શ્રી સમસ્ત મહેર સમાજ – શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – ૨૦૨૪ના ગઇકાલે છેલ્લા એટલે કે નવમાં દિવસે ખેલૈયાઓમાં અદમ્ય ઉત્સાહની લાગણી જોવા મળી હતી. જ્ઞાતિજનોની વિશાળ જનમેદની નવે નવ દિવસ નિરંતર રહેવા પામી હતી. રાસોત્સવના કેમેરાના કસબીઓએ ડ્રોન કેમેરાની મદદથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ અને અન્ય ગરબીઓના દૃશ્યો  વારંવાર કેમેરામાં કંડાર્યા હતા. જેમાં આ ગરબીમાં દૃશ્યમાન વિશાળ જનમેદની આ રાસોત્સવની ભવ્ય સફળતા રજૂ કરી રહી હતી.
નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમીના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દેવી દરેક પ્રકારની સિદ્ધિઓ, સંપત્તિ, સમૃદ્ધિ અને કીર્તિના આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વ્યક્તિને જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતા મળે છે, અને તેઓ તેમના તમામ લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. માતાજીના આ સ્વરૂપની પ્રાસંગિકતા અનુસાર મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ માતાજીની આરતી સાથે નવરાત્રિના  નવમાં પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના હોદ્દેદારો સર્વે શ્રી બચુભાઈ આંત્રોલિયા, નવઘણભાઈ મોઢવાડીયા, આલાભાઈ ઓડેદરા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરિયા, અરજનભાઈ કડેગિયા, ભોજાભાઈ આગઠ વગેરે જોડાયા હતા.
આરતી બાદ પૂર્વ નિર્ધારિત આયોજન મુજબ બહેનો અને ભાઈઓનો એક એક તાળી રાસ અને એક મિક્ષ રાસ રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવે નવ દિવસના વિજેતા ખેલૈયાઓને તાળી  રાસ અને મણિયારો રાસ રમાડવામાં આવ્યા હતા. નવરાત્રીમાં દરરોજ ત્રણ કેટેગીરીમાં શ્રેષ્ઠ ખેલૈયાઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં બાળકોના વિભાગમાં 20 શ્રેષ્ઠ ખેલૈયાઓ તથા યુવા અને મેરીડ વિભાગમાં 10-10 શ્રેષ્ઠ ખેલૈયાઓની પસંદગી કરી તેઓને  શિલ્ડ તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ. નવ દિવસના શ્રેષ્ઠ ખેલૈયાઓ વચ્ચે નવરાત્રીના અંતિમ દિવસે ફરી રાસ ગરબા રમાડી તેમાંથી દરેક વિભાગમાં ટોપ ટેન ખેલૈયાઓની પસંદગી કરવામાં આવેલ. જેમાં બાળકોના વિભાગમાં 20, યુવા વિભાગમાં 20 અને મેરીડ વિભાગમાં પણ 20 શ્રેષ્ઠ ખેલૈયાઓની ફાઈનલ પસંદગી કરવામાં આવેલ હતી. ફાઇનલમાં વિજેતા થયેલા આ ખેલાડીઓને સંસ્થા દ્વારા દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ, આમંત્રિત વડીલો તેમજ સંસ્થાના કાર્યકર્તાના વરદ હસ્તે રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ. સાથે સાથે ફાઇનલમાં બાળકોના વિભાગમાં દરેક ખેલૈયાઓને કન્સલેશન ગિફ્ટ પણ આપવામાં આવેલ હતી.
આ તબક્કે આ સમગ્ર રાસોત્સવમાં વ્યવસ્થા, સંગીત, ટેકનિકલ સપોર્ટ, ગ્રાઉન્ડ, મંડપ સર્વિસ, નિર્ણાયક  જેવા તમામ વિભાગોમાં સેવા આપનાર કાર્યકરોનું પણ સન્માન  કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વ્યક્તવ્યમાં નવરાત્રી રાસોત્સવના આ સમગ્ર આયોજનની સરાહના કરી તેને સુપેરે પાર પાડનાર તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક આપી હતી. રાજકીય અને સામાજિક રીતે આજનો સમય ભવિષ્યના પોરબંદર માટે સર્વશ્રેષ્ઠ હોવાનુ જણાવી તેઓએ પક્ષોને પર ગણી સમાજ અને વિસ્તારના વિકાસ માટે એક ટેબલ ઉપર ચર્ચા માટે હમેશા ઉપલબ્ધ રહેવાનું આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઇ આંત્રોલિયાએ જ્ઞાતિમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃતીઓનો ચિતાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ માટે લોન સુવિધાથી માંડી ગ્રામ્ય કક્ષાએ શિક્ષકની ઘટ નિવારવા સંસ્થા હર હમેશ તૈયાર છે એવું તેઓએ જણાવ્યું હતું. સંસ્થાના ખજાનચી શ્રી આલાભાઈ ઓડેદરા દ્વારા આ સમગ્ર નવરાત્રી રાસોત્સવનો આવક જાવકનો ખર્ચ રજૂ કરી બચત રકમ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે ખર્ચવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું.
આજે આ કાર્યક્રમમાં પોરબંદરના માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રાજશીભાઇ પરમાર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સામતભાઈ ઓડેદરા, કેશુભાઈ વાઢેર, રાજુભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા, પુંજાભાઈ ઓડેદરા, ધર્મેશ પરમાર, રામભાઈ જાડેજા, અજય બાપોદરા, કરશનભાઈ ઓડેદરા (મહેર શક્તિ સેના), લીલાભાઇ પરમાર (ઘેડ વિકાસ સમિતિ), કનુભાઈ ઓડેદરા, મસરીજી ઓડેદરા, ભીખુભાઈ ગોરાણીયા, ભીખુભાઈ સોપારીવાળા વગેરે તેમજ મહિલા આગેવાનો હિરલબા જાડેજા  અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી ઉપસ્થિત રહ્યા હતા.
નવે નવ દિવસ સુધી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરી ભાઈ શ્રી પોપટભાઈ ખુંટી અને જયેન્દ્રભાઈ ખુંટી દ્વારા શ્રોતાઓને રસતરબોળ કરવામાં આવ્યા હતા. નવરાત્રી રાસોત્સવના આ સમગ્ર આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા , ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, કન્વીનર જયેન્દ્રભાઈ ખુંટી તેમજ પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના તમામ કાર્યકર્તાઓ તથા મહેર મહિલા મંડળના તમામ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *