મૂળ માલ (કુતિયાણા)ના વતની અને હાલ જૂનાગઢ નિવાસી અને આઈ. આઈ. ટી. દિલ્હી માં અભ્યાસ કરતા ધાર્મિક રામભાઈ બાપોદરાની કેપ્ટનશીપ હેઠળ ઈલેકટ્રીક કારનાં ઈમ્પ્રુવડ મોડેલનું સફળતાપૂર્વક નિર્માણ કરી આ કારને જાન્યુઆરી ૨૦૨૨ માં આયોજીત ફોર્મ્યુલા ભારત ૨૦૨૨ ની પ્રતિયોગીતામાં ઉતારી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી આઈ. આઈ. ટી. દિલ્હી તથા મહેર સમાજનું નામ રોશન કરેલ છે.
ચિ. ધાર્મિક બાપોદરાએ જૂનાગઢ શહેરમાં રહી વર્ષ ૨૦૧૫ માં ધોરણ ૧૦માં ૯૯.૯૬ PR લાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં બોર્ડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં A ગૃપ પસંદ કરી ઉતિર્ણ થયેલ. એપ્રિલ ૨૦૧૭માં IITમાં પ્રવેશ માટે ખુબજ કઠિન ગણાતી એવી JEE એડવાન્સની તૈયારી કરવા માટે કોટા (રાજસ્થાન) ખાતે કોચિંગ માટે ૧૫ માસ સુધી ત્યાં રહી સઘન તૈયારી કરી હતી. મે-૨૦૧૮માં JEE એડવાન્સની પરિક્ષામાં ઉતિર્ણ થઈ IIT દિલ્હીમાં મિકેનિકલ એન્જીનિયરીંગનીં બ્રાન્ચ એવા પ્રોડક્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યો હતો.
આઈ.આઈ.ટી. દિલ્હીમાં અભ્યાસ દરમિયાન જ IIT દિલ્હીની ઈલેક્ટ્રિકલ કાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ સાથે જોડાઈ ઈલેક્ટ્રિક કાર બનાવવાની કામગીરીમાં ઉંડાણપૂર્વક સંશોધનમાં રસ લઈ ઉત્તમ કામગીરી કરી અને ઓગસ્ટ ૨૦૧૯ માં AXLR8R ફોર્મ્યુલા રેસિંગ ટીમનો હિસ્સો બની જર્મનીનાં હોકાનહેમ શહેરમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ભાગ લઈ ઈલેકટ્રીક કાર સેકશનમાં બધાં જ રાઉન્ડમાં ક્વોલિફાય કરનાર ઈતિહાસની સૌ પ્રથમ ભારતીય ટીમ બન્યાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
ત્યાર પછીનાં વર્ષે, જુલાઈ ૨૦૨૦ માં પણ જર્મની ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ક્વોલિફાય કરેલું પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે આ પ્રતિયોગીતા મુલતવી રખાયેલ. પરંતુ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦ માં ટીમે ફોર્મ્યુલા ભારત ૨૦૨૧ પ્રતિયોગીતામાં ઓનલાઈન ભાગ લઈ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ફર્સ્ટ રનર અપ તરીકે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરેલ. ઉપરાંત આ પ્રતિયોગીતામાં કુલ ૧૨ માંથી વિવિધ કેટેગરીમાં કુલ ૬ એવોર્ડ પ્રાપ્ત કરી અને સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ટીમ બની હતી. એ સાથે ડિસેમ્બર ૨૦૨૦ માં જ ઓસ્ટ્રેલીયા ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ઓનલાઈન ભાગ લઈ ઓવરઓલ ૪થું સ્થાન પ્રાપ્ત કરી અને કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં બે એવોર્ડ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ ટીમ તરીકેનું માનભર્યું સ્થાન મેળવ્યું.
જુલાઈ ૨૦૨૧ માં હંગેરી-જર્મનીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય ફોર્મ્યુલા સ્ટુડન્ટ પ્રતિયોગીતામાં ધાર્મિક બાપોદરાની કેપ્ટનશીપ હેઠળ ટીમે ક્વોલિફાય કરેલ પરંતુ ત્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલતી હોય વિઝા પ્રોબ્લેમને કારણે ટીમ પ્રતિયોગીતામાં ભાગ લેવા જઈ શકેલી નહીં તેમ જ આઈ. આઈ. ટી. નાં વર્કશૉપની ઉપલબ્ધી પણ શક્ય ના બની તેમ છતાં હિંમત હાર્યા વગર ટીમે પોતાનું કાર્ય ચાલુ રાખી, સ્વખર્ચે ગુડગાંવમાં એક નાનકડો શેડ ભાડે રાખી, સ્થાનિક ઈન્ડસ્ટ્રીઓનાં સહયોગથી ઈલેકટ્રીક કારનાં ઈમ્પ્રુવડ મોડેલનું સફળતાપૂર્વક નિર્માણકાર્ય પૂર્ણ કરેલ. ધાર્મિક બાપોદરાની કેપ્ટનશીપ હેઠળ આ કારને જાન્યુઆરી ૨૦૨૨ માં આયોજીત ફોર્મ્યુલા ભારત ૨૦૨૨ ની પ્રતિયોગીતામાં ઉતારી અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ.
આગામી જુલાઈ ૨૦૨૨ માં ઈટાલી ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય ફોર્મ્યુલા કાર રેસિંગ પ્રતિયોગીતામાં ધાર્મિક બાપોદરાની કેપ્ટનશીપ હેઠળ આઈ. આઈ. ટી. દિલ્હીની AXLR8R ફોર્મ્યુલા રેસિંગ ટીમ ક્વોલિફાઈ થઈ છે અને ભાગ લેવા જઈ રહી છે ત્યારે સમગ્ર ટીમને અને ધાર્મિક બાપોદરાને ઝળહળતો વિજય પ્રાપ્ત થાય અને ટીમ ભારત દેશ તથા મહેર સમાજનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
મે, ૨૦૨૨ માં અભ્યાસ પૂર્ણ થયા બાદ ધાર્મિક બાપોદરાનું વિઝન ગ્રીન ટેકનોલોજી અને સસ્ટેઈનેબલ ફ્યુચર વિષયે ડેવલપમેન્ટનાં આશયે પોતે જાતે સ્ટાર્ટ અપ દ્વારા પોતાની કંપની બનાવવાનું છે. ચી.ધાર્મિક બાપોદરાને સ્ટાર્ટ અપ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામનાઓ.
No Comments