લેખક : ભરત બાપોદરા, બાપોદર

ખરા બપોરનું ટાણું છે. ચપટી ભરીને જુવાર વેરો તો ધાણી ફૂટી જાય એવો આકરો તાપ આકાશેથી અનરાધાર વરસે છે. ડિલને દઝાડીને ડામ ઉઠાડે એવા ઉના ઉના વાયરા વાય છે. આઘાંઆઘાં ઝાંઝવાં બળે છે : સીમ-વગડામાં સૂનકાર છવાયેલો છે.

     બરાબર આ ટાણે એક અસવાર નાગકાની સીમ ઢાળોથી હાલ્યો આવે છે. આકરા તાપને લીધે ઘોડીનો આખેઆખો દેહ પરસેવે રેબઝેબ થઈ ગયો છે. પેટમાં હાંફ માતી નથી. મોઢું ફાટી ગયું છે. સવારથી એકધારી ચાલતી આવેલી ઘોડી તરસને લીધે આંધળી ભીંત બની ગઈ છે. તેથી અસવારે કાટવાણાની ઉગમણી સીમમાં, ડેરવાવ તરફ ઘોડીને હાંકી. ડેરવાવના કાંઠા પાસે કૂંડી હતી, પરંતુ એમાં ટીપુંય પાણી નહોતું. નિરાશ થઈને અસવાર ઘોડીને પાછી વાળવા જાય છે ત્યાં એક ચારણ્યને પાણી ભરવા આવતાં દીઠી. હાશકારો અનુભવીને અસવાર થોડી વાર ઊભો રહ્યો. એટલામાં ચારણ્ય નજીક આવી પહોંચી. અસવારે કહ્યું : ‘બેન, મારી ઘોડી તરસે લૂલવે છે. બે ઘડા પાણીના સીંચી દઈશ ?’

     ‘અરે ભાઈ ! બેના ચાર સીંચેદાં’ ચારણ્યે મીઠી જીભે જવાબ દીધો અને ઉતાવળે-ઉતાવળે ચાર-પાંચ ઘડા પાણીના સીંચીને આખી કૂંડી છલકાવી દીધી. વાવનું ટાઢુંબોળ ને સાકર જેવું મીઠું પાણી પીતાં ઘોડીના પેટમાં ઠારક વળી. તેનામાં નવી તાજગી આવી.

     અસવારે આંગડીના ગજવામાંથી પાંચ કોરી કાઢીને ચારણ્યને આપતાં કહ્યું : ‘લે બેન ! આ પાંચ કોરી તારી મે’નતની.’

     ‘અરે ભાઈ ! મેં કંઈ મોટો ગઢ થોડો ઉકેલ્યો છે કે તારે એનાં મૂલ ચૂકવવાં પડે ?’ ચારણ્યે જવાબ આપ્યો : ‘તરસ્યા માણસ કે જનાવરને પાણી પાવું એ તો ધરમ ગણાય, બાપ !’

     ‘બેન, જો એમ આ કોરી લેવા તારું મન માનતું ન હોય તો તને બેન જાણીને આપું છું. ન લે તો તને ધરમના ભાઈના સમ છે.’ અસવારે મીઠું દબાણ કર્યું.

     ‘ભાઈ, તારું નામ ?’

     ‘મારું નામ લાધવો કુછડિયો. કુછડી મારું ગામ.’

     ‘ભાઈ લાધવા ! જોગમાયાના પરતાપે મારે ઘેર ઊજળો દહાડો છે; પણ તેં સમ દીધા એટલે હવે ના કેમ પડાય ? પણ તારે મારી એક વાત રાખવી પડશે : મારે ઘેર બે ભાણાં એઠાં કર્યા વિના તારાથી જવાશે નહીં.’

     ‘અરે, બેન ! મારે ઘણી ઉતાવળ છે. બપોર નમ્યે તો ઘેર પૂગવું છે. માટે આજુ ખેલે રે’વા દે; અંજળપાણી હશે તો પાછો કેદીક આવીશ.’

     પરંતુ ચારણ્યે કેડો મેલ્યો નહીં. લાધવાને જાવા મજબૂર બનવું પડ્યું. ચારણ્યની પાછળ પાછળ એણે પોતાની ઘોડીને હંકારી. ડેરવાવથી થોડે છેટે ચારણોના આઠ-દસ નેસ એકબીજાને અડીને ઊભા હતા. એમાંથી એક નેસના વાડાની ઝાંપલી ખોલીને ચારણ્ય અંદર પ્રવેશી. લાધવો પણ તેની પાછળ પાછળ વાડામાં દાખલ થયો. વાડામાં ઊભેલી ખખડધધ આંબલી નીચે હાથણી જેવી પંદરેક ભેંસો અને બે-ત્રણ બોતડાં બાંધેલાં હતાં. લાધવાએ ઘોડીનું ચોકડું કાઢી, સજાઈ ઉતારીને તેને એક ખીલે બાંધી. ચારણ્યે પાણીનું બેડું પાણિયારે મેલ્યું અને લાધવાને બેસવા સારુ ઓસરીમાં ખાટલો ઢાળીને તેના પર ભાતીગળ ગોદડી પાથરી આપી. ખાટલા પર બેઠાંબેઠાં લાધવાએ ચારે બાજુ નજર દોડાવી… દેશી નળિયાંવાળા મકાનમાં સુઘડતા ઊડીને આંખે વળગે છે. ભીંતો પર લીપેલી છાણ-માટીની ગાર આભલાં જેવી હસે છે. બારસાખે ટાંગેલાં તોરણ અને તેની બન્ને બાજુ ચોડેલા ચાકળા-ચંદરવામાં શોભતો ભાતીગળ કસીદો ચારણ્યના હાથનો રૂડો કસબ દેખાડે છે. ઓસરીની જમણી બાજુ, કિનારી પર ગાર-માટીથી લીંપેલી કૂંડીમાં લહેરતો તુલસીનો છોડ તીખીતીખી સુગંધે ફોરે છે. વિશાળ ફળિયામાં પારેવાં, ચકલાં, સુગરી વગેરે પંખીડાં ચણે છે. બે-પાંચ કાબર અને ત્રણેક બગલાં આંબલી નીચે બેઠેલી ભેંસોના આઉમાંથી ઈતડીઓ વીણે છે.

     આવી રીતે ચારણ્યના ઘર અને તેની આસપાસના કુદરતી વાતાવરણનું નિરીક્ષણ કરવામાં ઘણો વખત વીતવા છતાં લાધવાને કોઈ જણ જોવામાં આવ્યો નહીં, એટલે રોટલા ટીપતી ચારણ્યને પૂછ્યું : ‘બેન, અમારો દેવ ઘેર નેત ?’

     ‘તમારો દેવ તાં ગામતરે ગયો છે. આવ્યો નથી એટલી જ વાર છે.’ ચારણ્યે જવાબ આપ્યો : ‘માણસ સાટુ તો એ પ્રાણ પાથરે એવો છે.’

     ‘તારી વાત તો સાચી, બેન ! પણ અમારો દેવ ઘેર નો હોય એ વખતે અહીં રોકાવું મણી ઠીક નેત લાગતું. કોઈ જોવે તો સીંદરીનો સરપ કરે.’

     ‘અરે ભાઈ ! તું શીદને ઓઝપાય છે ? આપણે કાંઈ ખૂણો તો કે’વરાવવો નથ્ય. દિલ સાફ હોય પછી બીક શેની, ભાઈ ?’

     આવો જવાબ આપીને લાધવાને ધરપત દેનાર આ ચારણ્યનું નામ જાસલ. ઉંમર વીસેક વરસની હશે. અંગેઅંગમાં જોબન હિલ્લોળા મારે છે. ચંદ્ર જેવા ઊજળા મુખ પર નકરાં દૈવત ઢોળાયાં છે. ધનુષ જેવી ભમ્મરોની નીચે, સુરમો આંજેલી કાળીકાળી બે અણિયાળી આંખો, હેમની જ્યોત સરીખું નાક, પરવાળા જેવા હોઠ અને  અષાઢી વાદળની ઘટા જેવા કાળાભમ્મર વાળનો અંબોડો એના મુખડાને ઓર સુંદર બનાવીને સોનામાં જાણે કે સુગંધ ભરે છે.

