શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પોરબંદર આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે પ્રારંભ થયો હતો.સાગરના સાન્નિધ્યમાં પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં ભવ્યાતીભવ્ય ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ હતો. આ કથામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભાગવત કથાચાર્ય શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા સંગીતમય સુર સાથે આજે આ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજની કથા ના પ્રારંભમાં વૈદિક મંત્રોચ્ચાર અને પોથી પૂજનથી શુભારંભ થયો હતો. જેમાં મુખ્ય દાતાઓ અને પોથી યજમાનોના પિતૃઓની તસવીરો સાથે પૂજન બાદ મંચ પર ઢાલ તલવારના રાસની રમઝટ થી પૂજ્ય ભાઈ શ્રી નું મંચ ઉપર સ્વાગત થયું. પ્રારંભે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ કથાના માધ્યમથી સમાજ સુધારણા નો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કથાના માધ્યમથી માણસમાં માનવતાનું આરોપણ થાય છે.આ માધ્યમથી સમાજો વચ્ચે એકતા ઉભી કરી શકાશે અને દરેક સમાજનો સંતુલિત વિકાસ થશે. પૂજ્ય ભાઈશ્રીએ કથાના પ્રારંભ સાથે તેમની રસાળ શૈલીમાં ભાગવત કથાનું પાન કરાવ્યું હતું. તેઓએ કથા દરમિયાન મહેર સમાજ અને મહેર સમાજની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો હતો અને મહેર જ્ઞાતિના શક્તિપાત્રો એવા પૂજ્ય લીરબાઇમાં અને પુતીઆઈના જીવનકવન ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમની કર્મભૂમિ પોરબંદરમાં જ કથા બાબતે તેઓએ ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉમટી પડ્યા હતા અને ભાગવતકથાને માણી હતી.સાંજે સોએ સાથે મળીને સમૂહ પ્રસાદી લીધેલી હતી. આ પ્રસાદીની કર્મસેવા આજે કેશવ, મોઢવાડા અને શીશલી ગામના યુવાનોએ પુરી પાડી હતી.
સાથે સાથે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત ભાગવત સપ્તાહના આજના આ પ્રથમ દિવસે બપોરના સમયે એક થી સાડા ત્રણ વચ્ચે સર્વ જ્ઞાતિનું સ્નેહમિલન પણ યોજવામાં આવ્યું. સમગ્ર સમાજમાં સદભાવના જળવાઈ રહે અને સૌ સાથે મળીને સામુહિક ભાવથી સમગ્ર પંથકનો વિકાસ થાય તે આ સંમેલનનો સૌથી વધુ ઉદેશ્ય હતો. વર્ષો પહેલા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના સાનિધ્યમાં પોરબંદરના આ જ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખારવા અને મેર ભાઈઓનું સ્નેહમિલન યોજાયું હતું આજે ફરી એક વખત આ અવસર પોરબંદરના આંગણે સાકાર થવા પામ્યો હતો અને વિવિધ જ્ઞાતિના આગેવાનો એક મંચ પર એકઠા થઇ આપણા વિસ્તારના વિકાસ માટે ચિંતન કર્યું હતું.
રાત્રે 9 કલાકે પદ્મશી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, જયદેવ ગોસાઈ વગેરેએ લોકસાહિત્યની રમઝટ કરી હતી જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો…

  • પોપટભાઈ ખુંટી, ગાંગાભાઇ સરમા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *