
આજે વાત કરવી છે તાજેતરમાં જ છાંયા મહેર સમાજના નિર્માણ માટે ફાંકડું અનુદાન આપનાર આપણી જ્ઞાતિના સાહસિક અને દિલાવર ઉદ્યોગપતિ ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડિયાની. છાંયા મહેર સમાજના નિર્માણ માટે શ્રી ભીમાભાઈએ ૧૧ લાખ જેટલું માતબર અનુદાન આપ્યું છે. માત્ર છાંયા સમાજ જ નહિ, પરંતુ મહેર સમાજની અનેક સંસ્થાઓ અને પ્રવ્રુતિઓમાં શ્રી ભીમાભાઇ તરફથી હંમેશા નોંધપાત્ર અનુદાન મળતું રહે છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડીયા આરોગ્ય ભવનમાં પણ તેમણે ૧૧ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે. આ વર્ષે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તરફથી યોજાયેલ મહેર સમાજના સમુહલગ્નમાં પણ અગાઉના વર્ષોની જેમ જ તેમનું મોટું અનુદાન (રૂપિયા એક લાખ એક હજાર) હતું. શ્રી ભીમાભાઇ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની ગ્લોબલ કમિટીના વરિષ્ઠ સભ્ય પણ છે અને ત્યાં અમેરિકામાં પણ કાઉન્સિલની બધી જ પ્રવૃતિઓમાં એકદમ સક્રિય રીતે સહભાગી બની તન,મન,ધનથી પોતાની પૂર્ણ સેવાઓ આપી રહ્યા છે. સમૂહલગ્નો હોય કે ભાગવત સપ્તાહ, આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લોનથી માંડી સમાજના ભવનના નિર્માણની વાત હોય ભીમાભાઇ તરફથી હંમેશા ઉમદા આર્થિક સહયોગ તો મળે જ છે સાથે સાથે સમાજની આ તમામ પ્રવૃતિઓમાં એમનું સક્રિય માર્ગદર્શન અને કાર્મિક સહયોગ પણ પ્રાપ્ત થતો રહ્યો છે.
ચાલો આજે આપણે આપણા આ જ્ઞાતિરત્ન ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડિયાનો પરિચય મેળવીએ. વિદેશમાં જઇ ખરા અર્થમાં શૂન્યમાંથી સર્જન કરી એક મહેર અને ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે ડંકો વગાડનાર શ્રી ભીમાભાઇ સવદાસભાઇ મોઢવાડિયા મૂળ પોરબંદરના વીસાવાડા ગામના વતની છે પણ હાલ અમેરિકામાં સ્થાયી થયેલા છે. આફ્રિકાના યુગાન્ડામાં જન્મ, ભારતમાં ભણતર અને અમેરિકામાં સ્થાયી થયા બાદ આજે પોતાની બુદ્ધિ, હૈયાની હામ અને આગવી કોઠાસૂઝથી ભીમાભાઇએ મોટા ગજાના ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી છે. ૭૬ વર્ષના ભીમાભાઇ મોઢવાડિયા છેલ્લા ૪૫ વર્ષથી અમેરિકાના કનેટિકટ રાજ્યમાં સ્થાઈ થયા છે. ભીમાભાઇના પિતા સવદાસભાઇ આફ્રિકામાં કોફીની ફેક્ટરી સંભાળતા. તેમનો જન્મ પણ યુગાન્ડામાં થયો હતો. ૧૯૬૦માં તેઓ ભારત આવી ગયા. જામનગરમાં તેમના ભાણેજ જેઠાભાઇ ખેતી સંભાળતા એટલે તેઓ ત્યાં જામનગર આવ્યા અને કોફી સાથે ઉપયોગમાં લેવાતી ચીકોરીની ખેતી કરવા લાગ્યા. એ દરમિયાન ભીમાભાઇએ તેમનો પ્રારંભિક અભ્યાસ જામનગરમાં કર્યો અને ત્યારબાદ જૂનાગઢ એગ્રીકલ્ચર કોલેજમાંથી બી.એસ.સી.કર્યું. જ્યાં ત્રીજા વર્ષમાં તેઓ કોલેજના જીએસ પણ બન્યા હતા. આમ નેતૃત્વ અને સમાજ સેવાના આદર્શો કોલેજકાળથી જ તેઓમાં અંકુરિત થઇ ગયા હતા. ભીમાભાઇ જ્યારે આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમના પિતાના મિત્ર પણ આફ્રિકાથી ભારત આવ્યા. બંનેએ વાત કરી અને તેમના પિતાના મિત્રના દીકરી શોભનાબેન સાથે પોરબંદરમાં જ ૧૯૭૮ માં આર્યસમાજ વિધિથી ભીમાભાઇના લગ્ન થયા. ભીમાભાઇ કહે છે, અમે આફ્રિકાના રહેવાસી હતા. એ સમયે ત્યાં બ્રિટીશનું રાજ હતું એટલે મારી પાસે બ્રિટીશ પાસપોર્ટ હતો. જેથી ૧૯૮૦ માં માર્ચમાં હું અને મારા પત્નિ લંડન ગયા. એ વખતે ડિસેમ્બરમાં મારા સાળી બિંદુબહેન કે જેઓ પહેલેથી જ અમેરિકામાં હતા તેમણે ત્યાં અમારા માટે એપ્લાય કરતા અમને યુ.એસ.નું ગ્રીન કાર્ડ સીધું જ મળી ગયું.
સંઘર્ષ ગાથા:
ભીમાભાઇ મોઢવાડિયા કહે છે, એ સમયે અમારી પાસે કંઇ જ નહોતું. મારા બહેન ભાનુબહેન પણ ત્યાં અમેરિકામાં જ હતા. યુ.એસ જઇ સાળી અને બહેનના ઘરે રહ્યા. મેં એકડો ઘુંટવાનું શરૂ કર્યું અને શાહભાઇ કરીને એક વેપારી કે જેઓ જવેલરી એક્સ્પોર્ટ ઇમ્પોર્ટ કરતા તેમને ત્યાં એક વર્ષ એકાઉન્ટીંગ સંભાળવાની નોકરી કરી. આગળ જતાં બે વર્ષમાં ૧૯૮૪ માં એક મિત્ર સાથે મળી ચોક બોર્ડ બનાવવાની ફેક્ટરી શરૂ કરી. જ્યાં સ્કૂલમાં ઉપયોગમાં લેવાતા બોર્ડ અમે બનાવતા. જેમાં અમારી પાસે સરકારી કોન્ટ્રાક્ટ હતો. જો કે બોર્ડના ખૂણા ભેગા કરતાં તડ પડવાને કારણે અમારો આખો કોન્ટ્રાક્ટ નિષ્ફળ થયો. એ વખતે ભીમાભાઇ ન્યુયોર્કમાં જ હતા. ફેક્ટરી નિષ્ફળ જતાં ભીમાભાઇએ ન્યુયોર્કમાં એક મોટલમાં ડેસ્ક ક્લાર્કની નોકરી શરૂ કરી જેમાં આગળ જતાં તેઓ મેનેજર પણ બન્યા.
જીવનમાં હજુ ઘણું આગળ વધવું છે તેવા વિશ્વાસ સાથે ભીમાભાઇએ સંઘર્ષ ચાલુ રાખ્યો અને ઓહાયો સ્ટેટમાં ટ્રક સ્ટોપ ખરીદ્યો જેમાં ડિઝલ ફયુઅલ તેમાં ભરે. આ કામકાજ ચાર-પાંચ વર્ષ ચાલ્યું. એ વેંચી કનેટિકટમાં ગેસ સ્ટેશન એટલે કે પેટ્રોલપંપ શરૂ કર્યો. જોકે આટલેથી અટકયા વિના ભીમાભાઇએ પાર્ટનર સાથે મળી વેરહાઉસ વ્યવસાયમાં જંપલાવ્યું. વેરહાઉસમાં ડોલર સ્ટોર શરૂ કર્યો. આ બંને વ્યવસાય લગભગ એક દાયકો ચાલ્યો. આમ કરતા-કરતા બધું વેચીને સ્ક્રેપ મેટલના બિઝનેસમાં આવ્યા. ભીમાભાઇ કહે છે, વર્ષ ૨૦૦૫માં સ્ક્રેપ મેટલની એક નાની કંપની બનાવી. જેમાં મારા પાર્ટનર હરિવલ્લભદાસ કે જેઓ અંબિકા અને અબુધાબીમાં મીલો ચલાવતા તેમનો પુત્ર જિજ્ઞેશ અને હું સ્ક્રેપ બિઝનેસમાં પાર્ટનર થયા. તેમને અદાણી ગૃપ સાથે કોન્ટેક્ટ હતો. એ સમયે ગૌતમભાઈ અદાણીના મોટાભાઇ વિનોદભાઇ અદાણી કે જેઓ દુબઇ બેસે છે તેમણે અમારા વ્યવસાય માટે એટલી બધી મદદ કરી કે આજીવન તેમનું ઋણ ભુલી શકાય તેમ નથી. તેમના સપોર્ટને કારણે અમે સ્ક્રેપના બિઝનેસમાં દર મહિને ૩ થી ૪ હજાર કન્ટેનર ભારત સહિત આખા વિશ્વમાં મોકલીએ છીએ.
સ્ક્રેપના વ્યવસાયમાં કોપર, સ્ટીલ, એલ્યુમીનિયમ, ટાયર વગેરે આખા વિશ્વમાં અમેરિકાથી મોકલે છે. તેમની કંપનીનુ નામ અકજય (AKJAY) ઇન્ટરનેશનલ એલએલસી છે. અકજય નામમાં અંબરિશ, કર્ણિકા અને જય નો સમાવેશ થાય છે. આ નામ ભીમાભાઇના પાર્ટનરના માતા, પિતા અને ભાઇના નામ પરથી લેવાયું છે. અમેરિકાથી મોકલાતા સ્ક્રેપની વિશ્વભરમાં ડિમાન્ડ છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ સ્ક્રેપનો વ્યવસાય ચલાવી રહ્યા છે. સેડાન, કેનેડા, વિયેતનામ, લંડન જેવા લગભગ તમામ દેશોમાંથી સ્ક્રેપ ખરીદે છે અને વિશ્વના તમામ દેશોમાં લગભગ ૩૦૦૦ થી ૩૫૦૦ કન્ટેનર મોકલે છે. હાલમાં એક ૩૦૦૦૦ ટનની શીપ પણ લોડ કરી મોકલવાનું ચાલુ છે.
ભીમાભાઇ મોઢવાડિયાના પરિવારમાં પત્નિ શોભનાબેન અને બે બાળકો પુત્ર શિલ અને પુત્રી શૈલા છે. પુત્ર શિલ માસ્ટર ઓફ એન્જીનિયરીંગ અને એમ.બી.એ. કરી ૧૧૩૫ ફાઇટર જેટ બનાવે છે તેના ઇન્ચાર્જ છે. જ્યારે દીકરી શૈલાએ માસ્ટર ઇન હેલ્થ એડમીનિસ્ટ્રેશન કર્યું છે. તેણીએ ત્રણ વર્ષ વોરન બફેટની ચેરીટી પ્રવૃત્તિઓ સંભાળી હતી અને હાલ પિતા સાથે સ્ક્રેપનો વ્યવસાય સંભાળી રહ્યા છે. બંને સંતાનો પરિણીત છે. તેમને ત્યાં પણ બાળકો છે. જ્યારે પત્નિ શોભનાબેન ઘરે રહી પરિવારની સંભાળ લેવાનું કાર્ય કરે છે. દર વર્ષે ભીમાભાઇ જાન્યુઆરીમાં ભારત અચૂક આવે છે. ઉલ્લેખનીય છે કે, ભીમાભાઇ ૭૬ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. આજે પણ તેઓ એકદમ નિરોગી છે. દરરોજ ૬૦ મીનીટ ચાલે છે અને દોઢ કલાક દરરોજ જીમમાં અચૂક જાય છે. એટલું જ નહીં કામના સ્થળે જવા દરરોજ ૧૨૫ કિ.મી કાર પણ ચલાવે છે! દર વર્ષે ૪૦-૫૦ લોકો ભેગા થઇ વિવિધ દેશોની યાત્રા પણ કરે છે.