     જેવાં ઊજળાં જાસલનાં રૂપ છે, એવાં જ ઊજળાં એનાં શીલ છે. સપનેય પરપુરુષને ચિંતવે નહીં એવી જાસલ આધેડ ઉંમરના ધાના ભેડાની જુવાન અને નવી પરણેતર છે. ધાના ભેડાની જૂની ધણ્યનું નામ છે પૂનસરી. પચાસની અવસ્થાએ પહોંચવા છતાં પૂનસરીને પેટે દિવસો ચડ્યા નહીં, તેથી ધાના ભેડાએ શેર માટીની ખોટ પૂરવા પૂનસરીને માથે બીજું ઘર માંડ્યું છે. પાંચેક મહિના પહેલાં ધાનો જાસલને પરણીને લાવ્યો છે. પરંતુ પૂનસરીને શોક્ય સાથે મેળ જામ્યો નહીં, તેથી ધાના ભેડાએ બન્ને માટે જુદાં રહેઠાણ કરી દીધાં છે. ધાનો ભેડો મોટા ભાગે જાસલના ઘરે જ રહે છે. જુવાન ને રૂપાળી નવી ધણ્ય ઉપર એનાં હેત ચારેય હાથે ઢોળાય છે. પૂનસરીની ઈર્ષાળુ આંખો એ જોઈ શકતી નથી, કોઠે ભડકા ઊઠે છે, તેથી જાસલને ધણીની આંખેથી ઉતારી પાડવા એ વારંવાર પાસા ફેંકતી રહે છે. પરંતુ તેનો એક પણ પાસો પોબાર પડતો નથી. ધાનો ભેડો તેની દરેક વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. પરંતુ આજે તો પૂનસરીને બરાબરનો લાગ મળી ગયો. ધણી ઘરે ન હોવા છતાં જુવાનજોધ મેરને ઘરમાં ઘાલીને બેઠેલી જાસલને હલકી પાડી દેવા માટે બધી પાડોશણોને બોલાવીને પોતાને ઘેર ભેળી કરી. પાડોશણો પણ જાસલનાં ‘ચરિતર’ જોવાના ઈરાદાથી પૂનસરીના ઘરમાં ગરીને બારી પાસે બેસી ગઈ.

     જાસલના હાથે ઘડાયેલા જાડા ધડસા જેવા બાજરાના રોટલા, રીંગણાનું શાક અને પારેટી ભેંસના દૂધનું શિરામણ કરીને લાધવો ઊઠ્યો. વહેલાસર કુછડીએ પહોંચવું જરૂરી હોવાથી, જમ્યા પછી થોડીવાર બેસીને એણે જાસલની રજા માગી અને ગજવામાંથી પચીસ કોરી કાઢીને જાસલને આપવા હાથ લંબાવ્યો. પરંતુ જાસલે એ કોરી ન લેતાં કહ્યું : ‘લાધવાભાઈ, સંસારમાં મારે મા-બાપ કે ભાઈ-ભાંડુ કોઈ નથી. આજથી તું જ મારો ધરમનો ભાઈ છે. તારો બહુ ભાવ છે તો કોઈ વેળા વસમે ટાણે બેનને હાથ આપવા આવજે.’

     ‘બેન, ઉપરવાળો કોઈ દિવસ તારા ઉપર વસમું ટાણું ન નાખે એવી મારી દુઆ છે. છતાંય કોઈ વેળા એવું ટાણું આવે તો કુછડીએ વાવડ મોકલજે. કાળી રાતેય આવીને તારો ભાઈ હોંકારો દે જાહે.’

     ‘ખમ્મા, મોળા વીરા ! જોગમાયા તુંને ક્રોડ વરહનો કરે !’ એવી આશિષ દેતાંદેતાં જાસલે લાધવાનાં દુખણાં લીધાં. લાધવાએ બેન જાસલની રજા માગી. આંસુથી ટબટબતી આંખે જાસલે ભાઈને રજા આપી. પૂનસરીના ઘરની બારીએ  બેઠાંબેઠાં તેની પાડોશણોએ આ બધો તમાશો જોયો. પૂનસરીએ દૂધમાંથી પોરા કાઢ્યા : ‘ તમું જાસલને સતની પૂંછડી માનતી સો, પણ મું યાનાં કાળાં કામાં જાણતી સાં ! ધણી ઘેર ન હોય તડે પારકા આદમીને ઘરમેં ઘલાય ? યાને જમાડાય ? પણ મોળો તો કોઈ સુણતો જ કાં સે !’

     પાડોશણોને પૂનસરીની વાતમાં વજૂદ લાગ્યું.પૂનસરીએ કાનફૂસી કરીને બધી પાડોશણોને ભરમાવી દીધી. પોતાનો ધણી આવે ત્યારે શું કરવું એ વાત પૂનસરીએ બધીને બરાબર સમજાવી દીધી.

