
આજ કાલ વિદેશ,વિદેશ થઈ રહ્યું છે તો મને થયું કે હું પણ મારી વિદેશ યાત્રા મારા સમાજ સુધી પહોંચાડુ.
સાંભળવામાં કેટલું સારું લાગે ને કે, ભાઈ મારો દીકરો કે દીકરી તો વિદેશ માં છે!! કેટલા વટથી લોકો પહેલાં કહેતા ને! અને આજે પણ કહે છે. પહેલાં જ્યારે ગામના અમુક અમુક લોકો વિદેશ હતા કે જતા જ્યારે આજે દરેક પરિવારનું એક સભ્ય યુકે, કેનેડા કે ઓસ્ટ્રેલિયા છે, આટલું જ નહીં આપણા સમાજના પરિવારો દરેક દેશમાં વસવાટ કરે છે જેનું આપણને નામ પણ ખબર નથી. હા! પણ પહેલાંના સમય માં લોકોને બહાર જવાની જરૂરિયાત હતી જ્યારે આજ ના સમયમાં લોકો ગાડરીયા પ્રવાહમાં જોડાઇ રહયા છે એવું કહી શકાય.
આ જ પ્રવાહમાં હું પણ જોડાઈ ગઈ. વિચાર આવતાની સાથે જ મે મારા પરિવારની રજા સાથે, માસ્ટરની ડિગ્રી સાથે IELTS ના ક્લાસ ચાલુ કરી દીધા. થોડા ટાઈમ પછી થયું ચાલ ને હવે બહાર જઈ માસ્ટર કરવું જ છે તો અહિયાં શું કામ ખોટી મહેનત કરું? એમ વિચારી મેં મારા માસ્ટરની ડિગ્રી ને પડતી મૂકી ને મારું બધું જ ધ્યાન માત્ર IELTS માં આપ્યું. માતાજી અને મારા મોટાઓના આશીર્વાદથી મેં સારો એવો સ્કોર પણ કર્યો. હવે ખૂબ મોટો પ્રશ્ન આવ્યો? કયો દેશ સારો? ક્યાં જવું જોઇએ? કયા દેશમાં સારી તકો છે? હું સતત સંશોધન કરતીને બધા જ ઇન્સ્ટિટ્યૂટએ યોજેલ સેમિનારમાં જતી, જેટલું વધારે નોલેજ આટલી જ મોટી મૂંઝવણ. પહેલા તો કેનેડા વિચાર્યું પણ મારા પતિ મારી સાથે ના આવી શકે અને પાછળ આવવાનું થાય એ વિચારી એને ઓપ્શનમાંથી કાઢી નાખ્યું હવે ગાડી આવી ઊભી ઓસ્ટ્રેલિયા, પણ ત્યાં લાંબો વિચાર કરી લોકેશન શોધી , યુનિવર્સિટીમાંથી ઓફર લેટર આવે ત્યાં પાછો અમારો વિચાર બદલી ગયો, અને અમે આવી ગયા યુકે, જ્યાં એક સ્ત્રીએ રાજ કરેલું અને જ્યાં આપણો કોહિનૂર છે.
