
મૂળ ભોગસરના વતની અને વર્ષોથી વલ્લભ વિદ્યાનગર ખાતે સ્થાઈ થયેલા અને આપણી જ્ઞાતિના ત્યાં વલ્લભ વિદ્યાનગર ખાતે ભણતા વિધાર્થીઓને માટે હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા છે એવા ડો. મેણંદ ભોગેસરાની સુપુત્રી ડૉ. પલ્લવી ભોગેસરાએ અમેરિકા ખાતે મેડીકલ ક્ષેત્રે ખુબ જ અઘરી કહી શકાય એવી યુનાઇટેડ સ્ટેટ મેડીકલ લાયસેન્સીંગ એટલે કે USMLE પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરી યુ.એસ.એ.ના ન્યુજર્સી ખાતે બાળ ચિકિત્સક તરીકેની રેસિડેન્સી પ્રાપ્ત કરી છે. આવું રેસિડેન્સી લાયસન્સ પ્રાપ્ત કરનાર મહેર જ્ઞાતિના તેઓ બીજા ડોક્ટર દીકરી છે. આ અગાઉ ડૉ. દેવશીભાઇની ખુંટીની પુત્રી ડૉ. સીમાએ પણ આ પરિક્ષા પસાર કરી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિકલ લાઇસન્સ માટે ત્યાંની ફેડરેશન ઓફ સ્ટેટ મેડિકલ બોર્ડ્સ (FSMB) અને નેશનલ બોર્ડ ઓફ મેડિકલ એક્ઝામિનર્સ (NBME) દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસન્સિંગ પરીક્ષા ( USMLE ) લેવામાં આવે છે. જે ત્રિસ્તરીય છે.
• સ્તર ૧ : મેડિકલ સ્કૂલના પહેલા બે વર્ષ દરમિયાન સામાન્ય રીતે મેળવેલા પાયાના તબીબી જ્ઞાનનું મૂલ્યાંકન કરે છે.
• સ્તર ૨ : અરજદારના ક્લિનિકલ મેડિસિનના જ્ઞાનનું મૂલ્યાંકન કરે છે.
• સ્તર ૩ : દર્દી વ્યવસ્થાપનમાં ક્લિનિકલ જ્ઞાનના ઉપયોગનું મૂલ્યાંકન કરે છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિકલ લાઇસન્સ મેળવવા આ પરીક્ષા અમેરિકન મેડિકલ સ્કૂલ તેમજ આંતરરાષ્ટ્રીય મેડિકલ સ્કૂલના તમામ સ્નાતકો માટે ફરજિયાત છે. ડોક્ટર ઓફ મેડિસિન (MD) ડિગ્રી ધરાવતા ચિકિત્સકોએ પણ મેડિકલ લાઇસન્સ માટે USMLE પાસ કરવું જરૂરી છે.
આ પરીક્ષા પસાર કરવા માટે બહુ ભારે મહેનતની જરૂર પડે છે. ખુબ નાની વયે આ પરીક્ષા પસાર કરી ચિ. પલ્લવીએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને વિદ્યાર્થીઓની આપણી નવી પેઢીને સફળતા માટે પુરુષાર્થનો રાહ ચીંધ્યો છે.
(માહિતી સૌજન્ય: ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા, કનેક્ટિકટ, યુએસએ )

No Comments