વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ !
અચાનક અંધારાં થાશે રે;
જોતજોતામાં દિવસો વયા જાશે પાનબાઈ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે રે.
જાણ્યા જેવી વસ્તુ અજાણ છે પાનબાઈ !
કોઈ અધૂરિયાંને નો કેવાય રે;
આ ગુપ્તરસનો ખેલ છે અટપટો પાનબાઈ !
આંટી છૂટ્યે પૂરણ સમજાય રે.
નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ !
જાણી લ્યોને જીવની જાત રે;
સજાતિ-વિજાતિની જુગતી બતાવું પાનબાઈ !
બિંબે પાડી દઉં બીજી ભાત રે.
પિંડ-બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ !
તેનો દેખાડું હું તમને દેશ રે;
‘ગંગાસતી’ કહે સુણો તમે પાનબાઈ !
ત્યાં નહીં માયા લવલેશ રે.
– ગંગાસતી
આપણા પરંપરિત ભજન-સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં સંતકવિઓનું જેટલું યોગદાન છે, એટલું સંતકવયિત્રીઓનું નથી એમ જરૂર કહી શકાય, પરંતુ તેમના દ્વારા જે કંઈ યોગદાન પ્રાપ્ત થયું છે, તે પરમ તૃપ્તિદાયક છે એ વાતનો તો ઈન્કાર થઈ શકે એમ નથી જ. મીરાંબાઈ, તોરલ, લોયણ, ગંગાસતી, અમરમા, લીરબાઈ જેવી અનેક સંતકવયિત્રીઓએ પોતાના ભજન-સાહિત્ય દ્વારા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં શ્રદ્ધેય હિસ્સો નોંધાવ્યો છે.
અલબત્ત, આપણે ત્યાં સંતકવયિત્રી મીરાંબાઈના જીવન-કવન વિશે જેવું અને જેટલું સંશોધન થયું છે, એવું ને એટલું સંશોધન અન્ય સંતકવયિત્રીઓના જીવન-કવન વિશે થયું નથી. આ કારણે તેમની મહત્તાનો યથાર્થ પરિચય આપણને મળી શક્યો નથી. આમ છતાં, મહાન સંતકવયિત્રી ગંગાસતીના નામથી તો ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. આત્મજ્ઞાનનાં ઓજસ પાથરતી તેમની ભજનવાણીએ અનેકોનાં જીવન ઓજસ્વી બનાવ્યાં છે. ઓજસભરી દિવ્યવાણીને પચાવી શકવાને લાયક એવી પોતાની જ પુત્રવધૂ પાનબાઈને ઉદ્દેશીને ગંગાસતીએ મોટા ભાગનાં ભજન ગાયાં છે અને વારંવાર એક જ વાત પર ભાર મૂક્યો છે કે, અહંભાવ જાય તો જ નિજસ્વરૂપને પામી શકાય છે. માન મુકાય, હદય નિર્મળ બને અને દેહભાન ભૂલાય પછી જ આત્મદર્શન થઈ શકે છે. આત્મદર્શન કરવા માટે ‘અહં’ રૂપી કેવળ એક જ સોપાન સર કરવાનું હોવા છતાં તે એટલું તો દુષ્કર છે કે હજારે કોઈ એકાદ વીરલો જ તેને સર કરી શકે છે. કેમ કે, માણસ જે કંઈ કૃતિ કરે છે, તેમાં તેનો અહં ડોકાયા વિના રહેતો નથી. જેમ ગાડા નીચે ચાલ્યા જતા શ્વાનને એમ લાગે છે કે ગાડાનો ભાર હું જ ખેંચું છું, તેમ માણસ પોતાના હાથે થયેલી પ્રત્યેક કૃતિ માટે પોતાનો અહં પ્રદર્શિત કરે છે. વાસ્તવમાં, ગાડાનો ભાર જેમ શ્વાન નહીં, પરંતુ ધીંગડમલ જેવા બળદો જ ખેંચતા હોય છે, તેમ માણસના હાથે થતી કોઈ પણ કૃતિનો ખરો કર્તા તો कर्तुंमकर्तुंम सर्वथाकर्तुंम समर्थ એવો ઈશ્વર જ છે. આ પ્રકારનો વિનીતભાવ જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી અહં રૂપી સોપાન સર કરી શકાતું નથી અને જ્યાં સુધી અહં રૂપી સોપાન સર કરી શકાતું નથી ત્યાં સુધી આત્મદર્શન થઈ શકતું નથી. કેમ કે અહં રૂપી સોપાન સર કર્યા બાદ વૈરાગ્ય રૂપી જે ડોકાબારી આવે છે, તેમાંથી જ આત્માનાં દર્શન થાય છે.
આસ્વાદ માટે અત્રે પસંદ કરેલ ‘વીજળીને ચમકારે’ નામના પ્રખ્યાત ભજનમાં ગંગાસતીએ દેહની નશ્વરતા અને ક્ષણભંગુરતા બતાવીને કહ્યું છે કે, આ માનવશરીર ‘વીજળીના ચમકારા’ જેવું ક્ષણિક છે, તેથી જો ‘આત્મદર્શન’ રૂપી મોતી પરોવી શકાયું નહીં તો ‘મૃત્યુ’ રૂપી અંધારું છવાઈ જશે. એટલે કે, આ ક્ષણિક માનવજીવન દરમિયાન નિજસ્વરૂપને પામી શકાયું નહીં તો અવતાર એળે ગયો ગણાશે.
એમ કહેવાય છે કે, માણસ દિવસ-રાત દરમિયાન એકવીસ હજાર ને છસો શ્વાસોશ્વાસ લ્યે છે અને કાળ તે શ્વાસોશ્વાસનું ભક્ષણ કરતો જાય છે. આમ, જોતજોતામાં દિવસો વીતતા જાય છે અને આવરદા ઓછી થતી જાય છે. તેથી જે માણસ નિજસ્વરૂપને પામવામાં ગાફેલ રહે છે, તેના માટે પશ્ચાતાપ કરવા સિવાય બીજું કશું જ બાકી રહેતું નથી. ગંગાસતીએ કહ્યું છે તેમ માણસ દિવસ-રાત દરમિયાન જે એકવીસ હજાર અને છસો શ્વાસોશ્વાસ લ્યે છે, એમાંથી રાત્રિના શ્વાસોશ્વાસ બાદ કરીએ તો દિવસના દસ હજાર અને આઠસો શ્વાસોશ્વાસ રહે. માણસ જો સો શ્વાસોશ્વાસે ભગવાનનું એક નામ લ્યે તો એકસો ને આઠ નામ લેવાનાં થાય. આ ગણતરી કરીને એકસો ને આઠ મણકાની માળા બનાવી છે. સમગ્ર સૃષ્ટિમાં એક માત્ર માનવ-પ્રાણી જ એવું છે, જેને ભગવાને મન અને બુદ્ધિ આપ્યાં છે. તેનાથી તે શુભ સંકલ્પો અને યથાર્થ નિર્ણયો લઈ શકે છે. પરંતુ અશુભ સંકલ્પો અને અયોગ્ય નિર્ણયોને કારણે, અમર આત્મા કે જે ‘જાણવા જેવી વસ્તુ’ છે, તે અજાણ રહી જાય છે અને નશ્વર એવા શરીરને જ ‘હું’ માની બેસે છે ! આવો દેહાભિમાનમાં રાચનારો માણસ એ ‘જાણ્યા જેવી વસ્તુ’ યાને કે આત્માને કદી પણ જાણી શકતો નથી. તેથી તેવા ‘અધૂરિયા’ સમક્ષ તેનું વિવરણ કરવું એ તો ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. કેમ કે, આ તો ‘ગુપ્ત-રસનો ખેલ’ છે અને ‘આંટી’ છૂટ્યા વિના એ સમજી શકાતો નથી. એથી જ લીરબાઈ માતાજી પણ કહે છે :
અધૂરિયાં શું નો’ય દલડાની વાતું મારી બાયું,
એવા નર પૂરા મળે તો રાવું વેડીએ…
ખાડા-ખાબોચિયાની દેડકી,
ઈ શું જાણે સમદરિયાની લ્હેરું મારી બાયું.
જે પિંડ અને બ્રહ્માંડથી પણ પર છે એવા ‘ચૈતન્ય’ રૂપી ગુરુના દેશમાં માયાની તો છાંયડી પણ પડતી નથી. એ જ્યોતિર્મય દેશનાં દર્શન કરવાં હોય તો ગાફેલ રહેવું જરા પણ પાલવે નહીં એમ ગંગાસતી પાનબાઈને સમજાવે છે. તદ્દન સરળ અને પ્રાસાદિક ભાષામાં છેક અંતરાચલેથી ઊઠીને આવતા ગહન ભાવને વ્યક્ત કરતું, ગંગાસતીનું આ પ્રખ્યાત ભજન મને, તમને અને સમગ્ર વિશ્વને અહંભાવ ત્યાગીને સત્વરે આત્મદર્શન કરી લેવા માટે પ્રેરિત કરી રહ્યું છે.
– ભરત બાપોદરા
No Comments