શ્રી  ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા વિલેજ મહેર કાઉન્સીલના ઝોન 1 બરડા ઝોન 2 જામનગર અને દેવભુમી દ્વારકા વિસ્તારના પ્રતિનિધિ ભાઈઓ સાથે ફટાણા મહેર સમાજ ખાતે તેમજ ઝોન 3 રાણાવાવ કુતિયાણા વિસ્તારના પ્રતિનિધિ ભાઈઓ સાથે રાણાવાવ મહેર સમાજ ખાતે તેમજ ઝોન 4 ઘેડ વિસ્તાર અને ઝોન 5 જુનાગઢ કેશોદ વિસ્તારના પ્રતિનિધિ ભાઈઓ સાથે ગરેજ મહેર સમાજ ખાતે શુભેચ્છા મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

     શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓને ગ્રામ્યકક્ષાએથી આંતરાષ્ટ્રીય કક્ષા સુધી  વિસ્તરણ કરવા સંસ્થાના નવનિયુકત પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા કટિબધ્ધ થયા છે. જેના અનુસંધાને ગ્રામ્યવિસ્તારમાં શૈક્ષણિક – સામાજિક વિકાસના કાર્યોને ગતિશીલ કરવા તેમજ જ્ઞાતિ સંગઠનને મજબુત કરવા માટે વિલેજ મહેર કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે બરડા વિસ્તાર–જામનગર, દેવભુમિ દ્વારકાથી લઈ રાણાવાવ–કુતિયાણા સાથે ધેડ તથા રાજકોટ, જુનાગઢ, કેશોદ વિસ્તારના કુલ ૧પ૦થી  પણ વધુ ગામડાઓમાં વિલેજ કાઉન્સીલની રચના કરવામાં  આવી છે.

આ કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિના સંત શિરોમણી પૂજય શ્રી માલદેવ બાપુની છબી સમક્ષ દીપ પ્રગટાવી કરવામાં આવેલ હતી. આ શુભેચ્છા અને જનજાગૃતિ મીટીંગમાં આવેલ  ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધી ભાઈઓનું પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યુ હતું તેમજ  આ પ્રતિનિધિભાઈઓનો પરિચય મેળવવામાં આવ્યો હતો.તેમજ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતી જુદી જુદી શૈક્ષણિક–સામાજિક પ્રવૃત્તિઓથી હાજર પ્રતિનિધિ ભાઈઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.હાલ કોરોના વાયરસની મહામારીના પગલે સરકારશ્રીના માર્ગદર્શનનું પાલન કરી ગ્રામ્ય વિસ્તારમાં લોકો  સુધી આ મહામારી વિશે યોગ્ય માહિતી પહોંચે તે બાબતને ધ્યાનમાં રાખી એક જાગૃત્ત સંસ્થાના જ્ઞાતિ પ્રત્યેના કતર્વ્યના ભાગરૂપ સંસ્થાના પ્રતિનિધિ ડો.ભરતભાઈ ચૈાહાણ દ્વારા કોરોના વાયરસની મહામારીના સમયમાં લોકોનું  સ્વાસ્થ્ય સારુ રહે તે બાબતે જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતું સાથે સંસ્થા દ્વારા ગામદીઠ કોરાનાના ઉકાળાની કિટનુ વિતરણ ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓમાં કરવામાં આવેલ હતું.

        શ્રી મહેર વિલેજ કાઉન્સીલની રચના કરવાના મુખ્ય ઉદેશમાં જ્ઞાતિ સંગઠન વધુ મજબુત  બને અને સંસ્થા દ્વારા કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓનો લાભ જ્ઞાતિજનોને મળી રહે તેમજ સ્થાનિક જરૂરીયાત કે સમસ્યાનું સ્થાનિક કક્ષાએથી યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્નશીલ બનવું તેમજ જ્ઞાતિના શૈક્ષણિક–સામાજિક વિકાસને વેગવંતો બનાવવા કાર્યશીલ થવા તે દિશામાં પ્રયાસો કરવા વિકાસને આગળ ધપાવવા કાર્યશીલ થવા તે દિશામાં પ્રયાસો કરવા સહિતનો છે.

