શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને બહુમુખી વ્યક્તિત્વના માલિક સાજણભાઈ રામભાઈ ઓડેદરાએ તારીખ ૩૧/૭/૨૦૨૩ ના રોજ આપણી વચ્ચેથી અચાનક જ અણધારી વિદાય લઈ લીધી છે. તેમના આ અચાનક પ્રયાણથી આપણને ખૂબ જ મોટી ખોટ પડી છે. આપણા સમાજમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના માધ્યમથી વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ રીતે સેવાઓ આપનાર શ્રી સાજણભાઈ ઓડેદરા આપણા સમાજ ઉપરાંત પોરબંદર શહેરની પર્યાવરણ,પ્રકૃતિ અને જીવસેવાની અનેક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા.
સેવાનો પારિવારિક વારસો
પોરબંદર નજીકના ઓડદર ગામે તારીખ 15/ 8/1954 ના રામભાઈ ગીગાભાઈ ઑડેદરા અને લાખીબેનને ત્યાં જન્મેલા સૌથી નાના પુત્ર સાજણભાઈને સેવા, સત્કાર્યો અને પ્રકૃતિની વધુ નજીક રહેવાનો વારસો બાળપણથી જ મળ્યો હતો. તેમના ભાઈઓ દેવશીભાઈ, મેરામણભાઇ, પરબતભાઈ ઉપરાંત બહેન રાજીબેન ભીમાભાઇ આગઠ અને માસીઆઈ ભાઈ સામતભાઈ સુંડાવદરા વગેરે પરિવારજનો સાથે અતૂટ આત્મિતા, લાગણી અને પ્રેમ ધરાવનારો તેમનો પરિવાર પોરબંદર સ્થાયી થયા પછી પણ પિતા સ્વર્ગસ્થ રામભાઈ ગીગાભાઈ ઓડેદરાએ આપેલ સત્કાર્યોના વારસાને આગળ ધપાવીને આજીવન સમાજસેવક રહી પ્રકૃતિ સંવર્ધનના અનેક કાર્યોમાં યોગદાન આપતો રહ્યો છે. જેમાં સાજણભાઈ ઓડેદરાના પત્ની રાભીબેન, પુત્ર દિલીપભાઈ પુત્રી રીમાબેન દેવાંગભાઈ મોઢવાડિયા, પુત્રવધુ રૂપલબેન તથા પૌત્રી માયરા વગેરેના આગમન બાદ તો જાણે કે તેમના જીવનની પ્રકૃતિની વસંત ખીલી હોય તેમ અનેકવિધ શૈક્ષણીક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓના માધ્યમથી આજીવન જીવંત રહે તેવા એમના સત્કાર્યો ક્યારેય કોઈ ભૂલી શકશે નહીં. તેમના વતન ઓડદર ગામે પિતા રામભાઈ ઓડેદરા ઉર્ફે રામ ભગતની સ્મૃતિમાં મોટાભાઈ પરબતભાઈ ઓડેદરા ના મહત્વના આર્થિક યોગદાનથી નિર્માણ પામેલા ભવ્યાતિ ભવ્ય મહેર સમાજ જ્ઞાતિભવનની સ્થાપનામાં પણ નાનાભાઈ સાજણભાઈ ઓડેદરા નો અમૂલ્ય યોગદાન રહ્યું છે.
આગવી કોઠાસૂઝ
આજના સમયમાં શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે પણ સાજણભાઈ ઓડેદરાના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી બાબત એ છે કે તેઓએ માત્ર પાંચ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં ભલભલાને ઝાંખા પાડી દે તેવી તેમની સૂઝબૂજ અને નોખું અનોખું વ્યક્તિત્વ હતું. ખેડૂતપુત્ર હોવાથી સ્વાભાવિક રીતે જ ખેતી વિશેનું તેઓ શ્રેષ્ઠતમ જ્ઞાન ધરાવતા હતા પરંતુ તેની સાથોસાથ રાસાયણિક ખાતરોથી લોકોના આરોગ્યને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એ બાબતને ગંભીરતાથી લઈને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથોસાથ અન્ય ધરતીપુત્રો માટે પણ પ્રેરણાદાયી બનીને પ્રકૃતિ સંવર્ધનના કાર્યોમાં આજીવન જોડાયેલા રહ્યા હતા. શ્રી ઇન્ટનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલનો ખેતી વિભાગ પણ તેઓ સંભાળી રહ્યા હતા. ખેતી સાથે જોડાયેલા સાજણભાઈ ઓડેદરા ઉદ્યોગપતિ તરીકે પણ પોતાની આગવી સૂજબૂજથી નામના મેળવી હતી. પોરબંદરમાં ખાપટમાં મારુતિ ઓઇલ મિલની સ્થાપના કરીને ખેડૂતોને મગફળીનું પોષણક્ષમ વળતર મળે તે રીતે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેમણે પોતાનો સિંહ ફાળો આપ્યો હતો તો મોરના ઈંડા ચીતરવાના પડે નહીં એ કહેવતને સાર્થક ઠેરવીને સાજણભાઈના પુત્ર દિલીપભાઈ પણ મારુતિ નામને આગળ ધપાવીને અનેકવિધ ક્ષેત્રે પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે.
