રડી રડીને પાંચીની આંખો સોજી ગઈ હતી. હવે તો એના દીકરા રઘુનું અગિયારમું પણ પતી ગયું હતું, પણ પાંચીની આંખોમાંથી આંસુ જાવાનું નામ ન્હોતા લેતાં. અગિયાર દિવસથી પાસે ઊભેલાં અને સાથ સહકાર આપનાર સગાં વ્હાલા પણ છેલ્લો દિલાસો દઈને નીકળી ગયા. પાડોશીઓ પણ હવે પોતાને કામ ધંધે ચડી ગયા. વધ્યા ઘરમાં હવે સાડા ચાર જણા. એક પાંચીમા, એનો પતિ વાલજી, એની જુવાન દીકરી રમીલા, એની વહુ દેવી અને તેનો સાત વર્ષનો પૌત્ર રાજુ.
પાંચીમા હવે કંઈ જ કામ કાજ કરી શકતા નહોતાં. ઘરનું બધું જ કામ બંને નણંદ ભોજાઈ સંપીને સંભાળી લેતાં. બાકી ખેતરનું રઘુ સંભાળતો. ક્યારેક વાલજી ટેકો આપવા જતો પણ વધતી જતી ઉંમર તેને મનાઈ ફરમાવતી. પાંચીને એના જીવથી પણ વધુ વ્હાલો હતો રઘુ. હોય જ ને… કોને પોતાનો દીકરો વ્હાલો ન હોય!?
આ સાડા પાંચ જણાનો પરિવાર સંપીને પ્રેમથી રહેતો હતો. પણ ખબર નહિ કેમ રઘુએ ગળેફાંસો ખાઈ લીધો અને પરિવાર વેરવિખેર. ખેતર હવે ભાગ્યાઓને આપી દીધું અને પાંચીમા એ હવે રોજ ઉઠીને એક જ કામ કરવાનું નક્કી કર્યું હતું, આંખમાં આંસુ સાથે ઉઠવાનું, આખો દિવસ ” મારો રઘુ …મારો રઘુ” કરી રડવાનું અને રાત પડે ત્યારે આંખમાં આંસુ સાથે સુઈ જવાનું.
ઘરનાં સભ્યોએ લાખ કોશિશ કરી, મંદિર મોકલ્યાં, ગીતાજી, રામાયણ જેવાં પુસ્તકો લાવી આપ્યા. પણ પાંચીમાએ કંઈ જ કાને ન ધર્યું. આ વાતને બે મહિના વીતી ગયા છતાં પણ તે રઘુનું નામ લઈને રડે જ રાખતાં. એટલે હવે ઘરના સભ્યો બહુ લાંબી લપ ન કરતા એ જેમ કરે એમ કરવા દેતા અને રડવા દેતા.
એક દિવસ પાંચીમાની દીકરી રમીલાથી ન રહેવાયું એટલે તે ખરા બપોરે બધા સુઈ ગયા પછી પાંચીમાની ઓરડીમાં ગઈ. પાંચીમાં નસકોરાં બોલાવતા હતા. ગાઢ નિંદ્રામાં મા ને જોઈને રમીલા પાછી વળી ગઈ. પણ વળતી વખતે ટેબલ પર પડેલો પાણીનો જગ હાથ લાગવાથી પડી ગયો અને અવાજ થતાં પાંચીમાં જાગી ગયાં.
“અલી રમલી અહીં શું કરવા આવી હતી? સુતી નથી તું?” પાંચીમા અવાજ થતાં જાગી ગયા.
“મા હું વાત કરવા જ આવી હતી, પણ તમે સુતા હતાં તો હું પાછી વળી ગઈ.” રમીલાએ કહ્યું
“શું વાત કરવા??”
“મા…તું આમ આખો દિવસ રડ રડ કર્યા કરે છે ને ભાઈ ને યાદ કરીને એ વિશે…તું હવે રડવાનું બંધ કરીને ભગવાનનું નામ લે, કોઈ સારું પુસ્તક વાંચ. આખો દિવસ એમ જ રોદણાં રડ્યા કરીશ તો ગાંડી થઈ જઈશ.” રમીલાએ મા ને સમજાવતા કહ્યું.
“અલી રમલી તું મને આ શું કે છે?! હું મારા દીકરાને ભુલી જાવ!! મારા કાળજનો કટકો નહિ પણ આખું કાળજું જ હતો એ. મારી આંખો સામે એને ભગવાન લઈ ગયા હું કેમ કરીને ભગવાનનું નામ લઉં…અને એની વહુ દેવીને તો એનો પતિ મરી ગયો એનું કંઈ દુઃખ જ નથી. “અને પાંચીમા એ ફરી રડવાનું ચાલુ કર્યું.
” મા ભગવાન તો બધાને એનો સમય આવ્યે લઈ જ જાય છે ને ખાલી રઘુને જ લઇ ગયા એવું તો નથી ને! અને ભાભીને પણ દુઃખ છે જ પણ એ આમ રડી રડીને ગામ આખા ને નથી કેતી… એને તો જીવતે જીવ જ ભાઈને પ્રેમ કરી લીધો છે મા…હવે એને કોઈ વસવસો નથી રહી ગયો કે મેં પતિ હારે આમ કર્યું હોત તો એમ રહી હોત તો….એ રઘુ સાથે મન ભરીને જીવી છે…હજી રઘુ જીવતો હોત તો પણ એ એમ જ જીવત… જેને જીવતે જીવ સુખ ન આપી શક્યા હોઈ ને એ એના મરણ પછી ગામને દેખાડવા ખોટું રડે છે. ભાભી એ એવું નથી કરવાની જરૂર. તે કોઈ દિવસ ભાઈને એની મરજીથી રહેવા દીધો હતો? જીવતાં જ પ્રેમ કરવાનો હોય મર્યા પછી નહિ.” અને રમીલા ખીજમાં ઉભી થઇ ગઇ. અને જુનાં પટારામાં પડેલા રઘુએ 15 વર્ષ પહેલાં આર્મીમાં ભરતી માટે ભરેલા કાગળિયા કાઢ્યા.
“આલે આ સળગાવી નાખજે. કદાચ એમાં આજ શહીદ થઈ ગયો હોત તો માનભેર બધે કહી તો શકત કે શહીદી આપી છે.કાયરની જેમ ગળેફાંસો નથી ખાધો.”રમલી કાગળિયા મા ના હાથમાં થમાવીને ચાલી ગઈ.
પાંચીમા હાથમાં કાગળિયા લઈને આંખમાં આવેલા આંસું પાછળથી ઝાંખા થતાં જતાં શબ્દો જોતી રહી, એમાં ક્યાંક વચ્ચે વચ્ચે પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માટે કરગરતો રઘુ દેખાઈ રહ્યો હતો.
-રિદ્ધિ ઓડેદરા આગઠ
No Comments