
સાહેબ હું જ્યારે બીજા કોઈ દેશમાં જઈને મારી વાણી, વર્તનનું પ્રદર્શન કરું ત્યારે મારા માટે મારો દેશ મહત્વનો છે અને એનું રી-પ્રેઝન્ટેશન કરું છું એ યાદ રાખવું જરૂરી છે. જ્યારે હું રાજ્ય બહાર આ જ વસ્તુ કરતો હોય ત્યારે મારા રાજ્યની ઈમેજને નુકસાન ના થાય તે જોવાનું રહ્યું, એ જ રીતે જિલ્લા,તાલુકા કે ગામ બાબતે પણ વિચારવું જરૂરી છે. પણ જ્યારે એક પરિવાર બીજા પરિવાર સાથે જોડાય છે ત્યારે મારે મારા માતા-પિતા, મોશાળનું અને પરિવારનું પણ વિચારવું પડે છે કે મારા આ વાણી-વિલાસ કે વર્તનથી મારા માતા-પિતા કે પરિવારને નીચું જોવા જેવું થશે કે ઘરની બહાર નીકળવા જેવું નહીં રહે.
જો આ વિચાર દરેકના મનમાં હશે તો સામાજિક વ્યવસ્થા ટકી રહેશે, સભ્યતા, સંસ્કૃતિ અને સન્માનની ભાવના જળવાઈ રહેશે. તેના માટે ભવિષ્યમાં કોઈ માર્ગદર્શન કે સેમિનારની નહીં કરવા પડે તે બાબત નિર્વિવાદ છે.
દરેક યુવાન અને યુવતીઓને નમ્ર વિનંતી છે કે માતા-પિતા માટે એનું સંતાન સર્વશ્રેષ્ઠ છે એ જ રીતે દરેક સંતાનોને પણ એ વિચારવું પડશે કે એમના માતા-પિતા એના રોલ મોડલ છે કારણ કે એના સંતાનો માટે માતા પિતા એ પોતાની આખી જિંદગી ખરચી નાખી હોય છે,પોતાની આશાઓ અને અપેક્ષાઓ અને ખુશીને એણે પોતાના સંતાનો માટે થઈ ને કોમ્પ્રોમાઈઝ કરી હોય છે એટલે એની ખુશી માટે,એના આનંદ માટે,એના ગર્વ અને ગૌરવ વધારવા માટે એવું કોઈ પણ પગલું ના ભરવું કે એને પોતાની બાકી જિંદગી ટૂંકાવવી પડે અથવા તો એ બાકી જિંદગી દોજખ લાગે, વહમી લાગે અથવા તો એને માથું ઊંચું રાખીને ચાલવામાં પણ શરમ અનુભવવી પડે કે પગ નીચેથી જમીન સરકી જતી હોય એવું લાગે…
માતા-પિતાની મરણ મૂડી એના વહાલા સંતાનો હોય છે અને આ મૂડી જો ડોલરની સામે રૂપિયો ડાઉન થાય છે એમ જો ડાઉન થતી જશે,અથવા તો વડીલોને ઇગ્નોર કરશે તો એ વડીલો ઢળતી સંધ્યાના સુરજની જેમ સુંદર લાગવાને બદલે વાદળામાં વીંટળાયેલ સુરજની જેમ અંધકારમય લાગશે અને ગાઢ અંધકારમાં ગરકાવ થઈ જશે…
છાશવારે આધુનિક સમયમાં સમાજમાં બનતી ઘટનાઓ દરેક યુવાનો અને યુવતીઓ માટે લાલબત્તી સમાન છે દરેકને સ્વતંત્રતાનો પૂરો અધિકાર છે, હક છે પરંતુ આ સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં ના પરિણમે એ જોવાની આપણી સૌની ફરજ છે