સેવા પરમો ધર્મ:
ભીમાભાઇ વર્ષોથી ગરીબ અને નાના માણસોને મદદ કરવામાં માને છે. લેખની શરૂઆતમાં જ એમના સેવાકાર્યોની એક આછી ઝલક આપી છે એ મુજબ તેઓ ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મદદ કરી રહ્યા છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલમાં પણ તેઓ ખુબ સક્રિય છે. ભીમાભાઇ ભારતમાં લોકોને કઇ રીતે વધુને વધુ ઉપયોગી થઇ શકાય તેવા તમામ પ્રયાસો કરે છે. યુવાનો વ્યસનમુક્ત થાય તેના માટે પણ પ્રયાસો કરતા રહે છે. યુવાનોને સંદેશો આપતા ભીમાભાઇ કહે છે કે ઘણા યુવાનો બાપના પૈસે જલ્સા કરવામાં માને છે અને કામ નથી કરવું. જીવનમાં આગળ વધવું હોય તો આ માનસિકતા બદલવી જ પડશે. બાપદાદાની જમીન વેચી જલસા કરવામાં જીવનનું ગાડું લાંબુ ન ચાલે. ભણતર વિના ઉધ્ધાર નથી. આજે આપણી જ્ઞાતિમાં છોકરાઓ ઓછા ભણે છે જ્યારે છોકરીઓ ભણી ગણીને ખુબ સારી પોસ્ટ પર પહોંચે છે. આજે શિક્ષણ વિના ચાલશે જ નહીં.
ગાયત્રી મંત્રની શક્તિનો અદભૂત અનુભવ:
ભીમાભાઇ મોઢવાડિયા કહે છે, ગાયત્રી મંત્ર મારા જીવનમાં એક ચમત્કાર જ કહી શકાય કારણ કે હું ગાયત્રી માતામાં અનન્ય શ્રધ્ધા ધરાવું છું એટલું જ નહીં હું દરરોજ ગાયત્રી મંત્રના ૫૦૦ જપ કરૂ છું. જપ ન થાય ત્યાં સુધી સુતો નથી. એમાં જે શક્તિ છે તેનો મને અદભૂત અનુભવ થયો છે. ગાયત્રીમંત્રમાં જે વાઇબ્રેશન છે તે અદભૂત છે. કયારેક હું બીજાના સારા માટે ભવિષ્યકથન કરૂ તો તે વસ્તુ થાય જ છે. આ દરરોજના મંત્ર જપનું પરિણામ છે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રી નાથાભાઇ જોશીના જપનો અંગિકાર પણ કર્યો છે. જે અકલ્પનિય છે. તેમની તસવીર મારા મનમાં વસી ગઇ છે. નોંધનીય છે કે ભીમાભાઇએ તેમના ઘરમાં ભગવતી ગાયત્રીમાતાનું મંદિર પણ બનાવ્યું છે. ન્યુજર્સીમાં ગાયત્રીમાતાનું બહુ મોટું મંદિર આવેલું છે ત્યાં જર્મનીથી ડિઝાઇન કરી એક કુકર શાક-ભાત બનાવવા ખાસ ભીમાભાઇએ આપેલું છે.
