શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ચાલી રહેલી ભાગવત સપ્તાહ અંતર્ગત સુપ્રીમ કાઉન્સિલની કૃષિ સમિતિ દ્વારા તારીખ 14 માર્ચ 2023 થી 18 માર્ચ 2023 દરમિયાન આયોજિત કૃષિ મેળાનું ગઈકાલે સમાપન કરવામાં આવ્યું હતું. આ મેળાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. કૃષિ મેળાના પ્રથમ દિવસે તા. 14/3/23 ના રોજ પ્રાકૃતિક કૃષિ વિશે ખાસ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં આત્મા પ્રોજેક્ટમાં ગાંધીનગર ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી પરબતભાઇ ખીસ્તરીયાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જેનો પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે આશરે 10,000 થી પણ વધુ ખેડૂતોએ લાભ લીધેલ હતો. પોરબંદરના ઇતિહાસમાં સૌથી મોટા આ કૃષિ ટ્રેડ એક્સપોમાં આશરે 200 જેટલી કંપનીઓની 900 જેટલી પ્રોડક્ટ હતી જેમાં ખેતી અને ઘર વપરાશની અનેક આઈટમોનો સમાવેશ થતો હતો. આ કૃષિ મેળા નિમિતે ઘણી આઈટમમાં ૨૦ ટકા જેટલું ખાસ ડિસ્કાઉન્ટ પણ જાહેર કરવામાં આવેલ હતું આ કૃષિ મેળાની અંદર ખેડૂતો અને ગ્રાહકો દ્વારા એટલા મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી કે મોટાભાગના સ્ટોલની અંદર સ્ટોક ખલાસ થઈ જવા પામ્યો હતો. લોકોની આ જબરદસ્ત માગણીને ધ્યાનમાં લઇ અને આ કૃષિ મેળાને નિર્ધારિત સમય કરતા વધુ એક દિવસ લંબાવવો પડ્યો હતો. ખેડૂતો ઉપરાંત અનેક મહાનુભાવો દ્વારા પણ આ કૃષિ મેળાની મુલાકાત લેવામાં આવી હતી. ગઈકાલે આ કૃષિ મેળાનો અંતિમ દિવસ હતો. આ દિવસે આ લોક મેળાની મુલાકાત પૂજ્ય ભાઈશ્રી, આપણા પોરબંદર વિસ્તારના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા લેવામાં આવી હતી અને તેમના હાથે આ મેળા દરમિયાન ખરીદાયેલા ટ્રેક્ટરની ચાવીઓ જે તે ખેડૂત મિત્રોને અર્પણ કરવામાં આવી હતી. આ કૃષિ મેળામાં રોટાવેટર, ઓરણી જેવા ખેત ઉપયોગી ઓજારો અને વિવિધ ઘરગથ્થુ આઇટમો પણ રાખવામાં આવેલી હતી. આ તમામ વસ્તુઓનું ભારે વેચાણ થવા પામેલું હતું જે પૈકી ટ્રેક્ટરમાં મુખ્યત્વે વીએચપી ( જય દ્વારકાધીશ એજન્સી), કેપ્ટન (શ્યામ ટ્રેક્ટર), સ્વરાજ (શ્યામ એગ્રો એજન્સી), મહિન્દ્રા (મુરલીધર એજન્સી) તથા અન્ય વિવિધ બ્રાન્ડસનું ખૂબ સારું વેચાણ થવા પામેલ હતું. આ મેળાની ભવ્ય સફળતા પાછળ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ ના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા, કૃષિ સમિતિના પ્રમુખ અને કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી સાજણભાઈ ઓડેદરા (પોરબંદર), લાખાભાઈ કેશવાલા, ખેડૂત પાંખના પ્રમુખ શ્રી હિતેશભાઈ મોઢવાડિયા, ઉપપ્રમુખો સર્વે શ્રી અરજનભાઈ કેશવાલા (વિસાવાડા), જખરાભાઈ કડછા (હન્ટરપુર), જયેશભાઈ બાપોદરા (બાપોદર), કેશુભાઈ ભોગેસરા (કડછ), પરબતભાઈ ગરેજા (ગરેજ), જેઠાભાઈ મોઢવાડિયા (આંબારામા), શ્રી ચિંતનભાઈ ભટ્ટ, વનરાજ કુવાડિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેકટર પરબતભાઇ ખીસ્તરીયા, ઇફકો અને ગુજકોમસોલ તરફથી શ્રી મનુભાઈ ખૂંટી, પોરબંદર આત્મા પ્રોજેકટ ડાયરેકટર રમેશ ટીલવા અને તેમની ટીમ, એગ્રીકલચર કોલેજ ખાપટના પ્રિન્સીપાલ ડો. હરદાસભાઈ વદર તેમજ પોરબંદરના કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.આ કૃષિમેળામાં કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટનો એક ખાસ સ્ટોલ રાખવામાં આવેલ હતો. જેમાં આત્મા પ્રોજેક્ટની વિવિધ પ્રવૃતિઓ તથા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિવિધ આયામોનું અનેક ખેડૂતોએ માર્ગદર્શન મેળવેલ હતું.
– ગાંગાભાઈ સરમા

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *