by ભરત બાપોદરા
બરડા પંથકમાં વડાળા ગામને ઊભે કેડે થઈને જામનગરનો એક બારોટ હાલ્યો આવે છે. ભેટાળી કિલ્લો જોવાની એને ભારે તાલાવેલી જાગી છે. તેથી વામ વામ લાંબાં ડગલાં ભરતો આવે છે. કેસર છાંટ્યું હોય એવી બરડાની ખમીરવંતી ભોમકાને માથેથી ઊઠીને આવતો ટાઢો હિમ જેવો વાયરો એનાં ચરણોને જાણે વળ દેતો હોય, તેમ ડગલેડગલે એના વેગમાં વધારો થાતો જાય છે.
આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો સૂરજ બરાબર માથા પર આવ્યો ત્યાં બારોટ ભેટાળી કિલ્લાની સામે આવીને ઊભો રહે છે. કિલ્લાનો દરવાજો અંદરથી બંધ થયેલો છે. બારોટે ઝીણી નજરે નિરીક્ષણ કરતાં કરતાં ભેટાળી કિલ્લાની ફરતો આંટો માર્યો ને એ તાજુબ બની ગયો. જામનગરના રાજવી જામ જસાજીની પોરબંદર માથે વારંવાર ચડી આવતી વારને અધવચ્ચે ખાળીને પારોઠનાં પગલાં ભરાવવા તેમ જ ગુમાવેલી ઘૂમલી ફરીથી હાથ કરવા માટે રાણા સરતાનજીએ વડાળા ગામને પાદર ચાર પોલાદી કોઠામાં બંધાવેલા આ કિલ્લાને ગમે તે બાજુથી જોવામાં આવે તોપણ એના ત્રણ જ કોઠા દેખાય, એક ન દેખાય એવી એની કરામત હતી. આવો અદભુત, પોલાદી અને કરામતવાળો કિલ્લો અંદરખાનેથી જોવાની બારોટને જાણે ચટપટી ઊપડી. એટલે ઉપરના માળે કોઈ હોય તો તે સાંભળે એવે અવાજે બારોટે સાદ કર્યો. બારોટનો સાદ સાંભળીને કદાવર બાંધાનો મુળુ મોઢવાડિયો રવેશમાં આવ્યો. તેણે પૂછ્યું : ‘એ કોણ છો, ભાઈ ?’
‘એ તો હું બારોટ છું : કિલ્લો જોવા આવ્યો છું.’
‘બારોટજી ! તમે તો ધરતી પરના દેવ, અમારા તો માથાના તાજ. માટે કહો તો જોઈએ એટલી કોરીની શીખ આપીએ, પરંતુ કિલ્લો દેખાડવાની અમને પરવાનગી નથી.’
‘મુળુ ! બારોટનો દીકરો તો ચાહે ત્યાં જઈ શકે; એના માટે તે કિલ્લો જોવાની બંધી હોતી હશે, બાપ ?’
‘બારોટજી ! તમારી વાત તો જાણે સોળ આનાની, પણ અમે રાજનું લૂણ ખાધું છે. માટે અમારાથી ખુટામણ નો કરાય.’
‘મુળુ !’ બારોટ એકદમ ગરમ થઈ ગયો : ‘તને ઓળખ નથી પડી, પરંતુ તું બીજા કોઈને નહીં, પણ નવસો પાદરના ધણી જામનગર નરેશ જામ જસાજીના બારોટને ભેટાળી કિલ્લો જોવાની મનાઈ કરી રહ્યો છે ! આનો અંજામ સારો નહીં આવે, હો !’
