પ્રશ્ન એક પૂછું ને હજારો જવાબ મળે એમ પણ બને
જવાબ એક આપું ને લાખો પ્રશ્ન મળે એમ પણ બને
ઉઘાડું અંતરની આંખ ને સૂરજ સામે દેખાય અંધારું
અંધારી રાતમાં આગિયા તેજ ફેલાવે એમ પણ બને
વરસાદમાં એ સળગતો રહ્યો,બળતો રહ્યો,એ મરેલો હતો
હૃદયથી આદમી જીવતા ઠંડોગાર નીકળે એમ પણ બને
હાર કે જીત નક્કી જ નથી હોતી જિંદગીના જુગારમાં
બંધ બાજીમાં એક્કા નીકળે; જોકર નીકળે એમ પણ બને
હૃદયમાં ઉઠતી ઉત્કંઠાઓ ઠાલવી નાખો માણસ સમજીને
અહીં બધા બહેરા નથી, કોઈ સાંભળી લે એમ પણ બને
ચંદન ઘસો ખંતથી કે પછી રાહ જુઓ ઉમરભર એની
શોધી દ્વાર તમારું આવે રઘુવીર, તિલક કરે એમ પણ બને
રાખી શ્રદ્ધા હું લખતો રહ્યો, ઊર્મિઓ ઉભરાતી રહી ‘પથિક’
કોઈ લક્ષમાં લે તો શેર મારા સ્તુતિ થઈ જાય એમ પણ બને
- કરણ મી.દિવરાણીયા ‘પથિક’
No Comments