ભારતીય સંસ્કૃતિ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિએ માનવજીવનના એક પણ પાસાંને છોડ્યું નથી. ભારતીય સંસ્કૃતિએ આપેલા સોળ સંસ્કારોમાં માનવજીવનનાં તમામ પાસાં આવરી લેવામાં આવ્યાં છે અને તે બધાં પાસાં વિશે વિસ્તારથી છણાવટ કરવામાં આવેલી છે.
ભારતીય સંસ્કૃતિએ દીકરી અને દીકરા વચ્ચે કોઈ ભેદભાવ નથી કર્યો, પરંતુ દીકરી પારકી થાપણ હોવાથી તે જિંદગીભર પિતાના ઘરે રહેતી નથી. દીકરી જુવાન થાય એટલે એને પરણાવીને સાસરે મોકલવી પડે છે. કોઈ કવિએ દીકરીને ‘તુલસી-ક્યારો’ કહીને એનો ભારે મહિમા ગાયો છે. દીકરી સાપનો ભારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. ત્રણ પખાં તારનારી દીકરી સાચે જ તુલસીનો ક્યારો છે. તુલસીનાં પાન ખાવાથી જેમ આરોગ્યમાં સુધારો આવે છે, તેમ દીકરી માવતર, મોસાળ અને સાસરા પક્ષની આબરૂને ઊજળી કરીને દેખાડે છે.
દીકરી ત્રણ કુળને તારે છે, જ્યારે દીકરો એક જ કુળને તારે છે. પરંતુ દીકરી જુવાન થાય પછી તેને સાસરે વળાવવી પડે છે અને દીકરો જુવાન થાય પછી એ પોતાનાં માતા-પિતાની સાથે જ રહે છે. એટલે દરેક પતિ-પત્નીની હંમેશાં એવી જ ઈચ્છા હોય છે કે પોતાના ઘરે સુપાત્ર પુત્રનો જન્મ થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે : अपुत्रस्य गतिस्नास्ति (જેના ઘરે પુત્ર ન હોય, તેવા લોકોને મૃત્યુ પછી સદગતિ મળતી નથી.) પરંતુ પુત્ર કપૂત બને તો ? એવા સેંકડો પુત્રો હોવા છતાં પણ તેવા પુત્રોનાં માતા-પિતાને મર્યા પછી સદગતિ મળતી નથી. એટલે તો એક દુહામાં કવિએ કહ્યું છે કે :
કાંવ ઝાઝાં કાગોલિયાં, કાંવ ઝાઝા કપૂત,
હકડી તો મહિષી ભલી, હકડો ભલો સપૂત.
(જેવી રીતે ઘણી બધી બકરીઓ કરતાં ઉત્તમ ઓલાદની એક ભેંસ માણસને ન્યાલ કરી દે છે, તેવી જ રીતે એક સારો પુત્ર કુટુંબનું નામ રોશન કરી દે છે.)
કુટુંબનું નામ રોશન કરનાર અને વંશને આગળ વધારનાર પુત્રનો જન્મ થાય એવી હરેક પતિ-પત્નીની પ્રબળ ઈચ્છા હોય છે. તેમની એ ઈચ્છા પૂર્ણ થાય ત્યારે તેમની ખુશીનો પાર હોતો નથી. પુત્રના જન્મની ખુશીમાં તેઓ એક જશ્ન મનાવે છે. એ જશ્નને ‘વાડ’ કહેવામાં આવે છે. હોળીના દિવસે મનાવવામાં આવતા આ જશ્ન પર તેઓ સમગ્ર ગામને ખજૂર, પતાસા, સાકર કે ખાંડની લ્હાણી કરે છે. પરંપરાગત પોશાકમાં સજ્જ થયેલી સ્ત્રીઓ સુંદર રીતે શણગારેલા ગાડામાં બેસીને ખજૂર, પતાસા, સાકર કે ખાંડની લ્હાણી કરતી હોય એ દ્રશ્ય અલભ્ય હોય છે. ઢોલ અને શરણાઈના સૂરોની સાથે ઉજવવામાં આવતો એ પ્રસંગ ગામડા ગામનો એક યાદગાર પ્રસંગ ગણાય છે. આ પ્રસંગે ઘરધણીનાં સગાંવહાલાં હાજરી આપે છે અને પ્રસંગને ધામધૂમથી ઉજવે છે.
ખેતરમાં ઊભેલા મોલમાં નુકસાનકર્તા પશુ કે પ્રાણી ન પ્રવેશે એ માટે ખેડૂતો ખેતર ફરતે કાંટાળી વાડ કરે છે. વાડ વહેંચવાનો પ્રસંગ એટલા માટે ઉજવવામાં આવે છે કે દીકરાના જીવનમાં કોઈ દુર્ગુણો ન પ્રવેશ કરે.
વાડ વહેંચવાનો પ્રસંગ ક્યારથી શરૂ થયો એના વિશે સ્પષ્ટપણે કશું કહી શકાતું નથી, પરંતુ રામના જન્મ વખતે દશરથ રાજાએ અયોધ્યાનાં નગરજનોને પુષ્કળ પ્રમાણમાં ભેટસોગાદો આપી હતી એવો વાલ્મીકિ-રામાયણમાં ઉલ્લેખ છે. એ જોતાં વાડ વહેંચવાનો પ્રસંગ પ્રાચીન સમયથી શરૂ થયો હશે એવું માની શકાય.
દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાનો પુત્ર વૃદ્ધાવસ્થામાં સારી રીતે પોતાની સેવા કરે અને પોતાના વંશને આગળ વધારે. પોતાની એ ઈચ્છા સાકાર થાય એ માટે તેઓ પોતાના પ્રથમ દીકરાના જન્મની ખુશીમાં વાડ વહેંચે છે.
મારા ગામથી પાંચે કિલોમીટરના અંતરે આવેલા કેરાળા ગામમાં સાસરે રહેલી મારી દીકરી જયાના પુત્ર આદિત્યની વાડ વહેંચવાનો શુભ પ્રસંગ આ હોળી પર હતો. આ શુભ પ્રસંગે ગોરસર ગામે દેવાંગી હોટલ ધરાવનાર મારાં ધર્મનાં બહેન સાકરબેન ગોરસેરા (પરમાર) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
છોગું : પુત્ર એટલે ત્રણેય ભવનમાં પોતાનું નામ રોશન કરવાનું પુરવાર કરે એવો દીકરો.
- ભરત બાપોદરા
No Comments