ઘરે દીકરી ના લગ્ન થાય છે અને સાસરે જાય છે ત્યારે માતા-પિતા દીકરીને પોતાની પરિસ્થિતિ પ્રમાણે કંઈક ફુલ નહિ તો ફુલની પાંખડી આપી ધન્યતા અનુભવતા હોય છે પરંતુ ભૌતિક કરિયાવર તમે આપો તો એ ઠીક છે અને ન આપો તો પણ ઠીક છે પરંતુ સાચો સંસ્કરરૂપી કરિયાવર અચૂક આપજો કારણ કે ભૌતિક કરિયાવર અમુક સમય પછી ઘસાય ભૂસાય જશે પરંતુ સંસ્કારરૂપી કરિયાવર તેને આજીવન ચાલશે

જો તમે દીકરીને કરિયાવરમાં સારા સંસ્કારનો ખજાનો આપ્યો હશે તો તે જરૂર સુખી થશે કદાચ તેને જિંદગીમાં ક્યારેય તકલીફ આવશે તો પણ તેમાંથી રસ્તો કાઢીને પાર ઉતરી જશે બાળપણથી યુવાની સુધીમાં આપણે દીકરીનો ખૂબ લાડકોડથી ઉછેર્યો કર્યો હોય તેની દરેક જરૂરિયાતો પૂરી કરી હોય છે પરંતુ દીકરી સાસરે જાય છે ત્યાં તેના સાસરે આપણા ઘર જેવી સુવિધા અથવા તો રહેણીકરણી ન હોય તો પણ તેમાં થાય અને દરેક પરિસ્થિતિમાં હસતા મોઢે સમજદારીથી રહે તે જરૂરી છે

દીકરી સાસરેથી આવીને નાની-નાની ફરિયાદ કરતી હોય તો તેને પ્રેમથી સમજાવવું જોઈએ કોઈ સાસુ વહુની દુશ્મન નથી હોતી. આ તો આપણા સમાજે સાસુ-વહુના સંબંધને ખરાબ બનાવ્યા છે પરંતુ સાસુ વહુ ને દીકરી અને વહુ એ સાસુ ને માં તરીકે જોવી જોઈએ જો માં વિચારતી હોય કે મારી દીકરી સાસરે જઈને સુખી થાય તો આપણા ઘરે આવી છે એ પણ કોઈની દીકરી છે તો તેને સુખી કરવાની જવાબદારી પણ એક સાસુની જ છે. અત્યારના સમય પ્રમાણે જો કોઈ જતું કરવાની ભાવના નહીં રાખે તો સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા રહેશે અત્યારે માણસોની સહન શક્તિ ઘટી છે એટલે સંબંધો થોડા સમયમાં તૂટી જાય છે

ઘરના બધા સભ્યો થકી જ કુટુંબને છે માટે કુટુંબના દરેક સભ્યોને આદરભાવ અને માન-સન્માન આપવું જોઈએ. સાસરુ એક ઘટાદાર વૃક્ષ સમાન છે જેમાં ઘરના બધા જ સભ્યો એ વૃક્ષની ડાળીઓ છે તેથી જ વૃક્ષનો છાંયો છે. જો ડાળીઓ ને  ઝાડથી છૂટી પાડશો તો છાયો નહીં રહે. જીવન એક બગીચો છે પરંતુ એ બગીચા ની માળી ઘરની વહુ છે.કુટુંબરૂપી બગીચા ને પ્રેમ નું પાણી પીવડાવીને સદાય લીલોછમ ફૂલોથી મહેંકતો રાખવો જરૂરી છે.

દીકરી એક ત્યાગમૂર્તિ છે એ પણ હજારો અરમાન લઇને સાસરે આવી હોય છે તો તેના સપના પુરા કરવા એ પણ સાસરિયાની ફરજમાં આવે છે તેથી તેની પણ નાની મોટી ભૂલો ને પ્રેમથી કુટુંબમાં સ્વીકારી લેવી જોઈએ તેના માન-સન્માન નો ખ્યાલ રાખવો જોઈએ તેને વહુ નહીં પણ દીકરીને સ્વરૂપમાં જોવી જોઈએ તો આવી રીતના બધા સમજદારીથી વર્તન કરશે તો જીવન જીવવાની મજા આવશે બહુ તકલીફ નહીં પડે.

પ્રસ્તુતિ: હીરાબેન ગોરાણીયા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *