2070 નું વર્ષ, તારીખ 17 ફેબ્રુઆરી. અક્ષ મેડિટેશન કરતો હતો, ત્યાં એના કારના રોબોએ તેને પૂછ્યું કે હવે કાર કઈ બાજુ લેવાની છે. કાર રોબોની સ્ક્રીન પર મેપ સેટ કર્યો ને કાર એ રસ્તે ચાલી નીકળી. કાર રોબોટે કહ્યું કે આગળ ટ્રાફિક છે તો એ એની પાંખો ખોલી ઉડે કે નહીં, અક્ષે હા નો કમાન્ડ આપ્યો કાર હવામાં ઉડવા લાગી. અક્ષ મેડિટેશન અધૂરું મૂકી પોતાના લેપટોપ પર કામ કરવાનું શરૂ કર્યું. આંખોમાં સતત બળતરા થતી હોવાથી એણે ડૉક્ટરને વીડિયોકોલ કર્યો, એના ફેમિલી ડોક્ટરે એનું આખું સિડ્યુલ ખોલ્યું, ને બોડી મેપ જોઈને મેડીસીન લખી દીધી, જે અક્ષે ઓનલાઈન મંગાવી લીધી. એક ડ્રોન રોબો તેની બધી મેડીસીન તેની ઓફિસે આપી ગયો.
આખી દુનિયા મશીનોથી લદાલદ છે, જીવનનું નામોનિશાન બહુ ઓછું છે. અક્ષ મશીનો વચ્ચે સતત ઘેરાયેલો રહે છે. સવારે બ્રેકફાસ્ટથી માંડીને સાંજની દવા સુધી બધું મશીનો જ કરી આપે છે. અક્ષી હજુ તો ઉંઘતી હોય ત્યાં તો અક્ષ નીકળી ગયો હોય. એના સમયમાં વિક્ષેપ ક્યારેય પડે જ નહીં, અક્ષનો આખો ટાઈમ ચાર્ટ, ડાયેટ ચાર્ટ બધું રોબોટિક જ હતું. બધું મશીનો જ સંભાળતા. ક્યારેક તો બંને પતિ પત્ની અઠવાડિયા સુધી પ્રત્યક્ષ વાત ન કરી હોય. હા વીડિયો કોલ થતો હોય.
અક્ષી આજે તો અક્ષ પર બરાડી ઉઠી, “અક્ષ, આજે તો આપણી એનિવર્સરી છે, આજે તો તારે કામ પર ન હતું જવું.”
અક્ષ બોલ્યો, ” ઓહ! માય લવ, ડોન્ટ બી સિલિ, જો ત્યાં બેડ પર દુનિયાના સૌથી કોસ્ટલી ડાયમંડની રિંગ તારા માટે રાખી છે. આજે મારે સૌથી મોટી ડિલ પુરી કરવાની છે, હું મારી ટ્રીપ પતાવી જલ્દી જ આવી જઈશ, નીચે પાર્કિંગમાં તારા માટે નવી કાર રાખી છે જો એના ન્યુ ફીચર્સ. તને કેમ જાણે સેલ્ફ ડ્રાઈવ કરવું ગમે છે, તારા માટે પણ હવે રોબોટિક કાર લીધી છે મેં, એન્જોય યોર ડે ડિયર.. હું જલ્દી આવી જઈશ, બાય… લવ યુ….”
અક્ષી ઉભી થઇ પોતાનો બ્રેકફાસ્ટ પતાવે છે, એની ચારે બાજુ મશીનો જ મશીનો છે, એને વારંવાર પૂછે છે,
“મેમ! વ્હોટ યુ વોન્ટ, ડોન્ટ ડુ ધીસ, ટેક યોર મેડીસીન..વગેરે..વગેરે….”
અક્ષી હવે આ મશીનોની ઘરરાટીથી કંટાળી ગઈ છે. એનું ભીતરી મન માણસ ઝંખે છે. પણ એના હાઇહેન્ડ ઘરમાં કોઈ માણસ નથી. મોમ ડેડ તો અહીં રહેતા નથી. એની પોતાની મમ્મી પણ દૂર એકલી રહે છે, ને બાળકોની અક્ષ ના પાડે છે.
“તારું ફિગર તો જો, તારે બગાડવું છે શું? આપણે સેરોગેસી દ્વારા એક બાળક કરી લઇશું, બાળકને જન્મ આપી તું વૃદ્ધ થઈ જઈશ, જે મને જરાય નહિ ગમે.”
અક્ષી અત્યાર સુધી તો અક્ષની વાતોમાં હામી ભરતી પણ હવે એ ફૂલ સ્ટ્રેસ અનુભવે છે, પ્લાસ્ટિકસર્જરીથી પોતાની બ્યુટી સાચવી એ કંટાળી ગઈ છે, દર વર્ષે કોઈને કોઈ ટ્રીટમેન્ટ ચાલુ જ હોય છે.
આજે એની એનિવર્સરી વખતે પણ એકલી હતી. અક્ષી પોતે બહુ સામાજિક છે એવું પણ નથી. એને પણ એકલું જ રહેવું ગમે છે, હાઈ સોસાયટીમાં તેને હાઈ સ્ટેટ્સ સાથે જીવવું ગમે છે, લેઈટ નાઈટ પાર્ટીઝ, ક્લબ, ડ્રિંક્સ એ જ એની લાઈફ છે પણ ક્યારેક એને પણ થાય છે કે કોકવાર અક્ષ તેની સાથે હોય.
માણસનું શરીર પંચમહાભૂતોનું બનેલું છે એથી જ એને કુદરતને મહાલવી ગમે છે. દરિયો એને ગમે છે કારણ કે એના શરીરના પ્રવાહી રૂપે એ વહે છે, જે તત્વ જેનું બનેલું હોય એના તરફ આકર્ષણ હોય તે સ્વાભાવિક છે. માણસ પણ એકાંતમા કુદરતના ખોળે જવાનું પસંદ કરે છે, એનું કારણ આ જ છે. અક્ષી પોતાનો સમય પણ કુદરત વચ્ચે માણવા માંગે છે જ્યાં એ ને અક્ષ બંને જ હોય. દુનિયાનું એવું એક સ્થળ નહિ હોય જે આ બંનેએ જોયું નહિ હોય, પોતાના ચાર્ટડ પ્લેનમાં બંને ઈચ્છે ત્યાં જઈ શકતા હતા. પણ અક્ષ મોટેભાગે બિઝનેશ ટુર પર જ હોય, ને અક્ષી એની ડિઝિટલ દુનિયામાં વ્યસ્ત.
છેલ્લે માણસ કંટાળી અધ્યાત્મ તરફ વળે છે ને અક્ષી પણ એ જ રાહ પર હતી, એની હાઈ હેન્ડ લાઈફથી કંટાળી તે અધ્યાત્મ, મેડિટેશન, યોગ, ધ્યાન તરફ વળી હતી. રોજ એના કલાસીસ કરવા જતી. ને કઈક અંશે સફળ પણ થઈ હતી. ને તેણે અક્ષને પણ એ માર્ગ તરફ વાળ્યો હતો. બંને પોતપોતાના ટાઈમે યોગ કલાસીસમાં જતા હતા.
ડિજિટલ યુગમાં અક્ષ રોજ ભગવદ્દગીતા પણ સાંભળતો. એના રોબોટમાં એવુ ફીચર હતું કે એનો સમય થાય એટલે એમાં ચાલુ થઈ જતું. રોજ દશ મિનિટ માટે સાંભળતો ને પછી પોતાનું કામ કરવા લાગી જતો. સમય મળે ત્યારે એના લેપટોપ પર ઘણું વાંચી પણ લેતો. આખરે દુનિયાનો નંબર વન બિઝનેસમેન હતો, ને સૌથી ધનાઢય વ્યક્તિ તો ખાલી નોલેજ માટે પણ એને વાંચન કરવું જરૂરી હતું. આખા દિવસની કેટલીય ડિલ એને પૂર્ણ કરવાની હોય.
આજે એની લાઈફની સૌથી મોટી ડિલ કરવાની હતી. એની આખી લાઈફની બધી કમાણી દાવ પર મુકવાનો હતો અક્ષ. એટલે જ એ આજે ગયો હતો. ને અક્ષની ડીલ આજે સફળ થઈ હતી. આજે ખૂબ ખુશ હતો, પોતાની ખુશી એ અક્ષી સાથે શેર કરવા માંગતો હતો. તેણે વીડિયો કોલ કર્યો પણ અક્ષીએ કોલ ઉપાડ્યો નહિ.
આ બાજુ અક્ષી હવે જીરવી શકે એમ ન હતી. એ એની એકલતાથી હવે થાકી ગઈ હતી, આજે તો એનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેણે પોતાની સ્ટ્રેસની મેડીસીન પણ ન હતી લીધી. એને આજે એટલો ગુસ્સો આવ્યો કે એણે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાના હાથની વ્હેન કાપી લીધી.
પોતાના ચાર્ટડ પ્લેનમાં બેસીને અક્ષ લેપટોપ પર કામ કરતો હતો, એને થયું કે હાલ જોઉં તો ખરો કે અક્ષીને ગિફ્ટ કેવી લાગી, એના એક્સપ્રેશન કેવા હશે ? અક્ષે સીસીટીવી લાઈવ ફૂટેજ ઓન કર્યા ને અક્ષી લોહીથી ખરડાયેલા હાથે નીચે પડી છે. અક્ષ તો રાડ પાડીને ઉભો થઇ ગયો. ઝડપથી એણે હોસ્પિટલ ફોન કર્યો ને પોતાના ફેમિલી ડૉક્ટરને જાણ કરી. તત્કાલિક પોલીસ ને ડૉક્ટર ત્યાં પહોંચી ગયા. અક્ષ પણ પહોંચ્યો. I. C. U. માં અક્ષીને દુનિયાના બેસ્ટ ડોકટરોની દેખરેખ નીચે રાખવામાં આવી. તે હવે ખતરાથી બહાર હતી. પણ ભાનમાં હજી ન હતી આવી. અક્ષને આજે પહેલી વખત લાગ્યું કે તે પોતે કેટલો નિઃસહાય છે. દુનિયામાં પોતે બધું જ ખરીદી શકે છે સિવાય કે જીવન. તે આખી રાત વોર્ડની બહાર બેસી રહ્યો. અનેક પ્રશ્નો એના મનમાં ઉદભવતા હતા જેનો કોઈ ઉકેલ એની પાસે ન હતો.
એના ફોનમાં એક મેસેજ આવ્યો. યોર કન્ટેન ઇસ રિચ ઇટ્સ ડેસ્ટિનેશન. જેના માટે ગયો હતો એ ડીલના ફલસ્વરૂપે એને એક મશીન ખરીદ્યું હતું. જે કહેલી જગ્યાએ પહોંચી ગયું હતું. અક્ષીને મૂકીને જવાનું મન ન હતું થતું પણ ત્યાં બેસીને પણ કોઈ ફાયદો ન હતો. થોડી વાર આંતરવિગ્રહ અનુભવ્યો, પછી અક્ષ મન મક્કમ કરી બહાર નીકળ્યો.
મશીન જ્યાં રખાયું હતું ત્યાં પહોંચી ગયો. સમગ્ર દુનિયાનું અજાયબી ભરેલું મશીન. જેના દ્વારા એ ભુતકાળમાંથી કોઈ એક વ્યક્તિને જીવિત કરી શકતો હતો.
પત્ની હોસ્પિટલમાં પડી હતી, પોતે એવા આવિષ્કાર સામે ઉભો હતો કે જેનાથી એ ધાર્યું કરી શકતો હતો, ભૂતકાળમાંથી કોઈ એક વ્યક્તિ એટલે કોણ ? કોને જીવિત કરવું, કઈ કેટલાય નામો ચહેરાઓ નજર સમક્ષ આવી ગયા. કઈ કેટલાય વિચારો આવીને જતા રહ્યા. પણ પોતે નક્કી ન હતો કરી શકયો કે શું કરવું.
અંતે આંખો બંધ કરી ને નક્કી કર્યું, હા એ જ , એને જ જીવિત કરવા જોઈએ, એ જ છે જેની મારે જરૂર છે. ને અક્ષે મશીન પણ હાથ મુક્યો. સ્વીટચ ઓન કરી ને પોતાના માથા સાથે કનેક્ટ કરેલા કેબલમાં સ્પાર્ક થયો. એક ઝટકો ખાઈ અક્ષ નીચે પડી ગયો. બે એક મિનિટ પછી અક્ષ ભાનમાં આવ્યો. એને લાગ્યું કે મશીન બેકાર નીકળ્યું, કારણ કે ત્યાં કોઈ જ ન હતું. એ મનોમન બબડવા લાગ્યો,
નો, નો આ અનસક્સેસફૂલ ન થવું જોઈએ. ઓહ ગોડ, મારી બધી કમાણી મેં આમાં નાખી દીધી છે. નો નો !!
ત્યાં તો પાછળથી કોઈ બોલ્યું,
“અક્ષ ! શું થયું?”
અક્ષે પાછળ ફરીને જોયું, એ તો બેભાન જેવો થઈ ગયો. એને હજુ વિશ્વાસ આવતો ન હતો. કે આ મશીન ખરેખર સફળ થયું હતું.
અક્ષે જીવિત પણ કોને કર્યા હતા ! સાક્ષાત માધવને, દ્વારકાધીશ ને…
એક પગ લોહીલુહાણ હાલતમાં હતો, ખભેથી ખેસ પડી ગઈ હતી. વાળ અસ્તવ્યસ્ત હતા. પણ ચહેરા પર નિરંતર હાસ્ય વિલાતું ન હતું. જાણે હમણાં જ પારધીએ શરસંધાન કર્યું હોય એવું જ રક્ત તાજું લાગતું હતું. ને માધવ તો જરા પણ વિચલિત થયા ન હતા, જાણે પોતાના શેષનાગની શૈય્યા પર આરામ કરતા હોય એવી જ સહજતાથી એ બેઠા હતા.
અક્ષને તો હજુ વિશ્વાસ ન હતો આવતો કે એણે ખરેખર શું કર્યું હતું. અક્ષીની ચિંતામાં એણે કઈ પણ વિચાર્યા વગર બસ શ્રી કૃષ્ણને યાદ કર્યા હતા ને શ્રી હરિ સાક્ષાત ત્યાં આવી ગયા હતા.
માધવ એની પાસે જઈ શકે એમ ન હતા, પગમાં પીડા થતી હતી. અક્ષ જ ઉભો થઇ માધવન પગે પડ્યો. અક્ષને પોતાને જ ખબર ન હતી કે એની આંખોમાં ચોધાર આંસુ આવી રહ્યા છે. એ ખૂબ રડ્યો. માધવે પણ તેને હળવો થવા દીધો. પછી બોલ્યા.
“અક્ષ, આજે તારા મનમાં મહાભારત ખેલાઈ રહ્યું છે. હું જાણું છું તે દિવસે જેવી હાલત પાર્થની હતી આજે તારા મનની છે. એની સામેં એના પોતાના હતા આ યુગમાં માણસ ખુદ પોતાની સામે ઉભો છે. એને પોતાની સામે જ જીતવાનું છે. ને ખુદથી જીતવું બહુ અઘરું હોય છે અક્ષ.”
હવે અક્ષ કઈક શાંત થયો. માધવને સાંભળવા ને પૂછવા કઈક સક્ષમ થયો. તેણે કહ્યું,
“પણ, હરિ હું તો કોઈ સામે યુદ્ધ નથી કરતો. હું તો અજેય છું, જુઓ મારી તાકાત આજે તમે મારી સામે બેઠા છો. ખુદ ભગવાનને મેં વશ કરી લીધા. હું તો બધું જીતી જ ગયો છું. “
હરિ બોલ્યા, “એમ ? તું જીત્યો હોત તો અક્ષી આજે મૃત્યુના મુખે આવીને ન ઉભી હોત. તે ચોથું વિશ્વયુદ્ધ થતું જોયું ને ? ડીઝીટલ યુદ્ધ કર્યા પછી પણ માણસની મહત્ત્વાકાંક્ષા વધી છે, જો તું તાકાતવર હોત તો તે એ યુદ્ધ થતું અટકાવ્યું હોત, પણ તું એ ન કરી શક્યો. એનું પરિણામ તારી સામે છે હજારો લોકો એનો ભોગ બન્યા, આધુનિક બોમ્બના વિકિરણો હજુ પણ કેટલાયનો ભોગ લેશે. “
અક્ષે દલીલ કરી કે યુદ્ધ તો તમારા સમયમાં પણ થયું હતું ને તમે પણ ક્યાં અટકાવી શક્યા હતા.
માધવ આંખ બંધ કરીને બોલ્યા, “હા, કારણ કે એ ધર્મયુદ્ધ હતું, તું અત્યારે શું મને કહી શકશે કે આ યુદ્ધ ધર્મની કે સત્યની રક્ષા માટે ખેલાયા, ના,નહિ કહી શકે કારણ કે આ યુધો તો માણસની મહત્વાકાંક્ષા પોષવા જ ખેલાઈ રહયા છે. કારણ કે કોઈ પક્ષ ધર્મ કે સત્યના પક્ષે છે જ નહીં. “
ઘડીભર થંભી જઈ ફરી મધુસુદન બોલ્યા,
“અક્ષ ! તું કહે તો ખરો તે મને ફરી જીવિત કેમ કર્યો, તારે શુ જોઈએ છે, તારી પાસે તો બધું જ છે.”
અક્ષ બોલ્યો, “માધવ, મને પણ ખબર નથી મારે શું જોઈએ છે, મારે શું મેળવવું છે ? “
માધવ બોલ્યા, ” હું પણ એ જ કહું છું તું માને છે કે તારી પાસે બધું જ છે પણ એ અર્ધસત્ય છે, ભૌતિકતા એટલે બધું જ નહીં, ભૌતિકતા એટલે તો અવાસ્તવિક જગત જે તમને ભ્રમણામાં નાખે છે. પરમ સત્ય પામવા માટે તો ભૌતિકતા ત્યાગવી પડે. જો કઈ મેળવવું જ હોય ને તો સ્વંયને મેળવ, ખુદને ઓળખ, આ ભ્રમણાઓના જગતને વાસ્તવિક ન સમજ, એ તને ગુમરાહ કરશે. હું તને કઈ ત્યાગ કરવાનું નથી કહેતો, હું તો બસ તને નિર્લેપી થવાનું કહું છું, હું પણ રાજા હતો પણ મે ક્યારેય રાજાશાહી ભોગવી ન હતી, મુત્સદી પણ કરી હતી, પણ કોઈને અન્યાય કર્યો ન હતો.”
માધવના મુખમાંથી સહેજ ઉંહકારો નીકળી ગયો. પીડા વધતી જતી હતી.
અક્ષ બોલ્યો, “પ્રભુ તમને પણ દર્દ થતું હોય તો અમારા જેવાને થાય એમાં શું નવાઈ.”
પ્રભુ બોલ્યા, ” હા, મને પણ પીડા થાય છે, પણ આ પીડા મેં સ્વીકારી છે હું દૂર નથી ભાગ્યો ક્યારેય પીડાથી, ગ્લાનિથી, શાપથી, પ્રેમથી, નામોથી, મેં બધું જ સ્વીકાર્યું છે, એકદમ સહજ બનીને કોઈ પણ પ્રકારની આનાકાની વિના ન મનમાં ક્યારેય અભાવ લાવ્યો છું, હું પણ બધાની જેમ સામાન્ય માણસ તરીકે જન્મ્યો છું એટલે જ મેં બધું સ્વીકાર્યું છે, બસ સ્વીકારતા શીખી જશો એટલે બધું દર્દ સમાપ્ત થઈ જશે.”
અક્ષ બોલ્યો, “હરિ તમે બધું હતું એમ ન કરી શકો ? જેવી પૃથ્વી હતી એવી જ , ભલેને પ્રલય લાવવો પડે પણ ફરી સતયુગની શરૂઆત કરો ને.”
જનાર્દન બોલ્યા, ” હા કરી જ શકુંને કેમ નહિ ! પણ જ્યારે પહેલો પ્રલય થયો ત્યારે સતયુગની શરૂઆત જ હતી ને, તો એ પછી શું થયું ફરી કલિયુગ આવ્યો ને, આ તો ઘટમાળ છે ચાલ્યા જ કરવાની દિવસ પછી રાત ને રાત પછી દિવસ, એમાં કોઈ પણ ફેરફાર ન કરીએ તો પણ સમયચક્ર ત્યાંથી ફરી ફરતું થઈ જાય છે. નિરંતર વર્તુળાકાર બસ ફર્યા જ કરે છે ને ફરશે જ.”
હવે અક્ષને યાદ આવ્યું કે અક્ષી ભાનમાં આવી ગઈ હશે, એને મળવા જવાનું મન થયું. એની વિહ્વળતા જોઈ પ્રભુ પામી ગયા, એટલે બોલ્યા,
“અક્ષીની ચિંતા થાય છે ને ? પણ તારી ચિંતા કે શોકથી કઈ નહિ થાય, એ જ થઈને રહેશે જે કર્મોની ગતિ હશે. દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છવાળા ને જ્ઞાની એ ચાર લોકો મને યાદ કરે છે ને અત્યારે તું મને દુઃખી હોય એવું લાગે છે. જ્યારે કર્મોની યુતિ ગતિ સર્જાય છે ત્યારે આવા યોગ રચાય છે જેથી પરમ જિજ્ઞાસુ મને મેળવી શકે છે. તે મને અહીં બોલાવ્યો તે છતાં તારે તારા કર્મોની ગતિ મુજબ ફળ ભોગવવું જ પડશે, કારણ કે કર્મોનો કોઈ કાળે ક્ષય થતો નથી એનું ઉદાહરણ મારા આ રક્તરંજીત ચરણ જોઈ શકે છે.”
અક્ષને થયું કે એ એક વખત અક્ષીને મળી લે ને એને માધવની વાત કરે, પણ એને થયું કે કદાચ અક્ષી વિશ્વાસ નહી કરે તો ?, ફરી ગુસ્સે થશે તો? ફરી આવું કઈ પગલું ભરશે તો ?
ઘડીભર વિચારતો અક્ષ પણ બેસી રહ્યો, હરિ તો એ જ સ્થિરતા સાથે દીવાલને એઢેલીને બેઠા હતા. એણે વિચાર્યું હું માધવને કાયમ માટે અહીં જ રાખી લઉં તો ?
ને હરિ ખડખડાટ હસી પડ્યા. અક્ષના મનની વાત જાણીને એમને હસવું આવી ગયું. ને ફરી ગંભીર થઈને બોલ્યા,
“સમયને હાથમાં લેવાનું વિચારવું સારું નહીં અક્ષ. તું કહે જોઈએ તું અમરત્વ પામ તો તું શું કરીશ. શું તું જીવી શકીશ? હજારો વર્ષોની હજારો માણસોની યાતનાઓ યાદ કરીને જીરવી શકીશ ? નહિ ને તો આ વિચાર પણ અમલમાં મૂકવા જેવો નથી, તે સમયની કમાન હાથમાં લીધી તો પણ અક્ષી ત્યાં દુઃખી છે ને તું અહીં. તું સત્યને ક્યારેય ટાળી નહિ શકે. “
અક્ષને યાદ આવ્યું કે માધવને પગે રક્ત વહે છે તો કંઈક ઈલાજ કરે, એ ફર્સ્ટએઇડ બોક્સ લેવા ઉભો થયો. પણ માધવે રોકી લીધો. કહ્યું,
” એની જરૂર નથી, હું અવતાર છું ભૂલી ગયો, ચાહું તે કરી શકું પણ હું તને અહેસાસ કરાવવા માગું છું, કે જો મારે કર્મ ભોગવવા પડતા હોય, ને આવા સમયે હું પણ અસહાય હોઉં તો તારી સાથે કઈ પણ થાય એ શું તારા હાથમાં હશે? તારે કે મારે કે કોઈ પણ જીવે બધું જ ભોગવવું પડે છે, ને હું એ હસતે મુખે સહન કરું છું કારણ કે હું અવતારી પુરુષ છું. ને તમે ઉહાપોહ સાથે સહન કરો છો કારણ કે તમે સામાન્ય જન છો. અવતારી એટલે કઈ ચમત્કારી નહિ, પણ બધી પરિસ્થિતિમાં સમતા ધારણ કરી શકે એ જ તો અવતારી પુરુષ હોય છે, બેસી જા નીચે તું બસ અહીં બેસ મારે કશાની જરૂર નથી, જરૂર આ સમયના માણસને છે. સમતા પ્રાપ્ત કરવાની, તારે પણ…”
હવે અક્ષ પણ પોતાની ગડમથલમાંથી બહાર આવવા લાગ્યો એને પોતાનો રસ્તો એકદમ દેખાવા લાગ્યો, હવે આગળ શું કરવું ને શું ન કરવું એ એણે મનોમન નક્કી કરી લીધું. અક્ષ બોલ્યો,
” માધવ હવે મને મારી ભૂલ સમજાઈ. મારે આ મશીન લાવવું જ ન હતું જોઈતું. પણ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું. આપ જ કહો હું શું કરું હવે.”
હરિ બોલ્યા, ” હવે મારે કશું કહેવાનું નથી તારો માર્ગ તારે જ નક્કી કરવાનો છે, મેં તને આંગળી ચીંધી દીધી, હવે એ રાહ પર તારે ચાલવાનું છે. એવું નથી મેં આ પ્રથમ વખત જ કર્યું છે હજારો વર્ષોથી હું કોઈને કોઈ રીતે માર્ગદર્શન આપું જ છે જગતને. ક્યારેક રામ બનીને તો ક્યારેક કૃષ્ણ, ક્યારેક ઈશું બનીને તો ક્યારેક પયગમ્બર બનીને, ક્યારેક બુદ્ધ, મહાવીર, અતિશા, તીલોપા, લાઓત્સે કેટલા સ્વરૂપે ઘણું ઘણું સમજાવ્યું છે. પણ સમજ એને જ આવી છે જેને સ્વનિરીક્ષણ માટે પ્રયત્ન કર્યો છે. તને એમ લાગતું હોય કે ઈશ્વર આવીને ચમત્કાર કરશે તો એ તારી ભ્રમણા છે, ચમત્કારો થયા જ કરે છે બસ તમારા દિલમાં ચમકારો થાય એવો પ્રયત્ન કરવાનો છે. તારો દીવો તારે જ થવાનું છે, હું સારથી બની શકું પણ તારા હાથમાંથી ધનુષ તો ન જ લઈ શકું એ તો તારે જ ચલાવવાનું છે. “
અક્ષના દિલમાં ખરેખરો ચમકારો થયો, એણે હરીની માફી માંગી ને કહ્યું,
“માધવ તમે હવે પ્રયાણ કરો, મારા કર્મો હું ભોગવીશ, ને નવા કર્મો હવે સભાન થઈને બાંધીશ. “
આંખો બંધ કરી એ કેટલીય વાર સુધી બેસી રહ્યો, ને આંખો ખોલી ત્યારે એ એકલો જ હતો, હા એના દિલનો ચમકારો એની સાથે જરૂર હતો. અક્ષ દોડીને અક્ષી પાસે ગયો. ઘડીભર વિચાર્યું કે સીસીટીવી ફૂટેજ અક્ષીને બતાવું કે જો સાક્ષાત માધવ આવ્યા હતા, પણ ફરી પોતાનો વિચાર માંડી વાળી, ને નિષ્કામ કર્મને આત્મસાત કરવાનું નક્કી કર્યું. અક્ષી હવે ભાનમાં આવી ગઈ હતી. અક્ષ એની પાસે મૌન થઈ બેસી રહ્યો, રજા મળી એટલે બંને ઘરે ગયા.
ઘરે આવી અક્ષે અક્ષીને કહ્યું,
“અક્ષી આજે તારો ને મારો નવો જન્મ થયો છે, હું આ જીવનમાં આમૂલ પરિવર્તન કરવા માંગું છું. મેં મારા માટે એક નિર્ણય કર્યો છે, તારો નિર્ણય તું લઈ શકે છે, મારા ભાગની સંપત્તિ હું વિશ્વયુદ્ધમાં ખુવાર થયેલા લોકોને દાનમાં આપવા માગું છું, ના, હું વૈરાગ્ય નથી લેવાનો બસ કોઈ પણ મહત્વકાંક્ષા વગર બસ મારું કામ કરવા માગું છું. તું ચાહે તો મારો સાથ આપી શકે છે, સાદું જીવન ને ઉચ્ચ વિચારને હું હવે સાર્થક કરવા માગું છું. તું સાથ નહિ આપે તો તું તારો રસ્તો પોતે નક્કી કરી શકે છે, બસ હવે સેવા, દયા, નિષ્કામ કર્મ એ જ મારું જીવન હશે.”
અક્ષી પણ અક્ષના દિલમાં થયેલા ચમકારાને અનુભવી રહી, ને એ પણ એનો સાથ આપવા મુક સંમતિ આપતી રહી, ને બંને નીકળી પડ્યા નવા કર્મો બાંધવા, ને કરેલા કર્મો સહજ બની જીવવા…..
@હિના એમ. દાસા
No Comments