
મધ્ય ઘેડમાં કડછ અને બગસરાના સીમાડે આવેલા આશરે ૨૦૦૦ ની વસ્તી ધરાવતા ઘોડાદર ગામમાં પચાસ ટકા જેટલી વસ્તી આપણા મહેર સમાજની છે. ઘોડાદર ગામ હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ભરાતા ગંજપીરના મેળા માટે પ્રખ્યાત છે. આ દિવસે આ મંદિરે દુર-સુદૂરથી લોકો ખજુરની માનતા ચડાવવા આવે છે અને મંદિરમાં માનતાનો આ ખજુર ખાંડીઓના હિસાબે હિસાબે ભેગો થાય છે. આ દિવસે ગામ તરફથી બહારથી આવતા તમામ લોકો માટે ચા-પાણી અને જમવાની વ્યવસ્થા વિના મુલ્યે કરવામાં આવે છે. બહુધા આપણી મહેર જ્ઞાતિ ઉપરાંત ગામમાં કોળી અને હરિજનની વસ્તી પણ છે અને બધા સમાજો સમરસતાથી હળીમળીને જીવે છે. ચોમાસામાં આવતા પ્રલયકારી પૂરો અને ઉનાળામાં મીઠા પાણીની કારમી અછત એ આ વિસ્તારની ભૌગોલિક વિષમતા છે. ઉપરોક્ત વિષમતાને કારણે ખેતીવાડીમાં જોઈએ એટલી ઉપજ મળતી નથી ને બીજા કોઈ ઉદ્યોગ ધંધાનો વિકાસ પણ થઇ શક્યો નથી. જેને લઈને આર્થિક રીતે પ્રમાણમાં નબળા કહેવાય એવા ઘોડાદર ગામે પોતાના ગામનો પણ એક મહેર સમાજ હોવો જોઈએ એવો દ્રઢ નિર્ધાર કરી ગામમાં મહેર સમાજના નિર્માણ માટે તાજેતરમાં ખાતમુહુર્ત કરી આ પ્રકારની વિષમતા ધરાવતા બીજા ગામોને માટે પ્રેરણા પૂરી પાડી છે. ગામના યુવાન મિત્રો રાજુભાઈ મનાભાઈ ઓડેદરા, અજીતભાઈ રામભાઈ ઓડેદરા, કરશનભાઈ રામભાઈ ઓડેદરા વગેરે મિત્રોએ વાત વાતમાં ગામમાં મહેર સમાજની કલ્પના કરી અને આ કલ્પનાને હકીકતમાં ફેરવવાનું બળ પૂરું પાડ્યું ગામના ભૂતપૂર્વ સરપંચ અને ગામના મહેર સમાજના આગેવાન શ્રી મેરામણભાઈ દેવાભાઈ ઓડેદરાએ. શ્રી મેરામણબાપાએ ગામના પાદરમાં રોડ કાંઠે આવેલી બે વીઘા જમીન મહેર સમાજ માટે દાનમાં આપવાની જાહેરાત કરી અને પછી તો ગામમાં ભવ્ય સમાજના નિર્માણ માટેના દ્વાર ખુલી ગયા. ગામની પરિસ્થિતિ પ્રમાણે ઘર દીઠ સાવ સામાન્ય કહેવાય એવું અનુદાન નક્કી કરવામાં આવ્યું. મૂળ ઘોડાદરના જ વતની પણ હાલ પોરબંદર ખાતે રહેતા યુવાન મિત્ર અજીતભાઈ ઓડેદરાએ એક લાખનું અનુદાન જાહેર કર્યું. બીજા જ્ઞાતિભાઈઓએ પણ પોતપોતાની રીતે આ કાર્યને આગળ ધપાવવા તન-મન-ધન જેવી પોતાની ક્ષમતા એ મુજબનું સેવાકાર્ય હાથ ધર્યું. જેમાં ઉપરોક્ત ભાઈઓ ઉપરાંત ઝખરાભાઈ ઓડેદરા, મોહનભાઈ ઓડેદરા, રોહનભાઈ ઓડેદરા, ભાવેશભાઈ ઓડેદરા, માલદેભાઈ, ભરતભાઈ વાઢેર, લખમણભાઈ ઓડેદરા,પોલાભાઈ વાઢેર , કેશુભાઈ વાઢેરનો સમાવેશ થાય છે. આ રીતે ગામના સહિયારા પ્રયાસથી તા.૧૪/૧/૨૦૨૧ ના રોજ ઘોડાદર ગામે સૂચિત મહેર સમાજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી મહેર શક્તિ સેનાના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેનાના શ્રી રાણાભાઇ ઓડેદરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ઘોડાદર જેવા નાના અને મહેર સમાજની પાંખી વસ્તી ધરાવતા ગામે આદરેલા મહેર સમાજના નિર્માણ માટેના આ ભગીરથ કાર્યમાં કાર્યમાં સહાયભૂત થવા દાતાઓને આગળ આવવાનો અનુરોધ પણ ગ્રામજનો તરફથી કરવામાં આવ્યો છે.
- રાજુભાઈ મનાભાઈ ઓડેદરા (ઘોડાદર-ઘેડ)

No Comments