શ્રી સાજણભાઈનું સામાજિક યોગદાન
સાજણભાઈ ઓડેદરાનું પોરબંદરમાં સામાજિક ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. તેઓ આપણી મહેર સુપ્રીમ કાઉન્સિલની સ્થાપનાથી જ પાયાના પથ્થર બનીને તેમનું યોગદાન આપતા રહ્યા હતા. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલમાં તેઓ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને ટ્રસ્ટી તરીકે સક્રિય રહીને પોતાનું યોગદાન આપ્યું છે. સમાજની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે નવરાત્રી મહોત્સવ, સમુહ લગ્ન, વિદ્યાર્થીઓનું સન્માન, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લોન સ્કોલરશીપ વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ ખૂબ સક્રિય રહેતા હતા. ચોપાટી પર યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ અને ભવ્યાતિભવ્ય કૃષિ મેળો જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તેમણે પોતાનો સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહીં પર્યાવરણ અને પ્રકૃતિ વચ્ચે રહીને પોતાનું જીવન સમર્પિત કરી નેચર કલબ નામની સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેમાં પાયાના પથ્થર બનીને જીવનપર્યંત નેચરને સમર્પિત રહ્યા હતા. તેમનું નિધન થયું ત્યારે પણ તેઓ નેચર કલબના ચેરમેન તરીકે સેવા આપતા હતા અને 1300 જેટલા લોકોના ચક્ષુદાન કરાવીને 2500 થી પણ વધુ પ્રજ્ઞાચક્ષુઓની આંખમાં રોશનીનો પ્રકાશ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે 20 થી પણ વધુ લોકોના દેહદાન કરાવીને અમૂલ્ય સેવા આપી હતી. તેમના નેતૃત્વમાં પોરબંદર શહેર અને જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધર્મસ્થાનો, સામાજિક સંસ્થાઓ, બાગ બગીચાઓ વગેરેમાં વૃક્ષારોપણ કરીને પોરબંદરમાં પર્યાવરણના જતન અને સંવર્ધન માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. મકરસંક્રાંતિના તહેવાર સમયે અસંખ્ય પક્ષીઓ પતંગના કાતિલ દોરાથી ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આવા પક્ષીઓને બચાવવા અને ઘાયલ પંખીઓને સમયસર પ્રાથમિક સારવાર અપાવીને સલામત રીતે પક્ષી અભ્યારણ ખાતે પહોંચાડવાની જનજાગૃતિમાં પણ તેઓ ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે. શિયાળાની કાતિલ ઠંડીમાં ફૂટપાથ ઉપર ધ્રૂજતા લોકોને ધાબડારૂપી હુંફ આપવા ઉપરાંત તેઓ નેચર કલબની ટીમ સાથે આવી પ્રવૃત્તિઓ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જતા હતા. આપણા પોરબંદર પંથકમાં પાન માવા અને તમાકુ સહિતના વ્યસનને કારણે કેન્સરનું પ્રમાણ અત્યંત ગંભીર રીતે વધી રહ્યું છે ત્યારે વ્યસનમુક્તિ ઝુંબેશના માધ્યમથી યુવા પેઢીમાં જનજાગૃતિ લાવવા ભરપૂર પ્રયત્નો કરતા રહ્યા હતા. જરૂરિયાતમંદોને રાશનકીટ, તબીબી સહાય, રક્તદાનની પ્રવૃત્તિઓ, ચક્ષુદાનની પ્રવૃત્તિઓ, દેહદાનની કામગીરી, અત્યંત જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય, બરડા ડુંગર સહિતના વિસ્તારોમાં ટ્રેકિંગ કેમ્પ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરનારા સાજણભાઈ ઓડેદરા વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારી સાથે પણ જોડાયેલા હતા. તાજેતરમાં જ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા યોજાયેલી રાજયોગ શિબિર અને રિસર્ચ ફાઉન્ડેશનમાં ગુજરાતના માત્ર બે જ નિમંત્રિતો પૈકી સાજણભાઈ ઓડેદરા એગ્રીકલ્ચર રૂરલ ડેવલોપમેન્ટ વિંગ વતી હાજર રહીને પોતાના અમૂલ્ય વિચારો રજૂ કરીને સૌ માટે પ્રેરણાદાયી બન્યા હતા.
દેશ વિદેશમાં સામાજિક પ્રવૃતિઓની સુવાસ
સાજણભાઈના સામાજિક પ્રવૃતિઓની સુવાસ અનેક દેશોમાં ફેલાયેલી છે. તેમણે વિશ્વભરના જુદા જુદા દેશોમાં ફેલાયેલા મહેર સમાજના લોકોને મળીને મહેર સમાજના સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધન માટે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. કેનેડા સમિટથી માંડીને યુકે તેમજ યુએસએ તેમજ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી ચૂકેલા સાજણભાઈએ તેમના દેશ-વિદેશમાં ફેલાયેલા મિત્રો સાથે મળીને કરેલી વિશિષ્ટ પ્રવૃત્તિઓ યાદગાર બની ગઈ છે.
નિયમિત યોગના શોખીન
68 વર્ષની ઉંમરે 18 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા સાજણભાઈએ તેમના જીવનના અંતિમ દિવસ સુધી યોગને આત્મસાત કર્યો હતો. ધરમપુરના ફાર્મ હાઉસ ખાતે દરરોજ વહેલી સવારે યોગ અને પ્રાણાયામ માટે નિયમિત રીતે દોઢ થી બે કલાક જેટલો સમય ફાળવતા હતા. દરરોજ વહેલી સવારે ઊઠીને ફાર્મહાઉસના પ્રકૃતિમય વાતાવરણમાં તન મનને સ્વસ્થ રાખે તેવા અલગ-અલગ પ્રકારના યોગાસનો તેઓ અચૂક કરતા. અત્યારના આધુનિક યુગમાં યુવાનવયે અને પ્રૌઢાવસ્થાથી જ લોકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાતા હોય છે ત્યારે સાજણભાઈ ઓડેદરા આજીવન તંદુરસ્ત રહ્યા હતા અને જિંદગીના અંતિમ દિવસ સુધી બીમારીઓ તેમનાથી દૂર રહી હતી.
પ્રકૃતિ અને પ્રાકૃતિક ખેતી ઉપર અનન્ય પ્રેમ
પર્યાવરણ અને પ્રકૃતિની તદ્દન નજીક રહેલા સાજણભાઈ ઓડેદરા પોરબંદર વિસ્તારમાં નેચર લવર તરીકે જાણીતા બન્યા હતા. તેમના ફાર્મ હાઉસમાં 25 જેટલા આંબાનો ઉછેર કરીને આંબાઓમાં રાસાયણિક ખાતર નહીં પરંતુ ગૌમૂત્ર અને છાણીયા ખાતર દ્વારા મધ મીઠી કેરીનું ઉત્પાદન કરતા હતા. પોતાના ફાર્મ હાઉસમાં પણ તેઓ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા અને સંપર્કમાં આવતા સહુ કોઈ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરતા. સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ કર્યા બાદ ફાર્મ હાઉસમાં ટહુકા કરતા મોર સહિતના પક્ષીઓ અને ગૌધનને ભોજન આપીને તેમના જઠરાગની ઠારીને જ પોતાના દિવસની શુભ શરૂઆત કરનારા સાજણભાઈ દિવસના આઠ કલાકથી વધુ સમય પ્રકૃતિ વચ્ચે પસાર કરતા હતા. પ્રકૃતિ અને સમાજ માટે તેઓએ કરેલું કાર્ય હંમેશને માટે ચિરજીવી રહેશે.
No Comments