મેર અને આયરના સંબંધ તથા મરદ મેર ભીમસી થાપલિયાની કથા…..ભરત બાપોદરા દ્વારા
જૂનાગઢ નવાબ બહાદરખાને ધંધુસર ગામની મેરાણીઓ અને આયરાણીઓ પોતાની સામે રાસડા ગાય એવો અભરખો રજૂ કર્યો. મેર મોવડી પૂંજા ચાંડેલા અને આયર મોવડી કરશન ડાંગરે નવાબ બહાદરખાનને ઘસીને ના પાડી દીધી કે ‘મેરાણીઓ અને આયરાણીઓ આપની સામે રાસડા નહીં ગાય !’
નવાબ બહાદરખાનનો પિત્તો ઊછળી ગયો. ભૃકુટી ખેંચાઈને તંગ થઈ ગઈ. ચહેરો ધગેલ ત્રાંબા જેવો બની ગયો. એ જ ઘડીએ એણે આદેશ આપી દીધો : ‘મારું ધંધુસર ગામ ખાલી કરીને ચાલ્યા જાવ !’
બંને મોવડીઓએ નવાબ બહાદરખાનનો આદેશ માથે ચડાવ્યો. ઘરેઘરેથી સંખ્યાબંધ ગાડાં જુત્યાં : વાસણકૂસણ, ગાદલાં-ગોદડાં, પેટી-પટારા વગેરે ઘરવખરી ગાડાંઓમાં ભરાણી. ઓકળિયાળી ભીંતોવાળાં રળિયામણાં ખોરડાં, રસાવળથી અરઘતાં ફળિયાં, દેવી-દવતાઓનાં મંદિરો અને વાડી-વજીફા ખાલી થયાં. જેમ દરમાંથી નીકળીને કીડીઓની હાર ચાલે, તેમ ગાડાંની હેડ્યું છૂટી… ગામની બજારો ગઈ. ગોંદરો ગયો. ઉબેણ નદી વટાવી ગયા…વાડીઓ અને આંબાવાડિયાં પણ પસાર થઈ ગયાં. ધૂંધવેશ્વરનું મંદિર પણ દેખાતું બંધ થયું.
પાછળથી નવાબ બહાદરખાનને આવું પગલું ભરવા બાબત ભારે પસ્તાવો થયો. એણે ઈસ્માઈલ ખોજાને પાછળ દોડાવ્યો કે કેમેય કરીને જો મેર અને આયર ડાયરો પાછો વળે તો. ભારે કાકલૂદી કરતાં મેર ડાયરો માનીને પાછો ફરી ગયો; પરંતુ કરશન ડાંગર અને તેનો આયર ડાયરો માન્યા નહીં. એમણે પાછા ફરવાનો ઈન્કાર કરીને હેડ્યને આગળ ચલાવી. છત્રાસા ગામ નજીક હેડ્ય પહોંચી ત્યાં સામેથી ખેપટની ડમરી ઊડતી દેખાણી. ગોંડલનો રાજા ભા કુંભોજી બસો ઘોડે કરાણાના માથાભારે ભગલા સંધીની ટોળકીને તગેડીને હાલ્યો આવે છે. આયર ડાયરો રસ્તામાં મળતાં વાતચીત થઈ. આયરોની ખાનદાની અને વીરતાનો રણકાર જોતાં કુંભાજીને થયું કે આવા ખાનદાન માણસો પોતાના રાજમાં વસે તો રાજની શોભા વધે, સોનામાં સુગંધ ભળે. તેથી આયર ડાયરાને એણે કરાણા ગામમાં જ રોકી લીધો. કરશન ડાંગરને પાંચસો વીઘા જમીન અને ગામની પટલાઈ આપી.
આ વાતને ચાળીસ વરસનાં વહાણાં વાઈ ગયાં છે. આયર કરશન ડાંગરનો નાનેરો ભાઈ ગોવિંદ ડાંગર માણાવદર પાસેના વેરવા ગામે રહેવા ગયો છે. કરાણા અને વેરવા ગામના આયરોના ધંધુસર ગામના મેર ડાયરા સાથેના સંબંધો હજુ છાતીથી અળગા થયા નથી. વરાખરાના અવસર પર હજુ પણ ધંધુસરને ઝાંપે નોતરાં અપાય છે.
વેરવા ગામે ગોવિંદ ડાંગરના વડેરા દીકરાનો માણેકથંભ રોપાયો છે. આંગણે લગ્નનો રૂડો અવસર રંગોનાં છાંટણા કરે છે. કંકુના અક્ષરો પાડેલી કંકોતરીમાં ધંધુસરને ઝાંપે નોતરું અપાયું છે, તેથી ધંધુસરના ઝાંપામાં આજે ઘૂઘરિયાળી વેલ્યુંની હેડ્ય ખડી થઈ ગઈ છે. ધોળાં ઈંડાં જેવા બળદોને માથે આભલાં જડેલી રેશમની ઝૂલ્યો ઓઢાડી છે. શિંગડાંમાં મોતી ભરેલાં ખોભરાં ચડાવ્યાં છે. માથા પર રંગબેરંગી ફૂમતાંવાળી મછોટીઓ ઝૂલે છે. ગળામાં ઘૂઘરમાળના રણકાર ઊઠે છે. જાણે સગા દીકરાની જાન જોડીને જવાનું હોય તેમ આખું ધંધુસર ગામ આનંદના લોઢલોઢ હિલોળા દઈ રહ્યું છે. હાંસડી, કાંઠલી, માદળિયાં ને ઝૂમણાં વગેરે સોનાનાં ઘરેણાં ઠાંસીને પીળી ધમરખ બનેલી જોબનવંતી ને જાજરમાન મેરાણીઓના મધુર કંઠેથી નીતરતાં લગ્નગીતો વાતાવરણને રસતરબોળ કરી રહ્યાં છે :
મારા રાજમાં વવરાવું કાજુ કેવડો,
તારી વાડીમાં વવરાવું નમણી નાગરવેલ;
વેલે વળુંભો કાજુ કેવડો.
મારો દૂધનો ઉછરેલ કાજુ કેવડો,
તારી પાણીની પીવરાવેલ નમણી નાગરવેલ !
શુભ ચોઘડિયું આવતાં ઢોલીડાએ ઢોલ ઉપર જોરદાર ડાંડી ધ્રબી અને શરણાયાએ શરણાઈમાં મીઠા સૂર પૂર્યા. કંકુના ચીલા પાડતી વેલ્યુંની હેડ્ય વેરવા ગામને મારગે પડી. દસેક ખખડધજ બુઢ્ઢાઓ સિવાય આખું ધંધુસર ગામ આયરના દીકરાના લગ્નપ્રસંગે જઈ રહ્યું છે. જે દસેક બુઢ્ઢા રોકાણા છે એમાં ભીમસી થાપલિયો પણ એક છે.
સંધીઓની લુટારુ ટોળીને બરાબરનો મોકો મળી ગયો. ઘાટઘાટનું પાણી પીધેલા એકવીસ શાખાના મેર જેમાં વસવાટ કરે છે, એવું ધંધુસર ગામ ભાંગીને મૂછે તાવ દેવાના મનોરથ સેવતા સંધીઓ ત્રણ વખત તો હારીને ઝાંપેથી પાછા વયા ગયા છે. કેમેય કારી ફાવતી નથી. પણ આજે તો આકડે મધ અને એ પણ માખિયું વિનાનું ! એટલે મેર મરદોના કાતરામાં ધૂળ ભેરવી દેવાનું નક્કી કરીને, ગામડે ગામડે સોપો પડાવતા કાળઝાળ સંધીઓ ઉબેણ નદીને કાંઠે અડાબીડ ઝાડીમાં ભરાઈને બેઠા છે. સાંજનું ટાણું થાય એની જ રાહ જુવે છે. ધંધુસર ભાંગીને ખડિયા ભરવા તલપાપડ થઈ રહ્યા છે.
મહારાજ મેર થવાને હજુ થોડી વાર હશે ત્યાં સંધીઓ પલા ઝાટકીને ઝાડીમાંથી ઊઠ્યા. ઊઠીને સીધા જ ધંધુસર માથે ત્રાટકયા. ચોરે બેઠેલા સાતેક બુઢ્ઢાઓને પકડીને દોરડાથી મુશ્કેટાટ બાંધી દીધા. બુઢ્ઢાઓને બાંધીને સંધીઓ હજુ તો ચોરેથી હેઠે ઊતરે છે, ત્યાં તેમણે ઉઘાડી તલવાર લઈને, વિકરાળ વાઘની જેમ ધસી આવતા ભીમસી થાપલિયાને દીઠો…અને ભીમસી પણ કેવો ? પાંસઠ પાંસઠ ચોમાસાં જેને માથેથી લૂણ ઉતારી ગયાં છે, જેને અંગેઅંગે કરચલીઓનાં ચિતરામણ ઊઠી ગયાં છે અને છતાં પણ મરદાનગી જેને રૂંવાડેરૂંવાડે રાસડા રમી રહી છે-આવો બુઢ્ઢો પણ જુવાનને શરમાવે એવો ભીમસી ! સંધીઓની લગોલગ પહોંચીને તેણે સહુથી આગળના સંધી પર તલવારનો વજનદાર ઘા દીધો : કાળાકાળા વાદળમાં જાણે વીજળીનો ઊભો સરાવો થયો ! ઘા જનોઈવઢ ઊતર્યો અને એ સંધી લીંબુનાં ફાડાની જેમ ઊભો ને ઊભો વેતરાઈ ગયો !
