“કહું છું, સાંભળો છો? આજે એપ્રિલની પહેલી તારીખ છે, જો જો કોઈ મૂરખ ના બનાવી જાય…!” ઓફિસે જતાં પહેલા શ્રીમતીજીએ તાકીદ કરી. જે આપણને મૂરખ સમજતું હોય એને માટે કોઈ બીજું આપણને મૂરખ બનાવી જાય તે ના પાલવે. સાંજ પડ્યે આખા ગામનું ફૂલેકું ફેરવીને ઘરે આવતા હોય એની ઘરવાળી માટે તો દુનિયાની સૌથી ‘ભોળી’ વ્યક્તિ એમના ‘ઈ’ જ હોય છે. ખેર, આમ છતાંયે શ્રીમતીજીની વાત વ્યાજબી હતી. મને તો આમેય લોકો એપ્રીલની પહેલી તારીખ સિવાય પણ વરસમાં અનેક વખત એપ્રિલફૂલ બનાવી જતા હોય છે.
ઓફિસે પહોચી નિર્ધાર કર્યો કે આજ તો કોઈની વાતમાં ફસાવું નથી. બાજુમાં બેઠેલા મિ. મહેતાને કહ્યું , “મહેતા, ધ્યાન રાખજે . આજે કોઈ એપ્રિલફૂલ ના બનાવી જાય.”
“શર્મા, બોસ તો તારું કહેતા’તા કે આજ તને બરાબરનો એપ્રિલફૂલ બનાવવાનો છે. તું કાલે ઓફિસેથી વહેલો નીકળી ગયો પછી બોસને કામ હતું એટલે અમને મોડે સુધી બેસાડ્યા હતા. તું આમેય ઘણા દિવસથી પ્રમોશનની રાહ જોઇને બેઠો છે તો બોસ કહે કાલે આપણે એને પ્રમોશનના હુકમનું બહાનું કરી બંધ કવરમાં એવું ‘એપ્રિલફૂલ” આપશું કે મિ. શર્મા બરાબરના પોપટ બની જશે. આ તો હજુ બોસ આવ્યા નથી ત્યાં સુધીમાં તને મિત્રભાવે કહી દઉં છું.” સિનીયોરીટી પ્રમાણે બેઠક ક્રમમાં વર્ષોથી મારા પછી અડીને તરત બેસતા મિ. મહેતાએ મને સાવધ કરી પાડોશી ધર્મ બજાવ્યો.
થોડી વાર થઈ ત્યાં બોસ આવી પહોચ્યા. ડેપ્યુટી બોસની ચેમ્બરમાં ફાઈલ મુકવા ગયેલો પટાવાળો બોસની ચેમ્બરની બેલ રણકતાં જ અંદર ગયો ને જેવો ગયો એવો જ મારા નામનો પોકાર લઇ બહાર નીકળ્યો. બોસનું પેપર ફૂટી ગયું હતું. કંઈ જ જાણતો નથી એવા ભાવ સાથે હું તરત જ બોસની સામે ઉપસ્થિત થયો. “જો મિ. શર્મા, આ તારો બઢતી હુકમ છે, સાંજ સુધીમાં હુકમ સાથે બીડેલ સમંતિપત્રમાં સહી કરી પરત આપી દેજે ને કાલથી તારો ચાર્જ સંભાળી લેજે” બોસે હસતાં હસતાં હાથમાં કવર પકડાવ્યું.
પણ બે બે જણા સાવધ કરે પછી ય પોપટ થોડું બનાય? કવરને ઇશારાથી મિ.મહેતાને બતાવી સીધું સરકાવ્યું ટેબલના ખાનામાં. મહેતાના થમ્સઅપને ઝીલીને આપણે મંડ્યા આપણું કામ કરવા. વરસોથી એક જ ટેબલ પર બેસી એકધારા એક જ પ્રકારના કામથી હવે તો કંટાળો પણ બહુ જ આવતો હતો. પ્રમોશન મળે તો આમાંથી કૈંક છુટકારો થાય પણ બોસ ઓર્ડર આપે છે તોય એપ્રિલફૂલ બનાવવા!..થોડીક ખીજ ચડાવી મનને પાછું કામમાં વાર્યું. સાંજ પડ્યે શ્રીમતીજીએ ગઈકાલે સોંપેલ શોપિંગ લીસ્ટ યાદ આવ્યું ને ફાઈલો નો ઢગલો પોટલામાં બાંધી ફટાફટ બજારમાં નીકળ્યો. શોપિંગ માટે આમ તો સોની બજારનું પ્રોમિસ પણ મેળવી લેવામાં આવ્યું હતું પણ એના માટે પ્રમોશન મળે એટલી મુદ્દત મેળવવામાં સફળ થયો હતો.
એપ્રિલફૂલનો દિવસ વીતી ગયો હતો. બીજે દિવસે રૂટીન પ્રમાણે ઓફીસ પહોચી પહેલું કામ પેલું ગઈકાલનું કવર ખોલવાનું કર્યું. અંદર એક કાગળ હતો જેમાં મારા પ્રમોશનનો આદેશ હતો. આદેશમાં નીચે બોલ્ડ અક્ષરે લખેલી નોંધ વાંચી આંખે અંધારા આવી ગયા. “ આ હુકમના સ્વીકાર બદલ આજે સાંજ સુધીમાં સાથે આપેલ સમંતિપત્રમાં સહી કરી પરત કરવાનું રહેશે અન્યથા આપ આ બઢતી સ્વીકારવા તૈયાર નથી એવું સમજી આપના પછીના ક્રમે આવતા કર્મચારીનો હુકમ કરવામાં આવશે.” મેં મારી બાજુમાં બેઠેલ મી.મહેતાની ગળચી પકડવા હાથ લંબાવ્યો પણ ખુરશી ખાલી હતી. જે ચેમ્બરમાં બેસવાનું વરસોથી સપનું જોતો હતો એ ચેમ્બર તરફ નિરાશાભરી નજર નાખી તો ડેપ્યુટી બોસની ખુરશી ઉપર એક ઓળો ઝૂલતો હતો….મી.મહેતાનો….!!! મને અહેસાસ થયો કે તારીખીયા ઉપરની પહેલી તારીખનો કોઈ વાંક નહોતો, વાસ્તવમાં હું ‘ફૂલ’ જ હતો.
– ગાંગાભાઇ સરમા
No Comments