     સાંજના સમયે ધાનો ભેડો ગામતરેથી પાછો ફર્યો. ઝાંપલી ખોલીને તે અંદર પગ મેલવા જાય છે ત્યાં જ એક પાડોશણે તે સાંભળે એવે મોટે અવાજે જાસલનું પાનિયું ખોલ્યું : ‘ધાના ભેડા જીમા ભોળા ભાયડાય જગતમેં હશે નાં ?’

     ધાના ભેડાના પગ ત્યાં ને ત્યાં અટકી ગયા. ત્યાં બીજી પાડોશણ પહેલી પાડોશણને જાણે ઠપકો દેતી હોય એમ બોલી : ‘તું કાણા સાટુ વધુકી થાતી સે ? ધાનો ભેડો પૂનસરીનો માનતો  નસેં, તડે તોળો માનશે ?’

     ધાનો ભેડો ઊભોઊભો આ બધું સાંભળે છે અને એના અંતરમાં તણખા ઊઠતા જાય છે.   ‌  ત્યાં તો જાણે ભડકો ઊઠી જાય એવા પૂનસરીના શબ્દો એને કાને પડ્યા : ‘જાસલને ઘેર જુવાનજોધ મેર ઈદો ઈ મોળા ધણીને ગમતી વાત હશે નાં ? નકર ધણી ઘેર ન હોય તડે પરાયા આદમીને ઘરમેં ઘલાય ? યાને જમાડાય ? પણ મોળો ધણી જ જાં જાસલનો વેચાણ થઉગો સે નાં બીજાને કાણું દોષ દેવો ?’

     પૂનસરીના આ શબ્દો સાંભળીને ધાનો ભેડો ઊભેઊભો સળગી ગયો. રોજેરોજ પૂનસરી જાસલના પગ આડા-અવળા થાતા હોવાની વાત કરતી. પરંતુ ધાના ભેડાને જાસલ પર કોઈ શંકા ન હોવાથી પૂનસરીની વાત સાંભળી-ન-સાંભળી કરી નાખતો, પરંતુ આજે પૂનસરીની સાથેસાથે પાડોશણોને પણ જાસલના ડાઘ દેખાડતી જોઇને, ઊજળું એટલું દૂધ ન હોય એવો ભેડાને પૂરેપૂરો વહેમ બંધાઈ ગયો. ક્રોધથી સળગતો-સળગતો એ ઘર તરફ આગળ વધ્યો. આ સમયે જાસલ ઘરમાં બેઠી બેઠી તોરણમાં મોતીનો કસીદો કાઢતી હતી. ધણીનો પગરવ સાંભળતાં જ, તોરણ એક બાજુ મેલીને તે હરખભેર ઉંબરમાં સામે આવી. પરંતુ તે હજુ ધણીને મીઠા ભાવ બતાવે એ પહેલાં તો ધાનાએ એના માખણ જેવા કોમળ દેહ પર પરાણાના ચાર-પાંચ ઘા વજોડી દીધા. આસમાની રંગના જાસલના કાપડા પર મેઘધનુષ સમી લોહીની સરોળો ઊઠી ગઈ. ચોધાર આંસુ પાડતી-પાડતી એ બોલી : ‘અરે મોળા ચારણ ! મોળો કાંઈ વાંક ? મોળો કાંઈ ગુનો ? કાણા સાટુ મોળા પર આમો જુલમ કરતો સે ?’

     ‘તોળો કાંઈ ગુનો નસેં એમ ?’ ધાનો ભેડો બરાડી ઊઠ્યો : ‘મોળી ગેરહાજરીમેં આસેં કમણ આદમી ઈદો’તો ? કમણને ઘરમેં ઘાલ્યો’તો ? રાંડ ! કુલટા ! પાછીતાં ભણતી સે કે મોળો કાંઈ ગુનો ?’

     ‘અરે મોળા ભેડા !’ જાસલે રડતાં રડતાં જવાબ આપ્યો : ‘ઈતાં લાધવો-મોળો ધરમનો ભાઈ-હુતો.’

     ‘તોળો ધરમનો ભાઈ ?’ ભેડાનો મગજ ફાટી ગયો : ‘તડે તીં મુંહે કેદીય ભણ્યુંતાં નીં કે લાધવો મોળો ધરમનો ભાઈ સે ?’

     જાસલ જવાબ દેવા ગઈ, પરંતુ ગળે ડૂમો બાઝી જવાને કારણે એનાથી બોલી શકાયું નહીં. એ મોટા સાદે હીબકાં ખાવા લાગી.

     ‘જા-જા, ફગોડુ ! તોળો કાળો મુઢો લઉને આસેથી વેળાસર વયી જા, નકર મોળા હાથે કાંક ન થવાનો થઉ જાશે !’ એમ કહીને ધાના ભેડાએ જાસલનું બાવડું ઝાલીને ફંગોળિયો કર્યો. જાસલ ઠેઠ ફળિયામાં જઈ પડી. તેનું કપાળ ફૂટ્યું. મોઢા પર લોહીની સેર વહેવા લાગી. આમ છતાં તે ધણીનું ઘર છોડીને જવા માગતી નહોતી. ઊભી થઈને તે ફરી ઓસરીમાં આવી અને બે હાથના મજબૂત અંકોડામાં વળો ઝાલી લીધો. ભેડો બોલ્યો :

   જાસલ વળા મ ઝાલ્ય, વળે વાસીગણ નહીં;

   જઈ  લાધાને જુહાર્ય, ભેડે મન  માન્યું નહીં.

(હે જાસલ ! તું હવે આ ઘરના વળાને ઝાલીને શું ઊભી છો ? આ ઘરના વળા નીચે હવે તારો વસવાટ રહેવાનો નથી. તારું મન ધણી પરથી ઊતરી ગયું છે, તેથી તું હવે લાધવા કુછડિયાનું ઘર માંડીને એના ભેળી રહે.)

     જાસલ કહે : ‘હે મોળા ચારણ ! લાધવો તાં મોળો ધરમનો ભાઈ સે. ભાઈની સાથે મું કૂડો કામ કરાં ? એમ છતાં જો તુંહે વહેમ હોય તો-

   સગા લેને સાચ, કડામાં તેલ ઊનાં કરી;

   પંડ્યમાં હશે પાપ, તો દેયું અમારી દાઝશે.

(હે સગા ! હે મારા ભેડા ! તને જો વહેમ હોય કે મેં લાધવા સાથે અવૈધ સંબંધ બાંધ્યો છે, તો તું મારું પારખું કરી જો. કડામાં તેલ ઊનાં કર : કકડતા તેલમાં હું મારો હાથ બોળીશ. જો મારામાં પાપ હશે તો મારો હાથ સડસડી જશે.)

     પરંતુ વહેમમાં આંધળા બની ગયેલા ધાના ભેડાએ જાસલની એક પણ વાત કાને ધરી નહીં. હજુ તો ગઈ કાલ સવાર સુધી જેના પર પોતાનાં અનરાધાર હેત વરસતાં હતાં તે જાસલ અત્યારે ધાના ભેડાના મનમાંથી સાવ ઊતરી ગઈ હતી. તે હવે એક ક્ષણભર માટે પણ જાસલને રાખવા માગતો નહોતો. જાસલ ક્યાં જાય ? કોને કહે ? એને પોતાના પગ નીચેથી ધરતી સરકતી લાગી. પોતાને માથે ચડેલું ખોટું આળ એનાથી સહન થતું નથી. ધરતી મારગ આપે તો સમાઈ જવા એનું મન પોકારી ઊઠ્યું. જ્યાં પોતે ઊભી હતી ત્યાં જ ઊભાંઊભાં એણે પોતાના બંને હાથ જોડ્યા. આંખો મીંચી દીધી. આદ્યશક્તિ જગદંબાના સ્વરૂપમાં ચિત્ત એકાગ્ર કરીને એ બોલવા લાગી : ‘હે જગદંબા ! હે આદ્યશક્તિ ! મોળા માથે ચડેલો આળ મું સેન કરે શકાં એમ નસેં. મું હાવાં સતી થાવા માગતી સાં. હે મા ! તું મોળી લાજ રાખજે : મોળી પત જાળવજે.’

     આદ્યશક્તિના સ્વરૂપમાં મનનો તાર લગાડીને જાસલ જ્યાં આટલું બોલી ત્યાં તો છપ્પનેય વાયરા વછૂટયા. ભીષણ આંધી ઊઠી. ઝાડવાં ધૂણવા માંડ્યાં. વાદળ તૂટી પડ્યાં. ડુંગર ધણેણી ઊઠ્યા. ગડડડ ! ગડડડ ! કરતી મોટી મોટી શિલાઓ ડુંગર પર ગબડવા લાગી. ચારેકોર પ્રલેકાર મચી ગયો ! લોકો ભયના માર્યા નાસભાગ કરવા લાગ્યા… પરંતુ જાસલ તો નિશ્ચલ ઊભી છે. જાણે કોઈ અલૌકિક શક્તિએ એના પંડમાં પ્રવેશ કર્યો હોય તેમ એના અંગેઅંગમાં ધ્રુજારી  રાસડે રમે છે. એના મુખડા પર અંબરમણિનાં તેજ ઊઘડ્યાં છે. મટકુંયે ન મારતી એની આંખો આદ્યશક્તિમાં લીન બનેલી છે. અંતરમાંથી ‘જગદંબે’ના નાદ ઊઠી રહ્યા છે.

     એકાદ ઘડીનો પરચો દેખાડીને પ્રલેકાર શાંત થયો. ધાનો ભેડો,પૂનસરી અને તેની પાડોશણો ભયથી કાંપતાં-કાંપતાં દોડી આવીને, જેમ લાકડી પડે એમ, જાસલના પગમાં પડી ગયાં; પોતે કરેલા અપરાધ બદલ ભારે પસ્તાવો થયો હોય તેમ બે હાથ જોડી, ખોબલે આંસુ પાડી વીનવવા લાગ્યાં : ‘અમણી ભૂલ પડેગી, મા ! અમણો ગનો માફ કરે દે.’

     ‘તમણા ભણ્યાનો મુંહે લગીરે દખ નસેં.’ એવી હૈયારી દઈને જાસલ બોલી : ‘તમણેમેંસે કોઈ જલદી કુછડી જાવ ને મોળા ધરમના ભાઈ લાધવાને જઉ ભણો કે :

   સત ચડ્યું શરીર, અબઘડી ઊભાય નહીં;

   માડી માયલા વીર, વ્હેલો આવજે લાધવા !

(હે લાધવા ! હે માડીજાયા વીર ! મારા ઉપર ખોટું આળ ચડ્યું છે. મારાથી એ કોઈ પણ રીતે સહન થઈ શકે તેમ નથી. હું હવે સતી થવાની છું. માટે જરાયે વાર લગાડ્યા વિના તું આવી પહોંચજે.)

   સળગી સમદર માંય, એકલ ઓલવાણી નહીં;

   કુછડિયા કુળભાણ, વ્હેલો આવજે લાધવા !

(હે કુછડિયા કુળના ભાણ ! હે વીરા લાધવા ! હું સંસારરૂપી સાગરમાં સળગી રહી છું. મારી એકલીથી એ આગ ઓલવાણી નહીં, માટે મારા વાવડ મળે એટલે એક ઘડીનો પણ વિલંબ કર્યા વિના તું આવી પહોંચજે.)

   અગર અને અબીલ, જાતું બે જૂજવિયું;

   કુછડિયા કુળભાણ, લેતો આવજે લાધવા !

                           *

   સુખડ, ચંદન ને ઘી, અગ્નિ મહીં હોમિયે;

   અંતે એની જરૂર, લેતો આવજે લાધવા !

(હે કુછડિયા કુળભાણ ! હે માડીજાયા વીર લાધવા ! જ્યારે તું અહીં આવે ત્યારે અગર, અબીલ, સુખડ, ચંદન, ઘી વગેરે અંતસમયે ખપમાં લાગતી વસ્તુઓ લેતો આવજે.)

     જાસલનો સંદેશ લઈ એક આદમી મારતે ઘોડે કુછડી ગામે પહોંચ્યો. લાધવા કુછડિયાને મળી તેને સઘળી હકીકત જણાવી. સાંભળતાં તો લાધવાનું હ્દય ધબકારા ચૂકી ગયું. પરંતુ વખત બગાડવાની આ વેળા નહોતી. હૈયા પર પથ્થર મૂકીને એણે અગર, અબીલ, સુખડ, ચંદન, નાડાછડી, ચૂંદડી, કમખો, શ્રીફળ, ઘી વગેરે વસ્તુઓ એકઠી કરીને એક ઊંટ સવાર મારફત રવાના કરી. પોતે પોતાની પત્નીને લઈને પાછળ ઊપડ્યો.

     આ બાજુ કાટવાણા ગામનો રંગ આખેઆખો બદલાઈ ગયો છે. હૈયેહૈયું દળાય એટલી મેદની ઉમટી પડી છે. શરણાઈમાંથી સિંધુડા રાગની ધારાઓ વછૂટે છે. ધ્રિબાંગ ! ધ્રિબાંગ ! અવાજે ત્રાંબાળુ ઢોલ ધડૂસે છે. પાદરમાં ખડકાયેલી ચિતા તરફ જાસલ ચાલી આવે છે… કપાળે ચંદનની પિયળ કાઢેલી છે. કાળાભમ્મર છૂટા વાળ કમર સુધી લ્હેરાતા આવે છે. ચહેરા પર અંબરમણિ-શાં તેજ ઝગારા મારે છે. મોઢામાંથી ‘જગદંબે’ના નાદ નીકળે છે. લોકો બે હાથ જોડીને એને વંદન કરે છે. ધીમાં ડગલાં ભરતી ભરતી જાસલ, જ્યાં ચિતા ખડકેલી હતી ત્યાં આવી. એવામાં ધાના ભેડાના વંશનો એક માણસ જાસલ પાસે આવ્યો અને બે હાથ જોડીને બોલ્યો : ‘હે હરજોગણી ! પૂનસરીએ ધાનાને કમત્ય સુઝાડી તેસે તોળે માથે ખોટો આળ બેસાડ્યો. તું મોટો મન રાખેને યાને માફ કરે દે, મા !’

     ‘ભેડો કાં સે ? યાને આસેં બોલાવો. ને પૂનસરીને પણ બોલાવો.’ જાસલે જણાવ્યું.

     જાસલ  પર  ખોટું  આળ  ચડાવવાને  કારણે પૂનસરીને તો ભોઠાપણનો કોઈ પાર નહોતો. એ તો સ્ત્રીઓના ટોળામાં સંતાઈને ઊભી હતી. ધાના ભેડાએ એને ગોતી લીધી અને એનો ચોટલો ઝાલીને ઢસડતો-ઢસડતો જાસલના પગ પાસે લાવ્યો. તેની કમર પર પાટુંના બે-પાંચ ઘા કરી લીધા. જાસલે કહ્યું : ‘બસ-બસ, ભેડા ! યામેં યાનો કે તોળો વાંક નસેં, આ બધું તો જોગમાયાની મરજીથી થયું સે.’

     ધાના ભેડાની આંખે આંસુનાં તોરણ બંધાઈ ગયાં. પૂનસરીની આંખોમાંથી પણ પશ્ચાત્તાપનાં આંસુ વહેવા લાગ્યાં. વાતાવરણ ગમગીન બની ગયું. જાસલે પોતાના બે હાથ વડે પૂનસરીને બેઠી કરીને રૂડી આશિષ દીધી : ‘બેન પૂનસરી ! આજથી નવ માસે તોળે ઘેર પુત્રનો પારણો બંધાશે : તોળા ધણીનો વંશ રહેશે.’

     આટલું બોલીને જાસલ ખડકેલી ચિતા પર બેઠી. માનવમેદનીની આંખોમાંથી મોતીડાં ઝરવા લાગ્યાં. બધાંના કંઠ રૂંધાઈ ગયા છે. કોઈ કશું બોલી શકતું નથી. દરેકની વાચા જાણે ભિડાઈ ગઈ હોય એમ ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો છે.

     એવામાં મેદનીના બે ભાગ કરતો-કરતો લાધવો કુછડિયો પોતાની પત્ની સાથે ચિતાની બાજુમાં આવી પહોંચ્યો અને આવતાંની સાથે જ પોતાના દેહનો ઘોડા પરથી ઘા કરીને, ચિતા પર બેઠેલી બેન જાસલનાં ચરણોમાં માથું નાખી ગયો. જાસલે એના માથા પર હેતાળ હાથ ફેરવતાં કહ્યું : ‘આવી ગયો, ભાઈ ?’

     ‘આવી તો ગયો, બેન ! પણ મારે ખાતર આ તારી કેવી દશા થઈ ?’ કાળજાં કંપી જાય એવાં હીબકાં ભરતાં-ભરતાં લાધવાએ જણાવ્યું.

     ‘લાધવા ! ભાઈ ! તું જરાય કોચવા મા.’ જાસલે લાધવાને શાંત પડવા કહ્યું : ‘તું તો મારો સાત જનમનો ભાઈ છે. આ પ્રસંગ ન બન્યો હોત તો દુનિયાને સાચ-ખોટની ખબર કેમ પડત ?’

     ‘બેન, મારા માથે ભાલા-તલવારના મે વરસે કે આખો ડુંગર ખળેળી જાય તોપણ મને આટલું દુ:ખ ન થાય, પણ મારે ખાતર તારી આ દશા થઈ તે મારાથી સહન થતી નથી.’

     જાસલ હસીને બોલી : ‘અરે ભાઈ ! તું દુ:ખી શીદ થા છ ? તારા લીધે તો હું ગાંઠકની ઊજળી બની છું.’

     ભાઈ લાધવાને આટલી ધરપત આપીને જાસલે આંખો મીંચી. બે હાથ જોડ્યા. ચિત્તનો તાર આદ્યશક્તિ સાથે જોડ્યો. એ સાથે જ એની નાભિમાંથી ‘જગદંબે’ના જાપ ઊઠવા લાગ્યા. જાપ જેમજેમ આરોહ પકડતા ગયા તેમતેમ જાસલનો દેહ તેજોમય બનતો ગયો. આખો દેહ તેજોમય બની ગયા પછી સઘળાં તેજ નિચોવાતાં-નિચોવાતાં

 જમણા પગના અંગૂઠામાં આવીને એકઠાં થયાં. તેમાંથી અગ્નિજ્વાળા ઉત્પન્ન થઈ : ભડભડ કરતી ચિતા સળગી ઊઠી. રંગબેરંગી અગ્નિજ્વાળા વચ્ચે અવિચળ આસન વાળીને બેઠેલી જાસલ બોલી : ‘ભાઈ લાધવા ! તું ખરો મરદ છે ! સાચો મેર છે ! મારો સાત જનમનો ભાઈ છે. જરાય ભે રાખ્યા વગર તું મારી સળગતી ચિતા પર આવીને તારી બેનને છેલ્લી વારનું કાપડું હાથોહાથ આપી જા.’

     લાધવો કુછડિયો છલાંગ મારીને ચિતા પર ચડ્યો. અગ્નિની ભડભડ બળતી જ્વાળાઓ વચ્ચે એણે બેન જાસલના ખોળામાં શ્રીફળ, ચૂંદડી અને કમખો મૂક્યાં. એકઠી થયેલી માનવમેદનીમાં જાણે ધરતીકંપ આવી ગયો. લાધવો કુછડિયો સળગતી ચિતા પર ઊભોઊભો બેનનાં દર્શન કરવામાં તલ્લીન બનેલો છે. આંખોમાંથી આંસુની ધારાઓ ચાલી જાય છે. જાસલે કહ્યું : ‘ભાઈ લાધવા ! તેં તારો જે ધરમ બજાવ્યો એનું ખેંગાણુ તો કોઈ રીતે વાળી શકાય એમ નથી, પણ જા, એટલી આશિષ આપું છું કે તારા વંશમાં સદાય ઊજળો દહાડો રે’શે ને તારા કુળનો કોઈ માણસ સતનો મારગ મેલશે નહીં.’

     લાધવો જાસલને પગે લાગીને નીચે ઊતર્યો અને બે હાથ જોડીને ચિતા સામે ઊભો રહ્યો. ચિતાની જ્વાળાઓ ભડભડ કરતી ઊંચે ને ઊંચે ઊઠવા લાગી અને જોતજોતામાં જાસલના દેહને પોતાના સ્વરૂપમાં એકરૂપ કરી દીધો.

   કાટવાણે રાત રહ્યો એ કુછડિયો,

      ચારણી જાહલે ભાઈ જાણ્યો;

   પતિ ધાનાને ભરમાવ્યો પૂનસરીએ,

      તે સુણી ભેડાએ પક્ષ તાણ્યો.

   સત ચડ્યો બેનને : ધ્રોડજે લાધવા !

      ચૂંદડી-મોળિયો લઈ સાથા;

   અડગભડ તપાસો મેર ઈતિહાસમાં,

      ગૌરવે આળખી યશોગાથા.

     આ સતી જાસલની દેરી અને મંદિર કાટવાણા ગામથી ઉગમણી દશ્યે મોજૂદ છે. મંદિરમાં આઈ જાસલ અને લાધવા કુછડિયાની સુંદર મૂર્તિઓ ભાઈ-બેનના પાવન પ્રેમની ગાથા ગાઈ રહી છે. લાધવા કુછડિયાને જાસલે જે કૂંડીમાં પાણી પાયું હતું, એ કૂંડી પણ આજે મોજૂદ છે.

     જાસલની આશિષ મુજબ પૂનસરીને ઘેર પુત્રનું પારણું બંધાયું હતું. તેના વંશજો હમણાં સુધી કાટવાણા ગામમાં વસતા હતા. લાધવા કુછડિયાના વંશજો હાલ કુછડી ગામમાં મોજૂદ છે. અત્યારે લાધવાની અઢારમી પેઢી ચાલે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *