પોરબંદરના રેવદ્રા ગામના વતની અને હાલ દુબઈ સ્થિર થયેલા દિનેશભાઈ ઓડેદરાને કુદરતે આગવી કલાથી કંડાર્યા છે, તેઓ માત્ર ૪૫ સેકન્ડમાં તલ કે ચોખાના દાણા પર ચિત્રો બનાવે છે.માણસો બિલોરી કાચની મદદથી જોઈ શકે તેવી સુક્ષ્મ છણાવટભરી કારીગરી માત્ર ૪૫ સેકન્ડમાં જ કરી બતાવે છે.
દિનેશભાઈએ તેમની આ કલાથી ભૂતપૂર્વ વડાપ્રધાન એટલ બિહારી બાજપાઈ, એ.પી.જે અબ્દુલકલામ, નરેન્દ્ર મોદી, મુકેશ અંબાણી, મોરારીબાપુ, શંકરાચાર્ય મહારાજ વગેરે હસ્તીઓના ચિત્રો તલના દાણા પર કંડાર્યા છે. આ અગાઉ તેઓએ કેટલાય રીયાલીટી શો માં તેમની આ કૃતિઓ રજુ કરી હતી જે જોઇને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. તેઓએ આ કળા કોઈ પાસેથી શીખી નથી તેમની આંતરિક સૂઝ અને ચિત્રકલા પ્રત્યેના તેમનો રસ બસ આ બે જ વસ્તુઓના સહારે તેઓ તલ જેવા નાના દાણા પર સુંદર મજાના ચિત્રો બનાવે છે.
આ કળા દિનેશભાઈની એક આગવી ઓળખ બની હતી. હાલ તેઓ રોજગાર અર્થે દુબઈ સ્થિર થયા છે. તેમની સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે લિમ્કા બૂક ઓફ રેકોર્ડ દ્વારા પણ તેમને ઈમેઈલ મળ્યો હતો અને તેમની કળા અંગે માહિતી મોક્લવા જણાવ્યું હતું. દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કલાની યોગ્ય કદર થાય અને તેને યોગ્ય પ્લેટફોર્મ મળે તે ખુબજ જરૂરી છે. હાલ તેઓ માત્ર પોતાના શોખ ખાતર જ આવા ચિત્રો બનાવે છે અને સમયાંતરે તેને પ્રદર્શનોમાં પણ પ્રદર્શિત કરે છે.
– કરણ દિવરાણીયા
No Comments