અટકાવતી બોલી,
” બીન, આ બાજુ ન આવતી. કાળોતરો સે. આ બીજો દી સે હું, મારો અરજન ને આ નાગબાપો તયનેય આયા બેઠા સિયે. મારી લિરબાઈના પરતાપે જનાવર પણ હમજી ગ્યું સે, નથી હલતું કે નથી સલતું. પણ વધુ હલબલ થાહે તો બીકનું માયરું ઇ ય કળડવા દોડે તો નકી નય…”
પાણીની સાથે અનેક જનાવર પણ તણાતાં તણાતાં આવી જાય એમ એક સાપ પણ આવી ગયો. એ તો જેણે અનુભવ્યું હોય એ જ જાણે કે કેટલી ભયંકર પરિસ્થિતિ વચ્ચે લોકો જીવન ગુજારે છે, સતત પાણીની વચ્ચે રહી પગમાં સડો બેસી ગયો હોય, રાત પડે એટલે તમરાના ભયંકર અવાજો હાજા ગગડાવી નાખે, ઘર આખા કાદવથી ભરાઈ ગયા હોય, પીવાનું પાણી પણ ન મળે ત્યાં ખાવાની તો વાત જ ભૂલી જવાની. આખી ઘરવખરી પલળી ગઈ હોય. ને જે પાણીમાં ફસાયા હોય એમને તો જમરાજા જ સામો દેખાય. દિવસ તો હજી નીકળી જાય પણ રાત તો ભૂતાવળ જેવી ભાસે. પગ ક્યારે ખુંપી જાય કાંઈ નક્કી નહિ. છેલ ઉતરી ગયા પછી નદીઓનો કાંપ તણાઈને આવ્યો હોય એટલે જુવાર કે ચણા લુમઝુમતા હોય આખા વિસ્તારમાં. ખેતી પણ સહેલી, વાવવું ને લણવું જ. નહીં નિંદામણ કે નહીં વધુ દવાઓનો છંટકાવ. પણ એના માટે પુરનો સામનો કરવો પડે. ક્યારેક તો વાવેલું બધું બિયારણ પણ તણાઈ જાય. આવા કપરા સમયે પાણી વચ્ચે જીવવાની હિંમત રાખવી પડે. રાણી ઘોડિયામાં હશે એવા એક વર્ષે છેલ આવી ને ઘર પાણીથી ભરાઈ ગયા. કોઈક કોઈક ઘરમાં આખા વર્ષના ચણા ભરેલા હતા. ગારમાટીના કાચા મકાનો હતા. પલળેલા ચણા ફુલાયા ને ઘર આખા તૂટી ગયા. રાણીને આ વાત એની મા ઘણી વખત કરતી. કેટલી હદયદ્રાવક પરિસ્થિતિ હશે એ.. મોસમ પણ ગઈ અને ઘર પણ ગયા. દરિયા વચ્ચે તરતા શહેર વેનિસને જોવા તો હજારો લોકો જાય. પણ આવા તો કેટલાય ગામડાઓ પાણી વચ્ચે અહીં ઉભા રહયા છે. જ્યાં આવવાની કોઈ દરકાર પણ નથી લેતું ને અહીંના લોકોને કોઈની દરકારની દરકાર પણ પડી નથી.
આવી જ પરિસ્થિતિમાં એ સાપ અહીં આવી ભરાયો હતો. થોડી જગ્યા જોઈ તો એણે પણ આશરો લઈ લીધો. બાળક ભૂખને કારણે સતત કણસતું હતું. માનો ચહેરો જોઈને એ હિંમત હારી ગઈ હોય એવું લાગતું હતું. નાગને જોઈને રાણીને લખલખું પસાર થઈ ગયું. પણ હવે પાછું ફરાય એમ હતું નહીં. એણે બાઈને પૂછ્યું,
“તરતા આવડે સે..”
બાઈએ હકારમાં માથું હલાવ્યું. રાણીએ ઈશારો કર્યો કે બાળકને એ પોતાના ખભ્ભે બેસાડી લે પછી બાઈ ધીરે ધીરે નીચે ઉતરી એની હારે આવે જેથી સાપને ખલેલ ન પહોંચે. બાકી જો એ સાપ પાણીમાં ઉતરશે તો બીકનો માર્યો કરડી પણ શકે. રાણીએ અદભુત ચપળતાથી અરજનને પોતાના ખભ્ભે બેસાડ્યો. બાળક પણ કોઈ પોતીકું હોય એમ સમજી ચૂપચાપ બેસી ગયું. બાઈ ધીમે ધીમે નીચે ઉતરી. રાણી દોરતી ગઈ એમ એની પાછળ પાછળ જવા લાગી. રાણીના પિતા રાહ જોઈ ઉભા હતા. રાણીને આવતી જોઈ એના જીવમાં જીવ આવ્યો. રાણીના ખભે બેસેલા બાળકને રાણીના પિતાએ પોતાના ખભે લીધું. રાણીએ બાઈનો હાથ પકડ્યો. પાણી વચ્ચે પણ બાઈનું શરીર ભઠ્ઠીની જેમ તપતું હતું. ધીમે ધીમે ચારેય પોરો ખાતા ખાતા કેટલી કલાકની જહેમત બાદ ગામ તરફ પહોંચ્યા. રાણી હાથ ઝંઝોળી બાઈને કહેવા જતી હતી કે , ” લ્યો પુગી ગ્યા હેવ તો ગામમાં..” પણ એના શબ્દો ગળામાં જ રહી ગયા. હવે છેક એનું ધ્યાન ગયું કે બાઈનો હાથ તો ક્યારનો ટાઢો બરફ જેવો થઈ ગયો હતો. રાણી અજાણી સ્ત્રીના મૃત શરીર સામે અને એના નાના બાળકની કરુણ આંખો સામે જોઈ રહી.
“મા ! તું ક્યાં ખોવાઈ ગઈ ??”
અરજને રાણીને ઝંઝોળી વર્તમાનમાં પટકી ત્યારે એની આંખોમાં પુર ઉભરાણુ હતું. વર્ષો વીતેલી વાતને જાણે ભૂલી જઈ રાણી અરજનને માતૃભાવે હૈયા સરસી ચાંપી રહી..
© હિના એમ. દાસા
hinadasa27@gmail.com
No Comments