જીવનમાં આગળ વધવા માટે પાછા પગલા નથી ભરવાના પણ પગલું એવું ભરીએ કે માતા-પિતા, પરિવાર,ગામ કે સમાજને ગર્વ સાથે ગૌરવની લાગણી ઉત્પન્ન થાય. સૌ ના હૃદયમાં આનંદ સાથે હરખની લાગણી ઉત્પન્ન થાય. જીવનમાં દરેક વ્યક્તિને સાથ અને સહકારની જરૂર હોય છે પણ એનો મતલબ એવો નથી કે રસ્તે ચાલતા કોઈપણ વ્યક્તિનો હાથ પકડીને, હાથ જાલીને આપણે એની સાથે ચાલી નીકળીએ. કારણ કે આ ઉતાવળિયો નિર્ણય પાછળથી પસ્તાવા સિવાય કોઈપણ જગ્યા છોડતો નથી અને આ સમજ આવતા આવે ત્યાં સુધીમાં જિંદગીનો અમૂલ્ય એકાદ દસકો વીતી ચૂકી હોય છે અને જિંદગીમાં રિવર્સ ગેર ન હોવાથી,વીતેલો સમય ફરી પાછો નથી આવતો એટલે પછી આપણે જે ચાલે છે એમાં જ સતત ચાલતા રહેવું પડે છે અથવા તો ચલાવવું પડે છે.ખાસ કરીને યુવાનીનો 15 થી 25 વર્ષ નો ગાળો એ આપણા પોતાનો ધ્યેય ને નક્કી કરીને પોતાની મહેનતથી લક્ષ્ય સુધી પહોંચવાનો શ્રેષ્ઠ સમય છે આ સમયમાં જો આપણે કોઈના પ્રભાવમાં આવીને જો કોઈ ખરાબ પગલું ભરી લેશું તો ચોકકસ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી નહિ શકીએ અને અધવચ્ચે આપણી જીવન નાવ ફસાઈ જશે અને આ વાત જ્યારે આપણને સમજાશે ત્યારે ઘણું મોડું થય ગયુ હશે.પરંતુ ત્યારે અફસોસ સિવાય આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નહિ હોય..
દરેક યુવાનો અને યુવતીઓને વિનંતી છે કે આપણા માટે માતા-પિતા, આપણો પરિવાર અને આપણા સમાજથી ઉપર કશું નથી અને જ્યારે આ બધામાં સફળતા મળી ચૂકી હોય ત્યારબાદ રાષ્ટ્રધર્મથી ઉપર કશું પણ હોતું નથી આ વિધાનને મહાભારત માં અર્જુન ને જેમ મત્સ્ય વેધ સમયે માત્ર ને માત્ર માછલીની આંખ સિવાય કશું પણ દેખાતું નહોતું તેવી જ રીતે આપણે આપણું લક્ષ્ય જ દેખાવું જોઈએ.
આપણે ઉભા હોય ત્યાંથી કદાચ લાઈન ચાલુ ન થાય તો કાંઈ વાંધો નથી પરંતુ આપણે ઊભા છે ત્યાં કોઈ ખોટી લાઈન ન તાણી જાય એ જરૂરી છે અને આ બધા માટે આપણામાં હૃદયમાં ભાતૃભાવ, આદર-સત્કાર,એકબીજા પ્રત્યે સન્માન, બીજાને શ્રેષ્ઠ ગણવાની વૃત્તિ,બીજા પાસેથી શીખવાની ધગશ, ખંત અને યોગ્ય દિશાની મહેનત વગેરે ખૂબ જરૂરી છે. જે કેળવવા માટે ઘરથી શાળા સુધી અને શાળાથી શ્રેષ્ઠતા સુધીની સફર ખેડવી જરૂરી છે અને આ સફરમાં બધાના સહયોગની, આપણી જાત મહેનતની, અન્યને સમજવાની અને સમજાવવાની યોગ્યતા કેળવવી ખૂબ જરૂરી છે શાંત ચિતે આ બધી બાબતમાં આપણે સૌ એ મનોમંથન કરવાની તાતી જરૂર છે…
દુનિયા ખૂબ જ સરસ છે,પણ જો એને જોતાં આવડે તો,એને મૂલવતા આવડે તો.કારણકે જગતમાં જેટલા ખરાબ માણસો છે એટલા જ સારા માણસો પણ છે.બસ જરૂર એટલી જ છે કે આપણને એ કેવા દેખાય છે,બસ આપણે એને તારવતા આવડવું શીખવું જરૂરી છે એ જાણી લઈએ,એ ઓળખી લઈએ તો ઘણા બધા પ્રશ્નો નું સમાધાન મળી જશે.બસ આપણે કોઈની કઠપૂતળી બનવાનું નથી કે આપણે કોઈના રિમોટ કંટ્રોલ થી ચાલવાનું નથી.
સર્વે ભવન્તુ સુખીન:, સર્વે સંતુ નિરામયા!
સર્વે ભદ્રાણી પશ્યન્તુ,
મા કશ્ચિત દુઃખભાગ ભવેત ll
- હમીર ખિસ્તરીયા

No Comments