‘બાવલો કઠીયારો’ માવતર મરી ગયા પછી લાકડાં કાપી કાપીને ગુજરાન ચલાવે, બાવલો પોતાની બહેન લાડળી બુ’ ને એટલું કહે છે કે બેન આજે ભુખ બહુ લાગી છે…..!
ભાઈ ભુખ તો મને પણ લાગી છે, હું ક્યાં આજે લાકડાં કાપવા ગઈ છું. કેમ? બાવલો કઠીયારો બોલ્યો. બેન જવાબ આપતા કહે છે દાતરડું કરાવવાનું હતું પણ પૈસા નથી.
– તો લાવ બેન હું લુહાર પાસે દાતરડું કકરાવી આવું, બાવલો લુહાર પાસે જઈને કહે છે, આ દાતરડું કકરી આપશો ભાઈ …..!
છે પૈસા ? બાવલો કહે પૈસા તો નથી. તો હું કેમ તને દાતરડું કકરી આપું. જવાબ આપતા બાવલો કહે છે હું લાકડાં કાપી ને પૈસા ચુકવી આપીશ. આ જનમ નહીં ચુકવાય તો આગલે ભવ અવતાર લઈ તારા પૈસા ચુકવી આપીશ, પણ દાતરડું કકરી આપ અમે ભાઈ બહેન ભુખ્યા છે.
પેલો લુહાર દાતરડું કકરી આપે છે. અને બંને ભાઈ બહેન ગીરનાર ની તળેટીમાંથી લાકડાં કાપી પાછા ફરતા હતા. ત્યાં દામોદર કુંડના કાંઠે તેણે ‘ગુણાતીતાનંદ સ્વામી’ ને બેઠેલા જોયા.
શિયાળાનો સમય, અને ઠંડી અતીશય હતી. લાકડાં કાપી પેટનો ખાડો પુરવાર કરતો બાવલો ગુણાતીતાનંદ સ્વામીની ધૃજતી કાયા જોઈ બોલ્યો, તાપણું કરી આપું – મહાત્મા ?
હા બેટા…
અને બાવલે પોતાની ભૂખની પરવા કાર્ય વગર લાકડાનું તાપણું કરી આપ્યું….
આ જોઈ ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી ઉદગારો સરી પડ્યા.
‘‘બાવલા આજથી આ તારા માથા પરથી લાકડાંનો ભારો ઉતરી ગ્યો દિકરા. આજથી તારે લાકડાં કાપવા નહીં જાવું પળે……..’’
જુનાગઢ નવાબ લાડળી બુ’ સાથે લગ્ન કરે છે. બાવલો કઠીયારો મટી ને ‘બહાઉદ્દીનભાઈ’ વઝીર બને છે.અને જેની હાલ બહાઉદ્દીન કોલેજ સાક્ષી પુરે છે.
જુનાગઢના નવાબ જયારે પ્રજા પર નજીવો મામુલી કર ( ટેક્સ ) નાંખે છે ત્યારે બધા ફરીયાદ લઈ વઝીર બહાઉદ્દીન સાહેબ પાસે જાય છે અને કર હટાવવા માંગણી કરે છે. બહાઉદ્દીન સાહેબ કહે છે આ મામુલી નજીવો કર તમે ના ભરી શકો…..?
તે દહાડે પેલો લુહાર આગળ આવી અને બોલે છે, “બહાઉદ્દીન ભાઈ ના હોય તે દહાડે દાતરડું કરાવવાના પણ ના હોય!”
અને બહાઉદ્દીનસાહેબ ના માનસ પટ પર અગાઉનાં ભુતકાળના સંસ્મરણો ફરી વળે છે. અને પોતાની પ્રજા પર નાંખેલ વધારાનો કર માફ કરે છે. વઝીર બહાઉદ્દીનભાઈની સાક્ષી પુરતી કોલેજ હાલ ઉભી છે જે – ‘બહાઉદ્દીન કોલેજ’ ના નામથી ઓળખાય છે. અને તેના પાયામાં એક સંત ‘‘ગુણાતીતાનંદ સ્વામી’’ ના પરમ આશીર્વાદ છે.
પ્રસ્તુતિ: રામભાઈ બાપોદરા
સંદર્ભ :- લોકકથાઓ (પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી)
No Comments