       આ તકે IMSC ના ઉપપ્રમુખ સાજણભાઈ  ઓડેદરાએ  પોતાના વકતવ્યમાં સંસ્થાની છેલ્લા વીસ વર્ષથી  ચાલતી જુદી  જુદી પ્રવૃત્તિઓની માહિતી જણાવવામાં આવી અને સમાજમાં શૈક્ષણિક અને સામાજિક જાગૃત્તિ વેગવંતી બને તે માટે ગ્રામ્યકક્ષાએથી જ્ઞાતિના કાર્ય કરવામાંના સંસ્થાના પ્રયાસોમાં સ્થાનિક ભાઈઓને જોડાવા જણાવેલ. આપણા સમાજનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જે બાબતને ધ્યાનમાં રાખી આ સંસ્થા દ્વારા ખેડુતપાંખની રચના કરવામાં આવેલ છે આ ખેડુત પાંખ ગ્રામ્યવિસ્તારના ખેડુતભાઈઓને ખેતી અને પશુપાલન વિશે માહિતગાર કરશે.આ સાથે તેમણે જણાવેલ કે  દર  વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના નબળા પરિવાર માટે સરકારની માર્ગદર્શિકા મુજબ સંસ્થા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે.જે અંગે સંસ્થા દ્વારા ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

        લાખાભાઈ કેશવાલાએ પોતાના વકતવ્યમાં જણાવેલુ કે, છેલ્લા વીસ વર્ષમાં જ્ઞાતિમાં શૈક્ષણિક વિકાસ જોવા મળી રહયો છે પરંતુ આ શૈક્ષણિક વિકાસનો વ્યાપ મુખ્યત્વે  જ્ઞાતિની દિકરીઓમાં વધુ જોવા મળી રહયો છે જયારે આ વિશે જ્ઞાતિના બાળકો અને યુવાનોમાં જાગૃત્તા વિકસે તે દિશામાં કામગીરી કરવાની તાતી જરૂરીયાત  દેખાય રહી છે. પૂજય માલદેવ બાપુના વિચારોને વાગોળતા તેઓએ જણાવેલું કે પુજય બાપુએ તેના જીવનમાં જ્ઞાતિના સંગઠન અને શૈક્ષણિક વિકાસની સાથે વ્યસન મુકત સામાજનું પણ સ્વપ્નુ જોયેલું, આ બાબતે હાજર પ્રતિનિધિ ભાઈઓનું ધ્યાન દોરી ગ્રામ્ય કક્ષાએ વ્યસન મુકિતની જાગૃત્તિ બાબતે અભિયાનો ચલાવવા પર ખાસ ભાર મુકયો હતો.   

       બચુભાઈ આંત્રોલિયાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે આપણો સમાજ મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલો અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો સમાજ છે. ગ્રામ્ય વિસ્તારના નાના અને મોટા ખેડુતો પોતાનો વિકાસ સાધી સ્વનિર્ભર બનીરહે તે માટે ગ્રામ્યકક્ષાએ ખેડુતભાઈઓના સાથ સહકારથી ખેત પેદાશના વેચાણ બાબતે એક સહકારી મંડળીની રચના કરી તેમાં જ્ઞાતિના ખેડુતોભાઈઓએ સભ્યપદ આપી તેઓની  ખેતપેદાશનું  પુરુ  વળતર મળી  રહે તે બાબતે આ સંસ્થા ભાવી આયોજન કરી રહી છે. તેમજ  ગ્રામ્યકક્ષાએ વસવાટ કરતા જ્ઞાતિજનોના પ્રશ્નોને વાચા આપવા અને તેઓને જરૂરીયાતોને પહોંચી વળવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા વિલેજ કાઉન્સીલની રચના કરવામાં આવી છે.

       નવધણભાઈ બી.મોઢવાડિયાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે ગ્રામ્ય વિસ્તારમાં વસતા જ્ઞાતિજનોના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે ગામની સ્થાનિક શિક્ષણ સમિતિને જાગૃત્ત કરવી અને ગામની શાળાની મુલાકાત લઈ શાળા શિક્ષકોના પ્રશ્નો સાંભળી તેનું સ્થાનિક કક્ષાએથી નિરાકરણ લાવી પ્રોત્સાહન પુરુ પાડવું ખુબ જ જરૂરી છે. પૂજય માલદેવ બાપુએ પણ સમાજમાં શિક્ષણ બાબતે જાગૃત્તિ આવે આવે તે દિશામાં ખુબ જ કાર્યો કર્યાં છે. આ કાર્યોને વધુ વેગવંતા બનાવવાની જવાબદારી આપણા સૈાની છે. જેથી છે જેથી ગ્રામ્યકક્ષાએ કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચીત રહી ન જાય તેની કાળજી રાખવાની ટકોર કરી હતી. આજના સમયની માંગ મુજબ શિક્ષણની સાથે બાળપણથી જ બાળકોમાં સારા સંસ્કાર,પરિવારની લાગણી અને ભાવનાઓની અનુભુતિ તેમજ જ્ઞાતિ સંગઠનની ભાવના પ્રબળ બને તે દિશામાં કામ કરવું પણ ખાસ જરૂરી છે.

              વિલેજ મહેર કાઉન્સીલના અરજનભાઈ ખિસ્તરીયાએ જણાવેલ કે,છેલ્લા વીસ વર્ષોથી સંસ્થા દ્વારા જ્ઞાતિ હિતના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહયા છે,જેમાં નવરાત્રી અને સમુહ લગ્ન સહિત બરડા અને ઘેડ વિસ્તારના અમુક ગામોમાં સંસ્થાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવેલ છે તેમજ સમયાંતરે મેડિકલ કેમ્પ, વ્યસન મુકિત તથા અંધશ્રધ્ધા નિવારવા અનેક અભિયાનો પણ ચલાવવામાં આવી રહયા છે. કદાચ દરેક ગામ સુધી આ સમય દરમિયાન પહોંચી શકાયુ ન હોય તો હવે આપણે સૈા વિલેજ મહેર કાઉન્સીલના પ્રતિનિધિભાઈઓ સંગઠિત બની આપણા ગામમાં એક એક સમિતિની રચના કરી જ્ઞાતિ વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા સહયારા પ્રયત્ન કરવા અપિલ કરી હતી.

       સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પણ વિદેશથી સંદેશો પાઠવી જ્ઞાતિહિત ના કાર્યો માટે એકત્ર થયેલા ભાઈઓને શુભકામના પાઠવી હતી તેમજ સૈાના સાથ સહકારથી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક કાર્યો કરવા સંગઠિત થવા અપિલ કરવામાં આવેલ હતી.આ વિલેજ કાઉન્સીલની મીટીંગમાં દરેક ઝોનમાંથી ગામદિઠ બે–બે પ્રતિનિધિ ભાઈઓ હાજર રહયા હતા. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના  ઉપપ્રમુખશ્રીઓ સાજણભાઈ ઓડેદરા,બચુભાઈ આંત્રોલિયા,લાખાભાઈ કેશવાલા,નવધણભાઈ બી. મોઢવાડિયા, વિલેજ મહેર કાઉન્સીલની એકવાઈઝરી કમીટીના  સભ્યોમાંથી  અરજનભાઈ  ખિસ્તરીયા, અશોકજીભાઈ ઓડેદરા, પોપટભાઈ ખુંટી, વિરમભાઈ ઓડેદરા, જેઠાભાઈ ઓડેદરા, રાજુભાઈ ઓડેદરા, ડો.ભરતભાઈ ચૈાહાણ, વિરમભાઈ ટીંબા,પ્રવિણભાઈ બોખિરીયા, ભુરાભાઈ કારાવદરા, વિજયભાઈ સુંડાવદરા, ડો.દેવશીભાઈદાસા, કરશનભાઈ ચૈાહાણ, વિરમભાઈ આગઠ, ફટાણા ગામના સરપંચ કરશનભાઈ ઓડેદરા, ગરેજ ગામના સરપંચ રણમલભાઈ ગરેજા, રાણાવાવ મહેર સમાજના  પ્રમુખ  હરદાસભાઈ  કેશવાલા  સહીતના  જ્ઞાતિ  આગેવાનો  હાજર  રહયા હતા. આ  કાર્યક્રમનું  સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુંટીએ કયુ હતું. આ તકે મહેર સમાજ ફટાણા, મહેર સમાજ ગરેજ તથા મહેર સમાજ રાણાવાવના સંચાલકશ્રીઓ તેમજ કાર્યકરભાઈઓનો પણ આભાર માનવામાં આવેલ હતો.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *