by – પૂનમ ઓડેદરા ખૂંટી.
કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કર્ણે અર્જુનના રથને ફેંકી દીધો, ત્યારે કૃષ્ણ બોલ્યા : ‘વાહ કર્ણ, વાહ ! વાહ કર્ણ..!’
ત્યારે અર્જુન બોલ્યો : ‘હે કૃષ્ણ ! તમે કોના પક્ષમાં છો.? તમે મારા પક્ષમાં છો એટલે મેં આખી સેના એને આપી દીધી અને મારા રથનો એના તરફ ઘા કર્યો ને તમે કર્ણની વાહવાહી કરો છો.?’
કૃષ્ણ બોલ્યા : ‘હે.પાર્થ ! તેં જે રથનો ઘા કર્યો. એમાં કર્ણ બેઠો હતો; પણ એણે જે રથનો ઘા કર્યો, એમાં તો સ્વયં અખિલ-બ્રામાંડનો નાથ બેઠો છે : ઉપર હનુમાન બેઠો છે : અર્જુન બેઠો છે અને એ રથને ઉપાડીને ફેંકી દીધો એટલે કર્ણની વાહવાહી કરવી જ પડે.’
ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણના રથનું પૈડું ફસાઈ ગયું એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘હે અર્જુન ! ઉપાડ ધનુષ ને કર વાર કર્ણની છાતીમાં…!’
ત્યારે અર્જુન બોલ્યો : ‘કેશવ ! હું એક ક્ષત્રિય છું. આમ તકનો લાભ ઉઠાવીને હું વાર નહીં કરું.’
કૃષ્ણ કહે : ‘હું કહું છું કે વાર કર.’
હવે અર્જુન વાર કરે છે અને એક જ વારમાં કર્ણને ઢાળી દીએ છે.
એ વખતે કૃષ્ણ કહે છે કે, ‘હે પાર્થ ! તારે જાણવું છે ને કે આ કર્ણ કોણ છે ? ચાલ…’
કૃષ્ણ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને અર્જુનને કર્ણ પાસે લઈ જાય છે. કર્ણ છેલ્લા શ્વાસો લઈ રહ્યો હતો. કૃષ્ણ કહે : ‘કર્ણ ! તેં તારા જીવનમાં ઘણાં દાન કર્યાં છે. આજે એક બ્રાહ્મણ તારી પાસે આવ્યો છે. ભિક્ષામાં સોનું માગું છું.’
જવાબમાં કર્ણ બોલ્યો : ‘હે બ્રાહ્મણ ! ત્યાં બાજુમાં પથ્થર પડ્યો છે એ મને લાવી આપો, હું તેનાથી મારા દાંતમાં જે સોનાની રેખ છે, તે કાઢી આપું.’
કૃષ્ણ કહે : ‘હું પથ્થર લાવી આપું ને તું તેના વડે સોનાની રેખ કાઢી આપ એતો તેં મારી મજૂરી ચૂકવી કે’વાય; બાકી જો તું તારી જાતે પથ્થર લાવીને સોનાની રેખ કાઢી આપ તો જ હું માનું કે તું સૂર્યપુત્ર દાનવીર કર્ણ છે !’
કર્ણે પોતાના શરીરને ઘસડતાં ઘસડતાં પથ્થર લીધો અને મોઢામાંથી સોનાની રેખ કાઢીને બ્રાહ્મણને દાન કર્યું. ત્યાં જ ભગવાન શ્રીકૃષ્ણે વિરાટ સ્વરૂપ ધારણ કરીને કર્ણને કહ્યું : ‘હું તારા પર પ્રસન્ન થયો છું. જે માંગવું હોય તે માગીલે.’
કર્ણ કૃષ્ણના કાનમાં એટલું જ બોલ્યો કે, ‘હું કોઈ દિવસ ભિક્ષુ પાસે કાંઈ માગતો નથી, કારણ કે આજે તમે મારી પાસે ભિક્ષા માગવા આવ્યા છો.’
ત્યારે કૃષ્ણ અર્જુનનો ખભો પકડીને બોલ્યા : ‘હે.પાર્થ ! જોઈલે આ છે દાનવીર કર્ણ.’
No Comments