અટાણા લગી ઠંડે કલેજે જવાબ દેનાર મુળુ મોઢવાડિયાના ભીતરમાં બારોટના આ શબ્દોએ જાણે ટાંડો મેલી દીધો ! એની રોમરાઈમાં દાવાનળ ભડકી ઊઠ્યો. લાબો હાથ કરીને એણે બારોટને ચેતવણી દીધી : ‘બારોટ ! ભલો થઈને તું આંથી વેલાસર ભાગવા માંડ, નકર મારા હાથમાં કાંક દેવહત્યાનું પાતક લખાઈ જાહે ! ને તારા નવસો પાદરના ધણીને કે દીજે કે મન પડે તાર હાલ્યો આવે : મુરુ મોઢવાડિયો પાણીનો કરહિયો ભરેન ઉંબરે ઊભો રીહે.’
‘લ્યો ! આ તો કીડી કુંજર સામે થાવાની બડાઈ મારે છે !’ એવું બબડતો-બબડતો બારોટ પાછો ફરી ગયો. ઘરે જઈને સ્ત્રીનાં કપડાં પહેર્યાં. સ્ત્રીના વેશે જામ જસાજીની કચેરી ભણી ચાલ્યો.
હકડેઠઠ કચેરી ભરીને જામ જસાજી રુઆબભેર ગાદી પર બિરાજમાન થયેલો છે. બાજુમાં દીવાન મેરુ ખવાસની બેઠક પડેલી છે. જેમ ગોળના દડબાની આજુબાજુ માખીઓનો જમેલો રહે, તેમ ચારણો અને બારોટો જસાજીને વીંટીને બેઠા છે. મોજની આશાએ બધા જસાજીનાં બિરદ ગાઈ રહ્યા છે.
એવામાં જસાજીએ પોતાના બારોટને સ્ત્રીવેશે આવેલો દીઠો. ભારે નવાઈ ઊપજી. રમૂજભરી પૂછ કરી : ‘બારોટજી ! ક્યાંય ભવાઈ-બવાઈ રમીને આવ્યા કે શું ? આવો વેશ કેમ કાઢવો પડ્યો ?’
‘બાયડીના રાજમાં તો બારોટનેય બાયડીનો જ વેશ કાઢવો પડે નાં, બા !’ હતી એટલી દાઝ ઠાલવીને બારોટે ટાઢોબોળ ડામ દીધો.
બારોટના આવા જવાબે જસાજીની ચોટી ઊભી કરી દીધી. તેના પગથી માથા સુધી ઝાળ નીકળી ગઈ અને એ ઝાટકાભેર ગાદી પરથી ઊભો થઈ ગયો. દરબારીઓ પણ તપીને રાતાચોળ થઈ ગયા. એક દરબારીએ તો ઊભા થઈ, બારોટનો હાથ ખેંચીને તેને આકરાં વેણ કહ્યાં : ‘બારોટ ! તને ભાન છે કે નહીં ? જવાં મરદ અને ટેકીલા જામ જસાજીના રાજને બાયડીનું રાજ કહેતાં તને શરમ નથી આવતી ?’
‘શરમ ? સાચું કહેવામાં વળી શરમ શેની, ભાઈ ?’ લેશમાત્ર થડક્યા વિના બારોટે વરાળ કાઢી : ‘જેઠવા રાણાના એક કિલ્લેદારે મને એટલે કે જામનગરના રાજબારોટને ભેટાળી કિલ્લો જોવાની મનાઈ કરીને મારું હડહડતું અપમાન કર્યું એ ક્યારે ? જામનગરમાં બાયડીનું રાજ હશે ત્યારે જ ને ?’
બારોટ શા માટે બળાપા કાઢે છે એની જાણ થતાં જ જસાજીએ દરબારીઓને શાંત પાડ્યા અને પોતે બારોટ પાસે ગયો. બારોટનો ખભો થપથપાવીને તેને ખાતરી દીધી : ‘દેવ ! હવે ઠંડા પડો અને આ વેશ ઉતારો. આઠ દિવસની અંદર તમારા અપમાનનો બદલો ન વાળું તો જાણજો કે જામનગરમાં બાયડીનાં રાજ ચાલે છે !’
‘ઝાઝા રંગ, જામ જસાને ! ઘણી ખમ્મા, નગરના ધણીને !’ એવાં હરખ અને શાબશીનાં વેણ ઉચ્ચારતાં-ઉચ્ચારતાં બારોટે બાજુના કમરામાં જઈને સ્ત્રીનાં વસ્ત્રો બદલી નાખ્યાં.
જામ જસાએ મેરુ ખવાસનો ખભો થપથપાવીને જણાવ્યું :
ઊઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો;
રાણો વસાવશે ઘૂમલી, જામ માગશે ટૂકો !
(હે અજમાલના પુત્ર ! હે બળવાન મેરુ ખવાસ ! સાવજની જેમ ડણક દઈને ઊભો થા અને એ ભેટાળી કિલ્લો ભાંગી આવ. જો રાણો ફરીથી ઘૂમલી વસાવશે તો મારે-જામનગર નરેશને-ટૂકડો માગવાનો વારો આવશે.)
**
પોરબંદરના દરબારગઢમાં જેઠવા રાણા સરતાનજી હકડેઠઠ કચેરી ભરીને બેઠા છે. તેમની આજુબાજુ બખરલા, કુછડી અને મોઢવાડા ગામના મેર ગરાસિયા કસુંબલ કોર-છેડાવાળી પછેડીઓથી , ગોઠણ સુધી ઊભા રાખેલા પગને કમર સાથે તંતોતંત બાંધીને રુઆબભેર બેઠેલા છે. રાજની કેટલીક ખાનગી અને અગત્યની વાતોનો દોર ત્રાગડા કાઢી રહ્યો છે : રાણા સરતાનજીના સસરા અને ચોરવાડના રાયજાદા સંઘજીને દગાથી મારનાર માળિયાના આલિંગ હાટીનું કાસળ કાઢી નાખવાનો પેંતરો રચાય છે. એમાં રાણા સરતાનજીની નજર બડકમદાર મેર જુવાનો પર ફરતી-ફરતી જેમલ કુછડિયા પર આવીને ઠરી. પૂછ્યું : 'આ બાબતમાં તારી શી સલાહ છે, જેમલ ?'
ઠાકરિયા વીંછીની આર જેવી વંકડી મૂછનો વળ ચડાવીને જેમલ બોલ્યો : 'બાપુ ! રાજનાં આવાં કામ તો અમે કરતા જ આવ્યા છીએ. જંગે ચડવામાં કોઈ મેર બંકડે ક્યારેય પીછેહઠ કરી છે ખરી ?'
'જેમલ ! તારી વાત સોળ આના ખરી સમજું છું. અડગભડ મેર જુવાનોનાં લોખંડી કાંડા પર તો પોરબંદરનો ગઢ અણનમ ઊભો છે.' રાણા સરતાનજીએ મેર જુવાનોને છાતીફાટ પોરસ ચડાવ્યો.
'તો કરો હુકમ, બાપુ !' જેમલ છાતી ટટ્ટાર કરીને બોલ્યો : 'માળિયાને માથે મોચડાં મારીને ન આવીએ તો અમે ખરા મેર બચ્ચા નહી.'
'જેમલ ! તારી ને આ સહુ મેર બંકાઓની બહાદુરી પર મને ગળા સુધી ભરોસો છે, પરંતુ આપણે કોઈ ટટ્ટુ-ખચ્ચર સાથે નહીં, આલિંગ હાટી જેવા કેસરી સાવજ સાથે કામ પાર પાડવાનું છે.' સરતાનજીએ જેમલને હકીકતનું ભાન કરાવ્યું.
'હા-હા, જેમલ ! આલિંગ હાટી જેવા કેસરી સામે શિંગડાં ભરાવવામાં ખોટી ઉતાવળ કરવી બરોબર નહીં.' દરબારીઓ પણ બોલી ઊઠ્યા.
'ત્યારે એને કડે કરવા માટે ક્યો રસ્તો લેવો ?' જેમલે પૂછ્યું.
'મારી ધારણા મુજબ મુળુ મોઢવાડિયાની સરદારી નીચે ઊભું કરેલું તમારા પાણીદાર મેરોનું કટક માળિયા પર ઉતારવામાં આવશે તો જ આલિંગ હાટીને કડે કરી શકાશે.'
આમ વાતો ચાલે છે ત્યાં એક આરબ આવીને ઊભો રહ્યો. જેઠવા રાણાને તાજમ કરીને બોલ્યો : 'ખુદાવિંદ ! જામનગરસે મેરુ ખવાસને એક આદમી કે સાથ કાગઝ ભેજા હૈ. યહ કાગઝ આપ માલિક કે કદમો મેં ધરતા હૂં.'
જેઠવા રાણાએ આરબ ચોકીદારના હાથમાંથી કાગળ લઈ ખોલ્યો. કાગળમાં જામનગરના દીવાન મેરુ ખવાસની સહી સાથેનું પાંચ લીટીનું આટલું એક કાવ્ય હતું :
જો જગાડીએ જામ તો કોક ભડ ત્રેવડ કરવી,
જો જગાડીએ જામ તો આભથી ઉનડ ભરવી,
જો જગાડીએ જામ તો દેખીતો દરિયો પીવો !
જામના ખેલ છે દરિયા સમા,
તેહથી વટ તમે તાણિયો.. !
ઘુમડા રાણા ! બરડા ધણી !
તમે જામને નથી જાણિયો !
મેરુ ખવાસ કે જે પોતાના બાહુબળ અને બુદ્ધિબળના આધારે એક ગોલામાંથી જામનગરના દીવાનપદ સુધી પહોંચી ગયો હતો : જેણે કાઠીઓના પ્રદેશો પર પોતાનાં બળવાન કટક ઉતારીને તેઓનાં આટકોટ, સાંથળી, કોટડાપીઠા, બાબરા, કરિયાણા, ભડલી, બરવાળા, ખંભાળા, ચલાળા, આણંદપર અને ભાડલા ગામો પર પોતાની વિજયપતાકા ફરકાવી દીધી હતી : જેણે ઓખામંડળમાં ઊતરીને ત્યાંના ગોગા અને ગુરગટ જેવાં ગામોને ખંખેરીને ખાલી કરી દીધાં હતાં : કચ્છના પ્રબળ સેનાપતિ ફતેહ મામંદની ચાર ચાર વખત જામનગર પર ચડી આવનાર જબ્બર સેનાને જેણે શિકસ્ત દઈને પાછી કાઢી હતી : જામનગર સામે બહારવટે ચડેલા આટકોટના અતિ પરાક્રમી દાદા ખાચરને જેણે પોતાની બુદ્ધિના બળથી ટૂકો કરાવી નાખ્યો હતો : દરેક લડાઈમાં લડવા ઊતર્યા પછી શત્રુદળના સો સૈનિકોનો કચ્ચરઘાણ કાઢ્યા વિના પાછા ન ફરવું એવું જેણે આકરું નીમ લીધું હતું અને જામનગરનો રાજા પણ જેના ઇશારે ચાલતો હતો-એવા મેરુ ખવાસનો કાગળ વાંચીને રાણા સરતાનજી થરથરી ઊઠ્યા. ભાયાતો અને બીજા દરબારીઓને તો જાણે કંપવા જેવું થઈ ગયું ! પરંતુ મેર ગરાસિયા લગીરે થડક્યા નહીં. જેમલ કુછડિયાએ તો જેઠવા રાણાના હૈયામાં હીંમત જગાડી : 'બાપુ ! માળિયા પર ચડવાનું અત્યારે મુલતવી રાખો અને જામ જસાજીની કંકોતરી વધાવી લ્યો ! બળિયા સાથે બાથ ભીડવાનો આ બીજો અવસર અમે રૂડી રીતે ઊજવશું.'
એ જ ઘડીએ લાકડિયા તાર છૂટ્યા.. ઘેડ અને બરડાને ગામેગામ એના પડછંદા ગાજ્યા અને જોતજોતાંમાં તો ખાંડાના ખેલ ખેલવા થનગનતા જોરાવર મેર જાયાઓનો જાણે નોર થયો ધસમસતી નદીની ગતિએ વડાળા ગામના પાદરમાં ઊતરી આવ્યો. સાંજ સુધીમાં હજારો નવલોહિયા અને લવરમૂછિયા મેર જુવાનોની એક જબરદસ્ત ફોજ મુળુ મોઢવાડિયાની સરદારી હેઠળ ખડી થઈ અને ક્યારે જામનગરની વાર ચડી આવે છે એની વાટ જોતી ભેટાળી કિલ્લાની ફરતે આંટા દેવા લાગી.
***
જામનગરના જોરાવર દીવાન મેરુ ખવાસે એક જ રાતમાં વડાળાની 'મેલાણ' નામથી ઓળખાતી સીમમાં પોતાનો પડાવ નાખી દીધો છે. ઠેર ઠેર રાવટીઓ ઊભી થઈ ગઈ છે અને ભેટાળી કિલ્લા પર આસાનીથી માર કરી શકાય તે માટે તેના જેવો લાકડાનો મજબૂત અને હરીફરી શકે એવો 'લક્કડગઢ' નામનો કિલ્લો ઊભો કરવા સેંકડો કારીગરોને કામે લગાડી દીધા છે.
જામનગરનું વિરાટ સૈન્ય જુદીજુદી ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવેલું છે અને ભેટાળી કિલ્લો કેવી રીતે સર કરવો તે અંગેની સૂચનાઓ દરેક ટુકડીના વડાને આપવામાં આવેલી છે. એ સૂચના મુજબ દરેક ટુકડીનો વડો પોતપોતાની ટુકડીના સૈનિકોને લડાઈ અંગેની વ્યૂહરચના સમજાવી રહ્યો છે. રાતભર આ કામ ચાલ્યું છે.
ઉગમણી દિશામાં સૂરજે કોર કાઢી અને યુદ્ધનાં મંડાણ થયાં. રણભેરી ગાજી અને જામની સેનામાં જુસ્સાનો ધોધ વછૂટયો. બરાબર એ ટાણે મેરુ ખવાસે પોતાના સૈનિકોને રણમેદાનમાં ઝંપલાવી દેવાનો આદેશ છોડ્યો. તમામ ટુકડીઓના જોરાવર સૈનિકો ભેટાળી કિલ્લા ભણી ધસ્યા. ભેટાળી કિલ્લામાં મુળુ મોઢવાડિયો હજારો લવરમૂછિયા મેર જુવાનોની ફોજ બનાવીને ઊભો હતો. તેણે જોરાવર મેરોને છૂટા મેલ્યા. બંને કટકો સામસામે આફળ્યાં. એક મહિનો ને આઠ દિવસ સુધી ઘમસાણ ચાલ્યું :
એક મહિનો ને આઠ દી, ઝુલાવ્યો તેં જામ;
ગણીએ ખવે ગામ, મહાભડ વડાળે મુળવા !
(એક મહિનો ને આઠ દિવસ સુધી તેં જામને ઝુલાવ્યો. હે મુળવા ! ભલભલાને ઓહિયા કરી જનાર તારા જેવો મહાભડ વડાળા ગામમાં બેઠો છે.)
મેરુ ખવાસે તાબડતોડ ગોલંદાજ ટુકડીને સાબદી કરી. ગોલંદાજ ટુકડીએ ભેટાળી કિલ્લા ભણી બંદૂકોનાં નાળચાં નોંધીને ઘોડા દાબ્યા. સનન કરતા ગલોલા વછૂટયા… પરંતુ બધાજ ગલોલા ભેટાળી કિલ્લાની પોલાદી દીવાલો પર ભટકાઈને પાછા પડ્યા : એક પણ મેર જુવાનને ઈજા થઈ નહીં. ગોલંદાજ ટુકડી નિરાશ બની ગઈ. છેવટે ‘લક્કડગઢ’ને ભેટાળી કિલ્લાની નજીક લાવીને તેમાંથી પોતાના ચુનંદા સૈનિકોને બહાર કાઢ્યા. એ સૈનિકો ભેટાળી કિલ્લાની દીવાલ પર ચડવા લાગ્યા. એવી જ ભેટાળી કિલ્લામાંથી મેરોની બંદૂકો છૂટી. એકોએક સૈનિકોને આંટી લીધા. મેરુ ખવાસ ભાગ્યો :
કરમી તારે કપાળ, જોગણનો વાસો જે;
મીટોમીટ મળિયે, મેરુ ભાગિયો મુળવા !
(હે ભાગ્યશાળી મુળુ મોઢવાડિયા ! તારા લલાટમાં નકી કોઈ જોગમાયાનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટોમીટ મળતાં જ મેરુ ખવાસ જેવો જબ્બર યોદ્ધો પણ ડરીને ભાગી છૂટયો !)
દળ ભાગાં દો વાટ, માળીડા મેલે કરે;
થોભે મુળુ થાટ, રોકે મેણંદ રાઉત.
(મેરુ ખવાસની પાછળ તેનું લશ્કર પણ પોતાની રાવટીઓ છોડીને ભાગી નીકળ્યું. પરંતુ દાઢીમૂછના થોભિયાનો ઠાઠ ધરાવનાર મેણંદ મોઢવાડિયાનો પુત્ર મુળુ નાસી જતા લશ્કરને રોકે છે.)
લાદા તંબુ લૂંટિયા, નગારાં ને નિશાણ;
મોર્યે હરમત મુળવો, ખાંડાં હાથ ખુમાણ.
(મેરુ ખવાસે વડાળા ગામમાં લાદેલા તંબુ અને ‘લક્કડગઢ’માંથી મુળુ મોઢવાડિયાએ નગારાં અને નિશાન લૂંટી લીધાં. આ ફતેહ મેળવવામાં સૌથી આગળ પડતી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર મુળુ જ હતો.)
મેરુ ખવાસનું લશ્કર વડાળાથી ભાગીને રાવલ ગામે ગયું. મુળુ મોઢવાડિયાએ પોતાના કટક સાથે તેનો પીછો કર્યો. મેરુ ખવાસનું લશ્કર રાવલના કિલ્લાની અંદર ભરાઈ ગયું. મેરોએ કિલ્લા પર જબરદસ્ત હલ્લો કરીને તેનું બળ હરી લીધું. જામના લશ્કરને રાવલમાં રહેવાનું વસમું પાડી દીધું :
વડાળા શું વેર, રાવલમાં રેવાય નહીં;
જાગ્યો મોઢો મેર, માથાં વાઢે મુળવો !
(વડાળા ગામ સાથે વેર બાંધ્યા પછી જામના લશ્કરથી રાવલ ગામમાં રહી શકાતું નથી. મુળુ મોઢવાડિયો એવો શક્તિશાળી મેર જાગ્યો છે કે માથાં વાઢી લ્યે છે.)
રાવલ માથે આવિયો, રવ્ય ઊગમતે રાણ;
મોર્યે પૂગ્યો મુળવો, ખાંડાં હાથ ખુમાણ.
(સૂરજ ઉગતાની સાથે જ જામનગરનો રાજા જામ જસાજી રાવલ ગામમાં આવ્યો, પરંતુ એ પહેલાં મુળુ મોઢવાડિયાએ રાવલ માથે ચડીને જામનગરના લશ્કરને દબાવી દીધું હતું.)
***
દરબારગઢની આથમણી બાજુની કચેરીમાં મહારાણા સરતાનજી સીનો તાણીને બેઠા છે. ભાયાતો, ગરાસિયા અને ગામેગામથી આવેલા મેર મોવડીઓ તેમની બંને બાજુ ગોઠવાયા છે. મેરુ ખવાસના પાણીદાર કટકને માથે વિજયનો વાવટો ફરકાવીને આવેલો વડાળાના ભેટાળી કિલ્લાનો કિલ્લેદાર મુળુ મોઢવાડિયો સરતાનજીની અડોઅડ પડેલી ખુરશી પર ગૌરવભરી અદામાં બેઠો છે. કાંકરો મૂકવાની પણ જગ્યા ન રહે એવો ખીચોખીચ દરબાર ભરાયો છે. આવા ખીચોખીચ દરબારની વચ્ચે મહારાણા સરતાનજીએ મુળુ મોઢવાડિયાની ખેરિયત ઈચ્છીને તેને સરપાવ દીધો. બીજા મેરોને તલવાર બંધાવીને તેમની પાંસળીઓમાં પોરસ ભર્યો. આ બધો વિધિ પતી ગયા પછી મહારાણાએ મુળુને કહ્યું : 'મુળુ ! જામનગર પર જેવો વિજય મળ્યો, એવો વિજય ચોરવાડ પર મળે તો મારી આંતરડી ઠરે.'
'અરે બાપુ ! ચોરવાડ જીતવું અને ગોઠણે હાથ દેવો એ બેમાં મણી તાં કોઈ ફેર દેખાતો નેત. એકવાર હુકમ કરો ને પછી જોવો રમત !'
જેઠવા રાણાનો હુકમ મળતાં મુળુ મોઢવાડિયો ચુનંદા મેર જુવાનોનું પાણીદાર કટક લઈ ચોરવાડ માથે ચડ્યો. આલિંગ હાટીને સંદેશ દીધો : 'રાયજાદા સંઘજીને મારીને પચાવી પાડેલો તેનો મુલક તુરંત સુપરત કરો, નકર મેરોની લોહીરંગી તલવારો તમારા વાવળ કાઢવા આવહે !'
સંદેશો મળતાં આલિંગ હાટીની વિશાળ ફોજ મેરોની તલવારોનું પાણી માપવા આવી ચડી. મુળુ મોઢવાડિયાએ પોતાની ફોજને તેની સામે ઉતારી. એકસાથે હજારો તલવારો ખણખણાટ કરી ઊઠી ! પહેલાંનું શાંત સ્થળ જાણે સમરાંગણમાં ફેરવાઈ ગયું. મુળુ મોઢવાડિયાના હાથમાં રમતી તલવારે આલિંગ હાટીના સિપાઈઓનાં લીલાંછમ માથાં ઉતારીને ધરતી પર ઢાળી દીધાં. અભિમન્યુની જેમ ખાંડાના ખેલ ખેલતા જોરાવર મેર જુવાનો સામે આલિંગ હાટીનું સૈન્ય વામણું પુરવાર થયું. મુળુએ ચોરવાડ જીતી લીધું.
ચોરવાડ પર વિજયની મેખ મારીને મુળુની ફોજ વેરાવળ પહોંચી. આલિંગ હાટીનું બીજું એક કટક ત્યાં પણ હતું. મુળુની ફોજ પર એનો ઓચિંતો હલ્લો થયો. એમાં વીસેક મેર જુવાનો વેતરાઈ ગયા. મુળુના રોમેરોમે ઝનૂન ફરી વળ્યું. હાથીના ટોળામાં જેમ કેસરી સાવજ ખાબકે, તેમ એ આલિંગ હાટીના કટક માથે કૂદ્યો. વીજળીની જેમ લબકારા દેતી એની પાણીદાર તલવારે હાટીના સિપાઈઓનો કચ્ચરઘાણ વાળી દીધો. દુશ્મનોની ફોજમાં નાચભાગ મચી ગઇ. પરંતુ ભાગતાં પહેલાં એક સિપાઈએ મુળુના ખભા પર તલવારનો ઝાટકો દીધો. મુળુનો હાથ ખભાથી જુદો થઈ ગયો.
વેરાવળ પર વિજયનો વાવટો ફરકાવીને મરદ મેર મુળુ મોઢવાડિયો પાછો ફર્યો. ચોરવાડ અને વેરાવળ માથે ફતેહનો ડંકો વગાડીને પાછા ફરેલા મુળુ મોઢવાડિયાનો વાંસો થાબડતાં-થાબડતાં રાણો સરતાનજી મુળુના કપાયેલા હાથનો અફસોસ કરતાં બોલ્યો : 'મુળુ ! તારી બહાદુરીનો બદલો કોઈ રીતે વળે એમ નથી ! કહે તો કપાયેલા હાથને સ્થાને રત્નજડિત હાથ જડાવી દઉં ?'
'બાપુ ! રત્નજડિત હાથ મારે ન જોઈએ. રાજનાં કામ હું કોઈ લાલચ રાખીને કરતો નથી.' મુળુ મોઢવાડિયાએ ખરા વીરને શોભે એવો જવાબ આપ્યો.
મુળુના તેજે મઢેલા જવાબથી સરતાનજીને તેના તરફ હાડોહાડ માનની લાગણી થઈ આવી. રત્નજડિત હાથ બનાવવાની તે હા પાડે એ માટે ભારે હઠ કરી. બાળક જેવી રાણાની હઠ આગળ મુળુ થોડો નમતો ઊતર્યો : 'બાપુ ! તમારી આટલી હઠ છે તો રત્નજડિત હાથ નહીં, પણ લોઢાનો હાથ બનાવી આપો. રત્નજડિત હાથ તો મારા વંશજોને વેચી દેવાની પણ ઈચ્છા થાય.'
મહારાણાએ મુળુને લોઢાનો હાથ કરાવી આપ્યો અને વડાળા ગામની સીમમાં 'બાસર' નામે ઓળખાતી ચારસો વીઘા જમીન બક્ષિસ કરી. મહારાણાએ કરાવી આપેલો લોઢાનો એ હાથ હાલ પણ મુળુના વંશજો પાસે મોજૂદ છે. વડાળા ગામમાં જે માધ્યમિક શાળા છે, તેને મુળુ મેણંદનું નામ આપવામાં આવેલું છે.
વડાળા ગામમાં ભેટાળી કિલ્લો પણ જર્જરિત હાલતમાં મોજૂદ છે. તેની બાજુમાં ભેટાળી વાવ પણ હતી. એનાં એંધાણ પણ વરતાય છે. કહેવાય છે કે મુળુ મોઢવાડિયાએ ગળાવેલી એ વાવનું પાણી જો સસલું પી જતું તો કૂતરાની સામે થઈ જતું !
**
ભેટાળી કિલ્લા વિશે શંભુપ્રસાદ દેસાઈનું મંતવ્ય
ઐતિહાસિક બનાવોની પૂરેપૂરી જાણકારી મેળવ્યા વિના ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈ 'સૌરાષ્ટ્રનો ઈતિહાસ' ગ્રંથમાં પૃ. 675-76 પર લખે છે કે, 'જામનગરે પોરબંદરને પાયમાલ કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો અને તેને (સરતાજીને) જામનગરની હજી પણ બીક હતી. તેથી હાલારની સરહદે તેણે ભેટાળીનો કિલ્લો બાંધ્યો. જામ જસાજીને આ વાત રુચી નહીં. તેણે ભેટાળી કિલ્લો તોડી પાડવાનું કહ્યું, પરંતુ સરતાનજીએ તે વાતને વજન આપ્યું નહીં. તેથી મેરુ ખવાસે તેના પર ઘેરો ઘાલ્યો. રાણાએ અમરજીની સહાય લીધી; અને જ્યારે મેરુએ અમરજીનો ધ્વજ જોયો ત્યારે તેની હિંમત તૂટી ગઈ. તેણે સુલેહનું કહેણ મોકલ્યું. રાણાને પણ પરિણામ અનિશ્ચિત જણાયું. તેણે શરતો સ્વીકારી અને સંધિ થઈ, જે અનુસાર ભેટાળી કિલ્લો તોડી નાખવાનું રાણાએ સ્વીકાર્યું અને ઘેરો ઉઠાવી લીધો.
No Comments