પોતાના આદમીને કપાતો જોઈ સંધીઓને રોમેરોમે કાળો દવ ઊઠી ગયો. એમણે ભીમસીને ચોમેરથી ઘેરી લીધો. પણ આ તો પટાનો સાધેલ ભીમસી ! એમ કોઈથી ગાંજ્યો જાય ખરો ? એ તો પેંતરા ભરીભરીને ઘા દ્યે છે. સામે સંધીઓ પણ એકધારા તૂટી પડ્યા છે. પણ ભીમસી તો આજ ખરેખરો રંગમાં આવી ગયો છે : જુવાનોને તલવારના દાવ શીખવી રહ્યો છે !
‘રંગ છે, ભીમસી ! રંગ છે, થાપલિયા ! આજ તું મેરાણીના ધાવણને ઊજળું કરી દેખાડજે !’ એવા ચોરામાંથી ઊઠતા પડકારાઓએ ભીમસીને પાનો ચડાવ્યો. તેણે કાળરૂપ ધારણ કર્યું. ભીમસીનું કાળરૂપ જોઈ સંધીઓ ભયભીત બની ગયા : પારોઠનાં પગલાં ભરી ભરી મુઠ્ઠીઓ વાળી… ભીમસીએ વાંસે દોટ મૂકી… સંધીઓને ઝાંપાની બહાર તગેડીને તે પાછો ચોકમાં આવ્યો. હાથમાં લોહીથી રંગાયેલી તલવાર છે. પોતે પણ હોળીના ઘેરૈયાની જેમ આખેઆખો લોહીથી રંગાઈ ગયો છે. ડિલ ધગી ગયું છે. મરદાનગી હજુ રોમેરોમે ઠેકડા મારી રહી છે.
મસાણને દરવાજે ઊભેલો એક જ બુઢ્ઢો ચારને ધૂળ ચાટતા કરી, વીસેવીસ જુવાનોને તગેડી મૂકે ? સંધિયાણીઓને આપણે મોઢાં શું બતાવીશું ? એવું વિચારતા સંધીઓ ‘ઈન પાર કાં હીન પાર’નું નક્કી કરીને પાછા ફર્યા…
કાળના દૂત જેવો ભીમસી હજુ ચોકમાં ઊભો છે. સંધીઓને પાછા આવતા જોઈ એણે તેઓની સામે ગળગળતી દોટ મેલી… ફરીવાર ધિંગાણું જામ્યું. તલવારો સામસામી તાળી દેવા માંડી. ઝાકાઝીંક બોલવા લાગી !
‘વાહ, ભીમસી ! રંગ છે, થાપલિયા !’ બાંધેલા રાંઢવાના આંકા ઊઠી જાય એટલી છાતીઓ પહોળી કરીને ચોરેથી બુઢ્ઢાઓ ભલકારા દેવા માંડ્યા : ‘ભીમસી ! જોજે, ઉબેણનું પાણી ન લાજે ! ધંધુસરની આબરૂ તારા હાથમાં છે !’
બુઢ્ઢાઓને પડકારે-પડકારે ભીમસીને પાનો ચડતો ગયો. ચકરાવામાં ફસાયેલા એકલવીર અભિમન્યુની માફક એણે પોતાની તલવાર એવા જોશથી ઘુમાવી કે તલવારની બૂડી અને ફણું એકાકાર બની ગયાં. તલવારે જાણે સુદર્શનચક્રનું રૂપ લીધું ! સંધીઓ તો ભીમસીનું આ પરાક્રમ જોઈને તાબૂત જેવા બની ગયા : ‘હી બુઢ્ઢો તાં હાણે કેર કરી રિયો આય !’ એવા ઉદગારો દરેકના મોઢામાંથી નીકળી ગયા. પરંતુ બુઢ્ઢા સામે હારીને ભાગી નીકળવું એ તો સંધીઓને હવે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું. તેથી ‘મરવું કાં મારવું’નો છેવટનો નિર્ણય કરીને બધા સંધીઓ ઊંટની પાંસળીઓ જેવી તલવારો વીંઝતા વીંઝતા એકસામટા ભીમસી માથે તૂટી પડ્યા. ભીમસીએ ઘડીક તો ઝીંક ઝીલી, પરંતુ બુઢ્ઢાપો એ બુઢ્ઢાપો. આખરે બુઢ્ઢાપે દગો દીધો : એક સંધીની વજનદાર તલવાર ભીમસીની પીઠ પર પડી અને તે ધરતી પર ઢળી પડ્યો. સંધીઓ ગેલમાં આવી ગયા.
એવામાં દૂર વગડે બંદૂકોના ભડાકા ગાજ્યા. ઘોડાઓની હાવળ્યો સંભણાણી. ગાડાંઓના પૈડાંના ઘરઘરાટ અને લગ્નગીતોના ઝકોળ નજીક આવ્યા. સંધીઓને ખાતરી થઈ કે વેરવા ગામે ગયેલા ધંધુસરના મેર લગ્નપ્રસંગ ઊજવીને પાછા ફર્યા છે. હવે ઝાઝો વખત ઊભા રહીશું તો ઠાર રે’શું ! તેથી ખાલી ખડિયા લઈને તેઓ વંજો માપી ગયા…
ગામ લોકો આવીને જુએ છે તો લોહીનો રેલો પાદર સુધી પહોંચ્યો છે અને ઠેકઠેકાણે લોહીનાં ખામણાં ભરેલાં છે ! ભારે અચરજ થયું. જુવાનો ગાડેથી ઠેકડા મારીમારીને ચોકમાં આવ્યા. જુએ તો ભીમસી ચોકની વચ્ચોવચ્ચ પડ્યોપડ્યો છેલ્લા શ્વાસ તાણી રહ્યો છે. આખા શરીરે તલવારના ઘા પડેલા છે. ફાગણ ઋતુમાં કેસૂડો મ્હોર્યો હોય એવો એનો દેખાવ છે.
ગામના જુવાનોને ટાણાસર આવેલા જોઈને ભીમસીને કોઠે ટાઢક વળી. તૂટતે અવાજે પૂછ્યું : ‘આવી ગયા ને ? કોઈ લૂટાણું તો નથી ને ?’
‘ના-ના, ભીમસી આતા ! કોઈ લૂટાણું નથી.’ ગામલોકોએ ધરપત દેતાં-દેતાં ભીમસીની બહાદુરીને બિરદાવી : ‘રંગ છે, ભીમસી આતા ! આજ તાં તી ગામનું નાક રાખ્યું ! તું ખરો મરદ મેર !’
ગામલોકોને મોઢેથી પોતાનાં ગરવાં બિરુદ સાંભળતાં સાંભળતાં ભીમસી થાપલિયાએ મૃત્યુની સોડ તાણી લીધી:
ટોડે જે ધંધુસર તણે, થાપલિયો ન થાત;
તો મેરોને માથ, ભોંઠપ બેસત ભીમસી !
(જો ધંધુસર ગામે ભીમસી થાપલિયા જેવો મરદ પેદા થયો ન હોત તો મેર લોકોને ભોંઠાપણ સહન કરવાનો વખત આવત. જગત વાતો કરત કે એકવીસ શાખાના મેરો જે ગામમાં વસવાટ કરે છે, એ ધંધુસર ગામને પાંચ-પચીસ સંધીઓ લૂંટી ગયા !)
ગામલોકોએ લગ્નનો મંગળ સાજ ઉતારીને ભીમસી થાપલિયાની સ્મશાનયાત્રા કાઢી. ઉબેણ નદીના કાંઠા અણોસરા થઈને ઊભા હતા અને ભીમસીની કેસરભીની બહાદુરીને બિરદાવી રહ્યા હતા.
ધંધુસર ગામના ચોકમાં ચોરા પાસે ભીમસી થાપલિયાની ખાંભી આજે પણ મોજૂદ છે. વાર-તહેવારે અને મંગલ અવસર પર ગામલોકો એની ખાંભીને ગોળ-ચોખા જુહારીને વીરપૂજન કરે છે.
No Comments