મારો વાલીડો ધારે તો વર્ષો જૂની કહેવતોના પણ કૂચડા બોલાવી દયે. આપણા વડવાઓ કહેતા આવ્યા છે કે, સરામણે તો ખાલી સરવડાં હોય ! પણ આજુ ખેલે તાં મારો વાલો મેવલિયો મન મૂકીને મંડાણો છે…
આજે વરસી રહેલા મેહુલિયાને નિહાળી મન મોરલાની જેમ મત્ત બની ગયું અને ખળખળ વહેતા ઝરણાની જેમ અંતરમાથી ગીતની પંક્તિઓ વહેતી થઈ ગઈ… બસ, આ એ જ આ ગીત…..
આવે છે મેહુલો, આવે છે મેહુલો,
ગગન ગજાવતો આવે છે મેહુલો,
પડછંદા પાડતો આવે છે મેહુલો.
વનવનની વાટ મહીં,
નદીઓના ઘાટ મહીં,
જીવન જગાડતો આવે છે મેહુલો.
ગગન ગજાવતો આવે છે મેહુલો.
ખાલીખમ્મ ખેતર મહીં,
ખેડુઓના અંતર મહીં,
હરખે હુલ્લાસતો આવે છે મેહુલો.
પડછંદા પાડતો આવે છે મેહુલો.
ડુંગરના ગાળામાં,
ઝરણાં ને નાળામાં,
સંગીત રેલાવતો આવે છે મેહુલો,
ગગન ગજાવતો આવે છે મેહુલો
મોરલાના સાદ મહીં,
બપૈયાના નાદ મહીં,
પ્રેમભીનું પોકારતો આવે છે મેહુલો,
પડછંદા પાડતો આવે છે મેહુલો.
ગામડાંની ગલીઓમાં,
પા પા પગલીઓમાં,
ઓચ્છવ મનાવતો આવે છે મેહુલો,
પડછંદા પાડતો આવે છે મેહુલો.
-ભરત બાપોદરા
No Comments