પગ રાખતાની સાથે જ આ દેશે મને ભણાવવાનું ચાલુ કરી દીધું. આવતાની સાથે જ અમે અમારું BRP કાર્ડ કઢાવવાની કાર્યવાહી શરુ કરી. એ આવવામા સમય લાગ્યો. એટલે હવે એની રાહ જોઈ બેસાય તો નઈ!? તો મેં કામ શોધવાનું ચાલુ કરી દીધું, આસપાસની બધી દુકાનો, બધી હોટલો, પોસ્ટઓફિસોમાં તપાસ કરી આવી. બીજા દિવસે સવારે મે એક કોલ કર્યો કામ માટે, ને એ ભાઈ એ કહ્યું, મને ૪ વાગ્યા પછી પાછો ફોન કરજો, અમારી વાત ઇંગ્લિશમાં થઈ હતી, પણ મેં મારા નામ સાથે અટક પણ કહેલી, પાછો એમનો જ મને ફોન આવ્યો ને કહ્યું, કયું ગામ બેન, આપણી મહેર ની જે ભાષા છે તે અછતી રે ખરી?! અને આ ઈસ્ટ લંડનમાં મને પહેલા મહેરના ભાઈ મળ્યા, જે આજે પણ મોટા ભાઈની જેમ અમને સારું એવું માર્ગદર્શન પૂરું પાડે છે, પણ હા, મને એક બીજા દંપતિ પણ મળેલા. એમ જ રાશન લેવા માટે સુપરમાર્કેટમાં ગયેલી ને આપણી તળપદી ભાષા સાંભળી, એક દંપતિ હતું, મેં તો જાજા હરખથી બોલાવીયા કે આપણું કોઈ છે, પણ બોલાવ્યા પછી તે સમયે લાગ્યું કે આમને તો ના બોલાવ્યા હોત તો!!! કેમ?? મળ્યાની સાથે જ એ ભાઈ કામનું પૂછવા લાગ્યા, મેં કીધું બસ મારે તો મળી જ ગયું છે ને મારા પતિ ગોતે છે, તો એ ભાઈએ મદદ માગ્યા વગર કહી દીધું, હું કામ નઈ ગોતી આપું હો, આયા કામ નથી મળતું, થોડાક ટાઈમમાં બધા પાછા વયા જાય છે, કોઈ આયા રેતું નથી. મેં તો પછી બહુ લાંબી ના કરી ને આવજો કહી દીધું. હરખ મારો તો ભાંગી પડયો!!! માણસ હિંમત આપે, સારું ના બોલી શકે તો ખરાબ તો ના જ કહે!! ચાલો ને જતું કરીએ.
કાર્ડ આવ્યા બાદ અમે બંને માણસ સારી એવી જોબ કરવા લાગ્યા ને બધુ બરાબર ચાલવા લાગ્યું. પણ ઘર અને અમારો પરિવાર અમને રોજ યાદ આવે, ક્યારેક પ્રશ્ન પણ થાય કે શું કામ આટલો સંઘર્ષ. વતનમાં રહીને તો એમ જ થાય કે બહાર મજા છે… ના ભાઈ ખૂબ અઘરું છે, દરેક સમયે તમારી સામે અલગ જ કોયડો હોય, જેનો તમારે એકલાએ જ ઉકેલ શોધવાનો હોય. હવે વતનમાં પણ ધીરે ધીરે બધા ને ખબર પડી ગઇ કે હું વિદેશ પહોંચી ગઇ, સવાલ ઉઠવા લાગ્યા! હદ તો ત્યારે થઈ જયારે એક સબંધીએ મારા પપ્પાને પૂછ્યું કે કેમ ગયા મુંડી કટ માં ને? હવે એ શું હોય એ તમે તમારી જાતે શોધી જોવો! ના ખબર હોય તો.
ઘણા લોકો પૂછે છે, વિદેશ અવાય કે નહી? કામ મળે છે? દરેક સમયે મારો દરેક ને એક જ જવાબ હોય છે, જો તમારે તમારા દેશમાં સારી એવી આવક હોય, જમીન હોય તો ના અવાય. વિદેશ પૈસા કમાવા માટે છે, જિંદગી જીવવા માટે નહી. લોકો પરિવાર સાથે અહીં રહે છે એની ના નહી પણ લોકો ને પોતાના બાળકો માટે સમય નથી હોતો. બાળકોને પોતાના મમ્મી પપ્પા માટે સમય નથી હોતો. લોકો એટલા અનુભવી હોય છતાં નથી સમજતા કે રૂપિયા તો ૨ વર્ષ પછી પણ કમાઈ શકશે પણ પોતાના બાળકનું બાળપણ નહી માણી શકે, પોતાના સંસ્કાર નહી આપી શકે, એને ખોટા રસ્તે જતા નહી રોકી શકે. એમાં શંકા નથી કે ઘણા પોતાના માતા પિતાને અહીંયા બોલાવી લે છે સંભાળ માટે, પણ મારું માનવું તો આવું છે કે જો જિંદગી જીવવી જ હોય તો દરેક અવસ્થાને માણો અને પોતાના પરિવાર સાથે જીવો. વિદેશમાં સતત સંઘર્ષ છે અને સમયની કિંમત છે, માણસની નહી. વતનમાં માણસની કિંમત છે, કુટુંબ અને પરિવાર સાચું સુખ છે. અર્ધો રોટલો ખાશો પણ પરિવાર સાથે રહેશો તો જિંદગી જીવવા જેવી લાગશે. લોકો વતનમાં જઈ આટલી મોજ મજા કરે છે કારણ તે એ એક મહિનાની મજા માટે અહીંયા પોતાના કામ પર ૧૧ મહિના સતત ટાઈમ પર હાજરી આપે છે.
એક વાર તમે વિદેશ આવી ગયા તો પાછું જવું ખૂબ અઘરું છે. તમે વિદેશને મીઠી જેલ પણ કહી શકો. જે હું ૨૧ વર્ષમાં ના શીખી શકી તે માત્ર એક જ વર્ષમાં શીખી ગઈ. મેં લોકોને લોભ કરતા જોયા છે. આટલું આટલું ભગવાને આપ્યુ હોવા છતા વપરાતું નથી. પોતાના બાળકોને એક ખાવાની વસ્તુ લઈ દેવી હોય તો પણ વિચાર કરે બોલો. અરે ભાઈ, તું જેના માટે રાત દિવસ મહેનત કરે છે એને જ તું એ ખાવાની વસ્તુ ના અપાવે તો તારી મહેનત પર ધૂળ પડી. જ્યારે હું એક સંબધીને ત્યાં ગઇ તેનો એક કિસ્સો જણાવું છું. અમથું બેસાય તો નહી એટલે હું એમ જ એમની મદદ કરવા લાગી. પાણીનો નળ ખોલીને હું ટમેટા ધોવા લાગી. એ કાકા બેઠકમાંથી ઊભા થઈ મને નળ કેટલો ખોલાય એ શીખવાડવા આવ્યા અને બોલ્યા જો બેટા, આને માપસર ખોલાય નહીતર જો ઓલું મિટર ફરે છે એથી આમાં બિલ આવે, અને હું તો પાણી પાણી થઈ ગઇ, તમે નહી માનો, એ વ્યક્તિ કરોડોના માલિક છે! પણ મન?? એ તમે નક્કી કરી લેજો!! કરકસર કરવી એ સારી બાબત છે પણ લોભ નહી. હવે એમણે કરકસર જ કરી પણ પોતાના ઘરે આવેલ મહેમાનને પણ શીખવ્યું કે અમારે ઘરે આવો તો ભાઈ બિલ ના આવે એ માટે શું કરવું. માફ કરજો, મારી વાતો જરાક કારેલા જેવી કડવી હોય છે. બાકી આવા કિસ્સા તો કહું એટલા ઓછા!
જો તમે સંઘર્ષ અને સતત મહેનત કરી શકતા હોય તો જ વિદેશ જવાય. એવું નથી કે સંઘર્ષ જ છે પરતું એ આપણા પર આધાર રાખે છે કે આપણે કેવું જીવન જીવવાની ઇચ્છા રાખીએ છીએ. અહીં સારી એવી આબોહવા છે, લોકોની આગવી લાઇફસ્ટાઇલ છે, લોકો એક બીજાની પંચાત નથી કરતા. તમને એ પણ ખબર ના હોય કે તમારા પડોશી કોણ છે! સારી એજ્યુકેશન સિસ્ટમ છે ફ્રી માં, મેડિકલ સર્વિસ ફ્રી છે, પણ હા, એ અલગ વાત છે કે તમારો વારો આવે ત્યાં તો તમે સાજા થઈ જાવ. ટુંકમાં કહું તો ક્વોલિટી ઓફ લાઇફ જરૂર છે પરંતુ એનું મેનેજમેંટ કેમ કરવું એ તમારા પર નિર્ભર છે.
- Mina odedara modhavadiya (UK)

No Comments