અનેક સંસ્થાઓ અને સંગઠનો સાથે સંકળાયેલા છે ભીમાભાઇ:
વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયા હોવા છતા ભારતીયતા અને જ્ઞાતિ અભિમાન એમના લોહીમાં વસેલું છે. ભીમાભાઇ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની ગ્લોબલ કમિટીના વરિષ્ઠ સભ્ય હોવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને સંગઠનો સાથે પણ સંકળાયેલા છે. અમેરિકામાં ૮ સંગઠનો સાથે તેઓ સંકળાયેલા છે. જેમાં રાજપુત એસોસીએશન, મિલન કલ્ચર, મંદિરો, હવેલીઓ, ગુજરાત સમાજના સભ્ય છે. દર વર્ષે એક લાખ વીસ હજાર ડોલરનું દાન તેઓ કરે છે. મહેર જ્ઞાતિમાં પણ ખુબ મોટું ડોનેશન કરે છે. વધુમાં જામનગરમાં આવેલ સમર્પણ હોસ્પીટલ કે જે કબીર સાહેબની છે તે તેમના ભાણેજ ચલાવે છે તેમાં પણ મોટા પાયે દાન આપે છે.
ભીમાભાઇ કહે છે, કોરોના સમયે અહિં સ્થિતિ અત્યંત કફોડી હતી. એટલે અમે ૨૦૦૦ ડોલરનું એક એવા ૫૦ ઓક્સીજન મશીન ભારત મોકલ્યા હતા. જેમાં મુંબઇ, રાજકોટ, પોરબંદર, વડોદરા સહિત શહેરોમાં વિવિધ સંસ્થાઓને આપ્યા હતા. જેથી ગરીબ લોકોની સારવાર થઇ શકે.
ટ્રમ્પની ટેરિફ નીતિના કાયદા કડક પણ ફાયદારૂપઃ
અમેરિકામાં તાજેતરમાં ફરી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા અને ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાગુ કર્યો. જે ટેરિફ લાગુ કર્યા છે તે ટ્રમ્પે ખુબ સારૂ કામ કર્યું છે. અમેરિકાની ઇકોનોમી ખુબ ડાઉન થઇ ગઇ હતી તેને ઉંચી લાવવા પાંચ વર્ષ જેવો સમય તો થશે જ. અત્યારે અમેરિકાના કાયદા લોકોને અને અન્ય દેશોને ફડક લાગે છે પણ તે ફાયદારૂપ જ છે. એટલા બધા ગેરકાયદે લોકો ઘુસી ગયા હતા કે કોણ આતંકવાદી છે અને કોણ સામાન્ય પબ્લીક છે તે જાણવું મુશ્કેલ બની ગયું હતુ. ટેરિફ ને લીધે અમેરિકામાં પણ મોંઘવારી વધશે તેની અસર વિશ્વમાં દેખાશે. જોકે ટ્રમ્પ વાટાઘાટો કરી ભવિષ્યમાં ટેરિફ ઓછો કરશે પણ અત્યારે તે લાભકર્તા છે તેમ ચોક્કસ કહી શકાય.
ભારતમાં પણ અનેક તકો છે:
હાલ અમેરિકામાં ભારતીયો માટે કેવું છે? ભીમાભાઇ મોઢવાડિયા કહે છે, ભારતીયો માટે અમેરિકામાં કોઇ જ વાંધો નથી. ભારતીયો માટે અમેરિકા સુરક્ષિત છે. લોકોને અમેરિકા આવી ડોલર કમાવવા છે. ભારતમાં ૫૦ થી ૮૦ લાખ ખર્ચી લોકો યુ.એસ.આવે છે તેના કરતા મારું સૂચન છે કે, આપણા ભારત દેશમાં પણ હવે એટલી બધી તકો છે કે ભારતીયો અહિં રહીને પણ ખુબ આગળ વધી શકે છે. જીડીપીની દ્રષ્ટિએ ભારત આજે વિશ્વની પાંચમાં નંબરની ઈકોનોમી ધરાવતો દેશ બની ગયો છે જે આપણા સૌએ ગૌરવ લીધા જેવી બાબત છે અને મને લાગે છે કે આપણા દેશનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે.




ગુજરાતના જાણીતા અકિલા દૈનિકમાં પણ શ્રી ભીમાભાઈની સેવાઓને બિરદાવતો આ લેખ તાજેતરમાં પ્રગટ કરવામાં આવ્યો હતો.

No Comments