સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા તા. ૩ થી ૧૧ ઓક્ટોમ્બર દરમિયાન રાજકોટના પ્રખ્યાત કાલાવાડ રોડ ઉપર ઇવેન્ટ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. રાજકોટમાં આપણા સમાજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી આ રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ વખતે પણ આ રાસોત્સવમાં અગાઉની જેમ જ રાજકોટ સ્થાનિક અને આસપાસમાં વસતા જ્ઞાતિજનોએ ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાસોત્સવના છઠા નોરતે આપણી જ્ઞાતિના વિશ્વ વિખ્યાત રાહડા આપણા પરંપરાગત વેશ પરિધાનમાં જુનાગઢની આપણી મહેર બહેનોના ગ્રુપ દ્વારા રજુ કરવામાં આવેલ હતા. આ પ્રસંગે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા પણ ઉપસ્થિત રહ્યા હતા. જયારે સાતમા નોરતે આપણી જ્ઞાતિના પરંપરાગત પોશાકમાં ભાઈઓ દ્વારા આપણો જગ પ્રસિદ્ધ મણિયારો રાસ તથા બહેનો દ્વારા રાહડા રમવામાં આવ્યા હતા. આ દિવસે પોરબંદરના ધારાસભ્ય માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને માં જગદંબાની આરતીનો લાભ લીધેલ હતો.
રાજકોટ મહેર સમાજ દ્વારા યોજવામાં આવતા આ નવરાત્રી મહોત્સવમાં કોઈ પણ જાતની પ્રવેશ ફી લેવામાં આવતી નથી કે જાહેરાત માટે કોઈનાં બેનર લગાડવામાં આવતાં નથી. ફક્ત મહેર સમાજના દાતાઓ દ્વારા જ આ તમામ ખર્ચ પૂર્ણ કરવામાં આવે છે જેમાં શ્રેષ્ઠ ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામોથી માંડી આ રાસોત્સવમાં જોડાયેલા તમામ પરિવારો માટે સતત આઠ દિવસના સમૂહભોજનનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર રાસોત્સવનું @maher samaj rajkot નામે યુ ટ્યુબ ચેનલ ઉપર પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને જબરદસ્ત સફળતા અર્પવા પાછળનો શ્રેય સમસ્ત રાજકોટ મહેર સમાજના ભાઈ બહેનોના શિરે જાય છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *